Category Archives: કાવ્યપ્રકાર

રખડુ છીએ સ્વભાવથી શું ઘર બનાવીએ? – રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

આલ્બમ : સંગત
સ્વર : આલાપ દેસાઈ
સ્વરાંકન : હરિશ્ચંદ્ર જોશી

.

રખડુ છીએ સ્વભાવથી શું ઘર બનાવીએ ?
બેસી ગયા ત્યાં ‘હાશ’નો અવસર બનાવીએ.

મનમાં જે રંગ-રૂપ ને આકાર રચાયા,
એની જ ઘડીએ મૂર્તિઓ, ઇશ્વર બનાવીએ.

ટીપું છીએ, વિસાત ભલે કૈં નથી છતાં,
ભેગા થઈને ચાલને સાગર બનાવીએ.

જે કામનું કશું જ નથી ફેંક એ બધું,
મનમાં ભરી, શું ? પંડને પામર બનાવીએ ?

આરંભમાં જ શૂરા, પછી પડતું મૂકવું,
ચલ મન ! કશું જીવનમાં સમયસર બનાવીએ.

ગમશે બધે જ, એક શરત છે ઓ જિન્દગી,
કરીએ વહાલ સૃષ્ટિને સુંદર બનાવીએ,

તક તો હતી, છતાંય ના મોકા ઉપર વહ્યા,
ઇચ્છા છે એ જ આંસુનું અત્તર બનાવીએ.

મજબૂર થઈને એણે પ્રગટવું પડે પછી,
‘મિસ્કીન’ પ્રાણ એટલો તત્પર બનાવીએ.

-રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

સાગરતીરે અલસ તિમિરે – રઘુવીર ચૌધરી

આલ્બમ : સંગત
સ્વર : પુરુષોત્તમ ઉપાધ્યાય
સ્વરાંકન : હરિશ્ચંદ્ર જોશી

.

સાગરતીરે અલસ તિમિરે વિહરે એકલતા.
મોજું આવે કોક રહીને અડકે ચરણ જતાં.

ઊડી ગયાં સહુ વિહંગ નભથી
નીરવતા ફરકે છે સઢથી,
દીર્ઘ થયા પડછાયા ધીરે જળમાં ઓગળતા.
સાગરતીરે અલસ તિમિરે વિહરે એકલતા.

કરે સ્પર્શ અંધાર શ્વાસને,
એક કરે મુજને – વિશાળને,
કોક છીપમાં બેઠી બેઠી ઝૂરે સુંદરતા.
સાગરતીરે અલસ તિમિરે વિહરે એકલતા.

-રઘુવીર ચૌધરી

સાત રંગના સરનામે – રમેશ પારેખ

આલ્બમ : સંગત
સ્વર : પુરુષોત્તમ ઉપાધ્યાય
સ્વરાંકન : હરિશ્ચંદ્ર જોશી

.

સાત રંગના સરનામે ના તું આવી, ના હું આવ્યો
ના ઘર ઊઘડ્યાં સામે સામે, ના તું આવી, ના હું આવ્યો.

તું કેશ સૂકવતી રહી તડકે, હું ડૂબતો ચાલ્યો પુસ્તકમાં,
બહુ વ્યસ્ત રહ્યાં અંગત કામે, ના તું આવી, ના હું આવ્યો.

કેવા દુખિયારા ગર્વ વડે, ખરબચડી ઉંમર પંપાળી ?
શું કામ હતું બીજું આમે ? ના તું આવી, નાહું આવ્યો.

ના સાંજની બેઠી સોગઠીઓ, ના કોડી ઊછળી સપનાંની,
ચોપાટ રમ્યાં ડામે ડામે, ના તું આવી, ના હું આવ્યો.

એક વાતનું પુંકેસર તૂટ્યું, એક ડાળ તૂટી ગઈ શબ્દોની એક
મજિયારા મનના નામે, ના તું આવી, ના હું આવ્યો.

– રમેશ પારેખ

એવી શરત હોય – રમેશ પારેખ

આલ્બમ : સંગત
સ્વર : આલાપ દેસાઈ

.

તું આવે અને આવવાની એવી શરત હોય
હું હોઉં નહિ મારા ઘરમાં તું જ ફક્ત હોય.

સુક્કાતું જળ છે, છે હજુ એકાદ માછલી
કોને ખબર કે કાલ પછી કેવો વખત હોય .

વળગી છે ક્યાંક ક્યાંક ખરેલા ફૂલોની ગંધ
નહિ તો શું છે આ ઘરમાં મને જેની મમત હોય?

નીંદર તૂટ્યા પછી ય નથી સ્હેજે તૂટતું
પથ્થરની જેમ સ્વપ્ન ઘણી વાર સખત હોય.

જે કઈ વીતે છે જે કઈ વિતવાની છે ભીતિ
ઈચ્છું છું વીતી જાય અને અંત તરત હોય .

તોડીને ફેકી દઉં છું તણખલા ની જેમ શ્વાસ
હું એમ આપઘાત કરું જાણે રમત હોય .

તોડીને ફેકી દઉં છું તણખલા ની જેમ શ્વાસ
જાણે કે તારા આવવાની એવી શરત હોય.

-રમેશ પારેખ

મેરે પિયા મેં કછુ નહીં જાનૂં – સુન્દરમ્

આલ્બમ : સંગત
સ્વર : હિમાલી વ્યાસ-નાયક

.

સ્વર : નયન પંચોલી
સ્વરાંકન : નયન પંચોલી

.

મેરે પિયા મેં કછુ નહીં જાનૂં
મેં તો ચુપચુપ ચાહ રહી

મેરે પિયા, તુમ કિતને સુહાવન
તુમ બરસો જિમ મેહા સાવન
મેં તો ચુપચુપ નાહ રહી

મેરે પિયા, તુમ અમર સુહાગી,
તુમ પાયે મૈં બહુ બડભાગી,
મૈં તો પલપલ બ્યાહ રહી

– સુન્દરમ્

ક્યાંક ઝરણાંની ઉદાસી – શ્યામ સાધુ

આલ્બમ : સંગત
સ્વર : આશિત દેસાઈ
સ્વરાંકન : હરિશ્વંદ્ર જોશી

.

ક્યાંક ઝરણાંની ઉદાસી પથ્થરો વચ્ચે પડી છે,
ક્યાંક તારી યાદની મોસમ રડી છે !

દોસ્ત, મૃગજળની કથા વચ્ચે તમે છો,
આ જુઓ અહીંયા તરસ, ત્યાં વાદળી ઊંચે ચડી છે !

પંખીઓનાં ગીત જેવી એક ઈચ્છા ટળવળે છે,
ઓ હ્રદય ! બોલો કે આ કેવી ઘડી છે !

આવ, મારા રેશમી દિવસોના કારણ,
જિંદગી જેને કહે છે એ અહી ઠેબે ચડી છે !

ઓ નગરજન, હું અજાણ્યા દેશનો થાક્યો પ્રવાસી,
લાગણી નામે હવેલી ક્યાં ખડી છે ?
– શ્યામ સાધુ

ગ્લૉબલ કવિતા : ૨૨૦ : નભ વચ્ચે આ કયો ખલાસી! – ઉષા ઉપાધ્યાય

નભ વચ્ચે આ કયો ખલાસી
જળની જાળ ગૂંથે છે ?!

જાળ ગૂંથીને ઊભો થતાંમાં
ખેસ જરા ખંખેરે,
પલક વારમાં ગોરંભાતાં
નભને ઘન વન ઘેરે,
ફર-ફર ફર-ફર ફોરાં વરસે
જાણે કતરણ ખેરે,
નભ વચ્ચે આ કયો ખલાસી
જળની જાળ ગૂંથે છે ?!

ત્રમઝૂટ વરસે નભથી જ્યારે
જાળ ધીવરની ભાસે,
ફંગોળી ફેલાવી નાખી
મહામત્સ્ય કો ફાંસે,
અરે ! પલકમાં મત્સ્ય ધરાનું
આભે ખેંચી જાશે !
નભ વચ્ચે આ કયો ખલાસી
જળની જાળ ગૂંથે છે ?!

– ઉષા ઉપાધ્યાય


આ જાળમાં ફસાઈ જવું ગમે એવું છે…

વરસાદની મજા જ અલગ. આમ તો બધી ઋતુઓ પાસે આગવો અદકેરો વૈભવ છે જ, પણ વરસાદના ખિસ્સામાંથી જે વૈભવ છલકાય છે, એ તો કદાચ વસંતનેય દોહ્યલો થઈ પડે. વસંતઋતુ ઓઝપાઈ ગયેલી દુનિયાને અવનવા રંગો અને સુગંધોથી માલેતુજાર કરે, પણ વરસાદ તો દુનિયા આખીનો ફેસ-લિફ્ટ જ કરી દે! વસંત તો વૃક્ષો અને માનવીના મનને અડે, પણ વરસાદ તો ધરતીના કણેકણને નવપલ્લવિત કરી દે. માટે જ દુનિયાભરના કવિઓ અનાદિકાળથી વરસાદના ગીતો ગાતા આવ્યા છે અને ગાતા રહેશે. આજે આપણે આવા જ એક ગીતના અમીછાંટણાંમાં સરાબોળ ભીંજાઈએ, ચાલો…

ઉષા ઉપાધ્યાય આપણી ભાષાના જાણીતા સર્જક છે. ગદ્ય-પદ્યકાર, અનુવાદક, વિવેચક, પ્રાધ્યાપક હોવા ઉપરાંત તેઓ ગુજરાતી સાહિત્ય સંવર્ધન અને ખાસ તો ‘જૂઈમેળા’ અન્વયે સ્ત્રીસર્જકોની સંવેદનાઓને સંકોરવા તથા મંચ પૂરો પાડવાના ભગીરથ કાર્યમાં સદૈવ રત રહે છે. પ્રસ્તુત રચના ‘નભ વચ્ચે આ કયો ખલાસી!’ને કદાચ એમની સિગ્નેચર પોયમ પણ કહી શકાય.

રચનારીતિએ આ ગીત છે, પણ મુખબંધમાં જેને દોઢ વાળવી કહે છે એ કવયિત્રીએ વાળી નથી. મતલબ, સામાન્યતઃ અન્યોન્ય સાથે પ્રાસ મેળવતી દોઢ કે બે પંક્તિના સ્થાને અહીં એક જ પંક્તિ છે. પહેલી પંક્તિ ગીતને ઉપાડ આપે અને બીજી પંક્તિ એને ટેકો આપીને ભાવાનુભૂતિના આકાશમાં વધુ ઊંચે લઈ જાય એવી પ્રથાથી ટેવાયેલા ભાવકને એક પંક્તિના મુખડામાં અધૂરપ લાગી શકે, પણ ગીતનો ઉપાડ એવો સશક્ત છે કે અધૂરપ મધુરપ બનીને લોહીમાં ક્યારે ભળી ગઈ એ કળી શકાતું નથી. ગીતના લક્ષણો વર્ણવતાં ભગીરથ બ્રહ્મભટ્ટે જાણે કે એમના માટે જ લખ્યું છે: ‘ગીતનો ઉપાડ આકર્ષક હોય છે. ગીતકાર એક કુતૂહલ પ્રગટાવે છે. વાચકને વશ કરી દે એવી પંક્તિ યોજી, ગીતની અડધી સફળતા સિદ્ધ કરે છે.’ કવયિત્રીને એક પંક્તિનું મુખબંધનિયોજન વધુ અનુકૂળ હોવાનું જણાય છે. ‘આવ સખી, મોસમના પહેલા વરસાદમાં…’, ‘મૂળથી ઉખડી જઈએ એવો સાદ કરો ના અમને…’, ‘અલ્લડ તારી આંખ કહે છે ચાલ લે ભેરુ સંતાકૂકડી રમીએ’, ‘કા’ન વસે તું દૂર દેશ કે સાવ અમારી પાસે’, ‘અધમધ રાતે જીવ અભાગી શાને છાનું રડતો? –આ તમામ એમના ગીતોના એકપંક્તિય ઉપાડ છે. પારંપારિક મુખબંધવાળાં ગીતો પણ સર્જક કનેથી મળે જ છે. પણ એક પંક્તિના ધ્રુવપદ એમનો વિશેષ છે. પ્રમાદ ઓછો અને કૌશલ્ય વધુ લાગે એવી બાહોશ આ વિધા છે. બીજું, આપણી ગીતરચનાઓમાં સામાન્યતઃ બંધ અથવા અંતરો પણ અંત્યાનુપ્રાસ ધરાવતી બે કડીનો હોય છે. એ પછીની ત્રીજી યાને પૂરકપંક્તિ (ક્રોસલાઇન) ધ્રુવપદના પ્રાસ સાથે પ્રાસ મેળવીને ગીતના એક ખંડકને પૂર્ણ કરે છે. પણ જે રીતે આ ગીતે એક કડીના મુખબંધ વડે રુઢિગત ગીતોથી અલગ ચોકો ચાતર્યો છે, એ જ રીતે અંતરો પણ પરસ્પર પ્રાસ મેળવતી બેના સ્થાને ત્રણ કડીઓનો છે અને પૂરકપંક્તિનો સદંતર અભાવ છે.

આવા આ ઉફરા ગીતના ઉપાડનો પૂર્વાર્ધ ગીતનું શીર્ષક પણ છે. ‘નભ વચ્ચે આ કયો ખલાસી જળની જાળ ગૂંથે છે?!’ -એ પ્રશ્નથી કાવ્યારંભ થાય છે. બે ઘડી અટકી જવું પડે એવું આ મુખબંધ છે. ‘જળની જાળ’ વાંચતાવેંત આપણને ફાંસી લે છે. આગળ જતાં ફોડ પડે એ પહેલાં જ વરસાદ આપણને ભીંજવવા માંડે છે. વળી, અષ્ટકલનો લય પણ એકધારું વરસતા વરસાદ જેવો મજાનો થયો છે. સામાન્યતઃ ખલાસી કિનારે બેસીને જાળ ગૂંથે અને પાણીમધ્યે જઈને ફેંકે. પણ આ ખલાસી આકાશની વચ્ચે બેસીને જાળ ગૂંથી રહ્યો છે. નાની અમથી પંક્તિમાં આ અરુઢ વાત અને જળની જાળ જેવા અનૂઠા કલ્પનના કારણે અદભુત કવિતા હાથ ચડી હોવાનો અંદાજ આપણને આવી જાય છે. કવિએ સવાલ કર્યો જ છે પણ આ ખલાસી ‘કયો’ હોઈ શકે એ તરત સમજી શકાય છે. આકાશમાંથી વરસતો વરસાદ ઈશ્વરે ગૂંથેલી જળની જાળ હોવાનું રૂપક મનહર થયું છે.

જળ સાથે રમવાનું સર્જકને આમેય વિશેષ ગમતું જણાય છે. ‘સોમલ’ ગીતમાં એમનું જળ ‘મૂંઝાય’ પણ છે, અને ‘કંતાય’ પણ છે: ‘જળના તરાપાને જળમાં ઝૂલવતા એ વાયરાનું ગામ ક્યાં શોધવું?’ એમની ‘જળની માયા’ પણ જોવા જેવી છે: ‘કૂંપળ-શી કોળું ને મ્હોરું મારા રંગલાલ, સાચુકલા મેઘ બની વરસો મારા રંગલાલ.’ જે સર્જકને ‘વાદળ વરસે ને કહે ઘરમાં તું કેમ છે,’ એ સર્જકને મન તો વરસાદની મોસમ એટલે ‘મોસમ આવી છે સવા લાખની, હવે છત્રી સંકેલ તારા કામની’ – આજ અભિવ્યક્તિ હોય ને! વળી કહે છે: ‘કોઈ આંખમાં જળની ઝીણી ઝૂલ જોઈ ને ફળી જાતરા’

જળનાં જંતર રાગ કયો દિન-રાત છેડતાં?
પૂછી લીધું કોઈ પંખીને ને ફળી જાતરા.

જળનું જંતર વગાડતાં ને જળની ઝૂલ જોતાંમાં જાતરા ફળી હોવાનું અનુભવતાં સર્જક પાસેથી જ જળની જાળ જેવું મજાનું ગીત મળી શકે. ટાપુ પ્રદેશોના કાંઠાઓને બાદ કરીએ તો ભારતનો દરિયાકિનારો લગભગ ૫૪૦૦ કિલોમીટર લાંબો અને બધા રાજ્યોમાં સૌથી લાંબો દરિયાકાંઠો આપણા ગુજરાતનો. ૧૬૦૦ કિલોમીટર યાને દેશના કુલ કાંઠાનો લગભગ ત્રીસ ટકા દરિયો માત્ર આપણી પાસે છે. કચ્છથી લઈને તળગુજરાત સુધી દરિયાના મોજાંઓ જેના પગ સતત પખાળતાં રહે છે એવા ગુજરાત પાસેથી દરિયાના ગીતો તો અનેક મળી રહે છે, પણ ખલાસીઓ કે માછીમારોના ગીત પ્રમાણમાં જૂજ જ જડે છે. પ્રસ્તુત રચના આ વિષયક તમામ ગીતોમાં શિરમોર સિદ્ધ થાય એવી છે. આકાશના વિશાળ ભૂરા સમુદ્રની વચ્ચોવચ્ચ અડિંગો જમાવીને બેઠેલો ખલાસી જળની જાળ ગૂંથી રહ્યો છે. કામ પતતા ઊભા થતાવેંત એ ખેસ ખંખેરે છે. બહુ નાની અમસ્તી ચેષ્ટા છે પણ કવયિત્રીના વિચક્ષણ અવલોકનની એ દ્યોતક છે. કામ પતે એટલે માણસ ‘બેઠાંનો થાક’ ઉતારવા ઊભો થાય અને ખલાસી હોય એટલે ખભે સહેજે ખેસ હોવાનો અને ખેસ હોય એટલે એને ખંખેરવાની આદત પણ હોવાની જ. ખલાસીના સ્વભાવગત લક્ષણના સૂક્ષ્માલેખનના કારણે આખું ચિત્ર તાદૃશ થાય છે. આ કવિનો કમાલ છે. વળી ‘ખેસ ખંખેરવો’ રુઢિપ્રયોગનો એક અર્થ કોઈ જવાબદારીમાંથી મુક્ત થવું એવો પણ થાય છે. આપણો ખલાસી પણ જળની જાળ ગૂંથવાની જવાબદારીથી હમણાં જ છૂટ્યો હોવાથી અહીં આ અર્થ પણ પ્રસ્તુત જ ગણાય. બરાબર ને?

ખલાસીના ઊભા થઈ હટવાની વાર જ ન જોતું હોય એમ પળવારમાં તો આકાશ ગોરંભે ચડે છે અને વાદળોનું જંગલ એને ઘેરી વળે છે. આભમાંથી ફર-ફર ફર-ફર ફોરાં વરસવા માંડે છે. અષ્ટકલના લય સાથે ફર-ફરની પુનરુક્તિ અને નભ-ઘન-વનના ‘ન’ અને ફર-ફર-ફર-ફર-ફોરાંના ‘ફ’ની વર્ણસગાઈના કારણે વરસાદ રીતસર પડતો અનુભવાય છે. જાળ ગૂંથવાની પ્રક્રિયા દરમિયાન જાળ કાતરતાં જે કતરણ પડી હોય એ ખલાસીના શરીર અને ખેસ પર પણ ચોંટી જ હોય. ઊભા થતાં ખેસ ખંખેરવાની સાથે કતરણ ખેરવવાની ખલાસીની સહજ ચેષ્ટાને કવિતામાં વણી લઈને સર્જક ચિત્ર સંપૂર્ણ બનાવે છે.

વરસાદ આભેથી ત્રમઝૂટ વરસતો હોય ત્યારે બીજું કશું સાફ જોવાનું શક્ય બનતું નથી. આભેથી અનવરત વરસતાં ધોધમાર વરસાદના કારણે આંખ સામે રચાતાં દૃશ્યને કવયિત્રી માછીમારની જાળ સાથે સરખાવે છે, એ ઉપમા કેવી યથોચિત છે! જાળના ઢગલામાં ગૂંચવાયેલા સફેદ તાંતણાંઓ અને આકાશેથી ત્રમઝૂટ વરસતો વરસાદ-બંનેમાં કેટલી દ્રાશ્યિક સમાનતા છે! ખલાસી કે માછીમાર માટે પ્રયોજાયેલ ધીવર સંજ્ઞા ધ્યાન બહાર ન રહી જાય, એ જોજો. પ્રાચીન જૈન ‘આનંદકાવ્યમહોદધિ’માં આ શબ્દ પ્રયોગ બહુ સરસ રીતે કરાયો છે: ‘તે મચ્છ ધીવરે કાઢીઓ, જાણી ભાર વિશેષ રે.’ આમ તો ધીવર સમાજની હાજરી સમગ્ર ભારતમાં છે પણ ચલણમાંથી આ શબ્દ ધીમેધીમે ઘસાઈ રહ્યો છે, અને ઘસાતા સિક્કાને નવો ચળકાટ આપવાનું કામ તો કવિનું જ ને?!

ધીવર એની જાળને ફંગોળીને, ફેલાવીને નાંખે છે. ખલાસી જાળ નાંખીને માછલીને પોતાના તરફ ખેંચી લે એ ઉપલક્ષે આભમાં ઊભેલો ‘કોઈ’ ખલાસી જળની જાળ ફેલાવીને નાંખે અને આખી પૃથ્વીને પોતાના તરફ ખેંચી લેવા માંગતો હોય એ કલ્પન કેવું પ્રબળતમ થયું છે! કવયિત્રીને અભિપ્રેત હોય કે ન હોય, પણ પૃથ્વી માટે મહામત્સ્ય વિશેષણ વાંચતાં જ મત્સ્યાવતાર યાદ આવે. અંજલિમાં ભૂલથી (!) આવી ગયેલી માછલીની વિજ્ઞપ્તિને માન આપીને મનુ મહારાજે કમંડળમાં મૂકી, પણ માછલી તો દિન દૂની રાત ચોગુની વધતી ગઈ અને અંતે સાગરના જળચરોથી બચાવેલી નાનકડી માછલીને મહામત્સ્ય બન્યા બાદ સાગરમાં જ છોડવી પડી. એ મહામત્સ્યે પ્રલયમાંથી સૃષ્ટિના નિર્વાહ્ય માટે અનિવાર્ય સચરાચરને ઉગાર્યાં એ વાતની સ્મૃતિ થયા વિના રહેતી નથી. અહીં, બારે મેઘ ખાંડા થઈને ધરતીને જળતરબોળ કરી નાંખવા નીકળ્યા હોય એ દૃશ્ય સર્જકે કલમના એકાદ-બે લસરકામાં જ આબાદ ઉપસાવ્યું છે. વરસાદનું જોર જોઈને તો એમ જ લાગે કે પલકવારમાં આભ અને ધરતી જળબંબાકાર થઈ એક થઈ જશે. બંને બંધમાં કવયિત્રીએ ‘પલક’ શબ્દપ્રયોગ કર્યો છે. સમયના નાનામાં નાના એકમની સામે સમગ્ર સૃષ્ટિને અડોઅડ મૂકવાનો આ વિરોધાભાસ વામનના પગલાં જેવો અસરદાર પ્રતીત થાય છે.

વળી, બે અંતરા વચ્ચે વરસાદનું બદલાયેલું સ્વરૂપ પણ ચૂકવા જેવું નથી. પ્રથમ અંતરામાં જાળ ગૂંથાઈ રહી/ચૂકી છે અને વરસાદ ફર-ફર ફર-ફર ફોરાં થઈને વરસે છે, જ્યારે બીજા બંધમાં માછીમાર માછલીને ફાંસવા જાળ ફંગોળી ફેલાવીને નાંખે છે. એટલે વરસાદની ગતિ પણ અચાનક વધી જાય છે. ફોરાં ત્રમઝૂટમાં પરિણમે છે. સરવાળે, ધરાનું મત્સ્ય તો જળની જાળમાં ફસાતાં ફસાશે, આપણે અવશ્ય આ વરસાદમાં બંધાઈ જઈએ છીએ. એકધારા વરસતા વરસાદની જેમ અનવરુદ્ધ લય સાથે છમ્…છમ્… નાચતું આ ગીત ગાયા વિના વાંચવું અશક્ય છે. જળની જાળનો પ્રયોગ જેટલો અપૂર્વ છે એટલું જ મનહર છે માછીમારની પરિભાષામાં રચાયેલું આ ગીત… વધુ પિષ્ટપેષણ કરવા કરતાં એને એમ જ વરસવા દેવું પડે. છત્રી-રેઈનકોટ ફેંકીને આવ્યા છો ને?!

અને અંતે એમની એક વરસાદી ગઝલ સાથે સમાપન કરીએ. આ ગીતનુમા ગઝલનો લય એટલો પ્રબળ છે કે છત્રી વિના સાંબેલાધાર વરસાદમાં ભીંજાયાની અનુભૂતિ થયા વિના નહીં રહે. જળબિલ્લોરી જેવો નવો જ શબ્દ રદીફ તરીકે ‘કૉઈન’ કર્યા પછી કવયિત્રી એને પૂરી પ્રામાણિક્તાથી નિભાવી શક્યા છે અને એટલે જ આ ગઝલ આસ્વાદ્ય બની રહે છે. જુઓ:

આકાશી આંબાને આવ્યો મૉર અને છે જળબિલ્લોરી,
ચાંદની આંખોમાં છલક્યો તૉર અને છે જળબિલ્લોરી.

આ વાદળનાં પાનાં ખોલી કોણ પઢાવે અમને નિશદિન,
ઠોઠ નિશાળી ફોરાં કરતાં શોર અને છે જળબિલ્લોરી.

ઘનઘોર ઘટાના મેળામાં જ્યાં વાગી ઢોલે થાપ જરી, કે-
આકાશી નટ રમતો બીજલ દોર અને છે જળબિલ્લોરી.

ધરતીના ખાંડણિયે નભની નાર કયું આ ધાન છડે છે !
ઝીંકાતા આ સાંબેલાનું જોર અને છે જળબિલ્લોરી.

વરસાદે ભીંજાતાં – ન્હાતાં છોરાં શો કલશોર મચાવે,
કે ન્હાવા આવે તડકો થૈને ચોર અને છે જળબિલ્લોરી.

બાઈ રે, તારાં ભાગ્ય મહાબળવાન – ઉશનસ્

આલ્બમ : સંગત
સ્વર : હેમા દેસાઈ
સ્વરાંકન : હરિશ્વંદ્ર જોશી

.

બાઈ રે, તારાં ભાગ્ય મહાબળવાન:
અમૃતપ્રાશણહાર તે તારાં ગોરસ માગે કહાન !

ઊંચે વ્યોમભવન ખેલંદો ઊતર્યો તારે નેસ,
ગોરસ મિષે પ્રેમપિયાસી યાચત બાળે વેશ,
ધણી થૈ બેસે તોય શું કહીએ, આ તો માગત દાણ.

કંઈક બીજી જો મહિયારીની કોઈ ન ફોડે ગોળી,
રાત દી પી પી પોતે, ગોરસ બગડ્યાં દેતી ઢોળી,
આપણું પીધું તુચ્છ, હરિનું ચાખ્યું બુંદ મહાન.

ગગરી ફોડી ભવ ફેડ્યો ને મહીમાં પ્રીત લૂંટાઈ,
કાનજી જેવો લૂંટણહાર ત્યાં કૈં ન બચાવવું બાઈ !
બચિયું એટલું એળે, અહીં તો લૂંટવ્યું એટલી લ્હાણ !

-ઉશનસ્

ગ્લૉબલ કવિતા: ૨૧૯: મને યાદ છે જ્યારે – માઇકલ હેટિચ

I Remember When

My father climbed the western mountain
Every day he chopped more
of its peak off so we could have more
daylight to grow our food in, and when he’d
chopped deep enough that in midsummer we had
sun for an extra minute, which
is, of course an exaggeration, he
knew he had done something real, and called us
to watch the sun settle
in the chink and disappear.

Next day the sun had moved, but he kept digging
the same dent, wanting one day a year.
One day, he told us, the mountain would be
chopped in two and there would be
one complete day
hours longer than there’d ever been.

People in the town called him “father” too.
Some volunteered to help, but no,
It was his, his dent and his light; they were lucky
he was willing to share. At night there were new stars.

-When he hit a spring and the water gushed out
a waterfall, flooding the valley, the town,
to form a beautiful lake, deep,
cold, and full of fish found
nowhere else, the animals that lived
wild on his mountain rejoiced and grew
wilder, more passionate. They rejoiced!
We still do.

– Michael Hettich


મને યાદ છે જ્યારે

મારા પિતાજી પશ્ચિમી પર્વત પર ચડ્યા હતા
દરરોજ તેઓ એનું શિખર થોડું વધુ
કાપતા જેથી અમને અમારું અનાજ ઉગાડવા માટે
થોડો વધુ સૂર્યપ્રકાશ મળે, અને જ્યારે તેઓએ
શિખર પૂરતું કાપી નાંખ્યું જેથી કરીને ભરઉનાળે અમને
સૂર્ય એક વધારાની મિનિટ માટે મળી શકે, જે
સ્વાભાવિકપણે, અતિશયોક્તિ જ છે, ત્યારે
એમને લાગ્યું કે તેઓએ કશુંક નક્કર કરી બતાવ્યું છે, અને અમને
સૂર્યને તિરાડમાં ઢળતો અને
અદૃશ્ય થતો જોવા બોલાવ્યા.

બીજા દિવસે સૂર્ય હટી ગયો હતો, પણ વરસમાં એક દિવસ વધારાનો
મેળવવા માટે એમણે એ જ ખાડો ખોદવાનું ચાલું રાખ્યું.
એક દિવસ, એમણે અમને કહ્યું, પર્વત
બે ભાગમાં કપાઈ જશે અને
એક આખો દિવસ વધારાનો મળશે,
પહેલાં કદી નહોતો એવા લાંબા કલાકોવાળો.

શહેરના લોકો પણ એમને ‘‘પિતા’’ જ કહેતા.
કેટલાકે મદદ કરવાની તૈયારી પણ બતાવી, પણ ના,
એ એમનો, એમનો જ ખાડો હતો, એમનો જ પ્રકાશ હતો; લોકો નસીબદાર હતા
કે તેઓ એ વહેંચવા તૈયાર હતા. રાત્રે નવા તારા પણ ઊગ્યા.

-જ્યારે ખોદતાં ખોદતાં એક ઝરણું ફૂટ્યું અને પાણી ધસી આવ્યું,
એક ધોધ બનીને, જેણે ખીણ અને શહેરને લગભગ ડૂબાડી જ દીધા,
એક સુંદર તળાવ સર્જાયું- ઊંડું,
શીતળ, અને બીજે ક્યાંય જોવા ન મળે
એવી માછલીઓથી ભરપૂર, પ્રાણીઓ જેઓ એમના પર્વત પર
જંગલી જીવન ગાળતાં હતાં, હર્ષોલ્લાસ કરવા લાગ્યાં અને
વધુ જંગલી, વધુ આવેશપૂર્ણ બન્યાં. એમણે હર્ષોલ્લાસ કર્યો!
અમે આજે પણ કરીએ છીએ.

– માઇકલ હેટિચ
(અનુ.: વિવેક મનહર ટેલર)

માય ડેડી સ્ટ્રોંગેસ્ટ !!

સુપરમેન કયા બાળકને ન ગમે? ફિલ્મો અને કૉમિક્સનો સુપરમેન તો બાળકોને થોડો મોડેથી મળે, પણ એક સુપરમેન તો એમની જિંદગીમાં એમનો જન્મ થાય ત્યારથી સાથેને સાથે જ હોય છે. કોણ? તો કે પપ્પા! દુનિયામાં કોઈપણ બાળક માટે પહેલો સુપરમેન પપ્પા જ હોવાના. સાવ સૂકલકડી કેમ ન હોય, પણ બાળક માટે તો કાયમ ‘માય ડેડી સ્ટ્રોંગેસ્ટ’ જ હોય. મૂછ કે સમજણના દોરા ન ફૂટે ત્યાં સુધી પપ્પાના પેંગડામાં પગ ઘાલવાની દીકરાની મથામણ કાયમ જ રહેવાની. દુનિયામાં ભાગ્યે જ કોઈ દીકરો ‘પપ્પા, હું તમારામાંથી ઊંચો’ કહ્યા વિના મોટો થયો હશે. અમેરિકન કવિ માઇકલ હેટિચની આ રચના એટલે દીકરાના વિપુલદર્શક કાચમાંથી દેખાતું બાપનું ચિત્ર! જોઈએ…

માઇકલ હેટિચ. જન્મ ૧૯૫૩માં બ્રુકલિન, ન્યૂયૉર્ક ખાતે. ન્યૂયૉર્કમાં જ મોટા થયા. અંગ્રેજી અને અમેરિકન સાહિત્યમાં પી.એચ.ડી. માયામીની કોલેજમાં પચ્ચીસથી વધુ વર્ષોથી અંગ્રેજીના પ્રોફેસર છે. ધર્મપત્ની કોલિન સાથે રહે છે. બે સંતાનોના પિતા છે. કવિતાના બારથી વધુ નાનાં-મોટાં પુસ્તકો. ઢગલાબંધ પુરસ્કારોથી નવાજીત. સાહિત્યને લગતી જર્નલ્સમાં તથા સંપાદનોમાં અવારનવાર ઉપસ્થિતિ. કવિતા વિશેનું એમનું અધિકારત્વ નમ્ર છતાં પૂર્ણતયા આધારભૂત છે. એમની કવિતાઓનો શાંત કરિશ્મા દંગ કરી દે એવું ઊંડાણ ધરાવે છે. કુદરત તરફની એમની દૃષ્ટિ અનોખી છે અને માનવજાત માટે એમના શબ્દોમાં અથાક કરુણા ભરી પડી છે. ડહાપણ અને કામણ એ એમના હુકમના પત્તા છે અને એ એમને બરાબર રમી પણ જાણે છે.

કવિતાનું શીર્ષક ‘મને યાદ છે જ્યારે’ કવિતાની પ્રથમ પંક્તિ પણ છે. શીર્ષક અને શીર્ષસ્થ પંક્તિ માત્ર એક નથી, એકાકાર છે. શીર્ષકથી જ કાવ્યારંભ થઈ જાય છે. આશ્ચર્ય થાય પણ ખ્યાલ આવે છે કે કવિતા બાળકની સ્વગતોક્તિ હોવાથી શીર્ષક અલગ પાડીને કવિતા કરવા જેટલી પુખ્તતાની અપેક્ષા કેમ કરાય! કવિકર્મને દાદ આપવાનું મન થાય. બાળક યાદ કરે છે એના વધુ નાનપણના દિવસોની, ગઈકાલની. બાળસહજ ચંચળતાના ન્યાયે કવિતામાં ભાવ અને વિચારના કૂદકાઓ પણ જોવા મળે છે. હેટિચ આજની તારીખના કવિ છે. પ્રવર્તમાન ચીલા મુજબ એમણે છંદોલયનાં બંધન ફગાવી દીધાં છે. છંદ નથી એટલે પ્રાસ પણ નથી. ચાર બંધમાં વહેંચાયેલી આ કવિતામાં દરેક બંધમાં પંક્તિસંખ્યા તથા લંબાઈ અનિયમિત છે, જાણે કપાઈ રહેલા પર્વતનો આકારાભાસ ન કરાવતી હોય!

કાવ્યરીતિ આત્મકથનાત્મક છે પણ કવિની આત્મકથા હોય એ જરૂરી નથી. પ્રથમપુરુષ એકવચન સ્વરૂપે આપણી મુખામુખ થતા કાવ્યનાયક/નાયિકા માટે વિલિયમ બટલર યીસ્ટ ‘Mask’ (મહોરું) શબ્દ વાપરતા. આવા અર્ધકાલ્પનિક (Quasi-fictional) પાત્રોને કવિતાનો ‘Persona’ (લેટિન Person-વ્યક્તિ પરથી) કહેવાય છે. આત્મકથનાત્મક કવિતાનો કથક કવિ પોતે હોય, અથવા એ કવિએ પહેરેલું મહોરું પણ હોય અથવા કવિએ કોઈનામાં પરકાયાપ્રવેશ પણ કર્યો હોઈ શકે. સેફો, એમિલી ડિકિન્સન, પરવીન શાકિર, મીનાકુમારી જેવા અનેક કવિઓની કવિતામાં આવતા ‘આઇ’ તેઓ પોતે જ હતા. પણ કવિતામાં કવિને કે કવિની જિંદગી શોધવાને બદલે કવિતા શોધવી જ વધુ હિતકારી છે. આપણે પણ એ જ કરીએ.

‘મને યાદ છે જ્યારે/મારા પિતાજી પશ્ચિમી પર્વત પર ચડ્યા હતા’થી કાવ્યારંભ થાય છે. કવિતાની ગાડી નિયત પાટા પર ચાલતી હોવાનું અનુભવાય એ પહેલાં તો કવિ ‘દરરોજ તેઓ એનું શિખર વધુને વધુ કાપતા’ કહીને એને ‘ડિરેલ’ કરી નાંખે છે. પ્રારંભે જ આપણો ભેટો અવાસ્તવ સાથે થાય છે. પણ વાત અહીં અટકતી નથી. કવિ કહે છે, કે એમના પિતા રોજ પર્વતનું શિખર થોડું વધારે એટલા માટે કાપતા હતા કે જેથી કરીને અનાજ ઊગાડવા માટે થોડો વધુ સૂર્યપ્રકાશ મળે. ધત્ તેરી કી તો! ભીંતમાં ભોડું ભટકાડવાનું મન થાય છે ને! હવે તો ફરજિયાત આખી કવિતા વાંચવી જ રહી…

પણ આ અતિશયોક્તિ એક દીકરાની પોતાના બાપ માટેની સ્વગતોક્તિ હોવાથી અવાસ્તવિક લાગતી નથી. કહ્યું છે ને, બાપના કપાળે પડેલી કરચલીઓના કારણે જ આજે તમે ઈસ્ત્રી કરેલ કપડાં પહેરી શકો છો… પિતા એટલે પર્વત જેવડા વિશાળ વ્યક્તિત્વમાંથી નીકળતી પ્રેમની ખળખળતી નદી… આપણા નસીબના કાણાં બાપ એના ગંજીમાં લઈ લે છે… રમણલાલ સોનીએ તો પિતાને પહેલો ગુરુ કહ્યું છે. દેવકી અને યશોદા સદૈવ આપણા સ્મરણમાં રમે છે પણ કાજળકાળી રાતે મુશળધાર વરસાદમાં ઘોડાપૂરે ચડેલી યમુનાને ઓળંગવા વાસુદેવે કરેલું સાહસ બહુ યાદ આવતું નથી કેમકે બાપ આ કરે જ એવી આપણી સર્વસ્વીકૃત માન્યતા છે. રામાયણમાં પણ રામના વિયોગમાં દશરથ પ્રાણ ત્યજે છે, કૌશલ્યા નહીં. શ્રવણના વિયોગમાં માત્ર મા જ નહીં, પિતા પણ પ્રાણ ત્યાગે છે. મા પાલવમાં ઢાંકીને વહાલ કરે છે, બાપ ખભે બેસાડીને વિશ્વદર્શન કરાવે છે. મા પ્રેમ સીંચે છે, બાપ આત્મવિશ્વાસ. મા લાગણીના સિક્કા પૂરા પાડે છે, બાપ માંગણીની કરન્સી નૉટ્સ. બાપ રુક્ષ નથી, વૃક્ષ છે જેની છાયામાં સંતાન નામનો છોડ નિરાંતવા મહોરે છે. દીકરાની સાઇકલ પાછળનો હાથ છોડવાની હિંમત બાપ જ કરે છે અને એમ કરીને દીકરાને દુનિયામાં સહારા વિના અને પડ્યા વિના આગળ વધવાનો પ્રથમ પાઠ ભણાવે છે.

પિતા શબ્દ ‘पा’ ધાતુ પરથી ઊતરી આવ્યો છે, જેનો અર્થ રક્ષણ કરવું થાય છે. ‘यः पाति स पिता।’ (જે રક્ષા કરે છે તે પિતા છે.) પિતાનો એક અર્થ પરમેશ્વર પણ છે. મનુસ્મૃતિ કહે છે: ‘उपाध्यायान्दशाचार्य आचार्याणां शतं पिता। (દસ ઉપાધ્યાયથી વધીને એક આચાર્ય અને સો આચાર્યથી વધીને એક પિતા હોય છે.) ઋષિ યાસ્કાચાર્યના ‘નિરુક્ત’સૂત્રમાં પણ पिता पाता वा पालयिता वा। અને पिता-गोपिता અર્થાત, પિતા રક્ષણ કરે છે અને પાલન કરે છે એમ લખ્યું છે. મહાભારતમાં વનપર્વમાં મરણાસન્ન ભાઈઓને બચાવવા યુધિષ્ઠિર યક્ષપ્રશ્નોના જવાબ આપે છે. યક્ષના એક પ્રશ્ન, ‘किं स्विद्गुरुतरं भूमेः किं स्विदुच्चतरं च खात्।’ (કોણ પૃથ્વીથી ભારી છે? કોણ આકાશથી ઊંચું છે?)ના જવાબમાં યુધિષ્ઠિર કહે છે, ‘माता गुरुतरा भूमेः पिता उच्चतरश्च खात्।’ (માતા પૃથ્વીથી ભારી છે, પિતા આકાશથી ઊંચા છે). મહાભારતમાં જ લખ્યું છે: ‘पिता धर्मः पिता स्वर्गः पिता हि परमं तपः। पितरि प्रीतिमापन्ने सर्वाः प्रीयन्ति देवता।।’ (પિતા જ ધર્મ છે, પિતા જ સ્વર્ગ છે અને પિતા જ સૌથી શ્રેષ્ઠ તપસ્યા છે. પિતાના પ્રસન્ન થવાથી બધા દેવ પ્રસન્ન થઈ જાય છે.) પદ્મપુરાણમાં લખ્યું છે: ‘सर्वतीर्थमयी माता सर्वदेवमयः पिता।’ (મા સર્વ તીર્થસ્વરુપ અને પિતા સર્વ દેવતાસ્વરુપ છે.)

બહુ ભારી થઈ ગયું, નહીં? પણ હકીકત છે કે માની સરખામણીએ પિતાના ગુણગાન ગવાયા જ નથી. ‘બા’નો ‘પા’ ભાગ એટલે ‘બાપા’ એમ મારા પપ્પા કાયમ કહેતા. ખરેખર બાની સરખામણીમાં બાપાને પા ભાગનું માન પણ ભાગ્યે જ મળ્યું છે. પણ પપ્પાનું ટી-શર્ટ બંધબેસતું આવે એ દીકરાની જિંદગીનો સૌથી યાદગાર દિવસ હોય છે. આપણો કથક પણ આવો જ એક દીકરો છે. એ પિતાને પર્વતનું શિખર કાપીને ખાડો કરી બે ભાગમાં વહેંચવાની મથામણ કરતાં જુએ છે જેથી કરીને કુટુંબીજનોને સૂર્ય થોડા વધુ સમય માટે મળે. રોજેરોજના પુરુષાર્થ બાદ એક દિવસ એવો સૂર્ય પણ ઊગે છે જ્યારે પિતાને લાગે છે કે પોતે શિખર પૂરતી માત્રામાં કાપી શક્યા છે અને આ કારણોસર એના પરિવારને ઉનાળામાં, જ્યારે દિવસ આમેય લાંબો જ હોય, એક મિનિટ જેટલા સમય માટે વધુ સૂર્યપ્રકાશ મળી શકશે, ત્યારે એ સહુને પોતાનું મહાકાર્ય જોવાને આમંત્રે છે. ગામ અને અસ્તાચળ વચ્ચેથી પર્વતના શિખરનો એટલો ભાગ દૂર કરી દેવાયો છે કે સૂર્યપ્રકાશ ગામ ઉપર નિયત કરતાં એક મિનિટ વધુ પડે.

હેટિચને જાણકારી હતી કે કેમ એ તો ખબર નથી, પણ આપણને ‘માઉન્ટન મેન’ દશરથ માંઝી યાદ આવ્યા વિના કેમ રહે? ૧૯૫૯ની સાલમાં લાંબા અંતરના લીધે સારવાર મેળવવામાં થયેલ વિલંબના પરિણામે દશરથે પત્નીને ગુમાવવી પડી. પરિનામે વઝીરગંજ અને પોતાના ગામની વચ્ચેની પહાડીને કાપીને રસ્તો બનાવવા એણે કમર કસી. માત્ર છીણી-હથોડી લઈને ગામે આપેલ પાગલકરાર સાથે બાવીસ-બાવીસ વર્ષના અથાક પુરુષાર્થના અંતે ટેકરીને કાપીને એણે પચ્ચીસ ફૂટ ઊંડો, ત્રીસ ફૂટ પહોળો અને સાડી ત્રણસો ફૂટ લાંબો રસ્તો એકલા હાથે કંડારી નાંખ્યો. એના ગામથી વઝીરગંજ વચ્ચેનું પંચાવન કિલોમીટરનું અંતર ઘટીને માત્ર પંદર કિલોમીટર થઈ ગયું. ન માત્ર એને પદ્મશ્રીથી નવાજાયો, ટપાલખાતાએ ટિકિટ પણ બહાર પાડી. ૨૦૧૫માં કેતન મહેતાએ માંઝી નામે ફિલ્મ પણ બનાવી.

એક મિનિટ જેટલા વધારાના સૂર્યપ્રકાશ માટે પર્વત કાપવાની વાત અતિશયોક્તિ લાગે. કથક પોતે સ્વીકારે પણ છે કે. આ વાત સ્વાભાવિકપણે અતિશયોક્તિ જ છે. પણ કવિતા અટકતી નથી. બાળક કલ્પનાની છલાંગ ભરીને ‘મહામાનવ’ પિતાના ‘અતિમાનવ’ કાર્યો નક્કી કરે છે. સૂર્ય ભલે ઉત્તરાયણ કે દક્ષિણાયણ કરે પણ એક દિવસમાં કંઈ સ્થાન બદલાઈ ન જાય. અહીં તો આખી કવિતા જ અસંભવના ખભે ઊભેલી છે એટલે બીજા દિવસે સૂર્ય એના સ્થાનેથી હટી ગયો હતો. પણ પિતાજી મહેનત ત્યાંને ત્યાં જ ચાલુ રાખે છે. બુંદની સફળતા સાગર તરફ દોરી જાય છે. વધારાની એક મિનિટ મળતાં પુરુષાર્થ વધારાનો દિવસ મેળવવા તરફ ગતિ કરે છે. પિતા સંતાનને આશા બંધાવે છે કે પર્વત બે ભાગમાં કપાઈ જશે તો પહેલા કદી નહોતા એવા લાંબા કલાકોવાળો એક આખો દિવસ વધારાનો મળશે.

શહેરના લોકો પણ એમને “પિતા” જ કહેતા. પિતા શબ્દ અવતરણચિહ્નમાં મૂકાયો છે. કદાચ આ બાબત પણ બાળકની સ્વપ્નસૃષ્ટિની જ નીપજ હોય. બાળક પોતાના ‘ફાધર’ને આખા ગામના ‘ફાધરફિગર’ તરીકે અને કોઈની મદદેય ન લે એવા સ્વાભિમાની તરીકે જુએ એમાં કશું અસ્વાભાવિક નથી. પિતા મદદ લેવાની ના કહે છે, કેમકે આ એમનો, માત્ર એમનો જ ખાડો હતો. આ પ્રકાશ પણ એમના એકલાના ઉદ્યમનો જ પરિપાક હતો. પણ તેઓ ગામ આખામાં ગમતાનો ગુલાલ કરવા તૈયાર છે એય બાળકને અનુભવાતું પિતાસહજ યથોચિત ઔદાર્ય જ ને!

વધારાના સૂર્યપ્રકાશની અડખેપડખે કવિ હવે રાતને આણે છે. ખોદાયું તો માત્ર પર્વતનું શિખર જ છે. પણ ઢંકાઈ રહેલ આકાશ ઊઘાડું થતાં રાત્રે નવા તારાઓ પણ દેખાય છે. ખોદકામથી નવું ઝરણું ફૂટ્યું. શેનું? આશાનું?! ધસમસ પાણીએ ધોધ બનીને ગામ અને ખીણને લગભગ ડૂબાડી જ દીધાં. છેવટે પાણી ઠરીઠામ થતાં સુંદર, ઊંડું, શીતળ તળાવ સર્જાયું, જે બીજે ક્યાંય જોવા ન મળે એવી અલૌકિક માછલીઓથી ભરપૂર હતું. દીકરાની નજરે બાપની મહેનત કેવો રંગ લાવી રહી છે એ જુઓ! એક મિનિટ, એક દિવસ, લાંબા કલાકો, નવા તારા, નવું ઝરણું, ધોધ, તળાવ અને અસાધારણ માછલીઓ- બાપ નામનો ચમત્કાર શું નથી કરી બતાવતો! પશ્ચિમી પર્વત અહીં ‘એનો’ (પપ્પાનો) પર્વત બની જાય છે! પર્વત પર જે પ્રાણીઓ જંગલી જીવન ગાળતાં હતાં એ બધાં આ નવપલ્લવિત સૃષ્ટિ જોઈ હર્ષોલ્લાસ કરવા માંડ્યાં. વધુ જંગલી, વધુ આવેશપૂર્ણ બની ગયાં. ‘મને યાદ છે જ્યારે’થી શરૂ થયેલી સ્મરણગાથા વર્તમાનમાં આવીને વિરમે છે. પ્રાણીઓના ભૂતકાળના હર્ષોલ્લાસ સાથે કથક, પરિવારજનો અને ગ્રામ્યજનો –સહુ આજેય હર્ષોલ્લાસ કરતાં જોડાય છે. પપ્પાએ કરેલો ચમત્કાર શાશ્વત બન્યો છે.

કવિતા બે સ્તરે વિહરે છે. એક, મજાની પરીકથા. બીજું, બાળમાનસ. બંનેની મજા છે. અન્યાર્થ ન શોધીએ તોય કવિતા આનંદ આપે છે અને એટલું પૂરતું છે. वाक्यम् रसात्मकम् काव्यम्। (વિશ્વનાથ). શૅલીએ પણ કવિતાને Expression of imagination જ કહી છે. ખરી કવિતા ઘણીવાર બે શબ્દો કે બે લીટીઓ વચ્ચેના અવકાશમાં હોય છે અને ભાવક જે-તે સમયની ભાવાવસ્થા મુજબ એનું યથેચ્છ અર્થઘટન કરી શકે છે. પરીકથાની સપાટીની નીચે, બીજા સ્તરે, બાળસહજ મનોભાવો ઉદ્ધ્રુત થાય છે. જે કુશળતા-કાબેલિયતથી આ ભાવ સુવાંગ આલેખાયા છે એ જ છે ખરી કવિતા. ઉપલક સ્તરે જે પરીકથા છે એની કમાલ એ છે કે પરીકથા હોવાની ખબર હોવા છતાં આપણને વાસ્તવિક લાગે છે. અતિશયોક્તિ હોવાનું સ્વીકાર્યું હોવા છતાંય યથાર્થ લાગે છે. આ જ સર્જકનો જાદુ છે. અને આ બધું એટલા માટે સાચું લાગે છે કે આપણે સહુ આવા માઉન્ટન મેન-સુપરમેનની છત્રછાયામાં જ મોટા થયાં છીએ. પિતા માટેની આપણી યથેચ્છ કલ્પનામાં યથોચિત રંગ ભરાતાં હોવાથી રચના દિલની વધુ નજીક, વધુ પોતિકી લાગે છે. ‘મને યાદ છે જ્યારે’ની અનિશ્ચિતતાથી આરંભાતી રચના જ્યારે ‘અમે આજે પણ કરીએ છીએ’ની નિશ્ચિતતા સુધી પહોંચે છે ત્યારે આપણું હૈયું પણ વધુ જંગલી બનીને, વધુ આવેશપૂર્ણ રીતે, વધુ હર્ષોલ્લાસ કરે છે!

પાનખરનાં હૈયામાં ટહુકે વસંત – નરેન્દ્ર મોદી

સ્વરઃ પાર્થિવ ગોહિલ

.

અંતમાં આરંભ અને આરંભમાં અંત
પાનખરનાં હૈયામાં ટહુકે વસંત

સોળ વર્ષની વય, ક્યાંક કોયલનો લય
કેસૂડાંનો કોના પર ઉછળે પ્રણય?
ભલે લાગે છે રંક પણ ભીતર શ્રીમંત
પાનખરનાં હૈયામાં ટહુકે વસંત

આજે તો વનમાં કોનાં વિવા?
એક એક વૃક્ષમાં પ્રગટે દીવા!
આશીર્વાદ આપવા આવે છે સંત
પાનખરનાં હૈયામાં ટહુકે વસંત
-નરેન્દ્ર મોદી