તમે કાલે નૈં તો પરમદિવસે તો અહીં હશો.
ઘણા દી’થી હૈયે ઘર કરતું એકાન્ત હરશો.
તમારું થાકેલું શિર હ્રદય ધારીશ, પ્રિય, ને
મીંચાયેલાં નેત્રો પર કર પસારીશ હળવે;
વધેલી હૈયાની ધબક સુણી ખોલી દ્ય્ગ તમે
હસી આછું હૈયાસરસી મુજને સદ્ય ધરશો.
તમારી લાવેલી કુમળી કળીની વેણી સમ એ
નિશાએ હૈયાનાં દલ ઊઘડશે, અંતર જશે,
તમારા હોઠેથી સુરભિ, લઇ અર્પીશ સુરખી,
સ્વયં વીંટાઇ હું જઇશ અથરી થૈ કર વિશે.
તમારા આશ્લેષે રજની ક્ષણમાંહે જ વીતશે,
પરંતુ આજે તો ક્ષણ પણ ન વીતે ક્યમ કરી;
તમારાં સ્વપ્નોમાં શયન, સ્મરણે જાગ્રત બનું,
હશો કાલે નૈં તો પરમદિન, આજે ટળવળું.