Category Archives: સંગીતકાર

મંગલ જોઈ મુખડું તારું – જીતેન્દ્ર પારેખ

શબ્દ રચના: જીતેન્દ્ર પારેખ
સંગીતકાર: નિખિલ જોષી
ગાયકો: પાર્થિવ ગોહિલ – દિપાલી ભટ્ટ
સંપર્ક : joshinikhil2007@gmail.com

મ્યુઝીક આલ્બમ: ‘મોરપિચ્છ’

.

મંગલ જોઈ મુખડું તારું, રૂદિયે થાતું મંગલ મંગલ
કરશું રૂડાં કામ તમારા, જીવન થાશે મંગલ મંગલ
શ્રીનાથજી શ્રીનાથજી શ્રીનાથજી શ્રીનાથજી….

રૂદિયે રોપી શણગાર તમારો, ત્યજશું જીવનના શણગાર
ગાઈ મંગળા જગાડીએ રે, જગન્નાથ હે પાલનહાર
તમેય જાગી કરો પ્રભાતે, આ સૃષ્ટિને મંગલ મંગલ
શ્રીનાથજી શ્રીનાથજી શ્રીનાથજી શ્રીનાથજી….

સ્વરૂપ નિહાળી તુજ મંગળાનું, ભૂલ્યા અમે તો જો આ ભાન
મનડું મારું મોહ્યું છે તે, કામણગારા વ્હાલા કાન
ભવસાગર આ તારી દેજો, દર્શન દેજો મંગલ મંગલ
શ્રીનાથજી શ્રીનાથજી શ્રીનાથજી શ્રીનાથજી…..

આવ રે વરસાદ… – સંજય વિ. શાહ

આજે આપણા લાડીલા ગાયક/સ્વરકાર પાર્થિવ ગોહિલનો જન્મદિવસ… એમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે સાંભળીએ એમના કંઠે આ મજાનું વરસાદી ગીત.….Happy Birthday Parthiv!!

તમને થશે કે ફાગણમાં વરસાદનું ગીત? પણ એ તો એવું છે ને – અમારા Bay Area માં આ તો વરસાદની મોસમ છે.. !! દેશનો ફાગણ દિલને રંગે, તો અહીંનો વરસાદ પણ મન ને ભીંજવવાનું બાકી રાખે?!

કવિ: સંજય વિ. શાહ
ગાયક: પાર્થિવ ગોહિલ
સંગીતકાર : ઈકબાલ દરબાર

.

આવ રે વરસાદ હવે તો આવ રે વરસાદ
આકાશે ઓઢી લીધાં છે ઢગલો વાદળ આજ
વીજળીએ સંભળાવી દીધાં કેટકેટલાં સાજ
આવ રે વરસાદ હવે તો…

વાત રૂપાળી વાટ અજાણી વળી અનોખું ગામ
એક છોકરી અલ્લડ અણઘડ જાદુ એનું કામ
અમથું અમથું જોઈને દીધો જનમ જનમનો સાદ
આવ રે વરસાદ હવે તો…

મારી આંખને તારી વાતની મીઠી નજરું લાગી
રોમરોમથી ધસમસતી જો રૂપની નદીઓ ભાગી
દિલના દરિયે પણ જાગ્યો છે પ્રેમનો કેવો નાદ
આવ રે વરસાદ હવે તો…

ડગલું ડગ ચૂક્યું છે આજે મતવાલું મન થાતું
હું જાતો કે મારી પાછળ છાનું કંઈ રહી જાતું
પૂછી પૂછી થાક્યો છું બસ, ચૂપ થા અંતરનાદ
આવ રે વરસાદ હવે તો…

તારી પાયલ, તારી વાણી મારામાં મોહરાય
હસતી હસતી, રમતી રમતી કેવી કહેતી જાય
કહેતી કહેતી, આંખે ભરતી તારી ઝરમર યાદ
આવ રે વરસાદ હવે તો…

– સંજય વિ. શાહ ‘શર્મિલ’

મને દરિયો સમજીને પ્રેમ કરતી નહીં – મહેશ શાહ

યેસુદાસ ના અવાજમાં ૧૯૭૫-૧૯૭૬માં આકાશવાણી મુંબઇ પર પ્રસારીત થયેલું આ ગીત યેસુદાસનું સૌથી પહેલુ ગુજરાતીમાં ગીત છે.

સંગીત: નવીન શાહ
સ્વર: કે. જે. યેસુદાસ

(મને દરિયો સમજીને…..Ocean Beach San Francisco)

.

મને દરિયો સમજીને પ્રેમ કરતી નહીં
કે તારી આંખોમાં ભરતીનું પૂર છે,
તારી આંખોમાં કંઈક તો જરૂર છે.

એકલી પડે ને ત્યારે મારા વિચારોના દર્પણમાં મુખ જોઈ લેજે,
ખુદને સંભળાય નહીં એમ તારા મનમાં તું મારું બસ નામ કહી દેજે;
મને હોઠ સુધી લાવી અકળાવતી નહીં
કે મારા શ્વાસોનો નાજુક બહુ સૂર છે,
તારી આંખોમાં કંઈક તો જરૂર છે.

માટીની ઈચ્છા કૈ એવી તું ચાલે તો અંકિત પગલાં હો તારાં એટલાં,
મારા મળવાના તારા મનમાં અમાપ રાત દિવસો સદાય હોય જેટલાં;
મને આંખોના ઓરડામાં રોકતી નહીં
કે મારું હોવું તારાથી ભરપૂર છે,
તારી આંખોમાં કંઈક તો જરૂર છે.

– મહેશ શાહ

કે હું પ્રેમમાં પડ્યો કે તું પ્રેમમાં પડી.. – તુષાર શુક્લ

સૌ મિત્રોને, Happy Valentines Day !!

આલ્બમ: હસ્તાક્ષર
સંગીત: શ્યામલ-સૌમિલ મુન્શી
સ્વર: સાધના સરગમ, રૂપકુમાર રાઠોડ

couple_sitting_in_sand_on_sunset_beach.jpg
( ઢળતા સૂરજની સામે સમંદરની રેતમાં… )

.

ના તને ખબર પડી, ના મને ખબર પડી,
કે હું પ્રેમમાં પડ્યો કે તું પ્રેમમાં પડી;
કારણમાં આમ કઇ નહીં, બે આંખ બસ લડી,
ને હું પ્રેમમાં પડ્યો કે તું પ્રેમમાં પડી.

બંનેના દિલ ઘડકતા હતા જે જુદા જુદા,
આ પ્રેમ એટલે કે એને જોડતી કડી;
શરમાઈ જતી તોય મને જાણ તો થતી;
મારી તરફ તું જે રીતે જોતો ઘડી ઘડી.
હૈયું રહ્યું ન હાથ, ગયું ઢાળમાં દડી;
મેળામાં કોણ કોને ક્યારે ક્યાં ગયું જડી.

ઢળતા સૂરજની સામે સમંદરની રેતમાં
બેસી શકે તો બેસ અડોઅડ અડીઅડી;
મારા વિના ઉદાસ છું તે જાણું છું પ્રિયે
મેં પણ વિતાવી કેટલી રાતો રડી રડી.
મેં સાચવ્યો ’તો સોળ વરસ જે રૂમાલને;
તું આવ્યો જ્યાં નજીક ને ત્યાં ઉકલી ગઇ ગડી.

-તુષાર શુક્લ

(આભાર..ગાગરમાં સાગર…)

આપણી જુદાઈ – મનોજ ખંડેરિયા

થોડા વખત પહેલા ટહુકો પર પેલું એકદમ સ્પેશ્યલ ગીત – દે તાલ્લી… દે તાલ્લી… સાંભળેલું, એ યાદ છે ને? એજ આલ્બમ – ‘દે તાલ્લી’ માં સ્વરબધ્ધ એક બીજું ગીત આજે સાંભળીએ.. અને એ પણ એક મઝાના ખબર સાથે..!!

‘સાંસ્કૃતિક અભિવાદન ટ્રસ્ટ’ તરફથી ૨૦૦૯નો સંગીતક્ષેત્રનો એવોર્ડ શ્રી રાજેન્દ્રભાઇને મળી રહ્યો છે. આપણા સર્વે તરફથી એમને ખૂબ ખૂબ અભિનંદન..!! અને હા, મુંબઇગરાને એમના તરફથી ખાસ આમંત્રણ છે આ એવોર્ડ સમારંભમાં હાજરી આપવા..!! એવોર્ડની સાથે એમનો તથા ઇંદિરા નીકે અને શાહબુદ્દિન રાઠોડનો કાર્યક્રમ પણ છે..! (જેમને બીજા ક્ષેત્રોમાં એવોર્ડ મળી રહ્યા છે..!)

સ્થળ – સમય – તારીખ : 13th February – Bhavans, Chowpatty at 5.30 p.m
(The entry is absolutely free and without passes)

ગાયક / સંગીતકાર – રાજેન્દ્ર ઝવેરી
કવિ – મનોજ ખંડેરિયા

.

આપણી જુદાઈનું આ ભામ્મરિયું વ્હેણ
મને કોણ જાણે ક્યાંય જશે તાણી

ચંપાની ડાળ જેવું અહીંયાં નિત લીલુંછમ
ઝૂલવા છતાં ન કૂલ ઊગ્યું
ઝંખ્યાનો કેવડો તો કૉળ્યો ના કોઈ દિ’
ના એકેય વ્રત મારું પૂગ્યું
સુસવાતા દિવસોએ કાગળના જેવી આ
જાતને ક્યાં આજ મૂકી આણી

જળથી ભીનાશ બધી અળગી થઈ જાય
અહીં ચૈતરના તાપ પડ્યા એવા
અહલ્યાની જેમ મારી ઇચ્છા તો પથ્થર
આ જીવતરના શાપ કોને કે’વા
એકલી કદંબ હેઠ બેઠેલી સૂનંમૂન
ધેનુની આંખનું હું પાણી

ચકીબેન ! ચકીબેન !….

સ્વર – અંજના દવે
સંગીત – ઉદયન ભટ્ટ

ચકીબેન ! ચકીબેન !
મારી સાથે રમવા
આવશો કે નહીં ?

બેસવાને પાટલો ને
સૂવાને ખાટલો
ઓઢવાને પીંછા આપીશ તને
હું આપીશ તને…

પહેરવાને સાડી મોરપીછાં વાળી
ઘમ્મરિયો ઘાઘર આપીશ તને
હું આપીશ તને…

બા નહીં વઢશે
બાપુ નહીં લડશે
રમવાને ઢીંગલો આપીશ તને
હું આપીશ તને…

મોહનની પ્રીતિ – સુરેશ દલાલ

સંગીત – સુરેશ વાઘેલા
કવિ – સુરેશ દલાલ

.

સ્વર – સુરેશ વાઘેલા

.

સ્વર – રેખા ત્રિવેદી

* * * * * * *

મોહનની પ્રીતિ એ તો મહેંદી નહિ
કે એને આજે મૂકોને કાલે ઊડે
હથેળીની રેખા જેમ એવી અંકાય
એતો ઊંડી રહે પ્રાણ ભલે ઊડે

રણઝણતા વાયરામાં ફરફરતા કેશ નહિ
સિંદુર પૂરેલી છે સેંથી
માધવની પ્રીતિ નહિ માટીનું બેડલું
એ તો યમુના બે કાંઠે રહે વહેતી

મોહનની પ્રીતિ એ તો મહેંદી નહિ
કે એને આજે મૂકોને કાલે ઊડે

મોહનની પ્રીતિ નહિ સાત-સાત રંગ
એતો શિર પર ઝૂલે છે આકાશ
વાલમની પ્રીતિ નહિ વિખૂટો શબ્દ
એની મોરલીની સૂર મારે શ્વાસ

મોહનની પ્રીતિ એ તો મહેંદી નહિ
કે એને આજે મૂકોને કાલે ઊડે

ચાલ વસંતમાં ગુલમહોર થઈએ – અમિત ત્રિવેદી

સ્વર – નિશા પારઘી
સંગીત – નયનેશ જાની


(ચાલ…..ગુલમહોર થઈએ…….. Photo: Flowers of India)

.

ચાલ વસંતમાં ગુલમહોર થઈએ
ટહુકા ભીની સાંજે મોર થઈએ

જો રિસામણાં હોય કદીક તો
માયા આખી હાલક ડોલક

કરી મનામણાં મોરના ટહુકે,
આપણ બેઉ મલ્લક મલ્લક
આપણ બેઉ અલ્લડ જોડી ,
સાત સૂરે હલ્લક હલ્લક

આપણ બન્ને અડખે પડખે
ચાલ મોસમ છલકાવી દઈએ
આંખથી વરસી મબલખ અમી
એક બીજાના દર્પણ થઈએ

ઝીણી ઝીણી શરણાઈ વાગે
બેઉ હૈંયા થન્નક થન્નક

ચાલ વસંતમાં ગુલમહોર થઈએ
ટહુકા ભીની સાંજે મોર થઈએ

મારું જીવન એ જ મારી વાણી – ઉમાશંકર જોશી

આજની તારીખ કે આ ગીતને કોઇપણ પૂર્વભૂમિકાની જરૂર જ નથી..!

સ્વર – સંગીત : પરેશ ભટ્ટ

.

મારું જીવન એ જ મારી વાણી, બીજું એ તો ઝાકળ પાણી.
મારા શબ્દો ભલે નાશ પામો, કાળ ઉદર માંહી વીરામો.

મારા કૃત્ય બોલી રહે તો ય, જગે કેવળ સત્યનો જય.
મારો એ જ ટકો આચાર, જેમાં સત્યનો જયજયકાર.

સત્ય ટકો, છો જાય આ દાસ, સત્ય એ જ હો છેલ્લો શ્વાસ.
એને રાખવાનું કોણ બાંધી, એને મળી રહેશે એના ગાંધી.
જન્મી પામવો મુક્ત સ્વદેશ, મારું જીવન એ જ સંદેશ.

– ઉમાશંકર જોશી

વર્ષો જવાને જોઇએ – અમૃત ‘ઘાયલ’

સ્વર – સંગીત : મનહર ઉધાસ

.

વર્ષો જવાને જોઇએ ત્યાં ક્ષણમાં જઇ ચડયો,
આશ્ચયૅ વચ્ચે એમના આંગણમાં જઇ ચડયો!

પૂછો નહીં કે આજ તો કયાં નીકળી ગયો,
કાજળને સ્પર્શવા જતા કામણમાં જઇ ચડયો!

અંધારમુકત થઇ ન શકયો રોશની મહીં,
આંખોમાં આંખ નાખી તો પાંપણમાં જઇ ચડયો!

મનફાવે તેમ આભમાં ફંગોળતી રહી,
હું કયાંય નહિ ને ગેબની ગોફણમાં જઇ ચડયો.

કૈં ચાંદની જ એવી હતી, ભાન ના રહ્યું;
જાવું હતું સમુદ્ર ભણી, રણમાં જઇ ચડયો!

ન્હોતી ખબર, જવાય નહીં એમ સ્વર્ગમાં;
પહેર્યું હતું હું એ જ પહેરણમાં જઇ ચડયો!

‘ઘાયલ’ ગયો’તો કેમ સુરાલયમાં શું કહું?
ખૂબ જ હતો હું આજ વિમાસણમાં, જઇ ચડયો.

– અમૃત ‘ઘાયલ’