પ્રેમપત્ર – ઊર્મિ

આજ મારી વ્હાલી સખી ‘ઊર્મિ’ની એક મઘમઘતી મીઠી ગઝલ..

પત્રમાં પ્રીતમ લખું કે સખા, સાજન લખું?
શબ્દો હું મઘમઘ લખું, મૌનની સરગમ લખું. 

તું યે કોરો ના રહે, જો તને લથબથ લખું,
આજ તોડું હદ બધી… બસ લખું, અનહદ લખું !

ઝાંઝવાનાં જળ છળું, મેહુલો છમછમ લખું,
તારી કોરી ધરતી પર હું મને ખળખળ લખું.

પથ્થરોનાં વનનાં હર પહાણ પર ધડકન લખું,
કાળજાની કોર પર લાગણી મધ્ધમ લખું.

રાત દિનની દરમિયાં કૈંક તો સગપણ લખું,
આભ અવનિને મળે, એક મિલનનું સ્થળ લખું.

દોહ્યલાં જીવનમાં એક સાહસી અવસર લખું,
સ્નેહનાં હર તાંતણે શૌર્યનાં હું વળ લખું.

માંહ્યલામાં ચાલતી કાયમી ચળવળ લખું,
દિલમાં તારા શું હશે? રેશમી અટકળ લખું.

લાવ તારા હાથમાં વ્હાલ હું અણનમ લખું,
ભાગ્યમાં હું એક બે પ્રેમઘેલી પળ લખું.

આટલું વ્હાલમ તને વ્હાલથી વ્હાલપ લખું,
ઊર્મિનાં લિખિતંગ લખું, સ્નેહનાં પરિમલ લખું.

—————

આભાર : http://www.urmisaagar.com/

9 replies on “પ્રેમપત્ર – ઊર્મિ”

  1. ફક્ત પ્રિયે તારા નામની આગળ લખું,
    બસ એમજ સાવ કોરો કાગળ લખું.
    નિશ્ચિત નથી કંઈ હવે તારું મળવું,
    છતાં તું મળે એવી અટકળ લખું.
    કેમ કરી અશ્રુઓ મોકલી શકાય પત્રમાં,
    કહે તો વાદળ કહે તો ઝાકળ લખું.

  2. Beautiful!!!!!

    લાવ તારા હાથમાં વ્હાલ હું અણનમ લખું,
    ભાગ્યમાં હું એક બે પ્રેમઘેલી પળ લખું.

  3. આહ્, વાહ સુભાનલ્લાહ આ કાવ્ય માટે હું ઉર્મિને વિશ્વનો જે પર્વત્, નદી, વન, ઉપવન માગે તે ઇનામમાં આપવા માંગું છું. કદાચ, કાવ્યના ભાવને વધૂ અનુરૂપ ‘ધોધ’ રહેશે. આજ તોડું હદ બધી…બસ લખું અનહદ લખુ.. અને માહ્યલામા ચાલતી કાયમ ચળવળ લખુ,,,, આ બન્ને પન્ક્તિઓ ખૂબ નવીન, મૌલિક છે. શબ્દોનુ પોતાન જ સંગીત છે અહીં. ઊર્મિને અભિનન્દન્

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *