ઘણીબધી ગઝલોનું સ્વરાંકન એવી રીતે થયું હોય છે કે ગઝલ શરૂ થતા પહેલા ગઝલના મિજાજને અનુરૂપ એકાદ મુક્તક પહેલા હોય… એવું નથી લાગતું કે એનું inspiration આવા ગીતો પરથી મળ્યું હશે? લોકગીતો શરૂ થાય એ પહેલા કલાકાર આ ગીતમાં છે એવા છંદ રજૂ કરીને કેટલો જલ્દી આખો માહોલ ગીતને અનુરૂપ બનાવી દે છે! પેલું ચેતનભાઇએ ગાયેલું ઝવેરચંદ મેઘાણીનું ‘મન મોર બની થનગાટ કરે’ – એમાં પણ કંઇક આવો જ અનુભવ થાય..!! (અને હા, એ ગીત ખરેખર તો રવિન્દ્રનાથ ટાગોરનું ‘નવવર્ષા’ નો ભાવાનુવાદ છે.)
શ્રાવણ મહિનો પણ હવે શરૂ થઇ ગયો છે, અને દેશમાં જેની સાથે પણ વાત કરો, વગર પૂછ્યે ‘વરસાદ બરાબર જામ્યો છે’ ના સમાચાર મળી જ જાય છે… તો સાથે સાથે આ શ્રાવણ જલ બરસે…. ની મઝા ટહુકો પર પણ માણીયે ને?
ચારણી છંદ :
શ્રાવણ જલ બરસે, સુંદર સરસે, બદલ બરસે, અંબર સે,
તરુવર વિરિવરસે, લતા લહરસે, નદિયાં બરસે, સાગર સે,
દંપતી દુઃખ દરસે, સેજ સમરસે, લગત જહરસેં, દુખકારી
કહે રાધે પ્યારી હું બલિહારી, ગોકુળ આવો ગિરધારી….
સ્વર – સંગીત : ??
(સરોવર છલી વળ્યાં…. Lake Travis, Photo from Flickr)
* * * * * * *
.
વાદલડી વરસી રે સરોવર છલી વળ્યાં
હે સાસરિયામાં મ્હાલવું રે
પિયરીયામાં છૂટથી રે
હે વાદલડી વરસી રે સરોવર છલી વળ્યાં
મારા પગ કેરાં કડલાં રે
વીરો મારો લેવા હાલ્યો
હે વીરા લઇને વેલો આવજે રે
સાસરિયા મારા ઘેરે બેઠા
હે વાદલડી વરસી રે સરોવર છલી વળ્યાં
મારા હાથ કેરી ચૂડલી રે
વીરો મારો લેવા હાલ્યો
હે વીરા લઇને વેલો આવજે રે
સાસરિયા મારા ઘેરે બેઠા
હે વાદલડી વરસી રે સરોવર છલી વળ્યાં
મારી ડોક કેરો હારલો રે
વીરો મારો લેવા હાલ્યો
હે વીરા લઇને વેલો આવજે રે
સાસરિયા મારા ઘેરે બેઠા
હે વાદલડી વરસી રે સરોવર છલી વળ્યાં
મારા નાક કેરી નથણી રે
વીરો મારો લેવા હાલ્યો
હે વીરા લઇને વેલો આવજે રે
સાસરિયા મારા ઘેરે બેઠા
હે વાદલડી વરસી રે સરોવર છલી વળ્યાં
વાદલડી વરસી રે સરોવર છલી વળ્યાં
હવે સાસરિયે જાવું રે
પિયરીયામાં મહાલી રહ્યાં
હે વાદલડી વરસી રે સરોવર છલી વળ્યાં






