આ ગીત સાથે મુકવા માટે ટીંગાટોળીનો એક ફોટો ગૂગલ કરી જોયો – પણ એમ કંઇ ૧૦૦% ગુજરાતી શબ્દનું ભાષાંતર કરીને ચાલતું હશે? મને તો એક પણ ફોટો ના મળ્યો…! તમારી પાસે એવો કોઇ – બાળકને ટીંગાટોળી કરતો ફોટો હોય તો મોકલશો? (અથવા તો ફોટો પડાવવા માટે કોઇની ટીંગાટોળી કરી લ્યો..! એ પણ દોડશે..!! 🙂
Upate : લો.. એક ફોટો તો એક ટહુકો-મિત્ર તરફથી મળી ગયો..! તમારે પણ કોઇ ફોટો મોકલવો હોય તો મોકલી દ્યો..! આજની પોસ્ટમાં એક થી વધુ ફોટા હશે તો ગીત સાંભળવાની વધુ મઝા આવશે..!

*****
શબ્દ- સ્વરાંકન : વિહાર મજમુદાર
સંગીત: અમીત ઠક્કર
સ્વર: માનસી, પરીધિ, ઉર્જા
ટીંગાટોળી…………… ટીંગાટોળી.
મમ્મી ને પપ્પાએ ઝાલી રેશમ જેવી ઝોળી
ટીંગાટોળી………….. ટીંગાટોળી.
સવાર પડતાં સૂરજદાદા સામે આવી ઉભા
તડકા સાથે મસ્તી કરતાં હળવે મારૂં ગુબ્બા
મસ્તી કરતાં ભૂખ લાગી – ખાવી ચાંદાપોળી
ટીંગાટોળી………… ટીંગાટોળી.
ચાંદાપોળી ખાતાં ખાતાં નીંદર આવી આઁખે
માને ખોળે સૂઈને ઉડું હું સપનાની પાંખે
મારે સપને ઉડતી આવી સો સો પરીઓની ટોળી
ટીંગાટોળી………. ટીંગાટોળી.
આઁખ ઉઘાડી જોયું ત્યાં તો મમ્મી પપ્પા ગૂમ
આજુ બાજુ જોતાંજોતાં પાડી ત્યાં મેં બૂમ !!!
‘ચાલ આપણે રમીએ સાથે’ જો ! બોલી એક ખિસકોલી
ટીંગાટોળી. …….. ટીંગાટોળી.





