તમે કાલે નૈં તો પરમદિવસે – હરીન્દ્ર દવે

 

તમે કાલે નૈં તો પરમદિવસે તો અહીં હશો.
ઘણા દી’થી હૈયે ઘર કરતું એકાન્ત હરશો.

તમારું થાકેલું શિર હ્રદય ધારીશ, પ્રિય, ને
મીંચાયેલાં નેત્રો પર કર પસારીશ હળવે;
વધેલી હૈયાની ધબક સુણી ખોલી દ્ય્ગ તમે
હસી આછું હૈયાસરસી મુજને સદ્ય ધરશો.

તમારી લાવેલી કુમળી કળીની વેણી સમ એ
નિશાએ હૈયાનાં દલ ઊઘડશે, અંતર જશે,
તમારા હોઠેથી સુરભિ, લઇ અર્પીશ સુરખી,
સ્વયં વીંટાઇ હું જઇશ અથરી થૈ કર વિશે.

તમારા આશ્લેષે રજની ક્ષણમાંહે જ વીતશે,
પરંતુ આજે તો ક્ષણ પણ ન વીતે ક્યમ કરી;
તમારાં સ્વપ્નોમાં શયન, સ્મરણે જાગ્રત બનું,
હશો કાલે નૈં તો પરમદિન, આજે ટળવળું.

6 replies on “તમે કાલે નૈં તો પરમદિવસે – હરીન્દ્ર દવે”

  1. કયાંથી શોધી લાવો છઓ આ બધા રત્નો. કયા સમુદ્ર્માંથી મંથન કરો છઓ? આફરીન.

  2. વધેલી હૈયાની ધબક સુણી ખોલી દ્ય્ગ તમે
    હસી આછું હૈયાસરસી મુજને સદ્ય ધરશો.
    નારીના હૈયાની વાત હરીન્દ્ર શી રીતે અનુભવતા હશે?
    યાદ આસિમની
    વિરહમાં તમારા એ કોમળ વદનમાં,
    ઘણા રંગ હું કલ્પનાનાં ભરું છું.
    ન હોતે જુદાઇ તો કઇ વાત ઉપર,
    તમારાથી પણ તમને સુંદર સમજતે!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *