Category Archives: નરેન્દ્ર મોદી

પાનખરનાં હૈયામાં ટહુકે વસંત – નરેન્દ્ર મોદી

સ્વરઃ પાર્થિવ ગોહિલ

.

અંતમાં આરંભ અને આરંભમાં અંત
પાનખરનાં હૈયામાં ટહુકે વસંત

સોળ વર્ષની વય, ક્યાંક કોયલનો લય
કેસૂડાંનો કોના પર ઉછળે પ્રણય?
ભલે લાગે છે રંક પણ ભીતર શ્રીમંત
પાનખરનાં હૈયામાં ટહુકે વસંત

આજે તો વનમાં કોનાં વિવા?
એક એક વૃક્ષમાં પ્રગટે દીવા!
આશીર્વાદ આપવા આવે છે સંત
પાનખરનાં હૈયામાં ટહુકે વસંત
-નરેન્દ્ર મોદી

હું પડકાર ઝીલનારો માણસ છું – નરેન્દ્ર મોદી

પ્રારબ્ધને અહીંયાં ગાંઠે કોણ ?
હું પડકાર ઝીલનારો માણસ છું.

હું તેજ ઉછીનું લઉં નહીં
હું જાતે બળતું ફાનસ છું.
ઝળાંહળાંનો મોહતાજ નથી
મને મારું અજવાળું પૂરતું છે;

અંધારાના વમળને કાપે
કમળ તેજ તો સ્ફુરતું છે
ધુમ્મસમાં મને રસ નથી
હું ખુલ્લો અને નિખાલસ છું;

પ્રારબ્ધને અહીંયાં ગાઠે કોણ ?
હું પડકાર ઝીલનારો માણસ છું.

કુંડળીને વળગવું ગમે નહીં
ને ગ્રહો કને શિર નમે નહીં
કાયરોની શતરંજ પર જીવ
સોગઠાંબાજી રમે નહીં.

હું પોતે જ મારો વંશજ છું
હું પોતે મારો વારસ છું.
પ્રારબ્ધને અહીંયાં ગાંઠે કોણ ?
હું પડકાર ઝીલનારો માણસ છું.

– નરેન્દ્ર મોદી