Category Archives: કવિઓ

ઈશારા કોઈ ક્યાં સમજી શક્યું સંતો-ફકીરોના – જાતુષ જોશી

સ્વર : ઓસમાન મીર
સ્વરાંકન : હરિશ્વંદ્ર જોશી
આલબમ : સંગત

.

ઈશારા કોઈ ક્યાં સમજી શક્યું સંતો-ફકીરોના ?
અહીંનાં અહીંના માણસો તો માણસો કેવળ લકીરોનાં.

ઉપરવાળો ઘણું દે ને ઘણું યે છીનવી લે પણ,
હૃદય સાવ જ અનોખાં હોય છે ફક્કડ અમીરોનાં;

પ્રવાસો લાખચોરાસી થયા પણ કોઈ ના સમજ્યું,
બધા ગુણધર્મ એના એ જ છે સઘળા શરીરોના;

કદી કોઈક જાગી જાય છે એ વાત જુદી છે,
અહીં ટોળાં કદી ના હોય નાનકના-કબીરોના;

ભલે ને, ચાલ નોખી એમની સ્હેજે ય ના લાગે,
પરંતુ, આભમાં પગલાં પડે દરવેશ-પીરોનાં.

– જાતુષ જોશી

ધરે રૂપો કોટિ અવિકૃત અને એક જ છતાં – બોટાદકર

સ્વર : જાતુષ-બિહાગ-હરિશ્ચંદ્ર જોશી
સ્વરાંકન : હરિશ્વંદ્ર જોશી
આલબમ : સંગત

.

ધરે રૂપો કોટિ અવિકૃત અને એક જ છતાં,
સ્વયંભૂ સર્વાત્મા પ્રતિહર્દયમાં પૂજિત સદા;
રહ્યો વ્યાપી નિત્યે સકળ જડ ને ચેતન વિષે,
સ્મરું, વંદું, સેવું, પ્રભુ પ્રગટ તે સત્યપ્રણયને.

વસે ના વૈરાગ્યે, જપતપ થકી જે નવ જડે,
અનાયાસે આવી વિમળ ઉર ને સત્વરે વરે;
પ્રતાપે પૃથ્વીમાં સુરસદન સૌન્દર્ય વિચરે,
સ્મરું, વંદું, સેવું, પ્રભુ પ્રગટ તે સત્યપ્રણયને.

કટાક્ષે જોતાં જે વિષ થકી સુધાવર્ષણ કરે,
અને અગ્નીમાંયે શત શશીતણું શૈત્ય સરજે;
સ્મૃતિ જેની સ્હેજે દ્રઢ નરકનાં બંધન હણે,
સ્મરું, વંદું, સેવું, પ્રભુ પ્રગટ તે સત્યપ્રણયને.

– બોટાદકર

ફીણ, મોજાં, સૂર્ય, રેતી, નાળિયેરી – હર્ષદ ચંદારાણા

સ્વર : ઉદય મઝુમદાર
સ્વરાંકન : હરિશ્વંદ્ર જોશી
આલબમ : સંગત

.

ફીણ, મોજાં, સૂર્ય, રેતી, નાળિયેરી,
બાંધીએ ચાલો અહીં પગલાંની દેરી .

ફીણ, મોજાં, સૂર્ય, રેતી, નાળિયેરી,
ને હવે એમાં તમે ઝુલ્ફો વિખેરી.

ફીણ, મોજાં, સૂર્ય, રેતી, નાળિયેરી,
હાથ લાગી એક કલરવની કચેરી.

ફીણ, મોજાં, સૂર્ય, રેતી, નાળિયેરી,
આંખ સામે તોય મારાં ગામઢશેરી.

ફીણ, મોજાં, સૂર્ય, રેતી, નાળિયેરી,
એટલે બેઠો હવે શબ્દો વધેરી.

– હર્ષદ ચંદારાણા

તું જરાક જો તો, અલી ! – વિનોદ જોશી

સ્વર : હિમાલી વ્યાસ નાયક
સ્વરાંકન : હરિશ્વંદ્ર જોશી
આલબમ : સંગત

.

તું જરાક જો તો, અલી !
આ સાવ નવા નક્કોર કંચવે પડી ગઈ કરચલી.

ઘસી ઘસીને ચાંદો આઠે અંગ આજ હું ન્હાઈ,
વડલા હેઠે ડિલ લૂછતાં બની ગઈ વડવાઈ;
હું હવા વગર હલબલી !

ખરબચડા ધબકારે ધકધક છાતલડી છોલાઈ,
શરમ સમેટી પાલવડે હું પાંપણમાં સંતાઈ;
હું મટી ગઈ મખમલી !

કમળકટોરી લઈને અમથી સરવરિયે રોકાઈ,
પરપોટો પરપોટો રમતાં પરવાળે ખોવાઈ;
હું તળીયામાં છલછલી !

– વિનોદ જોશી

હવે બોલું તો કેમ કરી બોલું? – હર્ષદ ત્રિવેદી

સ્વર : ઉપજ્ઞા પંડ્યા
સ્વરાંકન : હરિશ્વંદ્ર જોશી
આલબમ : સંગત

.

હવે બોલું તો કેમ કરી બોલું?
અંતરના તાર સહેજ ઝણકે ત્યાં જંતરને આવે રે ઝોલુ !
હવે બોલું તો કેમ કરી બોલું?

એક પછી એક ખસે હળવેથી પડદાઓ અચરજનો આવે ના પાર,
એવામાં ઉતરવું પાર હવે દોહ્યલું કે ચારે પ લાગે મઝધાર;
હું જ હવે દરિયો ને હું ઝવે હોળી કહો કેમ કરી સઢને હું ખોલું?
હવે બોલું તો કેમ કરી બોલું?

અંધારાં અજવાળાં આવે ને જાય કહો જોઉં તો કેમ કરી જોઉં?
રણની નદીઓની જેમ આંસુ સુકાય હવે કેમ કરી પ્રેમબેલ બોઉં?
આગળ કે પાછળ નહિ રસ્તાનું નામ અને સપનું જોવાનું અમોલું ?
હવે બોલું તો કેમ કરી બોલું?

– હર્ષદ ત્રિવેદી

આવી રહી છે રાસ મને – રમેશ પારેખ

સ્વર : સુરેશ જોશી – હરિશ્વંદ્ર જોશી
સ્વરાંકન : હરિશ્વંદ્ર જોશી
આલબમ : સંગત

.

આવી રહી છે રાસ મને શહેરની હવા.
હું વર્તમાનપત્રમાં લાગ્યો છું ખૂંચવા.

આ હાથ ખોઈ બેઠા છે મુદ્રા જ સ્પર્શની,
લપકે છે આંગળીઓ હવે સૌને દંશવા;

તોળે બજારુ ચીજની માફક મનુષ્યને,
અહીં તો સહુની આંખ બની ગઈ છે ત્રાજવાં;

ચકલી, તું મારા ભાગ્યનું પરબીડિયું ઉપાડ,
હું નીકળ્યો છું શહેરમાં ગુલમ્હોર શોધવા;

નહોતી ખબર કે શહેરના લોકો છે સાવ અંધ,
આવ્યો’તો હું રમેશ, અરીસાઓ વેચવા.
– રમેશ પારેખ

ગ્લૉબલ કવિતા : ૨૨૫ : આઇસક્રીમનો શહેનશાહ – વૉલેસ સ્ટિવન્સ

The Emperor of Ice-Cream

Call the roller of big cigars,
The muscular one, and bid him whip
In kitchen cups concupiscent curds.
Let the wenches dawdle in such dress
As they are used to wear, and let the boys
Bring flowers in last month’s newspapers.
Let be be finale of seem.
The only emperor is the emperor of ice-cream.

Take from the dresser of deal.
Lacking the three glass knobs, that sheet
On which she embroidered fantails once
And spread it so as to cover her face.
If her horny feet protrude, they come
To show how cold she is, and dumb.
Let the lamp affix its beam.
The only emperor is the emperor of ice-cream.

– Wallace Stevens


આઇસક્રીમનો શહેનશાહ

બોલાવો મસમોટી સિગારના વાળનાર,
એ હટ્ટાકટ્ટાને, અને કહો એને કે વલોવે
રસોડાના વાસણોમાં કામાતુર દહીંઓને.
છોકરડીઓને આળસમાં રાચવા દો એ વસ્ત્રોમાં
જે પહેરવા તેઓ ટેવાયેલી છે, અને છોકરાઓને
લાવવા દો ગયા મહિનાના અખબારોમાં ફૂલો.
હોવાને હોવા દો લાગવુંની પરાકાષ્ઠા.
એકમાત્ર શહેનશાહ છે આઇસક્રીમનો શહેનશાહ.

કાઢો, કાચના ત્રણ ડટ્ટાઓ વગરના
કબાટના ખાનાંમાંથી, પેલી ચાદર
જેના પર એણે કદી પંખીઓનું ભરતકામ કર્યું હતું.
અને એવી રીતે પાથરો કે એનો ચહેરો ઢંકાય.
જો એના કઠણ પગ બહાર રહી જાય, તો એ બતાવવા માટે
જ કે એ કેટલી ઠંડી છે, અને મૂંગી પણ.
દીવાને એના કિરણ ગોઠવવા દો.
એકમાત્ર શહેનશાહ છે આઇસક્રીમનો શહેનશાહ.

– વૉલેસ સ્ટિવન્સ
(અનુ. વિવેક મનહર ટેલર)


ચાલો, જઈએ આઇસક્રીમના શહેનશાહના દરબારમાં…

સાંજના સોનેરી કિરણની છેલ્લી કરાડ પર તમે પ્રિયજનનો હાથ હાથમાં ઝાલીને તારામૈત્રક રચતા વીતી રહેલી ક્ષણોને અઢેલીને બેઠા છો… સમય અહીં જ થીજી જાય એવી બૂમ હૃદયના અંતરતમ ખૂણેથી ઊઠતી હોય, પણ ક્ષિતિજ પર સૂરજ એમ આથમી રહ્યો છે, જાણે પીગળતું આઇસક્રીમ ન હોય! ખરું ને? આઇસક્રીમ પણ ગમે એટલું વહાલું કેમ ન હોય, લઈને બેસી ન રહેવાય. જે ઘડીએ હાથમાં આવે એ ઘડીએ જ એને ખતમ કરવાની પેરવીમાં લાગી જવું પડે નહિતર એ પીગળવા માંડશે. ખરી મજા એને માણવામાં જ છે, સાચવવામાં નહીં. જિંદગીનુંય આવું જ છે. વૉલેસ પ્રસ્તુત રચનામાં આઇસક્રીમ અને જિંદગીનો એકમાત્ર સિદ્ધાંત –માણી લો- સમજાવે છે.

વૉલેસ સ્ટિવન્સ. અમેરિકામાં પેન્સિલ્વેનિયાના રિડિંગ શહેરમાં ૦૨-૧૦-૧૮૭૯ના રોજ ધનાઢ્ય વકીલના ઘરે જન્મ. કાયદો ભણ્યા. ૧૯૧૬ સુધી ન્યૂયૉર્કમાં વકાલત કરી. ત્યારબાદ કનેક્ટિકટ સ્થાયી થઈ વીમાકંપનીના ઉપપ્રમુખપદ સુધી પહોંચ્યા. ૧૯૧૪માં ‘પિટર પેરાસોલ’ના છદ્મનામે એમણે મોકલેલી કવિતાઓ સ્પર્ધામાં ન જીતી પણ પ્રગટ થઈ. એલ્સી વાયોલા કચેલ સાથે પાંચ વર્ષ લાંબા પ્રેમપ્રકરણ બાદ લગ્ન કર્યા ત્યારે વૉલેસના કુટુંબીજનો છોકરીને નીચલા વર્ગની ગણી આશીર્વાદ આપવા આવ્યા નહીં. વૉલેસે પણ મા-બાપ સાથે આજીવન સંબંધ ન રાખ્યો. કહેવાય છે કે વૉકિંગ લિબર્ટી હાફ ડોલર અને મર્ક્યુરી ડાઇમની મોડેલ એલ્સી હતી. વૉલેસ કરતાં ઉમરમાં દાયકાભર નાની, ઊંચાઈમાં એક ફૂટ અને વજનમાં સો પાઉન્ડ ઓછી, આર્થિક રીતે અને અભ્યાસની (૯મું પાસ) રીતે અડધાથીય ઓછી એલ્સીને પાછળથી માનસિક બિમારી પણ થઈ એટલે સહજીવન તો છિન્નભિન્ન થઈ ગયું પણ લગ્નજીવન અલગ-અલગ શયનકક્ષમાં એક મકાનમાં ટકી રહ્યું. ૦૨-૦૮-૧૯૫૫ના રોજ જઠરના કેન્સરના કારણે કાયમ થ્રી-પીસ સુટમાં સજ્જ રહેતી અંતર્મુખી સ્વભાવની સવા છ ફૂટની આ પડછંદ કાવ્યપ્રતિભા કાયમ માટે સૂઈ ગઈ.

પુલિત્ઝર પ્રાઇઝ વિજેતા. આજે વીસમી સદીના શ્રેષ્ઠતમ અમેરિકન કવિઓમાંના એક, પણ મૃત્યુના વર્ષેક પહેલાં સુધી એમને જોઈતી પ્રસિદ્ધિ મળી નહોતી. પહેલા સંગ્રહની તો માંડ સો જ પ્રત વેચાઈ હતી. શરૂઆતની કવિતાઓમાં અંગ્રેજી રોમેન્ટિસિઝમ અને ફ્રેન્ચ પ્રતીકવાદની છાંટ જોવા મળે છે. નખશિખ મૌલિકતાથી છલોછલ એમની કવિતાઓ આગવી સૌંદર્યાન્વિત ફિલસૂફી, દિગ્મૂઢ કરી દેતા વૈચિત્ર્ય, તરંગીપણાં, અને પ્રભાવવાદી ચિત્રોની રંગચ્છાયાઓથી પ્રચુર છે. વસ્તુમાત્રને સમુચી બદલી શકતી કલ્પનાશક્તિ એમનું મુખ્ય હથિયાર હતું. કલ્પના અને નક્કર વાસ્તવિક્તાને એકમેકમાં સંપૂર્ણતઃ પલોટવાની અભૂતપૂર્વ પ્રતિભા એમને ઉફરા તારવે છે. તકનીક અને વિષયવસ્તુની સંકુલતાના કારણે લોકો એમને સ્વેચ્છાએ અઘરા બનેલા કવિ પણ કહેતા. એ કહેતા કે કવિતાનો ખરો અર્ક પરિવર્તન છે અને પરિવર્તનનો ખરો અર્ક એ છે કે એ આનંદ આપે છે.

પ્રસ્તુત રચના આઠ-આઠ પંક્તિના બે અંતરામાં વહેંચાયેલી છે. બહુપ્રચલિત આયંબિક પેન્ટામીટરમાં લખાઈ હોવા છતાં કવિએ મીટરમાં નાના-નાના પરિવર્તન કર્યે રાખ્યા હોવાથી વધુ રસિક બની છે. બંને અંતરાની આખરી બે કડીઓ સિવાય ક્યાંય પ્રાસ મેળવાયા નથી. આ કવિતાને વીસમી સદીની સૌથી વધુ ગૂંચવાડાજનક કવિતા અને ઉત્તમોત્તમ કૃતિ –એમ બેવડા પુરસ્કાર મળ્યા છે. ૧૯૪૬માં ફ્રેડરિક પૉટલે વાપરેલ પરિભાષાને સ્ટિફન બર્ટે ૧૯૯૮માં ‘ઍલિપ્ટિકલ પોએટ્રી’ તરીકે પુનઃસ્થાપિત કરી હતી. પ્રસ્તુત રચનાને આ વર્ગમાં મૂકી શકાય. આ વર્ગની કવિતાઓ સામાન્ય પ્રવાહ અને સમજણથી અવળી ચાલે છે. ઘટનાલોપ કરીને અમુક બાબતો અધ્યાહાર રાખવા સિવાય તિર્યકતા અને માર્મિકતા એનાં પ્રધાન લક્ષણ છે. પ્રસ્તુત રચનામાં પણ ઘણું સામાન્ય સમજ અને રોજિંદા અર્થઘટનની વ્યાખ્યાઓની બહારનું છે. શબ્દો, વિશેષણ, વાક્યરચનાઓ- આ બધું જ વધારાનું ધ્યાન માંગી લે છે. વૉલેસે કહ્યું હતું: ‘કવિતાએ બુદ્ધિનો પ્રતિકાર કરવો જ જોઈએ/લગભગ સફળતાપૂર્વક.’ કવિતાનું શીર્ષક ‘આઇસક્રીમનો શહેનશાહ’ વાંચીને જ મગજ ચકરાવે ચડી જાય. હજારો શહેનશાહોના નામ આપણે સાંભળ્યા હશે પણ આઇસક્રીમનો શહેનશાહ? કવિતામાં કવિ વળી એને એ એકમાત્ર શહેનશાહ હોવાની વાત બેવડાવે પણ છે. એટલે કવિતા પીગળી જાય એ પહેલાં આપણે આઇસક્રીમ પર ધ્યાન આપીએ.

આઇસક્રીમનો ઇતિહાસ પણ એના જેવો જ સ્વાદિષ્ટ છે. અઢી હજાર વર્ષ પૂર્વે ગ્રીક લોકો બરફમાં મધ તથા ફળો ભેળવીને બજારમાં વેચતા. હિપોક્રેટ્સ એમના દર્દીઓને બરફ ખાવાનો ઈલાજ સૂચવતા. ઈ.પૂ. ૪૦૦માં પર્શિયામાં નવાબોને ગુલાબજળ, કેસર, ફળો વગેરેને બરફમાં ભેળવીને પેશ કરાતા. ઈસુના બસો વર્ષ પહેલાં ચીનમાં દૂધ અને ચોખાના મિશ્રણને બરફમાં થીજાવીને આઇસક્રીમ જેવો પદાર્થ બનાવાયો હતો. મીઠું ભેળવવાથી બરફનો હિમાંક શૂન્ય ડિગ્રીથી નીચે ઊતરે છે એ એમની શોધ હતી. રોમન રાજાઓ ગુલામો મારફત પહાડો પરથી તાજો બરફ મંગાવી અલગ-અલગ સ્વાદ ભેળવીને આરોગતા. ઈ.સ. ૬૧૮થી ૬૯૭ની વચ્ચે ચીનમાં રાજા ટેન્ગ ઑફ શાન્ગે ૯૪ આઇસ-મેનની મદદથી દૂધ, લોટ અને કપૂરની મદદથી આઇસક્રીમ જેવો ઠંડો પદાર્થ બનાવડાવ્યો હતો. તેરમી સદીના અંતભાગમાં વિશ્વ પ્રવાસી માર્કો પોલો ચીનથી આઇસક્રીમની રેસિપી ઇટલી લઈ આવ્યો. ભારતમાં આઇસક્રીમના પગરણ મોઘલ સામ્રાજ્યથી મંડાયા. ૧૯૨૬માં વ્યાવસાયિક ધોરણે આઇસક્રીમનું ઉત્પાદન શરૂ થયું, એ પહેલાં આઇસક્રીમ ભોગવિલાસની વસ્તુ ગણાતી. ૧૯૦૮માં મોન્ટગોમેરી ‘એન ઑફ ગ્રીન ગેબલ્સ’માં લખે છે: ‘મેં કદી આઇસક્રીમ ખાધું નથી. ડાયેનાએ મને સમજાવવાની કોશિશ કરી- પણ મને લાગે છે કે આઇસક્રીમ કલ્પના બહારની વસ્તુઓમાંની એક છે.’ વૉલેસની આ કવિતા ૧૯૨૩માં પ્રગટ થઈ એટલે સમજી શકાય છે કે આઇસક્રીમ એ જમાનામાં શી ચીજ હશે, અને કવિએ એને એકમાત્ર શહેનશાહ કેમ કહ્યું હશે!

કવિતા બે બંધની જેમ ઘરના બે કમરામાં વહેંચાયેલી છે. પહેલો બંધ આપણને રસોડામાં તો બીજો શયનકક્ષમાં લઈ જાય છે. રસોડામાં વ્યસ્તતા નજરે ચડે છે તો શયનકક્ષમાં મૃત્યુનો સન્નાટો. આઇસક્રીમના શહેનશાહવાળી ધ્રુવપંક્તિ બંને કમરા અને બંને અંતરા વચ્ચે અનુસંધાન સાધે છે. Big Cigar (મોટી સિગાર), Muscular (હટ્ટાકટ્ટા), Whip (ફીણવું), Wenches (છોકરડી), Dawdle (ટહેલવું) Horny (કામાતુર, કઠણ) વગેરે અસામાન્ય શબ્દપ્રયોગો કવિતાની અસાધારણતા તરફ લક્ષ ખેંચે છે, પણ દહીંનું બહુવચન અને કામાતુર (Concupiscent) વિશેષણ તો આપણને બેઠક પરથી અચાનક જ ઊઠલાવી પાડે છે. આ out of the box શબ્દ વધુ પડતો ભપકાદાર (Gaudy) લાગે છે. વૉલેસે પોતે કહ્યું હતું કે, ‘એમ્પરર ઑફ આઇસક્રીમ કવિતાએ જાણીબૂજીને અસામાન્ય પોશાક ધારણ કર્યો હોવા છતાંય મને લાગે છે કે કવિતા માટેના આવશ્યક ભડકીલાપનમાંથી એ કંઈક કબ્જે કરી શકી છે.’ આ વિશેષણ અને બહુવચન સહેતુક પ્રયોજાયા હોવાનું સમજાય છે. ખાદ્યપદાર્થને ‘કામાતુર’ કહીને કરાયેલ ઇન્દ્રિયવ્યત્યય ધ્યાનાર્હ છે. કિટ્સનું દીર્ઘકાવ્ય ‘ઇવ ઑફ સેઇન્ટ એગ્નેસ’ યાદ આવે જેમાં ‘મલાઈદાર દહીં કરતાં વધુ સારી જેલી’ જેવા પ્રયોગ સાથે પ્રેયસીને રીઝવવા માટે પોર્ફાઇરો જે રીતે નાનાવિધ વાનગીઓનો ખડકલો કરે છે એ સ્વાદેન્દ્રિય કરતાં વધુ તો આપણી વિષયાસક્તિને સ્પર્શે છે. આપણા ભાષાભંડોળમાં સેક્સ્યૂઍલિટી અને સેન્સ્યૂઍલિટી – આ બે શબ્દોની અર્થચ્છાયા યથાર્થ સમજાવી શકે એવા શબ્દ કદાચ નથી. વિષયાસક્તિ અને જાતીયતા કહીને આપણે ચલાવી લેવું પડે છે. પણ આ કવિતા ઇન્દ્રિયજન્ય સુખ પરત્વેની અભિરુચિ તરફ ઈશારા કરતા સેક્સ્યૂઍલિટી અને સેન્સ્યૂઍલિટીસભર સંકેતોથી ભરી પડી છે.

વૉલેસ કી-વેસ્ટ તથા હવાના ટાપુઓ પર અવારનવાર રહ્યા હોવાથી કવિતામાં ત્યાંના મૃત્યુવિષયક રિવાજોનો પરિચય થાય છે. ઘરમાં લાશ હોય એ સમયે થતા સામાજિક મેળાવડો એટલે ‘વૅક’ (wake). ક્યારેક આ પ્રસંગોએ જાગરણ થતું હોવાથીય આ નામ પડ્યું હોઈ શકે. આવા પ્રસંગોએ આઇસક્રીમ ઘરોમાં બનાવાતું. દરેક ઘરમાં મૃત્યુપ્રસંગે જોવામાં આવે છે એમ જ અહીં પણ કોઈક ‘વૅક’ની જવાબદારી પોતાના માથે લઈને હુકમબરદારી કરાવે છે. સૌપ્રથમ એ કાગળ વાળીને સિગાર બનાવવામાં નિષ્ણાત કોઈક હટ્ટાકટ્ટાને બોલાવવાનું ફરમાન કરે છે. ક્યુબા, કી-વેસ્ટમાં એ ગાળામાં સિગારની ઘણી ફેક્ટરીઓ હતી. નજીકની ફેક્ટરીમાંથી કોઈકને બોલાવવાનો છે પણ એ માણસ માંસલ હોવો જરૂરી છે. કેમ? કેમકે એણે શોકસભામાં આવનાર તમામ માટે ‘કામાતુર દહીંઓ’ને વલોવીને આઇસક્રીમ બનાવવાનું છે. આઇસક્રીમ આપણને દૂધ કરતાં વધુ આકર્ષે છે. કામક્રીડા સાથે સાંકળીએ તો આઇસક્રીમને દૂધનું ઓર્ગેઝમ ગણી શકાય. એટલે જ સંભાષક સ્નાયુબદ્ધ કામદારને બોલાવવાનું કહે છે. છોકરીઓને એમના રોજિંદા પોશાકમાં જ હાજર રહેવા દેવાનું સૂચવાય છે. શોકપ્રસંગે આપણે ત્યાં સફેદ પન પાશ્ચાત્ય સંસ્કૃતિમાં કાળાં કપડાં પહેરવાની પ્રથા છે. સંભાષક મૃત્યુની ઉજવણીમાં માને છે એટલે રોજિંદો પહેરવેશ રાખવા જણાવે છે. ‘વેન્ચ’નો એક અર્થ છોકરી તો બીજો વેશ્યા થાય છે. કવિને કદાચ બંને અર્થ અભિપ્રેત છે. વેશ્યા અથવા એ કક્ષાની છોકરડીઓ એમ અર્થ કરીએ તો રોજિંદા પોશાકની પરિભાષા બદલાઈ જાય, પણ કવિ એ જ ઇચ્છતા હોવાનું સંભવ છે. છોકરાઓને શોકસભામાં બુકે લાવવાના સ્થાને વીગત મહિનાના અખબારોમાં વીંટાળીને ફૂલો લાવવાની રજા છે. અખબાર, ગયો મહિનો, ફૂલ –તમામ અલ્પાયુ. બધા રૂપક આઇસક્રીમની જેમ જીવનની નશ્વરતા તરફ અંગૂલિનિર્દેશ કરે છે.

‘હોવાને હોવા દો લાગવુંની પરાકાષ્ઠા’ વાક્યપ્રયોગે તો વિશ્વભરના વિવેચકોને મૂંઝવ્યા છે. સામસામે આવી ઊભેલા વાસ્તવ અને કલ્પનામાં કવિ કદાચ વાસ્તવને ઊંચુ સ્થાન આપે છે. સરળ ભાષામાં કહીએ તો ચાલાકી અને આભાસને નક્કર વાસ્તવિક્તા માટે માર્ગ પ્રશસ્ત કરવા દો એમ કવિ કહે છે. ‘લાગવું’ એ આભાસી જીવનનું પ્રતીક છે તો ‘હોવું’ એ મૃત્યુની નક્કર હકીકત. કેમકે આખરે તો ક્ષણોમાં પીગળી જનાર આઇસક્રીમ યાને મૃત્યુ જ શહેનશાહોનો શહેનશાહ છે. આઇસક્રીમ સેક્સ, ફૂલો અને અખબારની જેમ અલ્પજીવી આનંદ છે. આઇસક્રીમ વળી ઠંડુ પણ છે. ઠંડે કલેજે પોતાના સમયે ને પોતાની શરતે આપણને તાણી જતા મૃત્યુની ક્રૂર ટાઢક પણ અનુભવાય છે. રસોડામાં ચાલતા હલ્લાગુલ્લા તરફ મૃતકનો અભિગમ શો હોય? ઠંડો જ ને! રસોડામાં આરામથી ટહેલતાં છોકરી-છોકરાઓનો પણ મૃતક તરફનો અભિગમ એવો જ ઠંડો છે ને! આમ, બધી રીતે આઇસક્રીમ રૂપક યથાર્થ છે.

ચહલપહલ અને કામુકસંકેતસભર રસોડાના દૃશ્ય બાદ બીજા અંતરામાં કવિનો કેમેરા શયનકક્ષ તરફ વળે છે. એકાધિક વાંચન વિના કવિતા સમજવી કદાચ શક્ય જ નથી. બીજો અંતરો પહેલાને ખોલવાની ચાવી છે. સંભાષકની હુકમદારી ચાલુ જ છે. એ મૃતકને ઓઢાડવા કબાટના ખાનામાંથી ચાદર કાઢવા આદેશ આપે છે. ખાનાં પરના કાચના ડટ્ટાઓમાંથી ત્રણ ગાયબ છે. મરનારની આર્થિક પરિસ્થિતિનો આપણને પહેલવહેલો અંદેશો મળે છે. સમારકામના પૈસાનો અભાવ તરવરે છે. મૃતકે ક્યારેક પંખીઓનું ભરતકામ કર્યું હતું એ ચાદર કાઢવાની છે. ભરતકામનો શોખ મરનારની વય વધુ હોવાનોય ઈશારો કરે છે. આમ, ઉમર વિશે પણ કવિતામાં પહેલીવાર અછડતો પ્રકાશ પડે છે. મૃતકનો વૃદ્ધ ચહેરો ઢંકાય એ રીતે આ ચાદર એને ઓઢાડવાની છે. ચહેરો ઢાંકતી ચાદરના રૂપકમાં રસોડાના હલ્લાગુલ્લા પર કરવાનો ઢાંકપિછોડો પણ વર્તાય છે. ચાદર પણ મૃતકની આર્થિક સ્થિતિ જેવી જ છે. મોઢું ઢાંકો તો પગ ઊઘાડા રહી જાય એવી ટૂંકી. પગ માટે ‘હૉર્ની’ વિશેષણ વપરાયું છે. હૉર્ની ફીટનો એક અર્થ નખવાળા પગ કે કઠણ પગ થાય છે. નખ શિંગડા (હૉર્ન)ની જેમ કેરેટિનનો બનેલો છે. આંટણ પડીને કઠણ થઈ ગયેલ ચામડીનેય હૉર્ની કહેવાય. વિશેષમાં, કવિતા કામસંદર્ભપ્રચૂર હોવાથી હૉર્નીનો અર્થ કામાતુર થાય એ યાદ કરવું પણ અનિવાર્ય બને. આંટણવાળા કઠણ પગ ઉમરનો અંદાજ આપતો બીજો સંદર્ભ. કઠણ પગ મૃતકના રસોડાની ગતિવિધિ તરફના ઠંડો અને મૂંગો પ્રતિભાવનાય સૂચક. અંતે દીવાને એના કિરણ ગોઠવવા દેવાની વાત સૂચવે છે કે વાસ્તવિકતાનો નિષ્ઠુર પ્રકાશ માત્ર એ જ બતાવશે જે ખરેખર જોઈ શકાય છે, આભાસ નહીં. એમ પણ વિચારી શકાય કે હવે આપણે આપણું ધ્યાન, આપણી સ્પૉટલાઇટ જીવન પર કેન્દ્રિત કરવાનાં છે, મૃત્યુ પર નહીં. ભરતકામવાળી પણ ટૂંકી પડતી ચાદર દીવાના પ્રકાશમાં ભાતીગળ જીવનની અપૂર્ણતા સૂચવે છે. ટૂંકમાં, ભાવક માટે અનેક અર્થઘટનની શક્યતાઓ અહીં પણ ભરી પડી છે.

કવિતા આપણને આજમાં જીવી લેવા (Carpe Diem) કહે છે. ‘ટુ બી ઓર નોટ ટુ બી’ની દ્વિધામાં અટવાયેલ હેમ્લેટની યાદ પણ આવે, અને ‘ઓન્લી એમ્પરર’ હેમ્લેટનું ઉચ્ચારણ: ‘તમારો કીડો જ તમારો એકમાત્ર શહેનશાહ છે ખોરાક માટેનો. આપણે સૌ જીવોને જાડા કરીએ છીએ, આપણા જાડા થવા માટે, અને આપણે જાડા થઈએ છીએ કીડાઓ માટે’ પણ યાદ આવે. મૃત્યુ જ એકમાત્ર શહેનશાહ છે. કબરના કીડાઓ જ આપણને ખાશે એ હકીકત અફર છે. આસપાસનું જીવન મૃત્યુ પછી પણ અટકવાનું નથી. તો મોતના શોકનો દંભ શીદ કરવો? મૃત્યુને ઊજવવું કેમ નહીં? પીગળી જાય એ પહેલાં આઇસક્રીમ માણી કેમ ન લેવું? શા માટે શોક પ્રદર્શિત કરતાં કપડાં પહેરવાં? શા માટે ફૂલોને સજાવી-ધજાવીને લાવવા? બે અંતરા અને બે ઓરડામાં વહેંચાયેલી કવિતા વ્યસ્ત જીવન અને એકલવાયા મૃત્યુના ચિંતન જગાવે છે. એક શોકપ્રસંગ અને લોકપ્રસંગને એ આપણા અંતિમ ગંતવ્યમાં પલટાવે છે. શરૂમાં ઇક્ઝોટિક ડિઝર્ટ તરીકે આપણને લોભાવતું આઇસક્રીમ ભાગ્ય આપણને અંતે જ્યાં લઈ જનાર છે એ મૃત્યુના પ્રતીકમાં પલોટાય છે અને આપણા મોઢામાં ભય પમાડે એવો ઠંડો સ્વાદ છોડી જાય છે… વૉલેસે કવિતા માટે જે કહ્યું હતું એ અહીં યથોચિત સિદ્ધ થાય છે: ‘કવિતાએ જીવંત હોવાની લાગણી તથા જીવંત હોવાને ઉત્તેજીત કરવું જોઈએ.’ અસ્તુ!

જંગલ સમી મારી પીડા – રમેશ પારેખ

સ્વર : આશિત દેસાઈ
સ્વરાંકન : હરિશ્વંદ્ર જોશી
આલબમ : સંગત

.

જંગલ સમી મારી પીડા, સોનાંદે, કેડી સમું આ ટાણું,
અરઘી રાતે દીવો કર્યો ને ઊગ્યું ઘરમાં વ્હાણું.

સાત જનમનો ડૂમો મારી આંખોમાં ઘોળાતો,
ડૂસકે ડૂસકે જાય ઢોળાતી વણબોલાતી વાતો;

એક ટીપું તું વરસી અને ઘર આખુંયે ભીંજાણું.

આવ, તને હું મારા ઉજ્જડ સ્પર્શોથી શણગારું,
છુટ્ટું મૂકી દઉં છાતીમાં ટળવળતું અંધારું ;

પંખીના ટૌકાનું તોરણ મારા હોઠોમાં બંધાણું.

– રમેશ પારેખ

‘પરદેશી પારેવાં’ – વિદેશમાં સ્થાયી થયેલા સર્જકોનું કવિ સંમેલન. તા: જાન્યુઆરી 8, 2022

ટહુકો ફાઉન્ડેશનના સહયોગથી મહારાષ્ટ્ર શાસન સાંસ્કૃતિક વિભાગ અને મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા આયોજિત ‘પરદેશી પારેવાં’ – વિદેશમાં સ્થાયી થયેલા સર્જકોનું કવિ સંમેલન.
તા: જાન્યુઆરી 8, 2022 – રાત્રે 8:30 pm (India) = સવારે 7 am PST/ 10 am EST (USA/Canada)

YouTube Channel: Maha Sahitya – https://www.youtube.com/channel/UCRys_Y2d-z888TKwR9wMJoA

શોધવા માટે – મનોજ ખંડેરિયા

સદીઓ પૂર્વે ખોયો છે એ પારસ શોધવા માટે
નગરની ભીડમાં નીકળ્યો છું માણસ શોધવા માટે

તડપતું વ્યક્ત થાવા આંગળીમાં મૂર્તિનું કલ્પન
સતત વીતી રહ્યાં છે વર્ષ આરસ શોધવા માટે

અચનક ગાઢ અંધારું મને ઘેરી વળ્યું નરદમ
હું ફાંફા મારું મારા ઘરમાં ફાનસ શોધવા માટે

જીવંત કાગળનું અજવાળું તો મઘમઘ મ્હેકથી પ્રસરે
નથી એને જવું પડતું સિફારસ શોધવા માટે

મળ્યું’તું એક વેળા ઉપનિષદના પૃષ્ઠની વચ્ચે
હું જન્મું એ જ બસ તરફડતું સારસ શોધવા માટે

– મનોજ ખંડેરિયા