હાલો પરોઢિયે ખોલ્યાં છે પોપચાં,
તેજના ટશિયા ફૂટે રે લોલ ;
ઘમ્મર વલોણે ગાજે ગોરસિયાં,
ખીલેથી વાછડાં છૂટે રે લોલ.
હાલોને સહિયર ! પાણીડાં જઇએ,
વીરડે વાતું કરશું રે લોલ :
વાટકે વાટકે ભરશું રે લોલ.
આખાબોલું તે અલી અલ્લડ જોબનિયું,
હૈયે ફાગણિયો ફોરે રે લોલ :
ઘૂમટો તાણીને હાલો ઉતાવળી,
ઘરડા બેઠા છે ગામચોરે રે લોલ –
હાલોને સહિયર…
નેણનાં નેવાંને ઊટકે આંજણિયાં,
હથેળી હેલને માંજે રે લોલ :
ચકચકતી ચૂની ને ચકચકતું બેડલું,
એકબીજાને ગાંજે રે લોલ.
હાલોને સહિયર…
સાસુએ માગ્યાં ઊનાં પાણીને
સસરે દાતણ માગ્યું રે લોલ ;
કાચી નીંદરને કાંઠેથી સપનું
મુઠ્ઠી વાળીને ભાગ્યું રે લોલ.
હાલોને સહિયર…
હાલો પરોઢિયે ખોલ્યાં છે પોપચાં
તેજના ટશિયા ફૂટે રે લોલ :
મેળો જામ્યો છે અહીં નાનકડી નારનો,
આપણી વાતું નો ખૂટે રે લોલ –
હાલોને સહિયર…
ગ્રામ્યજીવનનુઁ સુઁદર દર્શન આ કાવ્યે કરાવ્યુ છે.
અભિનઁદન !…………..આભાર !
જયશ્રીબેન,
નાનકડી નારનો મેળો – વેણીભાઇ પુરોહિત. By Jayshree, on March 20th, 2009 in ગીત , વેણીભાઇ પુરોહિત.ગ્રામ્ય વાતાવરણ ને સુંદર પ્રભાત અને તેને શબ્દો દ્વારા આબેહુબ ચિત્રાંકન કવિએ તો ખુબ જ યશસ્વી રીતે કરેલ છે. ખુબ ખુબ અભિનંદન.
ચન્દ્રકાન્ત લોઢવિયા.