Monthly Archives: December 2010

જીવન-મરણ છે એક….. – મરીઝ

મરીઝ સાહેબની આ ઘણી જ જાણીતી ગઝલ… આમ તો જગજીતસિંગના પ્રથમ ગુજરાતી આલ્બમ – મરીઝ સાહેબની ગઝલો -નું શિર્ષક પણ આ ગઝલથી જ અપાયું છે… પણ જગજીતસિંગને માણીશું ફરી કોઇ દિવસ. આજે તો મરીઝ સાહેબના શબ્દોની સૂરા – અને આશિત-હેમા દેસાઇ સાકી..!

સ્વર – હેમા દેસાઇ
સ્વરાંકન – આશિત દેસાઇ

.

જીવન-મરણ છે એક બહુ ભાગ્યવંત છું,
તારી ઉપર મરું છું હું તેથી જીવંત છું.

ખૂશ્બૂ હજી છે બાકી જો સૂંઘી શકો મને
હું પાનખર નથી-હું વીતેલી વસંત છું.

હદથી વધી જઈશ તો તરત જ મટી જઈશ,
બિંદુની મધ્યમાં છું-હું તેથી અનંત છું.

બન્ને દશામાં શોભું છું – ઝુલ્ફોની જેમ હું
વીખરાયેલો કદી છું, કદી તંતોતંત છું.

મારા પ્રયાસ અંગે, ન આપો સમજ મને,
બુધ્ધિનો જેમાં ભાગ નથી એવો ખંત છું

રસ્તે પલાંઠી વાળીને-બેઠો છું હું ‘મરીઝ’
ને આમ જોઈએ તો ન સાધુ ન સંત છું.

ઊંટ ભરીને આવ્યું રે – રાજેન્દ્ર શુકલ

ઊંટ ભરીને આવ્યું રે
અંધારું લ્યો.
આ પોઠ ભરીને આવ્યું રે
અંધારું લ્યો. — ઊંટ ભરીને …

કોઇ લિયે આંજવા આંખ,
કોઇ લિયે માંજવા ઝાંખ;
અમે તે ઉંબરમાં ઉતરાવ્યું રે
અંધારું લ્યો.
અમે તો આંગણામાં ઓરાવ્યું રે
અંધારું લ્યો. — ઊંટ ભરીને …

એના અડ્યા આભને છોડ;
એવા અડ્યા આભને કોડ –
અમે તો મુઠ્ઠી ભરી મમળાવ્યું રે,
અંધારું લ્યો.
અમને ભોર થતાં લગ ભાવ્યું રે,
અંધારું લ્યો. — ઊંટ ભરીને …

– રાજેન્દ્ર શુકલ

मैं अपने आप से घबरा गया हूँ… (ત્રિપદી ગઝલ) – વિવેક મનહર ટેલર

મિત્ર વિવેકની આ મને ખૂબ જ ગમતી – મારા માટે એકદમ સ્પેશિયલ – એવી ત્રિપદી ગઝલ – આજના સ્પેશિયલ દિવસે – આપ સૌ માટે..!! અને હા – સાથે વિવેકને ખૂબ ખૂબ અભિનંદન..

આજે ‘શબ્દો છે શ્વાસ મારા’ (http://www.vmtailor.com/)- મિત્ર વિવેકની સ્વરચિત કાવ્યોની વેબસાઇટ – ને પાંચ વર્ષ પૂરા થયા..!

આવતા વર્ષ માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ દોસ્ત..

PB093327
(આખરી ઉજાસ…            ….બેલે આઇલેન્ડ, ડેટ્રોઇટ, અમેરિકા, ૦૮-૧૧-૨૦૦૯)
*

થવું નારાજ તારાથી શી રીતે ?
હું જાણું છું, તું મારી જિંદગી છે,
मैं अपने आप से घबरा गया हूँ ।

રણોને રણમાં મૃગજળથી છળીને,
હું પહોંચું શી રીતે મારી સમીપે ?
मैं अपने आप से घबरा गया हूँ ।

આ જીવન આમ તો શી રીતે વીતે ?
સમય પણ જાય થોભી આ કહીને :
‘मैं अपने आप से घबरा गया हूँ ।’

જમાના પાસે છે કારણ હજારો,
જીવે સૌ એકબીજાથી ડરીને,
मैं अपने आप से घबरा गया हूँ ।

હું મારા-તારા સૌ સાથે લડી લઈશ,
તું મુજ ગ્લાનિ મિટાવીશ શું કહીને ?
मैं अपने आप से घबरा गया हूँ ।

– વિવેક મનહર ટેલર
(૦૪-૦૮-૨૦૦૯)

ફુલ ખીલ્યું ને -પન્ના નાયક

આજે કવિયત્રી પન્ના નાયકનો જન્મદિવસ… એમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે સાંભળીએ એમનું આ મજાનું ગીત..!

આ ગીત જેમાંથી લેવાયું છે – એ આલ્બમ વિષે વધુ માહિતી કવિયત્રીની પોતાની વેબસાઇટ પરથી (http://pannanaik.com) મેળવી શકો છો.

સ્વરકાર: અમર ભટ્ટ
સ્વર: ઝરણા વ્યાસ અને સોનિક સુથાર
આલ્બમ: વિદેશિની
(આ આલ્બમનાં બધા ગીતોની ઝલક અહીં સાંભળો!)

ફુલ ખીલ્યું ને ઉપવનમાં તો અજવાળું અજવાળું,
ભમરાઓ તો મનમાં ગૂંજે ગીત ગહન મર્માળુ.

વાસંતી સંદેશો લઈ મન ઉડે આમ ને તેમ,
દિશ દિશમાં સુગંધી, સૂરજ છલકાવે છે પ્રેમ;
કંઠ ઝનકતી કોયલને હું કેમ કરી સંભાળું ?
ફુલ ખીલ્યું ને ઉપવનમાં તો અજવાળું અજવાળું.

આપણ ક્યાંય જવું નથીજી, ઉડે સૂર-ગુલાલ,
એકમેકનાં રંગેસંગે આપણ ન્યાલમ ન્યાલ;
આંખોમાં રેશમિયા મનનાં સપનાને પંપાળું,
ફુલ ખીલ્યું ને ઉપવનમાં તો અજવાળું અજવાળું.

પન્ના નાયક

કોની આગળ જઈને કહીએ અંગ્રેજીની લ્હાય…

સ્વર : રૂપાંગ ખાનસાહેબ અને સાથીઓ
Music Arranger & Recording : મેહુલ સુરતી
Album : હસતા રમતા

આ અમારો બચૂડો અંગ્રેજી ભણવા જાય
કહે કદી એ હાય… Hi.., કદી કહે ગુડબાય.. Bye
કોની આગળ જઈને કહીએ અંગ્રેજીની લ્હાય

પોએટ્રી તો પટ પટ બોલે, દાદી નો દેસી ક્હાન
સ્વાન કહે તું હંસને, દાદી સમજે શ્વાન
દ્હાડે દ્હાડે ત્રીજી પેઢી દૂર જતી દેખાય
કોની આગળ જઈને કહીએ અંગ્રેજીની લ્હાય

મેઘધનુષી ગુર્જરભાષા કેટલા એના રંગ
દાદીમાની કહેવત સુણી દુનિયા આખી દંગ
પણ અંગ્રેજીથી રંગી દીધું તેં તો આખું સ્કાય
કોની આગળ જઈને કહીએ અંગ્રેજીની લ્હાય

તુ અંગ્રેજી બોલે ત્યારે દાદાજી પણ ઝૂલે
કેમ કરી ચાલે રે બચૂડા ગુજરાતી જો ભૂલે
ભલે હોઠે English હૈયે ગુજરાતી સચવાય
કોની આગળ જઈને કહીએ અંગ્રેજીની લ્હાય