Category Archives: ઉષા ઉપાધ્યાય

અંગાર અને લોબાન

સમજી શકો તો માળા હરપળ ફર્યાં કરે છે.
અહીં છેવટે તો નરદમ કરુણા ઠર્યા કરે છે.

મળ્યું છે મુગ્ધા જેવું આ ભાગ્ય કેવું અમને,
‘ન માગું કંઈ’-કહીને સઘળું હર્યાં કરે છે.

અંગાર પર પડ્યો છે લોબાન ને હવા છે,
જીવન અમારું એવું, ખુશ્બ સર્યા કરે છે.

તું આવશે અચાનક શ્વાસોની પાલખીમાં,
જીવન જળે સરકતાં દીવડાં ધર્યા કરે છે.

અરે છું સાવ માટી, ઓખાત શું છે મારી ?
નિભાડે કોઈ નાખી, પાકાં કર્યા કરે છે.

– ઉષા ઉપાધ્યાય

ગ્લૉબલ કવિતા : ૨૨૦ : નભ વચ્ચે આ કયો ખલાસી! – ઉષા ઉપાધ્યાય

નભ વચ્ચે આ કયો ખલાસી
જળની જાળ ગૂંથે છે ?!

જાળ ગૂંથીને ઊભો થતાંમાં
ખેસ જરા ખંખેરે,
પલક વારમાં ગોરંભાતાં
નભને ઘન વન ઘેરે,
ફર-ફર ફર-ફર ફોરાં વરસે
જાણે કતરણ ખેરે,
નભ વચ્ચે આ કયો ખલાસી
જળની જાળ ગૂંથે છે ?!

ત્રમઝૂટ વરસે નભથી જ્યારે
જાળ ધીવરની ભાસે,
ફંગોળી ફેલાવી નાખી
મહામત્સ્ય કો ફાંસે,
અરે ! પલકમાં મત્સ્ય ધરાનું
આભે ખેંચી જાશે !
નભ વચ્ચે આ કયો ખલાસી
જળની જાળ ગૂંથે છે ?!

– ઉષા ઉપાધ્યાય


આ જાળમાં ફસાઈ જવું ગમે એવું છે…

વરસાદની મજા જ અલગ. આમ તો બધી ઋતુઓ પાસે આગવો અદકેરો વૈભવ છે જ, પણ વરસાદના ખિસ્સામાંથી જે વૈભવ છલકાય છે, એ તો કદાચ વસંતનેય દોહ્યલો થઈ પડે. વસંતઋતુ ઓઝપાઈ ગયેલી દુનિયાને અવનવા રંગો અને સુગંધોથી માલેતુજાર કરે, પણ વરસાદ તો દુનિયા આખીનો ફેસ-લિફ્ટ જ કરી દે! વસંત તો વૃક્ષો અને માનવીના મનને અડે, પણ વરસાદ તો ધરતીના કણેકણને નવપલ્લવિત કરી દે. માટે જ દુનિયાભરના કવિઓ અનાદિકાળથી વરસાદના ગીતો ગાતા આવ્યા છે અને ગાતા રહેશે. આજે આપણે આવા જ એક ગીતના અમીછાંટણાંમાં સરાબોળ ભીંજાઈએ, ચાલો…

ઉષા ઉપાધ્યાય આપણી ભાષાના જાણીતા સર્જક છે. ગદ્ય-પદ્યકાર, અનુવાદક, વિવેચક, પ્રાધ્યાપક હોવા ઉપરાંત તેઓ ગુજરાતી સાહિત્ય સંવર્ધન અને ખાસ તો ‘જૂઈમેળા’ અન્વયે સ્ત્રીસર્જકોની સંવેદનાઓને સંકોરવા તથા મંચ પૂરો પાડવાના ભગીરથ કાર્યમાં સદૈવ રત રહે છે. પ્રસ્તુત રચના ‘નભ વચ્ચે આ કયો ખલાસી!’ને કદાચ એમની સિગ્નેચર પોયમ પણ કહી શકાય.

રચનારીતિએ આ ગીત છે, પણ મુખબંધમાં જેને દોઢ વાળવી કહે છે એ કવયિત્રીએ વાળી નથી. મતલબ, સામાન્યતઃ અન્યોન્ય સાથે પ્રાસ મેળવતી દોઢ કે બે પંક્તિના સ્થાને અહીં એક જ પંક્તિ છે. પહેલી પંક્તિ ગીતને ઉપાડ આપે અને બીજી પંક્તિ એને ટેકો આપીને ભાવાનુભૂતિના આકાશમાં વધુ ઊંચે લઈ જાય એવી પ્રથાથી ટેવાયેલા ભાવકને એક પંક્તિના મુખડામાં અધૂરપ લાગી શકે, પણ ગીતનો ઉપાડ એવો સશક્ત છે કે અધૂરપ મધુરપ બનીને લોહીમાં ક્યારે ભળી ગઈ એ કળી શકાતું નથી. ગીતના લક્ષણો વર્ણવતાં ભગીરથ બ્રહ્મભટ્ટે જાણે કે એમના માટે જ લખ્યું છે: ‘ગીતનો ઉપાડ આકર્ષક હોય છે. ગીતકાર એક કુતૂહલ પ્રગટાવે છે. વાચકને વશ કરી દે એવી પંક્તિ યોજી, ગીતની અડધી સફળતા સિદ્ધ કરે છે.’ કવયિત્રીને એક પંક્તિનું મુખબંધનિયોજન વધુ અનુકૂળ હોવાનું જણાય છે. ‘આવ સખી, મોસમના પહેલા વરસાદમાં…’, ‘મૂળથી ઉખડી જઈએ એવો સાદ કરો ના અમને…’, ‘અલ્લડ તારી આંખ કહે છે ચાલ લે ભેરુ સંતાકૂકડી રમીએ’, ‘કા’ન વસે તું દૂર દેશ કે સાવ અમારી પાસે’, ‘અધમધ રાતે જીવ અભાગી શાને છાનું રડતો? –આ તમામ એમના ગીતોના એકપંક્તિય ઉપાડ છે. પારંપારિક મુખબંધવાળાં ગીતો પણ સર્જક કનેથી મળે જ છે. પણ એક પંક્તિના ધ્રુવપદ એમનો વિશેષ છે. પ્રમાદ ઓછો અને કૌશલ્ય વધુ લાગે એવી બાહોશ આ વિધા છે. બીજું, આપણી ગીતરચનાઓમાં સામાન્યતઃ બંધ અથવા અંતરો પણ અંત્યાનુપ્રાસ ધરાવતી બે કડીનો હોય છે. એ પછીની ત્રીજી યાને પૂરકપંક્તિ (ક્રોસલાઇન) ધ્રુવપદના પ્રાસ સાથે પ્રાસ મેળવીને ગીતના એક ખંડકને પૂર્ણ કરે છે. પણ જે રીતે આ ગીતે એક કડીના મુખબંધ વડે રુઢિગત ગીતોથી અલગ ચોકો ચાતર્યો છે, એ જ રીતે અંતરો પણ પરસ્પર પ્રાસ મેળવતી બેના સ્થાને ત્રણ કડીઓનો છે અને પૂરકપંક્તિનો સદંતર અભાવ છે.

આવા આ ઉફરા ગીતના ઉપાડનો પૂર્વાર્ધ ગીતનું શીર્ષક પણ છે. ‘નભ વચ્ચે આ કયો ખલાસી જળની જાળ ગૂંથે છે?!’ -એ પ્રશ્નથી કાવ્યારંભ થાય છે. બે ઘડી અટકી જવું પડે એવું આ મુખબંધ છે. ‘જળની જાળ’ વાંચતાવેંત આપણને ફાંસી લે છે. આગળ જતાં ફોડ પડે એ પહેલાં જ વરસાદ આપણને ભીંજવવા માંડે છે. વળી, અષ્ટકલનો લય પણ એકધારું વરસતા વરસાદ જેવો મજાનો થયો છે. સામાન્યતઃ ખલાસી કિનારે બેસીને જાળ ગૂંથે અને પાણીમધ્યે જઈને ફેંકે. પણ આ ખલાસી આકાશની વચ્ચે બેસીને જાળ ગૂંથી રહ્યો છે. નાની અમથી પંક્તિમાં આ અરુઢ વાત અને જળની જાળ જેવા અનૂઠા કલ્પનના કારણે અદભુત કવિતા હાથ ચડી હોવાનો અંદાજ આપણને આવી જાય છે. કવિએ સવાલ કર્યો જ છે પણ આ ખલાસી ‘કયો’ હોઈ શકે એ તરત સમજી શકાય છે. આકાશમાંથી વરસતો વરસાદ ઈશ્વરે ગૂંથેલી જળની જાળ હોવાનું રૂપક મનહર થયું છે.

જળ સાથે રમવાનું સર્જકને આમેય વિશેષ ગમતું જણાય છે. ‘સોમલ’ ગીતમાં એમનું જળ ‘મૂંઝાય’ પણ છે, અને ‘કંતાય’ પણ છે: ‘જળના તરાપાને જળમાં ઝૂલવતા એ વાયરાનું ગામ ક્યાં શોધવું?’ એમની ‘જળની માયા’ પણ જોવા જેવી છે: ‘કૂંપળ-શી કોળું ને મ્હોરું મારા રંગલાલ, સાચુકલા મેઘ બની વરસો મારા રંગલાલ.’ જે સર્જકને ‘વાદળ વરસે ને કહે ઘરમાં તું કેમ છે,’ એ સર્જકને મન તો વરસાદની મોસમ એટલે ‘મોસમ આવી છે સવા લાખની, હવે છત્રી સંકેલ તારા કામની’ – આજ અભિવ્યક્તિ હોય ને! વળી કહે છે: ‘કોઈ આંખમાં જળની ઝીણી ઝૂલ જોઈ ને ફળી જાતરા’

જળનાં જંતર રાગ કયો દિન-રાત છેડતાં?
પૂછી લીધું કોઈ પંખીને ને ફળી જાતરા.

જળનું જંતર વગાડતાં ને જળની ઝૂલ જોતાંમાં જાતરા ફળી હોવાનું અનુભવતાં સર્જક પાસેથી જ જળની જાળ જેવું મજાનું ગીત મળી શકે. ટાપુ પ્રદેશોના કાંઠાઓને બાદ કરીએ તો ભારતનો દરિયાકિનારો લગભગ ૫૪૦૦ કિલોમીટર લાંબો અને બધા રાજ્યોમાં સૌથી લાંબો દરિયાકાંઠો આપણા ગુજરાતનો. ૧૬૦૦ કિલોમીટર યાને દેશના કુલ કાંઠાનો લગભગ ત્રીસ ટકા દરિયો માત્ર આપણી પાસે છે. કચ્છથી લઈને તળગુજરાત સુધી દરિયાના મોજાંઓ જેના પગ સતત પખાળતાં રહે છે એવા ગુજરાત પાસેથી દરિયાના ગીતો તો અનેક મળી રહે છે, પણ ખલાસીઓ કે માછીમારોના ગીત પ્રમાણમાં જૂજ જ જડે છે. પ્રસ્તુત રચના આ વિષયક તમામ ગીતોમાં શિરમોર સિદ્ધ થાય એવી છે. આકાશના વિશાળ ભૂરા સમુદ્રની વચ્ચોવચ્ચ અડિંગો જમાવીને બેઠેલો ખલાસી જળની જાળ ગૂંથી રહ્યો છે. કામ પતતા ઊભા થતાવેંત એ ખેસ ખંખેરે છે. બહુ નાની અમસ્તી ચેષ્ટા છે પણ કવયિત્રીના વિચક્ષણ અવલોકનની એ દ્યોતક છે. કામ પતે એટલે માણસ ‘બેઠાંનો થાક’ ઉતારવા ઊભો થાય અને ખલાસી હોય એટલે ખભે સહેજે ખેસ હોવાનો અને ખેસ હોય એટલે એને ખંખેરવાની આદત પણ હોવાની જ. ખલાસીના સ્વભાવગત લક્ષણના સૂક્ષ્માલેખનના કારણે આખું ચિત્ર તાદૃશ થાય છે. આ કવિનો કમાલ છે. વળી ‘ખેસ ખંખેરવો’ રુઢિપ્રયોગનો એક અર્થ કોઈ જવાબદારીમાંથી મુક્ત થવું એવો પણ થાય છે. આપણો ખલાસી પણ જળની જાળ ગૂંથવાની જવાબદારીથી હમણાં જ છૂટ્યો હોવાથી અહીં આ અર્થ પણ પ્રસ્તુત જ ગણાય. બરાબર ને?

ખલાસીના ઊભા થઈ હટવાની વાર જ ન જોતું હોય એમ પળવારમાં તો આકાશ ગોરંભે ચડે છે અને વાદળોનું જંગલ એને ઘેરી વળે છે. આભમાંથી ફર-ફર ફર-ફર ફોરાં વરસવા માંડે છે. અષ્ટકલના લય સાથે ફર-ફરની પુનરુક્તિ અને નભ-ઘન-વનના ‘ન’ અને ફર-ફર-ફર-ફર-ફોરાંના ‘ફ’ની વર્ણસગાઈના કારણે વરસાદ રીતસર પડતો અનુભવાય છે. જાળ ગૂંથવાની પ્રક્રિયા દરમિયાન જાળ કાતરતાં જે કતરણ પડી હોય એ ખલાસીના શરીર અને ખેસ પર પણ ચોંટી જ હોય. ઊભા થતાં ખેસ ખંખેરવાની સાથે કતરણ ખેરવવાની ખલાસીની સહજ ચેષ્ટાને કવિતામાં વણી લઈને સર્જક ચિત્ર સંપૂર્ણ બનાવે છે.

વરસાદ આભેથી ત્રમઝૂટ વરસતો હોય ત્યારે બીજું કશું સાફ જોવાનું શક્ય બનતું નથી. આભેથી અનવરત વરસતાં ધોધમાર વરસાદના કારણે આંખ સામે રચાતાં દૃશ્યને કવયિત્રી માછીમારની જાળ સાથે સરખાવે છે, એ ઉપમા કેવી યથોચિત છે! જાળના ઢગલામાં ગૂંચવાયેલા સફેદ તાંતણાંઓ અને આકાશેથી ત્રમઝૂટ વરસતો વરસાદ-બંનેમાં કેટલી દ્રાશ્યિક સમાનતા છે! ખલાસી કે માછીમાર માટે પ્રયોજાયેલ ધીવર સંજ્ઞા ધ્યાન બહાર ન રહી જાય, એ જોજો. પ્રાચીન જૈન ‘આનંદકાવ્યમહોદધિ’માં આ શબ્દ પ્રયોગ બહુ સરસ રીતે કરાયો છે: ‘તે મચ્છ ધીવરે કાઢીઓ, જાણી ભાર વિશેષ રે.’ આમ તો ધીવર સમાજની હાજરી સમગ્ર ભારતમાં છે પણ ચલણમાંથી આ શબ્દ ધીમેધીમે ઘસાઈ રહ્યો છે, અને ઘસાતા સિક્કાને નવો ચળકાટ આપવાનું કામ તો કવિનું જ ને?!

ધીવર એની જાળને ફંગોળીને, ફેલાવીને નાંખે છે. ખલાસી જાળ નાંખીને માછલીને પોતાના તરફ ખેંચી લે એ ઉપલક્ષે આભમાં ઊભેલો ‘કોઈ’ ખલાસી જળની જાળ ફેલાવીને નાંખે અને આખી પૃથ્વીને પોતાના તરફ ખેંચી લેવા માંગતો હોય એ કલ્પન કેવું પ્રબળતમ થયું છે! કવયિત્રીને અભિપ્રેત હોય કે ન હોય, પણ પૃથ્વી માટે મહામત્સ્ય વિશેષણ વાંચતાં જ મત્સ્યાવતાર યાદ આવે. અંજલિમાં ભૂલથી (!) આવી ગયેલી માછલીની વિજ્ઞપ્તિને માન આપીને મનુ મહારાજે કમંડળમાં મૂકી, પણ માછલી તો દિન દૂની રાત ચોગુની વધતી ગઈ અને અંતે સાગરના જળચરોથી બચાવેલી નાનકડી માછલીને મહામત્સ્ય બન્યા બાદ સાગરમાં જ છોડવી પડી. એ મહામત્સ્યે પ્રલયમાંથી સૃષ્ટિના નિર્વાહ્ય માટે અનિવાર્ય સચરાચરને ઉગાર્યાં એ વાતની સ્મૃતિ થયા વિના રહેતી નથી. અહીં, બારે મેઘ ખાંડા થઈને ધરતીને જળતરબોળ કરી નાંખવા નીકળ્યા હોય એ દૃશ્ય સર્જકે કલમના એકાદ-બે લસરકામાં જ આબાદ ઉપસાવ્યું છે. વરસાદનું જોર જોઈને તો એમ જ લાગે કે પલકવારમાં આભ અને ધરતી જળબંબાકાર થઈ એક થઈ જશે. બંને બંધમાં કવયિત્રીએ ‘પલક’ શબ્દપ્રયોગ કર્યો છે. સમયના નાનામાં નાના એકમની સામે સમગ્ર સૃષ્ટિને અડોઅડ મૂકવાનો આ વિરોધાભાસ વામનના પગલાં જેવો અસરદાર પ્રતીત થાય છે.

વળી, બે અંતરા વચ્ચે વરસાદનું બદલાયેલું સ્વરૂપ પણ ચૂકવા જેવું નથી. પ્રથમ અંતરામાં જાળ ગૂંથાઈ રહી/ચૂકી છે અને વરસાદ ફર-ફર ફર-ફર ફોરાં થઈને વરસે છે, જ્યારે બીજા બંધમાં માછીમાર માછલીને ફાંસવા જાળ ફંગોળી ફેલાવીને નાંખે છે. એટલે વરસાદની ગતિ પણ અચાનક વધી જાય છે. ફોરાં ત્રમઝૂટમાં પરિણમે છે. સરવાળે, ધરાનું મત્સ્ય તો જળની જાળમાં ફસાતાં ફસાશે, આપણે અવશ્ય આ વરસાદમાં બંધાઈ જઈએ છીએ. એકધારા વરસતા વરસાદની જેમ અનવરુદ્ધ લય સાથે છમ્…છમ્… નાચતું આ ગીત ગાયા વિના વાંચવું અશક્ય છે. જળની જાળનો પ્રયોગ જેટલો અપૂર્વ છે એટલું જ મનહર છે માછીમારની પરિભાષામાં રચાયેલું આ ગીત… વધુ પિષ્ટપેષણ કરવા કરતાં એને એમ જ વરસવા દેવું પડે. છત્રી-રેઈનકોટ ફેંકીને આવ્યા છો ને?!

અને અંતે એમની એક વરસાદી ગઝલ સાથે સમાપન કરીએ. આ ગીતનુમા ગઝલનો લય એટલો પ્રબળ છે કે છત્રી વિના સાંબેલાધાર વરસાદમાં ભીંજાયાની અનુભૂતિ થયા વિના નહીં રહે. જળબિલ્લોરી જેવો નવો જ શબ્દ રદીફ તરીકે ‘કૉઈન’ કર્યા પછી કવયિત્રી એને પૂરી પ્રામાણિક્તાથી નિભાવી શક્યા છે અને એટલે જ આ ગઝલ આસ્વાદ્ય બની રહે છે. જુઓ:

આકાશી આંબાને આવ્યો મૉર અને છે જળબિલ્લોરી,
ચાંદની આંખોમાં છલક્યો તૉર અને છે જળબિલ્લોરી.

આ વાદળનાં પાનાં ખોલી કોણ પઢાવે અમને નિશદિન,
ઠોઠ નિશાળી ફોરાં કરતાં શોર અને છે જળબિલ્લોરી.

ઘનઘોર ઘટાના મેળામાં જ્યાં વાગી ઢોલે થાપ જરી, કે-
આકાશી નટ રમતો બીજલ દોર અને છે જળબિલ્લોરી.

ધરતીના ખાંડણિયે નભની નાર કયું આ ધાન છડે છે !
ઝીંકાતા આ સાંબેલાનું જોર અને છે જળબિલ્લોરી.

વરસાદે ભીંજાતાં – ન્હાતાં છોરાં શો કલશોર મચાવે,
કે ન્હાવા આવે તડકો થૈને ચોર અને છે જળબિલ્લોરી.

સોમલ – ઉષા ઉપાધ્યાય

સ્વર અને સ્વરાંકન : નમ્રતા શોધન

.

દરિયાના થોક થોક ઉછળતાં મોજામાં
તરફડતું કોણ આજ આટલું ?
સૂરજના સોનાની નથણી પહેરાવીને
સોમલ ઘૂંટે કોણ આટલું ?

જળ રે મૂંઝાય
એનો લહેરો ઝંખવાય
એના ભીતરમાં મોરેલી ચાંદની રેલાય

જળના તરાપા ને જળમાં ઝુલાવતાં
એ વાયરાનું ગામ ક્યાં શોધવું?
વાસંતી સૂરોની વેણી ઘુથીને હવે
મૌનને ઘૂંટે કોણ આટલું?

જળ રે કંતાય ,એના મોતી નંદવાય
એના ભીતરમાં ફૂટેલી પાંખો કપાય

દરિયાના થોક થોક પછડાતાં મોજામાં
રવરવતું કોણ આજ આટલું ?
તરફડતું કોણ આજ આટલું ?
સૂરજના સોનાની નથણી પહેરાવીને
સોમલ ઘૂંટે કોણ આટલું ?
– ઉષા ઉપાધ્યાય

ઉપાલંભ – ઉષા ઉપાધ્યાય

સ્વર : અપેક્ષા ભટ્ટ
સ્વરાંકન : વિજય ભટ્ટ
સંકલન : પારુલ ખખ્ખર

કવયિત્રી ઉષા ઉપાધ્યાયના ગીતનું સુંદર સ્વરાંકન સંધ્યા વિજય ભટ્ટે કર્યું અને મધુર સ્વર તેજસ્વી યુવા ગાયક અપેક્ષા ભટ્ટે આપ્યો, નયનરમ્ય તસ્વીર સંકલન કર્યું છે કવયિત્રી પારુલ ખખ્ખરે.

.

પહેલા આંખો આપો પછી પાંખો આપો
ને પછી છીનવી લો આખ્ખું આકાશ,
રે! તમને ગમતા શું આટલાં પલાશ!

કોરી હથેળીઓમાં મહેંદી મૂકીને પછી
ઘેરી લો થઈને વંટોળ,
આષાઢી મેઘ થઈ એવું વરસો, ને કહો
કરશો મા અમથા અંઘોળ!

પહેલા તડકો આપો, પછી ખીલવું આપો
ને પછી છીનવી લો સઘળી સુવાસ,
રે! તમને ગમતા શું આટલાં પલાશ!

ગોરી પગપાનીને ઝાંઝર આપીને કહો કાનમાં પડી છે કેવી ધાક!
ગિરનારી ઝરણામાં ઝલમલ તરો, ને કહો સૂરજના ટોળાંને હાંક!
પહેલા પાણી આપો, પછી વહેવું આપો
ને પછી છીનવી લો કાંઠાનો સાથ,
રે! તમને ગમતા શું આટલાં પલાશ!
-ઉષા ઉપાધ્યાય