હું ક્યાં છું ? – જયન્ત પાઠક

ગામની પાસેના વગડામાં
સીતાફળીની ડાળીડાળીએ
આંખ ઉઘાડી ઝૂલે સીતાફળ હજીય –
પણ તે અમને
બાળટોળીને સાથે લઈને
ઝાકળભીના સવારના તડકામાં થઈને
વનની વાટે વળનારા એ દાદા ક્યાં છે ?

રિસાઈને ઘરમાંથી ભાગી
જઈ જહીં સંતાતા તે સૌ
ટેકરીઓ તો ગામ પાદરે હજી આ બેઠી –
પણ ચિંતાથી અરધી અરધી
હાંફતી હાંફતી ટેકરીઓને માથે ચઢતી
પડતી ને આખડતી
મમતાની મૂરત બા ક્યાં છે ?

પૂરમાં ઘેલી થઈ વ્હેતી ને
ધોળી ફૂલ જેવી રેતીને રમાડતી તે
નદી
હજી ગામને ઘસાઈ વ્હે છે –
પણ રમનારા ડૂબકીદાવો
રેતીમાં ઘર ચણનારાઓ
કલકલ કરતા છોકરડાઓ –
બાલગોઠિયા મારા ક્યાં છે ?

હજીય
પાપા પગલી કરતું
ભમરડે શેરીમાં રમતું, લખોટા જેવું દડતું
ટહુકા તરુડાળોમાં કરતું, જલમાં તરતું,
સીમશેઢામાં હરતું ફરતું,
ટેકરીઓને માથે ચઢતું
કોક પ્હણે દેખાય –

અરે, પણ તે હું ક્યાં છું ?

4 replies on “હું ક્યાં છું ? – જયન્ત પાઠક”

  1. ખરેખર્ સુન્દર ગિત ! આન્ખો ભિનિ થઇ ગઇ!
    “અરે, પણ તે હું ક્યાં છું “? વાહ્……….વાહ્ બિના

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *