Category Archives: કાવ્યપ્રકાર

ખ્વાબ આપીને – મરીઝ

ન આવે નીંદ ગયા એવું ખ્વાબ આપીને,
ગગન ન રહેવા દીધું આફતાબ આપીને.

અમારા પ્રેમના પત્રોની લાજ રહી જાયે,
તમે ભલાઈ ન કરજો જવાબ આપીને.

આ પથ્થરોમાં તું રઝળાવે છે મને ઓ ખુદા!
ને મારા હાથમાં એક ફૂલછાબ આપીને.

મજા નથી છતાં પીધા વિના નહિ ચાલે,
તરસ વધારી દીધી છે શરાબ આપીને.

છે તેથી મારી હરેક વાતમાં પરેશાની,
પવિત્ર દિલ દીધું જીવન ખરાબ આપીને.

પ્રભુએ વાહ રે કેવો આ રંગ જમાવ્યો છે,
ગુલાબી દિલને ન એક પણ ગુલાબ આપીને.

છે એક મશ્કરી એની કુરાન હો કે ગીતા,
સમય ન વાંચવાનો દે કિતાબ આપીને.

હવે કશો જ કયામતનો ડર રહ્યો ન ‘મરીઝ’
હું જઈ રહ્યો છું જગતને હિસાબ આપીને.

-મરીઝ

ટીંગાટોળી….. ટીંગાટોળી – વિહાર મજમુદાર

આ ગીત સાથે મુકવા માટે ટીંગાટોળીનો એક ફોટો ગૂગલ કરી જોયો – પણ એમ કંઇ ૧૦૦% ગુજરાતી શબ્દનું ભાષાંતર કરીને ચાલતું હશે?  મને તો એક પણ ફોટો ના મળ્યો…! તમારી પાસે એવો કોઇ – બાળકને ટીંગાટોળી કરતો ફોટો હોય તો મોકલશો? (અથવા તો ફોટો પડાવવા માટે કોઇની ટીંગાટોળી કરી લ્યો..! એ પણ દોડશે..!! 🙂

Upate : લો.. એક ફોટો તો એક ટહુકો-મિત્ર તરફથી મળી ગયો..! તમારે પણ કોઇ ફોટો મોકલવો હોય તો મોકલી દ્યો..! આજની પોસ્ટમાં એક થી વધુ ફોટા હશે તો ગીત સાંભળવાની વધુ મઝા આવશે..!

ટીંગાટોળી...

*****

શબ્દ- સ્વરાંકન : વિહાર મજમુદાર
સંગીત: અમીત ઠક્કર
સ્વર: માનસી, પરીધિ, ઉર્જા

ટીંગાટોળી…………… ટીંગાટોળી.
મમ્મી ને પપ્પાએ ઝાલી રેશમ જેવી ઝોળી
ટીંગાટોળી………….. ટીંગાટોળી.

સવાર પડતાં સૂરજદાદા સામે આવી ઉભા
તડકા સાથે મસ્તી કરતાં હળવે મારૂં ગુબ્બા
મસ્તી કરતાં ભૂખ લાગી – ખાવી ચાંદાપોળી
ટીંગાટોળી………… ટીંગાટોળી.

ચાંદાપોળી ખાતાં ખાતાં નીંદર આવી આઁખે
માને ખોળે સૂઈને ઉડું હું સપનાની પાંખે
મારે સપને ઉડતી આવી સો સો પરીઓની ટોળી
ટીંગાટોળી………. ટીંગાટોળી.

આઁખ ઉઘાડી જોયું ત્યાં તો મમ્મી પપ્પા ગૂમ
આજુ બાજુ જોતાંજોતાં પાડી ત્યાં મેં બૂમ !!!
‘ચાલ આપણે રમીએ સાથે’ જો ! બોલી એક ખિસકોલી
ટીંગાટોળી. …….. ટીંગાટોળી.

આપણી તો આટલી છે વારતા – હિમલ પંડ્યા “પાર્થ”

સ્વર – ડો. ભાવના મહેતા
સ્વરકાર -પ્રણવ મહેતા
સંગીત સંચાલન – નીરવ પંડ્યા, જ્વલંત ભટ્ટ
રેકોર્ડીંગ – સુનીલ પંડ્યા

જીતવા જેવું બધુંયે હારતા,
આપણી તો આટલી છે વારતા!

ઝાંઝવામાં સ્વપ્ન કેરી નાવને,
લઇ હલેસાં આશના હંકારતા;

રોજ તારી યાદ આવી જાય છે,
એક જૂના જખ્મને સંભારતા!

તુજ થકી આ મેળવેલાં દર્દને,
શબ્દકેરું રૂપ દઈ શણગારતા;

‘પાર્થ’ કોઈ રાહ તો ચીંધે હવે;
ખૂબ ચાલ્યા વ્યર્થ ફાંફા મારતા!

– હિમલ પંડ્યા “પાર્થ”
(ઓડિયો આલ્બમ ‘એવું લખ હવે’ માંની ગઝલ રચના)

તારા નામનો દીવો ધરું – ગુંજન ગાંધી

એકદમ અંધારપટની વાત માંડીને કરું
ને પછી ધીરેથી તારા નામનો દીવો ધરું.

આંગળી લઈ જાય ત્યાં ચાલ્યા જવું, પકડી કલમ
જે કર્યું ખોટું બધું કંઈ એ ય થઈ જાશે ખરું.

કેટલા ખાબોચિયામાં દરવખત ડુબ્યા પછી,
એમ કે પહોંચી જવાશે, લાવ ને દરિયો તરું.

સ્પર્શની વહેતી નદીને રોકવા મથતો રહુ ,
ટેરવે તોફાન ફંફોસી અને પાછો ફરું.

રક્તથી ચાલે હૃદય પણ એટલું પૂરતું નથી,
લાવ ધમનીમાં હવે ચિક્કાર હું શાહી ભરું.

– ગુંજન ગાંધી

(આભાર – ગુંજારવ)

ટચલી આંગલડીનો નખ – વિનોદ જોશી

અમિતના પ્રિય કવિ શ્રી વિનોદ જોશીનું આ મઝાનું ગીત આજે માણીએ – અમિતની ખાસ ફરમાઇશ પર..!! Happy Bithday અમિત..!! 🙂

 

 સ્વર – નિશા ઉપાધ્યાય
સ્વરાંકન – ?

ટચલી આંગલડીનો નખ
લટમાં પરોવી હું તો બેઠી, સજન!
મુંને એકવાર કાગળ તો લખ.

કૂંપણ ગોતું ને જડે ઝાકળનું ઝૂમખું,
વ્હાલમજી બોલ, એવા અંજળનું નામ શું?
ચૂમી ચૂમીને કરી એંઠી, સજન!
હવે લૂછી દે પાંપણનાં દખ.

છાતીમાં સૂનમૂન પાળ્યાં રે પારેવડાં,
પાતળિયા પૂછ, એના પડછાયા કેવડા?
છાલક ના જાય જરી વેઠી, સજન!
મુંને ઘોળી દે ઘૂઘવતાં વખ.

– વિનોદ જોશી

(આભાર – layastaro.com)

મૃગજળની મિત્રતા – મનોજ ખંડેરિયા

(ઝાકળની મિત્રતા…  Mystery Spot, CA – Nov 2011)

*****

શબ્દોની મિત્રતા અને કાગળની મિત્રતા,
એકાંતે મ્હોરનારી આ હરપળની મિત્રતા.

આ હાંફ-તરફડાટ-તૃષા-થાક-ને તડપ-
કેવી રહી પૂછો નહીં મૃગજળની મિત્રતા.

પ્હેરણથી માત્ર રાખ્યું ન સગપણ ઉપરછલું,
માણી છે એની મેલી સળેસળની મિત્રતા.

આંસુથી રાખ કે પછી દરિયાથી રાખ તું,
ડુબાડી દેશે કોઇ દિવસ જળની મિત્રતા.

ચિરકાળ એની છાપ ફૂલો પર છવાઈ ગઈ,
નહીં તો રહી’તી બે ઘડી ઝાકળની મિત્રતા.

હરજન્મ બંધ દ્વારને ખખડાવતી રહી,
કેવી અતૂટ હાથ ને સાંકળની મિત્રતા.

આદિલ-અનિલ-રમેશ કે લા.ઠા. ચિનુની સંગ
કાયમની લીલી ગૂંજતા કાગળની મિત્રતા.

– મનોજ ખંડેરિયા

રેડિયો 20: બાળગીતો

 

ગઇકાલે ૧૪મી નવેમ્બર એટલે વ્હાલા સ્વયમ્ નો જન્મદિવસ… અને સાથે બાળદિન પણ..!! તો સ્વયમ્ ને ખૂબ ખૂબ વ્હાલ સાથે Happy Birthday..! 🙂 અને આપની અંદર હજુ પણ રહેતા બાળકને બાળદિનની શુભેચ્છાઓ સાથે માણીએ થોડા બાળગીતો..!!

મારુ બચપણ ખોવાયું (પાંચીકા રમતી’તી..) – મુકેશ જોષી

જુન ૨૦૦૭થી ટહુકો પર ઝરણા વ્યાસના અવાજ ટહુકતું આ ગીત – આજે સ્વરોત્તમ પુરુષોત્તમ ઉપાધ્યાયના સ્વર – સ્વરાંકન સાથે ફરી એક વાર…!!

______________________
Posted on June 15 :

આ ગીત માટે મનિષભાઇનો ખાસ આભાર માનવો જ પડે. એમણે રેડિયો પરથી રેકોર્ડ થયેલું અડધું ગીત મોકલ્યું, અને એ એટલું ગમ્યું કે આખું ગીત શોધવું જ પડ્યું. ફક્ત શબ્દો સાથે પહેલા રજુ થયેલ ગીત, આજે સ્વર સંગીત સાથે ફરીથી એકવાર. ગીતમાં રહેલ કરુણભાવ ગાયિકાએ આબાદ રીતે ઉજાગર કર્યો છે.
નાની ઉંમરે પરણેલી છોકરીની વ્યથા આ ગીતમાં કવિએ ખુબ ભાવાત્મક રીતે રજુ કરી છે… ‘લીલીછમ મ્હોરવાની આશામાં ઉગેલી કુંપણ તોડાઇ એક તાજી’… બસ આટલા જ શબ્દો આ ગીત વિશે ઘણું ઘણું કહી જાય છે…

સ્વર : ઝરણા વ્યાસ
સંગીત : દક્ષેશ ધ્રુવ
rajput_bride_PI08_l

.

પાંચીકા રમતી’તી, દોરડાઓ કુદતી’તી
ઝુલતી’તી આંબાની ડાળે
ગામને પાદરે જાન એક આવી
ને મારુ બચપણ ખોવાયુ એ જ દા’ડે

મધમીઠા મહુડાના ઝાડ તળે બેસીને
લખતી’તી દાદાને ચીઠ્ઠી
લખવાનું લિખિતંગ બાકી હતું ને
મારે અંગે ચોળાઇ ગઇ પીઠી

આંગણામા ઓકળિયું પાડતા બે હાથ…..
લાલ છાપાઓ ભીંત ઉપર પાડે
હે મારુ બચપણ ખોવાયુ એ જ દા’ડે

પાનેતર પહેરીને પંખી ઉદાસ,
છતાં મલકાતા મામા ને કાકી
બાપુના હુક્કામાં તંબાકુ ભરવાનુ,
મને કહેવાનું હતુ બાકી,

પાણીડા ભરતી એ ગામની નદી,
જઇ બાપુના ચશ્મા પલાળે
હે મારુ બચપણ ખોવાયુ એ જ દા’ડે

ઢોલ અને શરણાઇ શેરીમાં વાગીયા
અને ગામ મને પરણાવી રાજી
લીલીછમ મ્હોરવાની આશામાં ઉગેલી
કુંપણ તોડાઇ એક તાજી

ગોરમાને પાંચ પાંચ વર્ષોથી પૂજ્યા
ને ગોરમા જ નાવને ડુબાડે
હે મારુ બચપણ ખોવાયુ એ જ દા’ડે

એ જિંદગી – ઉશનસ્

કવિ શ્રી ઉશનસ્ હવે આપણી વચ્ચે નથી રહ્યા. એમને યાદ કરી આ કવિતા સાથે એમને શ્રધ્ધાંજલી અર્પણ.


(આભાર – ગુજરાતી સાહિત્ય પરિષદ)

 ****

આ તરફ ઉન્મત્ત ધ્વજ ફરકાવતું સરઘસ જતું;
-ના તે નહીં,
એ તરફથી ડાઘુજન ગમગીન ચહેરે આવતું;
– તે યે નહીં.
રસ્તા વિશે એ બે ય ધારા જ્યાં મળે,
તે મેદની છે જિંદગી.

ભરતી વિષે ઉભરાય ખાડી, ખાંજણો યે આકળી;
-ના તે નહીં,
ને ઓટમાં એ હાડપિંજરની ગણી લો પાંસળી યે પાંસળી,
– તે યે નહીં
ઓટ ને ભરતી ઉભય સંધાય જે ક્ષણ;
તે સમુંદર જિંદગી.

ફૂલના જેવું વસંતલ સ્મિત ખીલે જે શૈશવે;
-ના તે નહીં,
ને અષાઢી મેઘ જેવી આંખડી સંતત રુવે,
– તે યે નહીં..
હર આહ કૈં મલકી જતી, હર સ્મિત ભરતું ડૂસકું
તે સંધિક્ષણ છે જિંદગી.
 
-ઉશનસ્