વેણીભાઇ પુરોહિતનું એકદમ મજાનું ગીત.. અને મારા જેવા આંખોમાં હંમેશા વાદળ લઇને ફરતા લોકો માટે એકદમ સાચી સલાહ 🙂
અને કોઇ live program નું recording હોવાથી સંગીત પણ એકદમ ઓછું, ફક્ત થોડું હાર્મોનિયમ.. જે ખરેખર તો શબ્દો અને સ્વરને શ્રોતા સામે વધુ અસરકારક રીતે રજૂ કરે છે.
સ્વર – સંગીત : પુરુષોત્તમ ઉપાધ્યાય
.
કે નયણાં !
મત વરસો, મત વરસો :
કે નયણાં !
વરસી ને શું કરશો ?
રે નયણાં ! મત વરસો, મત વરસો.
આનંદી અશ્રુ નહિ ઝીલે
ગરજુ જગત અદેખું:
તો દર્દીલાં ખારાં જલનું
કયાંથી થાશે લેખું ?
રે નયણાં ! મત વરસો, મત વરસો.
મીઠાં જલની તરસી દુનિયા,
ખારાં છો, ક્યાં ખરશો ?
દુનિયાદારીના દરિયામાં
અમથા ડૂબી મરશો.
રે નયણાં ! મત વરસો, મત વરસો.
કોઇ નથી એ જલનું પ્યાસી,
ક્યાં જઇને કરગરશો ?
રે નયણાં ! મત વરસો, મત વરસો.