લગભગ એક વર્ષ પહેલા શબ્દો સાથે મુકેલું આ ગીત આજે સ્વર-સંગીત સાથે ફરી એકવાર….
સ્વર – આનતી શાહ – નયનેશ જાની
સંગીત : નયનેશ જાની
.
તું અને હું જાણે સામા કિનારા
પણ વચ્ચે આ વહેતું એ શું?
વાણી તો જાણે વાદળ વૈશાખના
પણ મૌન કંઈ કહેતું એ શું?
હળવેથી વાતી આ લેહેરાતી લેરખી
ને લેરખીમાં ફૂલોની માયા,
કલકલ વેહેતી આ કાળી કાલિંદી
ને એમાં કદબંની આ છાયા,
માયા ને છાયા તો સમજ્યા સાજન
પણ શ્વાસોંમાં મેહેકતું એ શું?
શમણાંની શેરીમાં પગલાનો રવ
ને પગલામાં ઝાંઝવાના પૂર,
ખાલીપો ઓઢીને સુતું આ ગામ
ને ગામ મહીં પીડા ના સૂર
પૂર અને સૂર તો સમજ્યા સાજન
પણ રુદિયામાં રોતું એ શું?
તું અને હું જાણે સામા કિનારા
પણ વચ્ચે આ વહેતું એ શું?
નિશા ઉપાધ્યાયના મધુર કંઠમાં ગવાયેલું આ ગીત – એક ખાસ મિત્રની ફરમાઇશ પર. આશા છે કે સૌને ગમશે. પણ એક ફરમાઇશ હું કરું? (તમે એકની પરમિશન આપો છો ને? – તો હું બે ફરમાઇશ કરી લઉં)
એક તો – આ ગીતના શબ્દો સાંભળીને લખ્યા છે. એટલે કશે જોડણી (કે આખા શબ્દની) ભૂલ દેખાય તો ધ્યાન દોરશો.
અને બીજી ફરમાઇશ.. આ ગીતની નાયિકાના ભાવને તમારા શબ્દો આપશો?