Category Archives: દામોદર બોટાદકર

ધરે રૂપો કોટિ અવિકૃત અને એક જ છતાં – બોટાદકર

સ્વર : જાતુષ-બિહાગ-હરિશ્ચંદ્ર જોશી
સ્વરાંકન : હરિશ્વંદ્ર જોશી
આલબમ : સંગત

.

ધરે રૂપો કોટિ અવિકૃત અને એક જ છતાં,
સ્વયંભૂ સર્વાત્મા પ્રતિહર્દયમાં પૂજિત સદા;
રહ્યો વ્યાપી નિત્યે સકળ જડ ને ચેતન વિષે,
સ્મરું, વંદું, સેવું, પ્રભુ પ્રગટ તે સત્યપ્રણયને.

વસે ના વૈરાગ્યે, જપતપ થકી જે નવ જડે,
અનાયાસે આવી વિમળ ઉર ને સત્વરે વરે;
પ્રતાપે પૃથ્વીમાં સુરસદન સૌન્દર્ય વિચરે,
સ્મરું, વંદું, સેવું, પ્રભુ પ્રગટ તે સત્યપ્રણયને.

કટાક્ષે જોતાં જે વિષ થકી સુધાવર્ષણ કરે,
અને અગ્નીમાંયે શત શશીતણું શૈત્ય સરજે;
સ્મૃતિ જેની સ્હેજે દ્રઢ નરકનાં બંધન હણે,
સ્મરું, વંદું, સેવું, પ્રભુ પ્રગટ તે સત્યપ્રણયને.

– બોટાદકર

જનનીની જોડ સખી! નહી જડે રે લોલ. – દામોદર ખુશાલદાસ બોટાદકર

ચાર વર્ષ પહેલાના Mother’s Day પર આપને સંભળાવેલું, અને ત્યારથી ટહુકો પર ગૂંજતું આ ગીત… આજે માધ્વી મહેતાના સ્વરમાં ફરી એકવાર…! આમ તો મમ્મી કેટલી વ્હાલી છે એ કહેવા માટે Mother’s Dayની રાહ ન જોવાની હોય – તો યે.. આજે એકવાર ફરી કહી દઉં.. – I love you, Mummy 🙂

આપ સૌને Happy Mother’s Day..!

સ્વર : માધ્વી મહેતા

******

Posted on: May 12, 2007

આ દુનિયામાં જો કોઇ જબરજસ્ત transformation થતું હશે તો એ એ કે કન્યા જ્યારે મા બને છે. એનું શરીર, મન, બોલવું-ચાલવું, વ્યવહાર, જીવન આખું બદલાઈ જાય છે…ફક્ત એના દેવના દીધેલને માટે. અને આ transformation એવું કે જીવનપર્યંત એ મા જ રહે છે. ૯ મહિનાની પ્રસૂતિની વેદના, નવજાત શિશુનો ઉછેર અને એમ કરતાં કરતાં આખી દુનિયાથી અલિપ્ત થઈ જવું, આવા કેટલાય તબક્કાઓમાંથી પસાર થાય છે, ફક્ત એના બાળકના વિકાસ માટે! આવી આ મા જ્યાં સુધી જીવતી છે ત્યાં સુધી સંસ્ક્રુતિ જીવતી છે! અને એ માતાનું ભારતીય વિચારધારાએ વૈશ્વિકરણ એ રીતે કર્યું છે કે આપણે ગાય, નદી, પ્રુથ્વી, દેશ (ભારતમાતા), અરે ભગવાન સુધ્ધાંને માતા કહીએ છીએ. અહીં અમેરિકામાં આજનો દિવસ મધર્સ ડે છે, જ્યારે ત્યાં ભારતમાં હર દિવસની સવાર બાળકો માતાને માત્રુદેવો ભવ કહીને રોજેરોજ માત્રુદિન ઊજવે છે….ત્યારે એ નિમિત્તે આજે આપણે આપણી માતાને કહીએ કે “જનનીની જોડ સખી નહી મળે રે લોલ”.

પુરુષોત્તમ ઉપાધ્યાયના કંઠે આ મધુરુ ગીત શરૂ થાય તે પહેલા કવિ સુરેન ઠક્કર ‘મેહુલ’ એ કરેલી વાતો, એક-બે કાલ્પનિક પ્રસંગોની રજુઆત….. ખરેખર આંખો ભીની કરી જાય છે.

.

મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ
એથી મીઠી તે મોરી માત રે
જનનીની જોડ સખી! નહી જડે રે લોલ.

પ્રભુના એ પ્રેમતણી પૂતળી રે લોલ,
જગથી જૂદેરી એની જાત રે … જનનીની

અમીની ભરેલ એની આંખડી રે લોલ,
વ્હાલનાં ભરેલાં એના વેણ રે … જનનીની

હાથ ગૂંથેલ એના હીરના રે લોલ,
હૈયું હેમંત કેરી હેલ રે … જનનીની

દેવોને દૂધ એનાં દોહ્યલા રે લોલ,
શશીએ સિંચેલ એની સોડ્ય રે … જનનીની

જગનો આધાર એની આંગળી રે લોલ,
કાળજામાં કૈંક ભર્યા કોડ રે … જનનીની

ચિત્તડું ચડેલ એનું ચાકડે રે લોલ,
પળના બાંધેલ એના પ્રાણ રે … જનનીની

મૂંગી આશિષ ઉરે મલકતી રે લોલ,
લેતા ખૂટે ન એની લહાણ રે … જનનીની

ધરતી માતા એ હશે ધ્રૂજતી રે લોલ,
અચળા અચૂક એક માય રે … જનનીની

ગંગાનાં નીર તો વધે ઘટે રે લોલ,
સરખો એ પ્રેમનો પ્રવાહ રે … જનનીની

વરસે ઘડીક વ્યોમવાદળી રે લોલ,
માડીનો મેઘ બારે માસ રે … જનનીની

ચળતી ચંદાની દીસે ચાંદની રે લોલ,
એનો નહિ આથમે ઉજાસ રે
જનનીની જોડ સખી! નહી જડે રે લોલ.

(આભાર : ફોર એસ.વી. )
———————————

ફરમાઇશ કરનાર મિત્રો : ઊર્મિ , હિરલ, રમિત, આરિફ