ઢાંકપિછોડો તને ગમે ને મારી ખુલ્લી બાજી,
રમવું હોય તો રમ તારી ચાલે નહીં ઇતરાજી.
હું બાજી માંડું તો એને પૂરી કરીને છોડું,
એક વાર જોડું હું તાર તો કદી નહીં એ તોડું.
વાદળ વરસે વીજળી ચમકે ગગન ભલે રહે ગાજી.
ઢાંકપિછોડો તને ગમે ને મારી ખુલ્લી બાજી.
હું ગીચ ઝાડીનો જીવ નથી : મારો ખુલ્લો રસ્તો,
હવા પવન કે વાવાઝોડું : કદી નહીં એ ખસતો,
સાવ અમસ્તો સદાય હસતો મારો મારગ ખુશમિજાજી,
ઢાંકપિછોડો તને ગમે ને મારી ખુલ્લી બાજી.
રઇશભાઇની આ કેટલીય ગમતી ગઝલોમાંની આ એક.. અને શ્યામલ-સૌમિલની જોડી એમાં જ્યારે સ્વર-સંગીત ઉમેરે, ત્યારે ખરેખર ભરઉનાળામાં ઠંડી ઠંડી છાશ જેવી મઝા આવી જાય.. 🙂
.
ન પેપ્સી ન થમ્સઅપ ન તો કોક ભાવે,
રઈસ તો વીતેલા મિલેનિયમનો માણસ,
ઉકાળો મળે જો તરત ગટગટાવે,
રઈસ તો વીતેલા મિલેનિયમનો માણસ.
ન કુરિયર ન એસટીડી ન તો ફેક્સ્ કરતો,
એ પેજર મોબાઈલ થકી ખુબ ડરતો,
પગે ચીઠ્ઠી બાંધી કબુતર ઉડાવે,
રઈસ તો વીતેલા મિલેનિયમનો માણસ.
ના હોન્ડા ના સેન્ટ્રો ના ઓપેલ ઍસ્ટ્રા,
ના ઍસ્ટીમના ફ્રેન્ડ, ફ્ર્ન્ટી કે ઉનો,
બળદગાડું એને હજુ પણ લુભાવે,
રઈસ તો વીતેલા મિલેનિયમનો માણસ.
ન રાની ન કાજોલ ન ટ્વિન્કલ ન તબ્બુ,
કરિશ્મા નહીં ને રવિના કદિ નહીં,
હજુ એને નરગીસ સપનામાં આવે,
રઈસ તો વીતેલા મિલેનિયમનો માણસ.
નિશા ઉપાધ્યાયના મધુર કંઠમાં ગવાયેલું આ ગીત – એક ખાસ મિત્રની ફરમાઇશ પર. આશા છે કે સૌને ગમશે. પણ એક ફરમાઇશ હું કરું? (તમે એકની પરમિશન આપો છો ને? – તો હું બે ફરમાઇશ કરી લઉં)
એક તો – આ ગીતના શબ્દો સાંભળીને લખ્યા છે. એટલે કશે જોડણી (કે આખા શબ્દની) ભૂલ દેખાય તો ધ્યાન દોરશો.
અને બીજી ફરમાઇશ.. આ ગીતની નાયિકાના ભાવને તમારા શબ્દો આપશો?
આજનું આ સુરેશ દલાલનું ગીત એક ખાસ couple માટે. આમ તો એમને મોતિયો નથી આવ્યો હજી, અને I wish કે એમને એવો દિવસ ન આવે – પણ હા, આ ગીતમાં જે મીઠા દાંપત્યની વાત કરી છે, એવી મીઠી શુભેચ્છાઓ જરૂર આપીશ – Wishing them a Happy 36th Anniversary 🙂 (Sept 9,2008)
ડોસા ને ડોસીને મોતિયો પણ સાથે
ને ઓપરેશન પણ એક દહાડે.
જુગલ-જોડીને જોઈ રાધા ને શ્યામ
આંખ મીંચે ને આંખને ઉઘાડે.
એક જ ઓરડામાં સામસામે ખાટલા
ને વચ્ચે દીકરીઓ છે સેતુ.
એકમેકને વારેવારે પૂછયા કરે છે :
તમે કેમ છો ? ને કેમ કરે તુ ?
ઝીણીઝીણી કાળજીથી ઊંચા નહીં આવે
અને સમયનાં પતંગિયાં ઉડાડે.
થોડી વાર પછી બંને પીએ છે કૉફી
જાણે કૉલેજમાં મળી હોય ટ્રોફી.
કૉફી પીને જરી લંબાવ્યું સહેજે
અને બંને જણ ગયાં સાવ ઝોપી.
દીકરીઓ મા-બાપની ચાકરી કરે છે,
આવા જીવતરમાં કોણ આવે આડે ?
હવે દશ્યો દેખાશે બધાં ઊજળાંઊજળાં
અને અદશ્યની આછીઆછી ઝાંખી થશે.
આંખોમાં ઊગશે નવલો સૂરજ
અને ચંદ્રની કળા સહેજ બાંકી થશે.
સાતસાત ફેરા અમે સાથે ફર્યા
હવે રમશું એ રાસ જે રમાડે.
તમારા આશ્લેષે રજની ક્ષણમાંહે જ વીતશે,
પરંતુ આજે તો ક્ષણ પણ ન વીતે ક્યમ કરી;
તમારાં સ્વપ્નોમાં શયન, સ્મરણે જાગ્રત બનું,
હશો કાલે નૈં તો પરમદિન, આજે ટળવળું.