ખ્વાબ આપીને – મરીઝ

ન આવે નીંદ ગયા એવું ખ્વાબ આપીને,
ગગન ન રહેવા દીધું આફતાબ આપીને.

અમારા પ્રેમના પત્રોની લાજ રહી જાયે,
તમે ભલાઈ ન કરજો જવાબ આપીને.

આ પથ્થરોમાં તું રઝળાવે છે મને ઓ ખુદા!
ને મારા હાથમાં એક ફૂલછાબ આપીને.

મજા નથી છતાં પીધા વિના નહિ ચાલે,
તરસ વધારી દીધી છે શરાબ આપીને.

છે તેથી મારી હરેક વાતમાં પરેશાની,
પવિત્ર દિલ દીધું જીવન ખરાબ આપીને.

પ્રભુએ વાહ રે કેવો આ રંગ જમાવ્યો છે,
ગુલાબી દિલને ન એક પણ ગુલાબ આપીને.

છે એક મશ્કરી એની કુરાન હો કે ગીતા,
સમય ન વાંચવાનો દે કિતાબ આપીને.

હવે કશો જ કયામતનો ડર રહ્યો ન ‘મરીઝ’
હું જઈ રહ્યો છું જગતને હિસાબ આપીને.

-મરીઝ

5 replies on “ખ્વાબ આપીને – મરીઝ”

  1. અમારા પ્રેમના પત્રોની લાજ રહી જાયે,
    તમે ભલાઈ ન કરજો જવાબ આપીને……!!!!

    • શ્રી વિવેકભાઈ સાથે સહમત તો છું કે ખુબ સુન્દર પણ જનાબ સાથે મુલાકાત કરવાનુ બહાનુ મજા નથી છતાં પીધા વિના નહિ ચાલે,
      તરસ વધારી દીધી છે શરાબ આપીને…તે ન હોય તો સારું..જો કે ડોક્ટર સાહેબ છે ને પાછા કવિ પણ..!!

    • વાત તો સાચી.. મરીઝની ગઝલ અને ફક્ત ચાર શેર? લો.. આજે જનાબ સાથે મુલાકાત કરી – અને બાકીના ચાર શેર ઉપરની પોસ્ટમાં ઉમેરી લીધા..!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *