Category Archives: કવિઓ

પ્રેમમાં કોઇએ પછાડ્યો છે – હરદ્વાર ગોસ્વામી

મૂળસૉતો મને ઉખાડ્યો છે,
ને પછી આભમાં ઉડાડ્યો છે;

શ્વાસ ફાગણ બનીને મહેકાતો,
રંગ કેવો તમે લગાડ્યો છે !

તે પછી ઊંઘ ના કદી આવી,
સ્વપ્નમાં જ્યારથી જગાડ્યો છે;

આવી ઊંચાઇ ના કદી આવે,
પ્રેમમાં કોઇએ પછાડ્યો છે;

કૃષ્ણ ભૂલી ગયા વિદુરભાજી,
કાવ્યનો શબ્દ જ્યાં ચખાડ્યો છે;

પૂજશે સૌ ચરણકમળ, એથી,
પંગુને પર્વતેવ પુગાડ્યો છે;

સાત સમદર તરી ગયા પળમાં,
જાતમાં મેં મને ડુબાડ્યો છે.

એક લાલ દરવાજે તંબુ તાણીયા રે લોલ… – અવિનાશ વ્યાસ

સ્વર : હર્ષદા રાવલ
amadavad

.

એક લાલ દરવાજે તંબુ તાણીયા રે લોલ

અમદાવાદી નગરી
એની ફરતે કોટે કાંગરી
માણેકલાલની મઢી
ગુલઝારી જોવા હાલી

હે વઉ તમે નઉ જશો જોવાને
ત્યાં બાદશો બડો મિજાજી

એક લાલ દરવાજે તંબુ તાણીયા રે લોલ

સીદી સૈયદની જાળી
ગુલઝારી જોવા હાલી
કાંકરિયાનું પાણી
ગુલઝારી જોવા હાલી

હે વઉ તમે નઉ જશો જોવાને
ત્યાં બાદશો બડો મિજાજી

એક લાલ દરવાજે તંબુ તાણીયા રે લોલ

ત્રણ દરવાજા માંહી
માં બિરાજે ભદ્રકાળી
માડીના મંદિરીયે
ગુલઝારી જોવા હાલી

હે વઉ તમે નઉ જશો જોવાને
ત્યાં બાદશો બડો મિજાજી

એક લાલ દરવાજે તંબુ તાણીયા રે લોલ

શાંત મનની ખીણમાં – હેમેન શાહ

જ્યારે હું તારા વિચારોમાં અછડાતો હોઉં છું,
દૂરના જંગલપ્રદેશમાં રખડતો હોઉં છું.

શાંત મનની ખીણમાં પડઘાય તારું નામ જ્યાં,
હું જ અસ્થિર ભેખડો માફક ગબડતો હોઉં છું,

રાતની ઊઘડી ગયેલી બારીની તું બહાર જો,
ક્યાંય જાગ્રત પાંદડાઓમાં ખખડતો હોઉં છું.

હું ઉલ્લંઘી કાળ ને સ્થળ, સ્વપ્ન તારું જોઉં છું,
પ્રાત:કાળે સૂર્યની સાથે ઝગડતો હોઉં છું.

જાય છે ઓફિસ તરફ જે, એ જ રસ્તામાં કશે,
હું ખરેલી સૌ વસંતોને કચડતો હોઉં છું.

મોસમનું ખાલી નામ છે – તુષાર શુક્લ

જ્યારે ગુજરાતી સંગીત સાથેનો મારો નાતો ભજનો, ગરબા અને મનહર ઉધાસની ગઝલો પૂરતો જ સીમીત હતો, ત્યારે અમદાવાદના ક્રોસવર્ડમાં મને હસ્તાક્ષર સિરીઝની કેસેટ જોવા મળી, અને એના પર લખેલા શબ્દો :

દરિયાના મોજાં કંઇ રેતીને પૂછે, ‘તને ભીંજાવું ગમશે કે કેમ ?’;
એમ પૂછીને થાય નહીં પ્રેમ.

– વાંચીને મેં એ કેસેટ લઇ લીધી. અને ત્યારથી જ તુષાર શુક્લ મારા ઘણા જ પ્રિય કવિ. એમનું હસ્તાક્ષર આબ્લમ જો ના સાંભળ્યું હોય, તો ખરેખર તમે ઘણું ગુમાવી રહ્યા છો. ધવલભાઇ કહે ને, એમના ગીતો સાંભળી લો તો આખો દિવસ મઘમઘ થઇ જવાની ગેરંટી, એમા જરાય અતિશયોક્તિ નથી.

અને એક મિત્રને ઓળખું છું, જેણે એમણે સંચાલન કર્યું હોય એવા કોઇ દૂરદર્શનના પ્રોગ્રામનું રેકોર્ડિંગ કર્યું છે, અને વારે વારે એ પ્રોગ્રામ જુએ છે, ફક્ત તુષાર શુક્લનું સંચાલન માણવા માટે.

સ્વર : શ્યામલ – સૌમિલ મુન્શી
સંગીત : ક્ષેમુ દિવેટીઆ

( રેતીમાં આંગળીથી લખ્યું એનું નામ છે )

.

મોસમનું ખાલી નામ છે. આ તારું કામ છે.
રંગોની સુરાહિમાં સુગંધોના જામ છે

મોસમનું ખાલી નામ છે. આ તારું કામ છે.
રંગોના ઘાવો પર આ સુગંધોના ડામ છે.

વરસે છે વાદળોથી જે એ તારું વ્હાલ છે
નખશિખ ભીંજાય છે જે હૈયાનું ગામ છે

શોધીશ તો યે નહીં મળે નકશામાં એ તને
નકશાની બહારનું છે, એ સપનાનું ગામ છે

હેમંતને વસંતને વર્ષાની વાત ક્યાં
તારાં જ છે સ્વરૂપ ને તારો દમામ છે

આને જ તે કહેતાં હશે દિવાનગી બધાં
કોઇ પૂછે ને કહી ન શકું : વાત આમ છે…

માઝા મૂકીને દોડતો દરિયો ય આવશે
રેતીમાં આંગળીથી લખ્યું એનું નામ છે

ભીની અજાણી ભીંત પરની લીલમાં હજી
ગઇ કાલે કોતર્યું હતું એ કોનું નામ છે…

મોસમ બધીય યાદની મોસમ બની ગઇ
મક્તાનો શેર શ્વાસમાં, છેલ્લી સલામ છે.

इश्वर अल्लाह तेरे जहांमें … – जावेद अख्तर

स्वर : अनुराधा श्रीराम, सुजाता मोहन
संगीत : ए. आर. रहेमान

इश्वर अल्लाह तेरे जहांमें नफरत क्युं है, जंग है क्युं ?
तेरा दिल तो इतना बडा है, इन्सानका दिल तंग है क्युं ?

कदम कदम पर सरहद कयुं है, सारी झमीं जब तेरी है,
सूरज के फेरे करती है, फिर क्युं इतनी अंधेरी है ?

इस दुनिया के दामन पर इन्सान के लहूका रंग है क्युं ?
इश्वर अल्लाह तेरे जहांमें…..

गूंज रही है कितनी चीखें, प्यारकी बातें कौन सुने,
टूट रहें है, कितने सपने, इनके टुकडे कौन चुने ?

दिलके दरवाझों पर ताले, तालों पर ये झंग है कयुं ?
इश्वर अल्लाह तेरे जहांमें…..

જરા તો નજીક આવ ! – અમર પાલનપુરી

છે પ્રેમનો સવાલ, જરા તો નજીક આવ !
ઊભી ન કર દીવાલ, જરા તો નજીક આવ !

મોટેથી કહી શકાય, નથી એવી વાત એ;
સુણવા હો દિલના હાલ, જરા તો નજીક આવ !

અંતર હંમેશા પ્રેમમાં અંતરાય થાય છે,
રાખીને એ ખયાલ, જરા તો નજીક આવ !

ટાઢક વળે છે દિલને મહોબતની આગથી;
જોવાને એ કમાલ, જરા તો નજીક આવ !

જાવું છે મારે દૂર ને ઝાઝો સમય નથી,
છોડીને સૌ ધમાલ, જરા તો નજીક આવ !

વાગી રહી છે મોતની શરણાઇઓ અમર,
જોવા જીવનનો તાલ, જરા તો નજીક આવ !

ના રસ્તા કે ના ઝરણાં – જયન્ત પાઠક

creek

રસ્તાઓ અચાનક મળી ગયા
બે ઘડી વાતે વળગ્યા ને
છૂટા પડી ગયા.

ઝરણાં અચાનક મળી ગયાં
એકબીજાને ભેટ્યાં ને
ભળી ગયાં.

અમે અચાનક મળી ગયાં
-અમે, ના રસ્તા કે ના ઝરણાં
એટલે-
ના છૂટાં પડ્યાં, ના ભળી ગયાં !

( આભાર : લયસ્તરો )

હે, વ્યથા ! – શેખાદમ આબુવાલા

સ્વર : હરિહરન.

Photo by A.Guandalini

.

હે, વ્યથા ! હે, વ્યથા !
કુમળા કંઇ કાળજાને કોરતી કાળી કથા!

પાંપણો ભીની કરી, ગાલ પર મારા સરી.
નેણ કેરાં નીર થઇને, નીતરી જાજે તું ના. – હે, વ્યથા ! …

રક્તના રંગો ભરી, તે રંગથી નીજને ભરી,
જખમી દીલના ડાઘ થઇને, ચીતરી જાજે તું ના. – હે , વ્યથા !.. .

ધ્રુજતા મારા અધર, શી કુશળતાથી કરું, સ્મિતથી સભર?
ક્યાંક ઊની આહ થઇને, હોઠે તું આવી જાય ના. – હે, વ્યથા ! …

હું કોણ છું…. ? – શોભિત દેસાઇ

કોણ મારા હોવાનો ભ્રમ દે મને ? હું કોણ છું ?
કોણ મારા બદલે જીવે છે મને ? હું કોણ છું ?

કેમ હળવો થઇ રહ્યો છે મારા આ દુ:ખનો સમય ?
કોણ મનગમતાં દરદ આપે મને ? હું કોણ છું ?

જે ક્ષણે જનમ્યો છુ એ ક્ષણથી લઇ આ ક્ષણ સુધી
આભમાંથી કોણ બોલાવે મને ? હું કોણ છું ?

કાળ માયાવી, હું વારસ અંધનો, સ્થળ જળ બને ;
ઘાસ, થઇને લીલ, કયાં ખેંચે મને ? હું કોણ છું ?

આ બધા પ્રશ્નોના ઉત્તર એને માટે છે સહજ,
એ તો કૈં સદીઓથી જાણે છે મને હું કોણ છું ?

ના, ના, નહીં આવું, મેળે નહીં આવું… – હરીન્દ્ર દવે

સ્વર : લતા મંગેશકર
સંગીત : દિલીપ ધોળકિયા
melano thaak

.

ના, ના, નહીં આવું, મેળે નહીં આવું,
મેળાનો મને થાક લાગે;
મારે વહેતે ગળે ન હવે ગાવું,
મેળાનો મને થાક લાગે.

ક્યાં છે વાયરાની પ્રાણભરી લ્હેરી ?
ક્યાં છે નેહભર્યો સંગ એ સુનેરી ?
ક્યાં એ નજરું કે જેણે મને હેરી ?
સખી, અમથું અમથું ક્યાં અટવાવું,
મેળાનો મને થાક લાગે;

ના, ના, નહીં આવું, મેળે નહીં આવું,
મેળાનો મને થાક લાગે.

એના પાવાનો સૂર ક્યાંય હલક્યો ?
એનો કેસરિયો સાફો ક્યાંય છલક્યો ?
એના હોઠનો મરોડ ક્યાંય મલક્યો ?
કહો એવા વેરાને કેમ જાવું,
મેળાનો મને થાક લાગે;

ના, ના, નહીં આવું, મેળે નહીં આવું,
મેળાનો મને થાક લાગે.

–  હરીન્દ્ર દવે

———————

ફરમાઇશ કરનાર મિત્ર : ડૉ. ચિરાગ પટેલ.