હિમાંશુભાઇની આ મઝાની ગઝલ – આજે ફરી એકવાર…
થોડા દિવસો પહેલા અમે અહીં ‘સંવેદનાની સૂરાવલી’ કાર્યક્રમ કર્યો – એમાં શ્રાવ્યા અંજારિયાએ આ મઝાની ગઝલ પ્રસ્તુત કરી – અને સામે જ Sound Mixer પર બેઠા હતા એના વ્હાલા ડેડી..!! પણ એણે એવી મસ્તીથી આ ગઝલ રજૂ કરી કે શ્રોતાઓમાં બેઠેલા બધા ડેડીઓ ને એમની દીકરીઓ…. અને બધી દીકરીઓને એમના પપ્પાઓ યાદ આવી જ ગયા હશે.
તો આજે આ ગઝલ તમે પણ માણો… અને હા, કોઇક વ્હાલા ડેડી કે ડેડીની વ્હાલી દીકરીનો દિવસ સુધરી જશે – આ ગઝલની લિંક એમને મોકલશો તો… એટલે એ કામ પણ કરી જ લેજો..!! 🙂
સ્વર – શ્રાવ્યા અંજારિયા
સ્વરાંકન – કર્ણિક શાહ
અને આ રહ્યું પ્રોગ્રામનું વિડિઓ રેકોર્ડિંગ..!!
**********************
Posted on November 10, 2012
આ પહેલા ટહુકો પર પ્રસ્તુત – હિમાંશુભાઇની કલમે લખાયેલી આ મારી એકદમ ગમતી ગઝલ – આજે ફરી એકવાર… એક નહિં – બે નવા અવાજમાં..!!
અને આજનો દિવસ પણ એકદમ ખાસ છે – જે દીકરીના વ્હાલમાં આ ગઝલ લખાઇ છે – એ વ્હાલી લાડકીનો આજે જન્મદિવસ છે. Happy Birthday Ritu..! Wishing you Many Many Happy Returns of the Day..!!
અને આજનો દિવસ વધુ ખાસ બનાવવા માટે – સાંભળીએ આ મઝાની ગઝલ – રીતુના પોતાના અવાજમાં..! ડેડીને જ્યારે એણે આ એમની જ ગઝલ પહેલીવાર સંભળાવી, એ મધુરક્ષણના સાક્ષી આજે આપણે બધા પણ થઇએ.
સ્વરાંકન – કર્ણિક શાહ
સ્વર – રીતુ ભટ્ટ
અને હા, આ ગઝલ એક નવા આબ્લમ ‘મેઘધનુષ’માં પણ સ્વરબધ્ધ થઇ છે. તો સાથે સાંભળીએ ગરિમા ત્રિવેદીના ગળચટ્ટા અવાજમાં આ મઝાની ગઝલ ફરી એકવાર. કર્ણિકભાઇએ આ ગઝલનું એવું મઝાનું સ્વરાંકન કર્યું છે બધા પપ્પાઓ અને પપ્પાઓની વ્હાલી દીકરીઓ બસ વારંવાર સાંભળ્યા જ કરે…!!!
સ્વરાંકન – કર્ણિક શાહ
સ્વર – ગરિમા ત્રિવેદી
——————————-
Posted on June 17, 2008
આ ગયા રવિવારે – ૧૫મી જુનના દિવસે ઘણાએ પપ્પા – ડેડી સાથે ‘Father’s Day’ મનાવ્યો હશો, અને મારા જેવા ઘણાએ લોકોએ બસ ફોન પર જ પપ્પાને ‘Happy Father’s Day’ કહીને મન મનાવ્યું હશે.
ગયા વર્ષે મુકેલું ગીત – પ્રિય પપ્પા હવે તો તમારા વગર… અને થોડા વખત પહેલા જ ટહુકો પર મુકેલી એક અછાંદસ કવિતા – તો પપ્પા! હવે ફોન મુકુ? – આ બંને રચનાઓમાં પપ્પાથી દૂર ગયેલી દીકરીની વાતો – લાગણીઓ રજુ થઇ છે, જ્યારે આજે (હા… ૧-૨ દિવસ મોડુ થઇ ગયું !!) નાનકડી ૨ વર્ષની દીકરી જાણે પપ્પા સાથે વાતો કરતી હોય, એ ભાવની ગઝલ લઇને આવી છું. અને એ પણ કવિના પોતાના અવાજમાં, કવિની શબ્દોમાં ગઝલની પુર્વભૂમિકા સાથે…
આભાર હિમાંશુભાઇ, અમને બધાને Father’s Dayની આ Special Gift આપવા માટે.
સાથે, આપ સૌને મારા અને હિમાંશુભાઇ તરફથી – Belated Happy Father’s Day 🙂
ડેડી તમે કોઈ નવી વાતો સુણાવો
ખોળામાં લો, બેસો મને સપના ગણાવો
બોલે તમારા હોઠ, ને બોલે છે આંખો
મસ્તી ફરીથી આંખમાં લાવી હસાવો
આ બે તમારા હાથ છે, દુનિયા અમારી
મારા તમે બે હાથમાં દુનિયા સમાવો
જોવા જરૂરી છે બધા રૂપ જિંદગીના
કાંટા અને આજે મને પુષ્પો બતાવો
માણી શકું હું જિંદગીને મારી રીતે
ધ્યેયલક્ષી ને મને મક્કમ બનાવો
લોકો કહે છે ગાય જેવી દિકરી હો
ચાલો ફરીથી એમને ખોટા ઠરાવો
ડેડી તમે લાગો મને દુનિયાથી વ્હાલા
વ્હાલપ તમારું મારા કણ્-કણ માં સમાવો
મારું તો પહેલું ઘર તમારું દિલ છે ડેડી
કાલે બીજા ઘરમાં મને ચાહે વળાવો …
————————
અને, ગઇકાલે મેં જે પેલા સ્પેશિયલ ગીતની વાત કરી હતીને, એ હવે આવતીકાલે…. !! 😀
————————
અને હા, હિમાંશુભાઇની બીજી રચનાઓ વાંચવા એમના બ્લોગની મુકાલાત લેતા રહેજો.