શબ્દો રહ્યા રમત રહી – રઇશ મણિયાર

શબ્દો રહ્યા રમત રહી, ને એક લત રહી
ખોયો મિજાજ સત ગયું, બસ શેરિયત રહી

ભીડાયેલી હથેળીઓમાં થોડી બચત રહી
પણ આંગળીઓ જિંદગીભર જડભરત રહી

હેતુ ભુલાયો, શત્રુની ઓળખ નહીં રહી
શસ્ત્રોય બૂઠાં થઇ ગયાં તોપણ લડત રહી

બસ ફેરવી નજર જેને લોકો ભૂલી ગયા
આ હાથોમાં એ કાવ્યની એક હસ્તપ્રત રહી

વરસાદ મન મૂકીને વરસતો રહ્યો સતત
ખારાશ સાગરોની છતાં પૂર્વવત રહી

જીવી શક્યા નહીં તો ગઝલમાં ભરી લીધી
ક્ષણ ક્ષણને માણવાની રમત કારગત રહી

11 replies on “શબ્દો રહ્યા રમત રહી – રઇશ મણિયાર”

  1. સરસ ગઝલ. ગમી
    ક્ષણમાં જીવવૌ મુશ્કેલ છે, પણ આવડી જાય તો બહુ જ સરળ પણ છે. લ્યારે ગઝલ તો શું , શબ્દો અને વિચાર પણ સરી જાય્ ત્યારે ક્ષણમાં જીવાય છે.

  2. hasta hasta radvani koi san nikale,
    radta radta hasvani koi samjan nikle.
    suta hoy tame sapna vasantna bhari,
    achanak,aankh khule ne tya ran nikale
    sav korakattak makan,sav korakattak man,
    aankhne bhijavva apnu koi karan nikale.
    nirantar chalta rahe che smarno aemna j
    bani saki aemathi maran nu karan nikale

  3. વરસાદ મન મૂકી ને વરસતો રહયો સતત,
    ખારાશ સાગરોની છતા પૂરવવત રહી.
    શેર બહૂ ગમયો વાહ વાહ કવિ…….

  4. Thank you vivek bhai..

    આ પંક્તિઓ ના આટલો ગહન અર્થ હોઇ શકે એની તો મે કલ્પ્ના પણ્ નહોતી કરી.

  5. ભીડાયેલી હથેળીમાં થોડી બચત રહી
    પણ આંગળીઓ જિંદગીભર જડભરત રહી

    -ભાવક પોતાની રીતે અર્થ તારવવા સ્વતંત્ર છે. જે ભાવ મને અભિપ્રેત થયો તે આ છે: જડભરત એટલે પુરાણમાં આવતો એક બાળ-યોગી. પણ આજે આપણે જડભરત સંજ્ઞા વાપરીએ છીએ જડ
    જડબુદ્ધિના માણસો માટે જે લોકો વિચાર્યા વિના ભારે કામ કરવા નીકળી પડે છે. આ શે’રમાં બે જગ્યાએ વિરોધાભાસ વર્તાય છે. એક તો હથેળીની સામે કવિએ આંગળીઓ મૂકી છે અને બીજું, બચતની સામે જડભરત શબ્દ મૂક્યો છે. હથેળી અને આંગળી આમ તો એક હાથનો જ ભાગ છે પણ હથેળી મૂળ ઈંગિત કરે છે જ્યારે આંગળીઓ એનાથી વિપરિત. દેખીતો શબ્દાર્થ એ છે કે હથેળીઓ આખી જિંદગી ભિડાયેલી રહીને બચત કરતી રહી પણ આંગળીઓ એ બચતને સમજી શકવા સમર્થ ન્હોતી.

    હથેળીને મૂળ સાથે સાંકળનાર એવું વિચારી શકે છે કે મા-બાપ આખું જીવન પેટ કાપી-કાપીને બચત કરતાં રહે છે અને છોકરાંઓ જડભરત સમા એમનું બલિદાન સમજી નથી શક્તાં કે એમની બચત ટકાવી નથી શક્તાં…

    એવો પણ અર્થવિન્યાસ થઈ શકે કે આપણે અંદરખાનેથી-મૂળેથી તો આપણી હથેળીઓ ભીડાયેલી રાખવા માંગીએ છીએ, અર્થાત્ આપણી ઈજ્જત ટકાવવા માંગતા હોઈએ છીએ પણ આપણી બાહ્યપ્રકૃતિ ઘણીવાર એવી જડ બની ગઈ હોય છે કે આપણે આપણી ઈજ્જત ક્યાં ગુમાવી બેસીએ છીએ એ સમજી શક્તાં નથી…

    કવિને કોઈ ત્રીજો જ અર્થ અભિપ્રેત હોય એવું પણ બને…

  6. પ્રિય પંચમભાઈ,

    તમે છંદની એકદમ નજીક-નજીક પહોંચી ગયા છો-

    ગાગાલ ગાલગાલ લગાગાલ ગાલગા

  7. શબ્દો રહ્યા રમત રહી, ને એક લત રહી
    ખોયો મિજાજ સત ગયું, બસ શેરિયત રહી

    બસ ફેરવી નજર જેને લોકો ભૂલી ગયા
    આ હાથોમાં એ કાવ્યની એક હસ્તપ્રત રહી
    —–
    આમાં રઇશભાઇ એમના મિજાજ, ગઝલ અભ્યાસ અને શેરિયત એટલે શુ એ બહુ ચોક્કસ રીતે કહી દે છે. સરસ ગઝલ.

    વિવેકભાઇ, આનું છંદ-વિધાન ??

    શબ્દો રહ્યા રમત રહી, ને એક લત રહી
    ખોયો મિજાજ સત ગયું, બસ શેરિયત રહી

    મત્લા પ્રમાણે આવું કંઇક લાગે છે
    ગાગા લગા લગા લગા ગાગા લગા લગા
    (ભૂલચૂક જણાવજો).

  8. હેતુ ભુલાયો, શત્રુની ઓળખ નહીં રહી
    શસ્ત્રોય બૂઠાં થઇ ગયાં તોપણ લડત રહી

    જીવી શક્યા નહીં તો ગઝલમાં ભરી લીધી
    ક્ષણ ક્ષણને માણવાની રમત કારગત રહી

    -સુંદર શેર… રઈશભાઈની ગઝલો જેટલીવાર વાંચીએ, નવી જ લાગે !

    ભીડાયેલી હથેળીઓમાં થોડી બચત રહી
    પણ આંગળીઓ જિંદગીભર જડભરત રહી

    -આ શેરમાં હથેળીઓમાં શબ્દ છે કે હથેળીમાં?

  9. nice gazal.

    I did not get following lines..
    Can anybody explain it?

    ભીડાયેલી હથેળીઓમાં થોડી બચત રહી
    પણ આંગળીઓ જિંદગીભર જડભરત રહી .

  10. જીવી શક્યા નહીં તો ગઝલમાં ભરી લીધી
    ક્ષણ ક્ષણને માણવાની રમત કારગત રહી

    બહુ સરસ વાત !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *