ભલું થયું, તમે મને મળી ગયાં પ્રવાસમાં ! – ગની દહીંવાલા

મને થતું : ઢળી પડીશ હું અમુક શ્વાસમાં
ભલું થયું, તમે મને મળી ગયાં પ્રવાસમાં !

હસી રહી’તી મંજિલો, તજી ગયો’તો કાફલો
થઇ રહ્યો’તો રાત-દિન દિશાઓનો મુકાબલો
ઊઠી ઊઠીને આંધીઓ તિમિ૨ હતી પ્રસારતી
રહી રહીને જિંદગી કોઇને હાક મારતી

મને થતું કે કોણ એને લઇ જશે ઉજાસમાં?
ભલું થયું, તમે મને મળી ગયાં પ્રવાસમાં !

ખરી જતાં ગુલાબને હવે ઝીલીશું ખોબલે
ઊડી જતી સુવાસને સમાવી લેશું અંતરે
ખડા થઇ જશું, વહી જતાં સમયની વાટમાં
ભરીશું હર્ષનો ગુલાલ, શોકના લલાટમાં

મને થતું કે ફેર કંઇ પડે હ્ર્દયની પ્યાસમાં
ભલું થયું, તમે મને મળી ગયાં પ્રવાસમાં !

વિકીર્ણ સોણલાંઓને વિવિધ રીતે સજાવશું
ઠરી ગયેલ ઊર્મિને હ્રદય-ઝૂલે ઝુલાવશું
હવે કદી પવિત્ર જળ ધરા ઉપર નહિ ઢળે
નયન-સમુદ્રથી જગતને મોતીઓ નહિ મળે

મને થતું : વસાવું આ સુવર્ણને સુવાસમાં
ભલું થયું, તમે મને મળી ગયાં પ્રવાસમાં !

તમે જ રાહ ને તમે જ રાહબર હતા ભલા ?
તમે જ શું દશે દિશા? તમે જ તૃપ્તિ ને તૃષા ?
ખરું પૂછો તો ‘આદિ’થી હતી તમારી ઝંખના
અદીઠને અનેકવાર મેં કરી છે વંદના

મને થતું કે એ જ છે હ્રદયની આસપાસમાં
ભલું થયું, તમે મને મળી ગયાં પ્રવાસમાં !

 

6 replies on “ભલું થયું, તમે મને મળી ગયાં પ્રવાસમાં ! – ગની દહીંવાલા”

  1. તમે જ રાહ ને તમે જ રાહબર હતા ભલા ?
    તમે જ શું દશે દિશા? તમે જ તૃપ્તિ ને તૃષા ?
    ખરું પૂછો તો ‘આદિ’થી હતી તમારી ઝંખના
    અદીઠને અનેકવાર મેં કરી છે વંદના

    મને થતું કે એ જ છે હ્રદયની આસપાસમાં
    ભલું થયું, તમે મને મળી ગયાં પ્રવાસમાં

  2. હસી રહી’તી મંજિલો, તજી ગયો’તો કાફલો
    થઇ રહ્યો’તો રાત-દિન દિશાઓનો મુકાબલો
    ઊઠી ઊઠીને આંધીઓ તિમિ૨ હતી પ્રસારતી
    રહી રહીને જિંદગી કોઇને હાક મારતી

    મને થતું કે કોણ એને લઇ જશે ઉજાસમાં?
    ભલું થયું, તમે મને મળી ગયાં પ્રવાસમાં !

    શુભાન અલ્લાહ!!!!

  3. Such a nice piece of art,
    I read this Ghazal after a lont time since it was posted.
    Amazingly superb.

    Thank you for putting this kind of class on your blog Jayshree.

    Dharmadev

  4. તમે જ રાહ ને તમે જ રાહબર હતા ભલા ?
    તમે જ શું દશે દિશા? તમે જ તૃપ્તિ ને તૃષા ?
    ખરું પૂછો તો ‘આદિ’થી હતી તમારી ઝંખના
    અદીઠને અનેકવાર મેં કરી છે વંદના

    Tu humsafar tu humkadam tu humnawah mera
    Tu hi haqeeqat khwaab tu
    Dariya tu hi pyaas tu
    Tu hi dil ki bekarari
    Tu sukoon tu sukoon

  5. સરસ ગઝલ અને ગનિભાઈને જોયા છે, સાન્ભળ્યા છે, સુરતમા ગોપિપુરામા જ રહ્યો છુ ઍટલૅ બધુ યાદ કરાવવા બદલ આભાર અને અભિનદન્……

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *