મને યાદ છે ત્યાં સુધી, અમારા અતુલ – સુવિધા કોલોનીના ગરબામાં આ ગરબો હંમેશા ગવાતો.. લગભગ તો ભાનુમાસી અને મીનામાસી ગવડાવતા અને બાકીની માસીઓ અને અમે છોકરીઓ ઝીલતા..!
અહીં ગવાયેલા શબ્દો કરતા એ ગરબાના શબ્દો થોડા અલગ હતા, ‘માને મંદિરીયે…’ ને બદલે ‘સામેની પોળથી..’ એવા શબ્દો વપરાતા… પણ, એ સિવાય ઘણું બધું સરખું..!
.
ચપટી ભરી ચોખા ને ઘીનો છે દીવડો
શ્રીફળની જોડ લઈએ રે….
હાલો હાલો પાવાગઢ જઈએ રે… (2)
આજે ફરી એક મજાનો ગરબો… અત્યાર સુધી જેટલીવાર ગરબા રમવા ગઇ છું, લગભગ અડધોઅડધ વાર તો એવું થયું જ હશે કે પહેલાના પાંચ-છ ગરબામાંનો એક આ ગરબો હોય જ..! કદાચ ગરબાના કલાકારોનો એ ગોઠવેલો એક પછી એક કયો ગરબો ગાવો એનો પણ કોઇ વણલખ્યો ક્રમ હોતો હશે..!! 🙂
આજથી તો નવરાત્રી શરૂ.. પણ અમારા અમેરિકા (અને કદાચ દેશ સિવાય બીજી ઘણી જગ્યાઓ)માં નવરાત્રી ખરેખર ૪ weekends જેટલી લાંબી હોય છે.. 🙂 શ્રાધમાં જ શરૂ થતી ‘નવરાત્રી’ દિવાળીના ગરબા સુધીની હોય ઘણીવાર…
ચલો.. એ બધી વાતો વધારે કરવા જઇશ તો મોટાભાગના લોકો માટે નીરસ એવો નિબંધ લખાઇ જશે.. કદાચ અતુલ જેવા ‘ગામડા’ની નવરાત્રી બાળપણમાં માણેલી એ મગજમાંથી નીકળતી નથી, એટલે આ મોર્ડન નવરાત્રી વર્ષોથી જોઉં છું તો યે એટલી જામતી નથી…!! (તો યે પાછું ગરબા રમવા જવાનું તો ખરું..!!)
આજે, જેમણે કલ્યાણી શાળા (અતુલ)માં ગણિત પણ શીખવાડ્યું છે – અને સુવિધા કોલોનીમાં પડોશી તરીકે જેમની સાથે જાબુંડીના ઝાડના પાંદડાવાળો રસ્તો વાળીને એનું તાપણું પણ સાથે સાથે કર્યું છે – એવા દીપિકાબેનની ખાસ ફરમાઇશ પર – નવરાત્રીના પહેલા દિવસે માતાજીને ગરબો ગાવા બોલાવીએ…
સ્વર : હેમા દેસાઇ અને વૃંદ
.
કુમકુમ કેરા પગલે માડી ગરબે રમવા આવ
કે માડી ઘણી ખમ્મા..
ચાચર કેરા ચોકે માડી ગરબે ઘુમવા આવ
કે માડી ઘણી ખમ્મા..
કુમકુમ કેરા પગલે…
આમ તો મને આ ગીતનો ભાવ એટલો ન સમજાયો, પણ રિશિત ઝવેરીનું સ્વરાંકન અને શૌનક પંડ્યાના સ્વરનો કમાલ કહી શકું કે આ ગીત તમારી સાથે વહેંચવાની લાલચ રોકી ન શકી..!!
ખરેખર તો એના ત્રણે આબ્લમ મને રિશિતે ઘણા વખતથી આપ્યા છે, પણ મેં આજે-કાલે કરતા ઘણો વખત કાઢી નાખ્યો, એ માટે રિશિતની માફી ચાહું છું. પોતાના ઘરના સ્ટુડિયોમાં ફક્ત ૧૬-૧૭ વર્ષની ઉંમરે બનાવેલા આ આલ્બમ સાંભળો ત્યારે રિશિતની કાબેલિયતના વખાણ કર્યા વગર રહી જ ન શકાય..!
ઊર્મિએ એક વાર કહ્યું હતુ એમ, કાવ્યમયની સાથેસાથ સંગીતમય બની ગયેલા સુરત શહેરનું એક ઉજળું પાસું એટલે – રિશિત ઝવેરી
દે તાલી… દે તાલી… દે તાલી….
આ હા હા.. આજે તો ખરેખર તમારા માટે ખજાનો લાવી છું..! વેલ, તમારા માટે એ કેટલું સાચું હોય એ તો તમે જાણો, પણ મને જ્યારે આ ગીત પહેલીવાર હાથ લાગ્યું, ત્યારે ખરેખર ખજાનો મળ્યાની જ લાગણી થયેલી..!!
ઘણી નાની હતી ત્યારે પપ્પા પાસે આ ‘દે તાલી’ કેસેટ હતી, અને અમને બધા ને દે તાલી.. દે તાલી દે તાલી.. દે તાલી.. દે તાલી દે તાલી.. કરવાની ખૂબ જ મજા આવતી..! કેસેટના બીજા કોઇ ગીત મને યાદ નથી, અને આ ગીત નો બીજો એક પણ શબ્દ યાદ નથી… પણ બસ આટલા શબ્દો જાણે ઊંડે સુધી મનમાં કોતરાઇ ગયા છે..મને યાદ છે કે હું ગીતમાં આ શબ્દો આવવાની રાહ જોતી..!
કે ગામને મેળે ખોવાઇ ગયા છોકરા, દે તાલી..
અને પછી તો કેસેટ ઘસાઇને ક્યાં ગઇ કે કોઇ લઇ ગયું એ કંઇ જ ખબર નથી..! પણ ‘ગામને મેળે ખોવાઇ ગયેલા છોકરાઓ’ને અમે ઘરમાં બધા જ ઘણીવાર યાદ કરતા.. નાનપણની નાની-નાની યાદ કેટલી મઝાની અને કેટલી અનમોલ હોય છે..! આટલા વર્ષે આ ગીત સાંભળીને ફરીથી જાણે સુવિધા કોલોની (અતુલ) પહોંચી જવાયું..!!
કે આંખ હજી ઉઘડી નથી ને પડ્યા ફોતરા, દે તાલી..
કે ગામને મેળે ખોવાઇ ગયા છોકરા, દે તાલી..
કે સમડીના ચકરાવા વિસ્તરતા ખોરડે, દે તાલી..
કે સાતરંગ પડતા ખડિંગ દઇ ઓરડે, , દે તાલી..
આમ તો નવરાત્રી આવવાની એટલે ચોમાસું જવાના દિવસો આવી ગયા… પણ વાત જો છોકરીના હૈયાની હોય, તો ત્યાં કંઇ ચોમાસું કેલેન્ડર જોઇને ઓછું આવે છે? 🙂
અને મુકેશભાઇની કલમ હોય પછી તો પૂછવું જ શુ? મને યાદ છે આશિત દેસાઇએ એક પ્રોગ્રામમાં એવું કહ્યું હતું કે એમને મુકેશભાઇના ગીતોનો સંગ્રહ મળ્યો અને થોડા જ દિવસમાં એમણે લગભગ બધા જ ગીતો સ્વરબધ્ધ કરી દીધા..!! એમનું પેલું બાઝી પડ્યો રે વરસાદ… અને હવે તારામાં રહું? એ ગીતો તો કોઇ સ્વરબધ્ધ કરે એની રાહ જોઇ રહી છું ક્યારની.. (મને સ્વરાંકન કરતા નથી આવડતું ને, એટલે..)