મેળો આપો તો એક માનવીની સંગ – હરીન્દ્ર દવે

lovers 

મેળો આપો તો એક માનવીની સંગ,
અને એકલતા આપો તો ટોળે,
જીવન આપો તો એવું આપો કે
શ્વાસ એના કેફના કસૂંબાને ઘોળે !

તરતાં ના આવડે લગાર અને તગતગતા
તડકાનો દરિયો લલકારે.
થાકેલી આંખો અંજાતી નથી, તોયે
થોડાં મૃગજળ ચળકે છે મઝધારે.

ટીંપેથી પાય તો ધરાઉં, સાવ તરસ્યો હું
રહી ગયો છલકાતી છોળે.

સૂની બપોરની આ એકલતા એકલતા
એકલતા બોલી અકળાવો.
ઊગતી સવારના આ ડહોળાતા રંગમાં
જો થોડી આ સાંજ ઘૂંટી લાવો.

કોઇએ ના હોઠે અડકાડ્યું એ અમરતને
કોણ હવે આકાશે ઢોળે?

4 replies on “મેળો આપો તો એક માનવીની સંગ – હરીન્દ્ર દવે”

  1. ખૂબ સુંદર ગીત
    તેમાં
    મેળો આપો તો એક માનવીની સંગ,
    અને એકલતા આપો તો ટોળે,
    જીવન આપો તો એવું આપો કે
    શ્વાસ એના કેફના કસૂંબાને ઘોળે !
    અદભૂત
    જીવનનાં પ્રત્યેક તબક્કે એકલતાને અજાણ્યા ટોળાનો મુકાબલો કરવો પડે છે અને જીવ માંડ ટોળાથી ટેવાતો થાય,ત્યાં એને એકલતા સાથે હળીને રહેવાનો સમય આવી પહોંચે છે. બીજા ઘણા આપણી માફક એકલા પડી ગયા છે એ આપણે ભૂલી ગયા છીએ ! આપણે સ્વીકારવું જોઇએ કે આપણું એકલાપણું કંઇ નવાઇની વાત નથી.”

  2. ખૂબ જ જાણીતું અને માનીતું ગીત…..!!
    ઘણા દિવસે વાંચીને મજા આવી !!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *