સોંસરો વરસાદ વીંધે ને છતાં કોરાપણું
શાહીની હેલી બધે ને જાતથી જુદાપણું
કાગદી હોડી ઉપર હોડી તરાવી શું કરું ?
હુંપણાના ભારથી ડૂબી જશે હોવાપહું
સાવ રે ઘેલી – અનિરુધ્ધ બ્રહ્મભટ્ટ
સાવ રે ઘેલી !
અડધી અડધી થાય જોતા મુને,
તોય તારા બે હોઠ રહે નિત આવતા ઓલ્યા સ્મિતને ઠેલી !
આપણે તો પ્રિય, સાચુ પૂછો તો, મારગે મળ્યાં એટલો નાતો !
( તેથી જ કે પેલો સાગર ઘેલો હોઠે અડી અડી જાય રેલાતો ? )
તોય જાણું તારા નેણ દ્વારે વાટ જોતી કંઇ કેટલી વાતો
આવી આવી ઊભે નિત છુપાઇ પાંપણે કેરી ભીંત એઢેલી… સાવ રે ઘેલી
સાવ સૂકા એ મારગે આપણ આજ લગી વાયો વાયરો સૂનો
કોણ જાણે ક્યમ એય છકેલો વાય હવે ચારે કોરથી ભીનો !
એટલું યે પણ હોય ઓછું તે અંગે અંગે મૂઓ ચોળતો હીનો !
(ને) રંગબેરંગી સમણાં ઓલ્યાં રાત આખી જાય ફાગને ખેલી ! … સાવ રે ઘેલી
નજરુંના તારા ફૂલનો ઊભી વાટમાં રંગ-પરાગ વેરાતો
કો’ક કહે અલ્યા મારગે તારે વૈશાખનો વંટોળ ઘેરાતો
ધૂળ ઊડે ઊંચે આભ ઘેરીને જેઠ તપે પછી વગડે તાતો
એની તે હોય વિસાત મને શી? તું જ મળી યાં પાવસ હેલી… સાવ રે ઘેલી
શાહી સૂરજ નથી કે સાંજે ઢળી શકે – અશરફ ડબાવાલા
પોતાથી અલગ થઇને બીજું શું કરી શકે;
માણસ બહુ બહુ તો ટોળે વળી શકે !
કાગળની સાથે વાત ગમે ત્યારે થઇ શકે
શાહી સૂરજ નથી કે સાંજે ઢળી શકે.
છે મ્હેલનો હુકમ કે એને દેશવટો દ્યો
દરવાજો ખૂલતાં જ બધું જે કળી શકે
જે બહારના લય તાલમાં ઝૂમી જનાર છે
ઢોલકમાં જઇ અવાજ નહિ સાંભળી શકે
દ્વારો પવનથી ઊઘડે એવા બધા વિચાર
સાંકળના ખૂલવાને નહિ સાંકળી શકે.
ભલું થયું, તમે મને મળી ગયાં પ્રવાસમાં ! – ગની દહીંવાલા
મને થતું : ઢળી પડીશ હું અમુક શ્વાસમાં
ભલું થયું, તમે મને મળી ગયાં પ્રવાસમાં !
હસી રહી’તી મંજિલો, તજી ગયો’તો કાફલો
થઇ રહ્યો’તો રાત-દિન દિશાઓનો મુકાબલો
ઊઠી ઊઠીને આંધીઓ તિમિ૨ હતી પ્રસારતી
રહી રહીને જિંદગી કોઇને હાક મારતી
મને થતું કે કોણ એને લઇ જશે ઉજાસમાં?
ભલું થયું, તમે મને મળી ગયાં પ્રવાસમાં !
ખરી જતાં ગુલાબને હવે ઝીલીશું ખોબલે
ઊડી જતી સુવાસને સમાવી લેશું અંતરે
ખડા થઇ જશું, વહી જતાં સમયની વાટમાં
ભરીશું હર્ષનો ગુલાલ, શોકના લલાટમાં
મને થતું કે ફેર કંઇ પડે હ્ર્દયની પ્યાસમાં
ભલું થયું, તમે મને મળી ગયાં પ્રવાસમાં !
વિકીર્ણ સોણલાંઓને વિવિધ રીતે સજાવશું
ઠરી ગયેલ ઊર્મિને હ્રદય-ઝૂલે ઝુલાવશું
હવે કદી પવિત્ર જળ ધરા ઉપર નહિ ઢળે
નયન-સમુદ્રથી જગતને મોતીઓ નહિ મળે
મને થતું : વસાવું આ સુવર્ણને સુવાસમાં
ભલું થયું, તમે મને મળી ગયાં પ્રવાસમાં !
તમે જ રાહ ને તમે જ રાહબર હતા ભલા ?
તમે જ શું દશે દિશા? તમે જ તૃપ્તિ ને તૃષા ?
ખરું પૂછો તો ‘આદિ’થી હતી તમારી ઝંખના
અદીઠને અનેકવાર મેં કરી છે વંદના
મને થતું કે એ જ છે હ્રદયની આસપાસમાં
ભલું થયું, તમે મને મળી ગયાં પ્રવાસમાં !
પ્રેમપત્ર – ઊર્મિ
આજ મારી વ્હાલી સખી ‘ઊર્મિ’ની એક મઘમઘતી મીઠી ગઝલ..
પત્રમાં પ્રીતમ લખું કે સખા, સાજન લખું?
શબ્દો હું મઘમઘ લખું, મૌનની સરગમ લખું.
તું યે કોરો ના રહે, જો તને લથબથ લખું,
આજ તોડું હદ બધી… બસ લખું, અનહદ લખું !
ઝાંઝવાનાં જળ છળું, મેહુલો છમછમ લખું,
તારી કોરી ધરતી પર હું મને ખળખળ લખું.
પથ્થરોનાં વનનાં હર પહાણ પર ધડકન લખું,
કાળજાની કોર પર લાગણી મધ્ધમ લખું.
રાત દિનની દરમિયાં કૈંક તો સગપણ લખું,
આભ અવનિને મળે, એક મિલનનું સ્થળ લખું.
દોહ્યલાં જીવનમાં એક સાહસી અવસર લખું,
સ્નેહનાં હર તાંતણે શૌર્યનાં હું વળ લખું.
માંહ્યલામાં ચાલતી કાયમી ચળવળ લખું,
દિલમાં તારા શું હશે? રેશમી અટકળ લખું.
લાવ તારા હાથમાં વ્હાલ હું અણનમ લખું,
ભાગ્યમાં હું એક બે પ્રેમઘેલી પળ લખું.
આટલું વ્હાલમ તને વ્હાલથી વ્હાલપ લખું,
ઊર્મિનાં લિખિતંગ લખું, સ્નેહનાં પરિમલ લખું.
—————
આભાર : http://www.urmisaagar.com/
તો’ય શ્વાસોચ્છવાસ સમ તું કડકડાટ છે – કવિ રાવલ
આજ મનમાં કોણ જાણે શો ઉચાટ છે ?
ચોતરફ વાતાવરણમાં તરફડાટ છે…
ઊછળે દરિયો અને આ સ્થિર ઘાટ છે !!!
એટલે – મોજા મહી આ ઘૂઘવાટ છે…
લાગણીઓ તો હવા સમ સ્પર્શતી રહે…
ને હવા જેવો જ એનો સૂસવાટ છે…
ગોખવા બેઠી નથી ક્યારેય પણ તને..
તો’ય શ્વાસોચ્છવાસ સમ તું કડકડાટ છે…
ભીતરે ફૂટી હશે પાંખો તને અરે…
તારા આ અસ્તિત્વમાં જો ફડફડાટ છે…
છંદ-વિધાન: ગાલગાગા | ગાલગાગા | ગાલગાલગા
( કવિ રાવલની અન્ય રચનાઓ વાંચો : એમના જ બ્લોગ પર )
કોઇ ટહુકે છે ખૂબ આઘેથી – રાજેશ વ્યાસ ‘મિસ્કીન’
તો કેવું ? – ભાગ્યેશ જહા
હળવેથી રોજ તમે વરસ્યા કરો છો
હવે ધોધમાર વરસો તો કેવું ?
બારી ઉઘાડીએ તો આવે અજવાળું
હવે, બારણું ઉઘાડો તો કેવું ?
ભીના અજવાળાને ઓરડામાં રાખીએ
તો વરસે તે સમણાના ઝાંપે,
ખૂણામાં સંતાડો અંધારું ચોમાસે,
તો જાગેલા દીવાથી કાંપે, –
દીવાની ઘટનાને જન્મોથી પ્રગટાવો-
હવે ખુદ તમે પ્રગટો તો કેવું ?
બારી ઉઘાડીએ તો આવે અજવાળું
હવે, બારણું ઉઘાડો તો કેવું ?
ધારો કે ફૂલ નામે ઊગે સરનામું
અને પીળી સુવાસ નામે શેરી,
ગામ એનું ધોધમાર વરસાદી ઝાપટું
ને સૂકવેલી લાગણીઓ કોરી,
ચોમાસે લાગણીઓ કેમે સુકાય નહીં,
હવે, તડકો થઈ આવો તો કેવું ?
હળવેથી રોજ તમે વરસ્યા કરો છો
હવે ધોધમાર વરસો તો કેવું ?
તું નયન સામે નથી તોપણ મને દેખાય છે – બરકત વિરાણી ‘બેફામ’
વ્યર્થ દુનિયામાં પ્રણયને આંધળો કહેવાય છે ;
તું નયન સામે નથી તોપણ મને દેખાય છે.
જ્યાં જુઓ ત્યાં બસ બધે એક જ વદન દેખાય છે ;
કોઇને એક વાર જોયા બાદ આવું થાય છે.
એમ તો એનું અચાનક પણ મિલન થઇ જાય છે ;
શોધમાં નીકળું છું ત્યારે જ એ સંતાય છે.
આવ મારાં આંસુની થોડી ચમક આપું તને,
તું મને જોઇને બહું ઝાંખી રીતે મલકાય છે.
એટલે સાકી, સુરા પણ આપજે બમણી મને,
મારા માથા પર દુઃખોની પણ ઘટા ઘેરાય છે.
હોય ના નહિ તો બધોય માર્ગ અંધારભર્યો,
લાગે છે કે આપની છાયા બધે પથરાય છે.
હું કરું છું એના ઘરની બંધ બારી પર નજર,
ત્યારે ત્યારે મારી આંખોમાં જ એ ડોકાય છે.
પ્યાર કરવો એ ગુનો છે એમ માને છે જગત,
પણ મને એની સજા તારા તરફથી થાય છે.
છે લખાયેલું તમારું નામ એમાં એટલે,
લેખ મારાથી વિધિના પણ હવે વંચાય છે.
છે અહીં ‘બેફામ’ કેવળ પ્રાણની ખુશ્બૂ બધી,
પ્રાણ ઊડી જાય છે તો દેહ પણ ગંધાય છે.
હું ક્યાં છું ? – જયન્ત પાઠક
ગામની પાસેના વગડામાં
સીતાફળીની ડાળીડાળીએ
આંખ ઉઘાડી ઝૂલે સીતાફળ હજીય –
પણ તે અમને
બાળટોળીને સાથે લઈને
ઝાકળભીના સવારના તડકામાં થઈને
વનની વાટે વળનારા એ દાદા ક્યાં છે ?
રિસાઈને ઘરમાંથી ભાગી
જઈ જહીં સંતાતા તે સૌ
ટેકરીઓ તો ગામ પાદરે હજી આ બેઠી –
પણ ચિંતાથી અરધી અરધી
હાંફતી હાંફતી ટેકરીઓને માથે ચઢતી
પડતી ને આખડતી
મમતાની મૂરત બા ક્યાં છે ?
પૂરમાં ઘેલી થઈ વ્હેતી ને
ધોળી ફૂલ જેવી રેતીને રમાડતી તે
નદી
હજી ગામને ઘસાઈ વ્હે છે –
પણ રમનારા ડૂબકીદાવો
રેતીમાં ઘર ચણનારાઓ
કલકલ કરતા છોકરડાઓ –
બાલગોઠિયા મારા ક્યાં છે ?
હજીય
પાપા પગલી કરતું
ભમરડે શેરીમાં રમતું, લખોટા જેવું દડતું
ટહુકા તરુડાળોમાં કરતું, જલમાં તરતું,
સીમશેઢામાં હરતું ફરતું,
ટેકરીઓને માથે ચઢતું
કોક પ્હણે દેખાય –
અરે, પણ તે હું ક્યાં છું ?
