લયસ્તરો પર ગનીચાચા જન્મ શતાબ્દિ વર્ષ ઉજવણી પર્વ : કડી-૧ વાંચી?
એમાં સુરતમાં યોજાયેલ જે ‘તરહી મુશાયરા’ની વાત છે ને, એ જ કાર્યક્રમની થોડી ક્ષણો ચોરીને અહીં લાવવાનો પ્રયાસ છે આજની પોસ્ટ. એ મુશાયરામાં રજુ થયેલી વિવેકભાઇની ગઝલ એમના જ અવાજમાં – અને એ ગઝલ વિષે તથા ગનીચાચાની જે ગઝલ પરથી વિવેકભાઇએ આ ગઝલ લખી એ ગઝલ વિષે – રઇશભાઇની થોડી વાતો…
(ડાબેથી વિવેક ટેલર, સંચાલક રઈશ મનીઆર અને ગૌરાંગ ઠાકર)
————————
નવા પ્રકાશ વિશે હાક મારીએ આવો !
સૂરજના કાનમાં શબ્દો ઉતારીએ આવો !
મદીલી રાતના સ્વપનાઓ છોને નંદવાતા,
સવાર કેવી હશી એ વિચારીએ આવો!
પરંપરાના શયનમાં હે ઉંઘનારાઓ,
સમયને પારખો,અવસરની બારીએ આવો!
ખીલીને પૂષ્પ બને સંકુચિત નજરની કળી,
હ્રદયનાં બાગની સીમા વધારીએ આવો!
હે ખારા નીર ! ખમૈયા કરો ખુદા ખાતર,
અમીઝરણ ! હવે પાંપણની ઝારીએ આવો !
દિમાગને અને દિલને લગાવીએ કામે,
સમયના સ્કંધથી બોજો ઉતારીએ આવો !
ગની ! હજીય છે ઓસાણ ઘરના મારગનું,
પુન: પધારીએ; ખુદ આવકારીએ આવો !
– ગની દહીંવાલા
પરંપરાના ગઝલકારોમાં ગની દહીવાલાનું મોટું નામ છે. શયદા, શૂન્ય, મરીઝ, ઘાયલ, સૈફ અને બેફામની સાથે ગનીનું નામ મૂક્યા વગર આ સપ્તર્ષિ અધૂરું રહે. આ પેઢીની સામે લખવા માટે ઉદાહરણરૂપ અને પ્રેરણારૂપ બની શકે એવા ગઝલસૂર્યો ત્યારે ઝળહળતાં જ નહોતા. આ તમામ ગઝલકારોએ ગુજરાતી ગઝલને નવી ઊંચાઈ આપી. વયની દ્રષ્ટિએ ગનીભાઈનો નંબર શયદા પછી બીજો આવે. છતાં આ તમામ શાયરોમાં ગનીચાચાચાએ સમયના વહેણની સથે ગુજરાતી ગઝલની વિભાવનામાં આવેલા પરિવર્તનો સૌથી વધુ ઝીલ્યા. પ્રસ્તુત ગઝલ એ વાતનું સુન્દર ઉદાહરણ છે.
જે વ્યક્તિને નજીકથી નિહાળી હોય, જેમના આશિષ સાંપડ્યા હોય એવી વ્યક્તિની જન્મશતાબ્દિ ઉજવવાની થાય એ ઘટના અજીબોગરીબ લાગે છે. 1983માં મારી ઉમર 17 વર્ષની અને ગનીચાચાની ઉમર 75 વર્ષની. એક ગઝલસ્પર્ધામાં ગનીચાચાએ નિર્ણાયક તરીકે મને પ્રથમ પારિતોષિક આપેલું એ મારો એમની સાથે પ્રથમ પરિચય. એમના જીવનના છેલ્લા ચાર વર્ષોમાં ત્રણ ચાર મુશાયરા સાથે કર્યા. એ વાતને 21 વર્ષોનાં વ્હાણા વાઈ ગયા અને એમની જન્મશતાબ્દિ પણ આવી ગઈ!
આ નિમિત્તે રાષ્ટ્રિય કલા કેન્દ્રએ એક મુશાયરો યોજ્યો. ગની ચાચાની જ 24 પંક્તિઓ પસન્દ કરીને સુરતના જૂનાનવા કવિઓને આપી. આ પંક્તિના રદીફ કાફિયા જાળવીને આ 24 શાયરો એમને કાવ્યાત્મક અંજલિ આપે એવી મારી ભાવના હતી. 24 ગઝલો રજૂ થઇ. સમગ્ર કાર્યક્રમ્માં ડો,હરીશ ઠક્કર, પંકજ વખારિયા અને ડો. વિવેક ટેલરની રચનાઓ શિરમોર રહી.
ઉપરની ગઝલના રદીફ કાફિયા જાળવીને લખાયેલી વિવેકની ગઝલ માણીએ
જરા આ પાંખને ઓછી પ્રસારીએ, આવો,
જગતનો વ્યાપ એ રીતે વધારીએ, આવો.
નવા પ્રકાશ વિશે હાક મારીએ, આવો,
ભીતરની રાતનું પહેલાં વિચારીએ, આવો.
ફરીથી કાળના પ્રારંભબિંદુ પર જઈને,
ફરી જીવન શરૂ કરવાનું ધારીએ, આવો.
થીજી ગયું છે જે આવી સમયની આંખોમાં,
કદી એ આંસુની સૂની અટારીએ આવો.
આ પીળચટ્ટી પ્રતીક્ષાના તોરણો લઈને,
કમાન ખાલી પડેલી સંવારીએ, આવો.
અમારું ભીંતપણું, છતપણું ત્યજીને અમે,
ખુલાપટાક થઈ બેઠાં બારીએ, આવો.
સ્મરણ છુપાયાં છે બે-ચાર મનના કાતરિયે,
પડે જો મેળ તો સાથે ઉતારીએ, આવો.
તમે ન આવો ભલે, જિંદગી જીવી લઈશું,
અસંભવિત કશું આવુંય ધારીએ, આવો.
-વિવેક મનહર ટેલર
(18-09-2008)
આમ તો આખી ગઝલ ઉત્તમ શેરોથી મંડિત છે. સરળ છે એટલે આસ્વાદ કરાવતો નથી. પરંતુ એટલું અચૂક કહીશ કે સમગ્ર ગઝલમાં પહેલો અને છેલ્લો શેર ધ્યાન ખેંચે છે. આ પાંખને જરા ઓછી પ્રસારી જગતનો વ્યાપ વધારવાની વાત હ્રદયંગમ છે. કવિની ચેતના વ્યક્તિમાંથી સમષ્ટિ સુધી ફેલાતી અનુભવાય છે.
ચોથા અને છઠ્ઠા શેરમાં ‘અટારીએ’ અને ‘બારીએ’ પ્રાસનો સુંદર ઉપયોગ થયો છે. છેલ્લો શેર મને ખૂબ ગમ્યો. ‘ભલે તમે ન આવો.તમારા વગર જીવી લઇશું’ એવી વાતથી શેર ઉઘડે છે. પ્રાસ ‘ધારીએ’નો આવે છે. પણ આવું ધારવું તો પ્રેમી અને કવિ માટે તો અસંભવિત છે. એટલે ‘ન આવો’થી શરૂ થતી વાત ‘આવો’ પર પૂરી કરવી પડી, એમાં પ્રેમનો અને કવિતાનો બેઉનો વિજય થાય છે. ગઝલમાં રદીફ નિભાવાયો હોય એના ઉત્તમ ઉદાહરણોમાંથી આ એક છે.
– રઇશ મનીઆર