Category Archives: કાવ્યપ્રકાર

મોકલું – હનીફ સાહિલ

આંખોમાં તરવરે છે તે ભીનાશ મોકલું,
આ ખાલી ખાલી સાંજ ને આકાશ મોકલું.

તારા વગર હયાતીના કાચાં અધૂરા સ્વપ્ન,
રૂંવે રૂંવે ડસે છે તે એહસાસ મોકલું.

તુજને ગમે તો મોકલું ખાલીપણાના ફૂલ
અથવા વળાંકે ઊભેલો વિશ્વાસ મોકલું.

વાંચી તો કેમ શકશે તું શાહીની વેદના,
ઉકલી શકે તો લોહીનો અજવાસ મોકલું.

– હનીફ સાહિલ

ભલા માણસ – પ્રણવ પંડ્યા

શું કરવાને પીડાવાનું? શું કરવો ગમ ભલા માણસ,
સતત અંધારપટ પણ ક્યાં રહે કાયમ ભલા માણસ.

હવે નાહક જુએ છે અધખૂલેલી બારીઓ પાછળ,
તને તાકી રહ્યું એ છે ભ્રમ ભલા માણસ.

દીવાલો સાવ પોલી છે, કદી પડઘો નહીં પાડે,
કરી દે બંધ તારા સ્નેહની સરગમ ભલા માણસ.

ઘણી છે વાટ નાની ને દીવે દિવેલ પણ ઓછું,
ને તારા ભાગ્યમાં છે મેઘની મોસમ ભલા માણસ.

તું પ્રગટાવીને પોતાને ઉજાળી દે દિશા સઘળી,
તને વધતી જતી વેદનાના સમ ભલા માણસ.

– પ્રણવ પંડ્યા

ડર ન હેમંત – હેમંત પુણેકર

કાવ્ય પઠન – હેમંત પુણેકર

ડર ન હેમંત રીત બદલવામાં
બેધડક નામ લઈ લે મત્લામાં*

મંઝિલો જાય છોને ચૂલામાં
અમને ગોઠી ગયું છે રસ્તામાં

એને ભીંજાતી જોયા કરવાની
પાણીપાણી થવાનું વર્ષામાં

કંઈક કાંટાળી યાદો ભોંકાઈ
ફૂલ શો એક ચહેરો સ્મરવામાં

એ હકીકત હશે કે બીજુ કંઈ
સપનું આવે કદી જો સપનામાં!

– હેમંત પુણેકર

છંદવિધાનઃ ગાલગા ગાલગાલ ગાલલગા/ગાગાગા

*મત્લા -> ગઝલનો પ્રથમ શેર.
સામાન્યતઃ ગઝલના છેલ્લા શેર (મક્તામાં) કવિનું નામ આવે એવી પ્રથા છે.

******
(આભાર – હેમકાવ્યો)

ठुमक चलत रामचंद्र – તુલસીદાસ

આવો રામનવમી અને ભગવાન સ્વામિનારાયણ જયંતિ ઊજવતા આજે સાંભળીએ શ્રી તુલસીદાસનું પ્રખ્યાત અને અમારું મન-પસંદ ભજન….

સ્વર : લતા મંગેશકર

સ્વર : અનુપ જલોટા

ठुमक चलत रामचंद्र बाजत पैंजनियां….

किलकि किलकि उठत धाय
गिरत भूमि लटपटाय .
धाय मात गोद लेत
दशरथ की रनियां….

अंचल रज अंग झारि
विविध भांति सो दुलारि .
तन मन धन वारि वारि
कहत मृदु बचनियां….

विद्रुम से अरुण अधर
बोलत मुख मधुर मधुर .
सुभग नासिका में चारु
लटकत लटकनियां….

तुलसीदास अति आनंद
देख के मुखारविंद
रघुवर छबि के समान
रघुवर छबि बनियां….

– તુલસીદાસ

મુક્તકો – મનહરલાલ ચોક્સી

જીવન-ઉપાસનાની સદા ધૂન છે મને
હું જિંદગીનો એક નવો દૃષ્ટિકોણ છું
મારી વિચાર-જ્યોત મને માર્ગ આપશે
છું એકલવ્ય હું જ અને હું જ દ્રોણ છું

***

તમારો ઈશારો મને ઓળખે છે
કહું શું? બહારો મને ઓળખે છે
હ્રદયનું તમે દાન આપી ચૂક્યાં છો
તમારા વિચારો મને ઓળખે છે

***

પ્રણયનું દર્દ જ્યારે પહેલવહેલું દિલમાં પ્રગટ્યું’તું
તો લાગ્યું માનવીને આ બહુ કપરી મજલ આવી
રજૂ કરવા હ્રદયના દર્દને મથતો હતો એ તો
વહારે એટલે એની ગગન પરથી ગઝલ આવી

– મનહરલાલ ચોકસી

ખાવ ખોંખારો – અશરફ ડબાવાલા

પડે સામા જો ગઢના કાંગરા તો ખાવ ખોંખારો,
નડે તમને તમારા વાવટા તો ખાવ ખોંખારો.

તમારા બિંબને જોઈ શરમ આવે ભલે તમને;
તમારી લાજ કાઢે આયના તો ખાવ ખોંખારો.

તમે જે પાળિયાને પૂજતા હો એ જ બેઠો થૈ,
ધસે હથિયાર લૈને મારવા તો ખાવ ખોંખારો.

મરણ તો આવશે ઘોડે ચડીને જીવની પાસે;
કદી સંભળાય તમને ડાબલા તો ખાવ ખોંખારો.

જો તમને રોજની ઘટમાળમાં ડૂબેલ જોઈને,
જવા લાગે સ્મરણના કાફલા તો ખાવ ખોંખારો.

જગતના ટાંકણા સામે ખડક થૈને અડગ રે’જો,
મથે આકાર કોઈ આપવા તો ખાવ ખોંખારો.

તમે મૃતપ્રાય છો એવું ગણીને સ્નેહી ને મિત્રો
કબર ખોદીને મંડે દાટવા તો ખાવ ખોંખારો.

– અશરફ ડબાવાલા

મા તું પાવાની પટરાણી

સ્વર – ઉષા મંગેશકર અને વૃંદ
ગુજરાતી ફિલ્મ – મા કાળી પાવાવાળી

મા તું પાવાની પટરાણી ભવાનીમા કાળકા રે લોલ
મા તારે ડુંગરડે ચડવું તે અતિઘણું દોહ્યલું રે લોલ.

મા તારા મંડપના દર્શન રે કરવાં અતિ દોહ્લાલા રે લોલ
મા તારે ગામ ગરબે ગૂંજ ફરતે પૈદા થયો રે લોલ

મા તું પાવાની પટરાણી ભવાનીમા કાળકા રે લોલ
મા તારે કાંડે કંડલા જોડ રે ઝાંઝરી ઝગમગે રે લોલ
મા તારે અંગુઠ વીંછીંયા પાન રે ઘૂઘરી રણઝમે રે લોલ.

મા તારે દસે આંગળીયે વેઢ રે પહોંચા પરવળે રે લોલ
હે મા તારે શ્રવણ ઝબૂકે ઢાલ, કંઠે હાર શોભતા રે લોલ

મા તું પાવાની પટરાણી ભવાનીમા કાળકા રે લોલ
મા તારી ટીલડી તોઅલ લાખ રે સેંથે શોભતો રે લોલ
મા તારે નાકે નથેશ્વર ઊંચી કે શોભા બહુ બની રે લોલ

ગાણું અધૂરું મેલ મા – ઉમાશંકર જોશી

ગાણું અધૂરું મેલ મા,
‘લ્યા વાલમા,
ગાણું અધૂરું મેલ મા.

હૈયે આયેલું પાછું ઠેલ મા,
‘લ્યા વાલમા,
હોઠે આયેલું પાછું ઠેલ મા. ગાણું અધૂરું o

હૈયા સંગાથે ભૂંડા ખેલ મા,
‘લ્યા વાલમા,
ભોળા સંગાથે ભૂંડું ખેલ મા. ગાણું અધૂરું o

ઓરાં બોલાવી ધકેલ મા,
‘લ્યા વાલમા,
છાતીથી છેટાં ધકેલ મા. ગાણું અધૂરું o

છાતીથી છેટાં મેલ મા,
‘લ્યા વાલમા,
હૈયા સંગાથે ભૂંડા ખેલ મા.

અરધે અધૂરું મેલ મા,
‘લ્યા વાલમા,
હોઠે આયેલું પાછું ઠેલ મા.
ગાણું અધૂરું મેલ મા.

– ઉમાશંકર જોશી

આ રંગભીના ભમરાને – ભાસ્કર વોરા

સ્વરઃ કૌમુદી મુનશી
સંગીતઃ દિલીપ ધોળકિયા

આ  રંગભીના   ભમરાને...   Picture by Sanesh Chandran
આ રંગભીના ભમરાને… Picture by Sanesh Chandran

આ રંગભીના ભમરાને
કહોને કેમ કરી ઉડાડું ?
ફૂલ-ફટાયો પજવે મુજને
ના પાડું ?
હા પાડું !

પ્રીતભર્યા સરવરના નીરે
ગળાબૂડ ઊભી જ્યાં ધીરે
ઘૂંઘટ ખેંચી લજવે મુજને
ના પાડું ?
હા પાડું !

ઉર કમળને કોરી કોરી
ગુનગુનતો ગાતો રસહોરી
રૂપરસીલો રીઝવે મુજને
ના પાડું ?
હા પાડું !

– ભાસ્કર વોરા

સ્મરણ માટે – કિરણસિંહ ચૌહાણ

મળ્યું’તું કોઇ એક જ વાર, તે પણ અડધી ક્ષણ માટે,
મિલન બસ એટલું કાફી હતું એના સ્મરણ માટે!

નિખાલસ ગુફ્તગૂ ને શબ્દમય વાતાવરણ માટે,
ગઝલનો બાગ ખુલ્લો મૂકું છું પ્રત્યેક જણ માટે.

તમે આકાશ થઇ કાયમ ટકી રહેશો આ દુનિયામાં,
તમારી દૃષ્ટિની તૈયારી હો જો વિસ્તરણ માટે.

ભરી શકતો નથી ડગલુંય જે પોતાની મરજીથી,
એ પર્વતને તણખલું રોજ ઉશ્કેરે તરણ માટે.

સતત દોડીને તૂટી જાય, હાંફી જાય… અંતે શું?
બધાં જીવે છે આખી જિંદગી જાણે મરણ માટે!

– કિરણસિંહ ચૌહાણ