આજે ઘણાં દિવસો પછી આ ગીત ફરી ફરીને સાંભળ્યું. ખરેખર ગાયકોએ એવા ભાવથી આ ગીતને સ્વર આપ્યો છે કે જરા વાર માટે જો બાકીની દુનિયાથી અલિપ્ત થઇને ફક્ત આ ગીતમાં ધ્યાન પરોવો તો આંખમાં ભલે આંસુ આવે કે ન આવે, પણ હ્રદયમાંથી એક આહ જરૂર નીકળે..
2 વર્ષ પહેલા જ્યારે આ ગીત ટહુકો પર મુક્યું હતું – એ ઓનલાઇન રેડિયો પરથી record કરેલું ‘poor quality’નું ગીત હતું. ગીત સાંભળતા જ ગમી ગયેલું, એટલે એને ટહુકો પર મુકવાની લાલચ નો’તી રોકી શકી ત્યારે. અને આજે મને ‘better quality’ ની music file મળી – તો એને પણ તમને સંભળાવવી જ પડે, બરાબર ને ?
ફિલ્મ : પારકી થાપણ
સ્વરકાર : ગૌરાંગ વ્યાસ
સ્વર : આશા ભોઁસલે – બદ્રિ પવાર
.
ઘાયલને શું થાય છે ? પૂછો તો ખરા
આંખ મિલાવી આંખ કાં શરમાઇ છે? પૂછો તો ખરા
પ્રેમનો અંજામ પણ આવો હશે, ના હતી ખબર
દિલ દઇ દિલદાર પણ છોડી જશે, ના હતી ખબર
આંખે આવી શમણાં ક્યાં વિખરાય છે? પૂછો તો ખરા
દિલ છે તારી પાસને હું દૂર છું, કોને કહું?
આંઘીમાં અટવાયો હુ મજબૂર છું, કોને કહું?
ભૂલ નથી પણ સજા મને કાં થાય છે? પૂછો તો ખરા
મનમંદિરમાં દેવ બનાવી જેની પૂજા કરતી’તી
આશાના દિવડા પ્રગટાવી ચરણે ફૂલો ધરતી’તી
એ અણમોલા ફૂલો કાં કરમાય છે ? પૂછો તો ખરા
ટહુકો પર ઘણીવાર એવું થાય છે કે એક ગીત શબ્દો સાથે આવે, અને થોડા વખત પછી મારી પાસે એની music file આવે એટલે સંગીત સાથે ફરીથી ટહુકો કરું… પણ આજે એના કરતા ઊંધું કરવું છે. પહેલા ફક્ત સાંભળી શકાતું આ ગીત – આજે એના શબ્દો સાથે ફરીથી એકવાર…
શબ્દો સાંભળીને લખવામાં હું આમ પણ જરા કાચી છું, અને આ ગીત માટે તો મને ખબર હતી કે રોજિંદા ક્રમ ને ન્યાય આપવાના ચક્કરમાં ગીતને ચોક્કસ અન્યાય થઇ જશે… એટલે આટલા વખત સુધી આ ગીત શબ્દો વગર જ ટહુકો પર રહ્યું. હમણા જ એક મિત્રએ ગીતના શબ્દો મને આપ્યા, અને આવા વરસાદી મૌસમમાં આ ગીત ફરીથી સંભળવવાનો મોકો એમ પણ મારે ચૂકવો નો’તો.
———————-
Posted on August 1, 2006
(આજે તો મારા ટહુકા પર સંભળાશે મોરનો ટહુકો)
આમ તો હું આ ગીત મુકવામાં મોડી કહેવાઉં. કારણ કે ગીત શરુ થાય છે આ શબ્દોથી : “.. આવ્યો ઘઘૂમી અષાઢ”.
અને અષાઢ મહિનો પૂરો થઇને શ્રાવણ આવ્યા ને ય અઠવાડિયું થયું. પણ આજ કલ ગુજરાતમાં મેધરાજાએ મહેર કરી છે, તો સ્હેજે આ ગીત યાદ આવી ગયું.
ઓલી કોણ કરી લટ મોકળીયું ખડી આભ મહોલ અટારી પરે
ઊંચી મેઘ મહોલ અટારી પરે અને ચાકમચૂર બે ઉર પરે
પચરંગીન બાદલ પાલવડે કરી આડશ કોણ ઊભેલ અરે
ઓલી વીજ કેરે અંજવાસ નવેસર રાસ લેવા અંકલાશ ચડે
ઓલી કોણ પયોધર સંઘરતી વિખરેલ લટે ખડી મે’લ પરે
મન મોર બની થનગાટ કરે
નદી તીર કેરાં કૂણાં ઘાસ પરે પનિહારી એ કોણ વિચાર કરે
પટકૂળ નવે પાણી ઘાટ પરે એની સૂનમાં મીટ સમાઈ રહી
એની ગાગર નીર તણાઈ રહી એને ઘર જવા દરકાર નહિ
મુખ માલતી ફૂલની કૂંપળ ચાવતી કોણ બીજા કેરું ધ્યાન ધરે
પનિહારી નવે શણગાર નદી કેરે તીર ગંભીર વિચાર કરે
મન મોર બની થનગાટ કરે
ઓલી કોણ હિંડોળ ચગાવત એકલ ફૂલ બકુલની ડાળ પરે
ચકચૂર બની ફૂલ ડાળ પરે વિખરેલ અંબોડાના વાળ ઝૂલે
દિયે દેહ નીંડોળ ને ડાળ હલે શિર ઉપર ફૂલ ઝકોળ ઝરે
એની ઘાયલ દેહના છાયલ છેડલા આભ ઊડી ફરકાટ કરે
ઓલી કોણ ફંગોળ લગાવત એકલ ફૂલ બકુલની ડાળ પરે
મન મોર બની થનગાટ કરે
મોર બની થનગાટ કરે આજે મોર બની થનગાટ કરે
મન મોર બની થનગાટ કરે
જ્યારે ‘અમે અમદવાદી’ ગીત ટહુકો પર આવ્યુ’તુ. ત્યારે ધવલભાઇએ યાદ કરાવ્યુ’તુ કે કોઇ સુરતનું આવું ગીત શોધો…. મેહુલ સુરતીએ આમ તો સુરત શહેર પરના એક ગીતને સંગીત આપ્યું છે – પણ રેકોર્ડ નથી કરાવ્યું, એટલે હજુ પણ ટહુકો પર એ મેહુલો વરસે એની રાહ જ જોવી રહી.
મારા મમ્મી-પપ્પા સુરતી એટલે આમ જોવા જઇએ તો હું પણ સુરતી જ .!! પછી સુરતના વરસાદના આવા વખાણ થતા હોય તો નાચવાનું તો મન થાય જ ને.. જો કે આજનું ગીત સુરતીઓ સહિત બધાને જ નચાવે એવું છે.
પતરે ટપાક્ક ટપ છાંટા પડે, ને પછી નળિયા ખટાક્ક ખટ્ટ તૂટે
સુરતનો એવો વરસાદ…
બારીમાં કૂદે ભફાંગ કરી વાછટ, ને વીજળી વેરાય મૂઠે મૂઠે
સુરતનો એવો વરસાદ…
પહેલાં તો છાપરિયા શેરીઓ ચૂપચાપ કાળા આકાશ ભણી જુએ
સૂકાંભઠ પાંદડાંઓ ગબડે ને ભીનો પવન્ન પછી જાણે પીંજાય રૂંએ રૂંએ
વાદળાં છલાંગ મારી ઉછળે ને તીર એની સાથે સટ્ટાક સટ્ટ છૂટે
સુરતનો એવો વરસાદ…
નેવાંની સાથ વળી ઝૂલતા કોઇ હિંચકાનું આછું કિચૂડકચ્ચ એવું
સુની હવેલીના ગોખમાંથી ચોમાસું માણે છે એકલું પારેવું
રસ્તાઓ સુમસામ ખુલ્લા ફટ્ટાક જેમ શિવાજી શહેરને લૂંટે
સુરતનો એવો વરસાદ…
શ્યામલ, સૌમિલ – આરતી મુન્શી અને એમની ટીમ હમણા અમેરિકાના પ્રવાસે આવી છે. ટહુકો પર તો આપણે એમને હંમેશા સાંભળ્યા જ છે, અને વધુ ને વધુ સાંભળશું, પણ જો તમને મોકો મળે – તો એમને રૂબરૂ સાંભળવાનો અવસર ચૂકી ના જતા… મેં એમને અમદાવાદના એક પ્રોગ્રામમાં સાંભળ્યા હતા, અને એ અનુભવને શબ્દો આપવાનું મારા માટે મુશ્કેલ છે.
આજે તો સવાર સુધરી જાય એવું મસ્તીસભર ગીત લઇ આવી છું.
ગુજરાતી ગીતો અને પાટણ શહેરનો નાતો આમ તો ઘણો જાણીતો છે. પણ અવિનાશ વ્યાસે પાટણના પટોળાની સાથે પાટણની નારને પણ ગુજરાતી ગીતમાં સ્થાન અપાવ્યું – એ તમને ખબર છે?
આશા ભોંસલે અને મહેન્દ્ર કપૂર જેવાનો સ્વર મળ્યો હોય, અને અવિનાશ વ્યાસના શબ્દોને મળ્યું હોય ગૌરાંગ વ્યાસનું સંગીત.. વારંવાર સાંભળ્યા કરવાનું મન ન થાય તો જ નવાઇ..!!
બે પાંપણની વચ્ચેથી
એક સરકી આવી સાપણ
ડંખી ગઈ વરણાગી.
કાંસા કેરે વાટકડે નજરુંનો ટુચકો કીધો,
હવે ન ઊખડયો જાય,થાળીને વળગી બેઠો સીધો,
આવા ન્હોય ઉતાર
નજરના આમ ન તૂટે તાર
અમોને નજરું લાગી !
તેલ તણી લઈ વાટ અમે દીવાલ ઉપર જઈ ફેંકી,
ખીલી સમ ખોડાઈ ગઈ ત્યાં નવ વાંકી નવ ચૂંકી,
જડને યે આ સૂઝ
તો રહેવું કેમ કરી અણબૂઝ
અમોને નજરું લાગી !
સાત વખત સૂકાં મરચાંનો શિરથી કર્યો ઉતાર,
આગ મહીં હોમ્યાં ત્યાં તો કૈં વધતો ચાલ્યો ભાર,
જલતાં તોય ન વાસ
અમોને કેમ ન લાગે પાસ ?
અમોને નજરું લાગી !
ભૂવો કહે ના કામ અમારું નજર આકરી કો’ક,
ટુચકા તરહ તરહ અજમાવી થાકયાં સઘળાં લોક,
ચિત ન ચોંટે કયાંય
હવે તો રહ્યુંસહ્યું ના જાય,
અમોને નજરું લાગી !
‘લ્યો, નજરું વાળી લઉં પાંછી’ એમ કહી કો’ આવ્યું,
નજરું પાછી નહીં મળે આ દરદ હવે મનભાવ્યું,
હવે નજરનો ભાર
જીવનનો થઈ બેઠો આધાર.
અમોને નજરું લાગી !
—————–
અને આ ગીત સાથે વંચિત કુકમાવાલાનું આ મસ્તીભર્યું ગીત પણ સાંભળવા જેવું છે. તને નજરું લાગી છે મારા નામની !