આજે ટહુકો.કોમ પર ૧૦૦૦મી પોસ્ટ… એ જ ખુશીમાં એક સ્પેશિયલ ગીત – અને એક સ્પેશિયલ announcement..!!
યાદ છે, લગભગ એકાદ-વર્ષ પહેલા થોડા વખત માટે ટહુકો પર ગીતો સદંતર બંધ હતા, અને પછી શરૂઆત થઇ તો એ પણ અડધા ગીતોથી…
તો આજથી આધા-અધૂરા ગીતોની છુટ્ટી..!! આમ તો ઘણા સમયથી ધીમે ધીમે કરીને ઘણા બધા ગીતો ફરીથી આખા ગુંજતા થઇ ગયા છે, પણ આજે finally બધા ગીતો આખા મુકવાનું કામ પત્યું, અને હાજર છે તમારા માટે – ફરીથી એકવાર ટહુકાનો આખો ટહુકાર….
પણ આ નવા આખા ગીતો સાથે થોડી મુશ્કેલી આવી શકે… આ નવા પ્લેયરમાં કોઇ ગીત તરત ફરીથી વગાડવું હોય તો page refresh કરવું પડે છે.. (આજના ગીતમાં એ વારંવાર કરું પડશે.. ગીત જ એટલું સરસ છે કે વારંવાર સાંભળવાની ઇચ્છા થઇ જ જશે…:) )
આ તો થઇ આજની Special Announcement.. હવે વાત આજના આ Special ગીતની…!!
આ ગીત આમતો ઘણા વખતથી હતું મારી પાસે, પણ કોઇ ખાસ દિવસે તમને આપવા માટે બાકી રાખ્યું હતું..! અને ગુજરાતી ગીત-સંગીતનો ઉત્સવ ઉજવાવા માટે શરૂઆત તો અવિનાશ વ્યાસથી જ કરવી રહીને?
અવિનાશ વ્યાસનું આ એકદમ હળવા મિજાજનું ગીત આમ જોવા જઇએ તો ગુજરાતની ‘વિવિધતામાં એકતા’ને વખાણે છે એમ કહીએ તો ચાલે… અને સાથે સાથે આપણે જે ગુજરાતી બોલીએ છીએ – એ શુધ્ધ ગુજરાતીથી ક્યાં ક્યાં અને કેટલું અલગ છે, એના પર કટાક્ષ પણ કરી જાય છે..
મને ઘણા લોકોએ કહ્યું છે કે હું એમની સાથે વાત કરું ત્યારે સુરતી નથી લાગતી, પણ જ્યારે હું મારા મમ્મી-પપ્પા કે ભાઇ-ભાભી સાથે વાત કરું ત્યારે પાક્કી હુરતી લાગું..!! આપણામાં કહેવત છે ને – બાર ગામે બોલી બદલાઇ..
અમદાવાદની કેટલીય દુકાનોમાં જો ખરીદી કરતા પહેલા થોડી વાત કરું – તો દુકાનદાર એક વાક્ય તો ચોક્કસ બોલે – ‘બેન, તમે અમદાવાદના નથી..!’ ભાષામાં સુરતી કે હુરતી ના આવે એની કાળજી રાખું, તો પણ અમદાવાદી લ્હેકો missing હોય, એટલે તરત પકડાઇ જઉં..!
અને શબ્દોની સાથે સાથે સંગીત અને ગાયકી પણ એવા મઝાના છે કે – ઘરના કોપ્યુટર પર સાંભળતા હો કે live programમાં – ફરી ફરીને once more… કરવાનું મન થાય..!
પહેલી વાર સાંભળો ત્યારે પેલા ગીતની વચ્ચેના શબ્દો ખડખડાટ હસાવી દે.. આ હા હા… મારી લાયખા.. 🙂
સ્વર – પુરુષોત્તમ ઉપાધ્યાય
સ્વરાંકન – અવિનાશ વ્યાસ
ટહુકો ફાઉન્ડેશનના સુર શબ્દની પાંખે કાર્યક્રમમાં માધ્વી અને અસીમ મહેતાના સ્વરમાં સાંભળો.
ગુજરાતી થઇ, ગુજરાતી કોઇ, બોલે નહીં બરાબર,
ભાષાની મીઠાશ નહીં, જાણે બોલે કાગડો, કાબર…
ઉત્તરમાં પાટણની પ્રભુતા, અંબાજી સાક્ષાત,
અને દક્ષિણમાં આદીવાસીઓ ભાષાથી અજ્ઞાત..
અને અમદાવાદમાં ચીપી ચીપીને….
(પવાલામાં પાણી પીશો…?? )
અમદાવાદમાં ચીપી ચીપીને બોલે બ્ર્હામણ નાગર…
નર્મદનું સુરત જુઓ….
નર્મદનું હુરત જુઓ, તો બોલે બોલે બોબડું.
તું ને બદલે ટટ્ટુનો ટું, જ્યારે બોલે ત્યારે તોતડું
તપેલી ને એ કહે પતેલી
(મારી લાયખા… બટાકાનું હાક..!!)
તપેલી ને એ કહે પતેલી , પછી હોય શેઠ કે ચાકર…
એ અચોં અચોં કંઇ કચ્છી બોલે ને કાઠિયાવાડી ઓલા હાલો.. જી રે.. એ હાલો બાપા..
કે ચરોતરીમોં કેમ છો, ચ્યમ છો ને ગરબડને ગોટાળો, હેંડો લ્યા..
કે સૌએ મળીને ભ્રષ્ટ કર્યો છે ભાષાનો રત્નાકર…
ગુજરાતી થઇ, ગુજરાતી કોઇ, બોલે નહીં બરાબર,
બોલે નહીં બરાબર…
બોલે નહીં બરાબર…
બોલે નહીં બરાબર…