આજે ૨૯ ડિસેમ્બર.. ગુજરાતી વેબ-જગતમાં સ્વરચિત કાવ્યો-ગઝલોનો સૌપ્રથમ, અન સૌનો માનીતો બ્લોગ – ‘શબ્દો છે શ્વાસ મારા‘ નો ત્રીજો જન્મદિવસ.. ત્રણ વર્ષમાં ૨૦૦થી વધુ ગીત-ગઝલોની સાથે સાથે ઘણું બધું આપ્યું છે વિવેકભાઇએ, અને ખરેખર તો આ હજુ એક શરૂઆત જ કહી શકાય. તો આજે આ ગઝલ-પ્રેમી કવિનું એક મસ્તીભર્યું ગીત એમના જ અવાજમાં સાંભળીને આપણા તરફથી એમને શુભેચ્છાઓ આપીએ. (અને સાથે આ ફોટો પણ એમના તરફથી જ – એમની Prior Permission વગર.. 🙂 )
મને આપો ઉછીનું સુખ થોડું,
હજીયે ના એવડું તે થઇ ગયું મોડું.
અમને આપી છે એવી બાવળની ડાળ
કે ફૂલ કદી ખીલ્યા નહી,
અમને સબંધો વળી આપ્યા રેતાળ
કે નીર કદી ઝીલ્યાં નહી,
હું તો હરણાની પ્યાસ લઈ દોડું
મને આપો ઉછીનું સુખ થોડું.
ટહુકા આપ્યા ને પાછાં પીછાં આપ્યા
ને પછી સામે આ ખડકી દિવાલ,
ઉડે છે ધૂળનાં રે વાદળ ને
આસપાસ પારધીએ પાથરી છે જાળ,
બંધ આંખે ઉજાગરાને ઓઢું
મને આપો ઉછીનું સુખ થોડું.