Category Archives: ગુજરાતગીત

ગુજરાતગીત

ગુજરાતગીત શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર). સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.

અમારો ગુણિયલ ગુર્જર-દેશ – ન્હાનાલાલ કવિ
અમે યુ.એસ.એ. ના રહેવાસી.... - ચન્દુ મટ્ટાણી
અમે યુ.કે.ના રહેવાસી - ચન્દુ મટ્ટાણી
ઊડે ઊડે રે પતંગ ગુજરાતનો - રઇશ મનીઆર
કોણ જાણે ? - ઉશનસ્
ગરવો ગુજરાતી - આયના તરફથી... (by AIANA)
ગાંધીને પગલે પગલે – ઉમાશંકર જોશી
ગુજરાત મોરી મોરી રે – ઉમાશંકર જોશી
ગુજરાત, આપણું વ્હાલ અને વૈભવ...
ગુજરાતી થઇ... ગુજરાતી કોઇ... - અવિનાશ વ્યાસ (ટહુકો પર ૧૦૦૦મી પોસ્ટ)
ગુણવંતી ગુજરાત .... - અરદેશર ખબરદાર ‘અદલ’
ગૌરવ-કથા ગુજરાતની - શૂન્ય પાલનપુરી
જય જય ગરવી ગુજરાત - કવિ નર્મદ
જીત્યું હમેશા ગુજરાત... - મનિષ ભટ્ટ
નવું નવું ગુજરાત - કૃષ્ણ દવે
મળી માતૃભાષા મને ગુજરાતી - ઉમાશંકર જોષી
રઢિયાળી ગુજરાત - માધવ ચૌધરી
સદાકાળ ગુજરાત – અરદેશર ફ. ખબરદાર ‘અદલ’
સ્વર્ણ અક્ષરે લખશે કવિઓ યશગાથા ગુજરાતની... - રમેશ ગુપ્તામળી માતૃભાષા મને ગુજરાતી – ઉમાશંકર જોષી

ગઈકાલે મે ૧, ૨૦૧૩ ના દિવસે ગુજરાત રાજ્ય પોતાના ૫૩ વર્ષની ખુશી ઊજવવી, ત્યારે આપણે ટહુકો પર પણ દર વર્ષની ગુજરાત દિવસ મનાવતા કવિ શ્રી ઉમાશંકર જોષીનું આપણી આ ગરવી ગુજરાતી માતૃભાષા વિષે ગીત અમર ભટ્ટના સ્વરે સાંભળીએ…..

સ્વર : અમર ભટ્ટ
સંગીત : અમિત ઠક્કર

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

સદા સૌમ્ય શી વૈભવે ઊભરાતી,
મળી માતૃભાષા મને ગુજરાતી.

રમે અન્ય સખીઓ થકી દેઇ તાળી,
સુધા કર્ણ સીંચે ગુણાળી રસાળી.
કરે બોલતા જે ભર્યા ભાવ છાતી,
રમો માતૃભાષા મુખે ગુજરાતી.

મળી હેમઆશિષ, નરસિંહ-મીરાં,
થયા પ્રેમભટ્ટ ને અખો ભક્ત ધીંરા,
પૂજી નર્મદે કાન્ત ગોવર્ધને જે,
સજી ન્હાનલે કલ્પનાભવ્ય તેજે.

ધ્રુવા સત્ય-સાથી અહિંસા સુહાતી,
નમો ધન્ય ગાંધીગિરા ગુજરાતી.

- ઉમાશંકર જોષી

ગુજરાતના અને ગુજરાતીઓના ગુણગાન ગાતા બીજા થોડા ગીતો ટહુકો પર અહીં માણી શકો છો : ગુજરાતગીત

ગાંધીને પગલે પગલે – ઉમાશંકર જોશી

આજે ૧૨મી માર્ચ છે. આજથી ૮૨ વર્ષ પહેલા, ગાંધીજીએ ઐતિહાસિક ‘દાંડીકૂચ’નો આરંભ કર્યો હતો. તેની યાદમાં પ્રસ્તુત છે, ઉમાશંકર જોશીનું આ કાવ્ય….

“Bapuji” (1930) by Nandalal Bose
(Photo: National Gallery of Modern Art, New Delhi)

ગાંધીને પગલે પગલે તું ચાલીશ ને ગુજરાત ?

કૃષ્ણચરણથી અંકિત ધરતી તણી બની આ કાયા;
પવિત્ર જરથુષ્ટ્રી આતશ બહેરામ અહીં લહેરાયા.
અશોકધર્મલિપિથી ઉર પાવન;
જિનવર-શિષ્યોની મનભાવન.
સત્ય-અહિંસાની આંખે તું ભાળીશ ને ગુજરાત ?
ગાંધીને પગલે પગલે તું ચાલીશ ને ગુજરાત ?

નરસિંહ-મીરાંની ગળથૂથી, ઘડી શૂર સરદારે,
મૃદુલ હૃદય તું, તોયે નિર્ભય સિંહડણક ઉદગારે.
મસ્જિદ મંદિર વાવ તોરણે
લચે રમ્યતા તવ વને-રણે.
બિરુદ ‘વિવેકબૃહસ્પતિ’નું જે, પાળીશ ને ગુજરાત ?
ગાંધીને પગલે પગલે તું ચાલીશ ને ગુજરાત ?

- ઉમાશંકર જોશી

૧૯૩૦ના માર્ચની બીજી તારીખે ગાંધીજીએ વાઈસરોયને એક પત્ર લખીને કેટલાંક અનિષ્ટો દૂર કરવા માટે વિનંતી કરી. સાથે એમ પણ લખ્યું કે, “જો આનો સંતોષજનક જવાબ નહીં આવે તો પછી માર્ચની ૧૨મીએ મારા સાથીઓને લઈને મીઠાના કાયદાનો ભાંગ કરવા હું દાંડી માટે ઊપડીશ”. એ મુજબ ૧૨મી માર્ચની વહેલી સવારે સાબરમતી આશ્રમથી ગાંધીજી એમના ૭૮ સત્યાગ્રહીઓ જોડે દાંડી માટે પગપાળા નીકળી પડ્યા. આમ એમની ઐતિહાસિક ‘દાંડીકૂચ’નો આરંભ થયો. સરઘસને મોખરે ૬૧ વર્ષના ગાંધીજી તેજ કદમે ચાલતા હતા.
પચીસ દિવસ બાદ ૩૮૦ કિલોમીટરની પદયાત્રા કરીને ગાંધીજી ૫મી એપ્રિલે દાંડી પહોંચ્યા; ૬ઠ્ઠી એપ્રિલે સવારની પ્રાર્થના પછી પોતાના સ્વયંસેવકોને દરિયાકિનારે લઈ ગયા અને ત્યાંથી મીઠું ઉપાડીને સરકારના જુલમી કાયદાનો ભંગ કર્યો.
દાંડીના દરિયાકિનારે મીઠું ઉપાડતા ગાંધીજી તથા એમના અનુયાયીઓનો એક અદૂભુત સ્કેચ નંદબાબુએ બનાવેલો. દરિયાનાં ઊછળતાં મોજાં જાણે લોકમાનસમાં આવેલા જુવાળનાં પ્રતીક ન હોય ! સ્કેચના ડાબે ખૂણે હોવા છતાં સ્કેચના કેન્દ્રમાં ગાંધીજી જ છે. પણ એમના દાંડીકૂચના લિનોકટ જેટલો સ્કેચ વિખ્યાત નથી થયો.
- અમૃતલાલ વેગડ (આભાર – ગાંધી-ગંગા [ભાગ ૧] સંપાદક : મહેન્દ્ર મેઘાણી [લોકમિલાપ ટ્રસ્ટ] )

ગુણવંતી ગુજરાત …. – અરદેશર ખબરદાર ‘અદલ’

આજે જુલાઈ ૩૦, પારસી કવિ અરદેશર ફ. ખબરદાર ‘અદલ’ ની પૂણ્યતિથિના અવસરે, તેમને યાદ કરીયે…..ગુજરાત સ્થાપના દિન May 1st, 2007 ના અવસરે પહેલા પ્રસ્તુત કર્યું હતું. આજે પ્રસ્તુત છે તેમની પૂર્ણ રચના.

ગુણવંતી ગુજરાત ! અમારી ગુણવંતી ગુજરાત !
નમિયે નમિયે માત ! અમારી ગુણવંતી ગુજરાત !

મોંઘેરા તુજ મણિમંડપમાં, ઝૂકી રહ્યાં અમ શીશ !
માત મીઠી ! તુજ ચરણે પડીને માગિયે શુભ આશિષ !
અમારી ગુણવંતી ગુજરાત !

મીઠી મનોહર વાડી આ તારી નંદનવન શી અમોલ !
રસફૂલડાં વીણતાં વીણતાં ત્યાં કરિયે નિત્ય કલ્લોલ !
અમારી ગુણવંતી ગુજરાત !

સંત મહંત અનંત વીરોની, વહાલી અમારી માત !
જય જય કરવા તારી જગતમાં અર્પણ કરિયે જાત !
અમારી ગુણવંતી ગુજરાત !

ઊંડા ઘોર અરણ્ય વિષે કે સુંદર ઉપવનમાંય :
દેશવિદેશ અહોનિશ અંતર એક જ તારી છાંય !
અમારી ગુણવંતી ગુજરાત !

સર સરિતા રસભર અમીઝરણાં, રત્નાકર ભરપૂર:
પુણ્યભૂમિ ફળફૂલ ઝઝૂમી, માત ! રમે અમ ઉર !
અમારી ગુણવંતી ગુજરાત !

હિન્દુ મુસલમાન,પારસી, સર્વે માત ! અમે તુજ બાળ :
અંગ ઉમંગ ભરી નવરંગે, કરિયે સેવા સહુ કાળ !
અમારી ગુણવંતી ગુજરાત !

ઉર પ્રભાત સમાં અજવાળી ટાળી દે અંધાર !
એક સ્વરે સહુ ગગન ગજવતો કરિયે જયજયકાર
અમારી ગુણવંતી ગુજરાત !

નમિયે નમિયે માત ! અમારી ગુણવંતી ગુજરાત !

- અરદેશર ખબરદાર

*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*

ફરીથી એક વાર, સૌને મારા તરફથી ગુજરાત સ્થાપના દિનની શુભેચ્છાઓ.

અને, વિવેકભાઇના શબ્દોમાં કહું તો, આજે તો ટહુકો.કોમ પર મેહુલો વરસશે, એ પણ ગગન ગજવીને… :)

આમ તો કોઇ પણ ગીત સાથે મેહુલ સુરતીનું સંગીત હોય, તો એ એક જ કારણ બસ હોય છે, એ ગીત ગમી જવા માટે.

અને આજે અહીં પ્રસ્તુત ગીતની વિશિષ્ટતા છે, ‘જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત! ‘ જેવા અમર ગીતના રચયિતા, અરદેશર ફ. ખબરદાર ‘અદલ’ ના શબ્દો, અને દ્રવિતા ચોક્સી - જેસ્મિન કાપડિયાનો સુમધુર સ્વર.
શંખનાદ, ઢોલ, મંજિરા, નગારા, ડફ, પખાવજના અવાજમાં જ્યારે આ બે ગાયિકાઓનો બુલંદ અવાજ ભળે છે, ત્યારે કોઇ પણ પરિસ્થિતીમાં જુસ્સો લાવી દે છે… કોઇ પણ વ્યક્તિનું મન જાણે કહી ઉઠે છે કે ‘ એક સ્વરે સહુ ગગન ગજવતો કરીએ જયજયકાર…. ગુણવંતી ગુજરાત…..

અને બીજી એક વિશેષતા છે આ ગીતમાં આવતી સરગમ. શાસ્ત્રીય સંગીતનો કોઇ પણ રસિયો જીવ મન મુકીને ઝુમી ઉઠે એ રીતે આ ગીતમાં 2 વાર સરગમ વણી લેવામાં આવી છે…

આમ તો આ ગીત માટે જેટલું કહીશ એટલું મને ઓછુ જ લાગશે, પણ ખરી મઝા તો આ ગીત સાંભળવામાં જ છે.

prem shaurya gujarat

સંગીત સંયોજન : મેહુલ સુરતી
સ્વર : દ્રવિતા ચોક્સી

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

ગુણવંતી ગુજરાત અમારી ગુણવંતી ગુજરાત
નમીએ નમીએ માત અમારી ગુણવંતી ગુજરાત
ગુણવંતી ગુજરાત….સંત મહંત અનંત વીરોની વ્હાલી અમારી માત
જય જય કરવા તારી જગમાં અર્પણ કરીએ જાત
ગુણવંતી ગુજરાત….

ઉર પ્રભાત સમા અજવાળી ટાળીદો અંધાર
એક સ્વરે સહુ ગગન ગજવતો કરીએ જયજયકાર
ગુણવંતી ગુજરાત….

*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*

અને હવે થોડી વાત આ ગીત જેમાંથી લેવામાં આવ્યું છે, એ ‘પ્રેમ શોર્ય ગુજરાત’ આલ્બમ વિષે.

1 મે, 2004 ના દિવસે સુરતના indoor stadium ખાતે ગુજરાત સ્થાપના દિનની ઉજવણીના ભાગ રૂપે ગીતો તૈયાર કરવા માટે મેહુલ સુરતીને આમંત્રણ મળ્યું. એમણે 5 ગીતો તૈયાર કર્યા, અને મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતીમાં 500 જેટલા કલાકારોએ, 8000 થી વધુની મેદની સાથે આ ગીતો નૃત્ય સાથે રજુ કર્યા.

અને જેમ હિન્દી દેશભક્તિના ગીતો પ્રચલિત છે, એ જ રીતે ગુજરાત પ્રેમના, આ ગરવા ગુજરાતી ગીતોના પ્રચાર માટે મેહુલભાઇએ એ ગીતો અને સાથે બીજા 3 ગીતો ઉમેરીને, ‘પ્રેમ શોર્ય ગુજરાત’ને નામે એક આલ્બમ બનાવ્યું, અને એની 2000 જેટલી નકલ બનાવીને એની મિત્રોમાં અને ગુજરાતી અને ગુજરાતને ચાહતા લોકોમાં લ્હાણી કરી.

મેહુલભાઇએ સ્વરબધ્ધ કરેલ આ ગીત, અને બીજા ઘણા ગીતો આપ એમની વેબસાઇટ : http://www.mehulsurti.com/ પરથી ડાઉનલોડ કરી શકો છો.

Gunavanti Gujarat, Gujarat din special song, mehul surti, dravita choksi, khabardar, listen online gujarati music

ગુજરાત મોરી મોરી રે – ઉમાશંકર જોશી

ઊર્મિના શબ્દોમાં આ ગીત વિષે:-
મારું ગુજરાત, આપણું ગુજરાત, આગવું ગુજરાત અને હવે સ્વર્ણિમ ગુજરાત ! આપણા વ્હાલા ગુજરાતમાં (અને ગુજરાતની બહાર વસતા ગુજરાતીઓની વચ્ચે પણ) આખું વર્ષ ‘સ્વર્ણિમ ગુજરાત’ નો આ ઉત્સવ ઉજવાશે. બે વર્ષે પહેલા (1 May 2008) ટહુકો પર મુકેલું શ્રી ઉમાશંકર જોશીનું ગુજરાત મોરી મોરી રે ગીત મૂક્યું હતું. આ વર્ષે એ જ ગીત આપણે ફરી માણીએ, પરંતુ સંગીતબદ્ધ અને શ્રી પ્રફુલ દવેનાં કર્ણપ્રિય અવાજમાં… એક વાર ગાઈને કેમ કરી ભૂલવું ? એ તો વારંવાર સાંભળવું ગમે એવું સ-રસ ગુર્જર-ગીત !
જય ભારત…જય ગુજરાત…!

સંગીત : ?
સ્વર : પ્રફુલ દવે

This text will be replaced

મળતાં મળી ગઈ મોંઘેરી ગુજરાત
ગુજરાત મોરી મોરી રે.
ભારતની ભોમમાં ઝાઝેરી ગુજરાત
ગુજરાત મોરી મોરી રે.

સાબરનાં મર્દાની સોણલાં સુણાવતી,
રેવાનાં અમૃતની મર્મર ધવરાવતી,
સમદરનાં મોતીની છોળે નવરાવતી,
ગુજરાત મોરી મોરી રે.

ગિરનારી ટૂકો ને ગઢ રે ઈડરિયા,
પાવાને ટોડલે મા’કાળી મૈયા,
ડગલે ને ડુંગરે ભર દેતી હૈયાં,
ગુજરાત મોરી મોરી રે.

આંખની અમીમીટ ઊમટે ચરોતરે,
ચોરવાડ વાડીએ છાતી શી ઊભરે !
હૈયાનાં હીર પાઈ હેતભરી નીતરે,
ગુજરાત મોરી મોરી રે.

કોયલ ને મોરને મેઘમીઠે બોલડે,
નમણી પનિહારીને ભીને અંબોડલે,
નીરતીર સારસ શાં સુખડૂબ્યાં જોડલે,
ગુજરાત મોરી મોરી રે.

નર્મદની ગુજરાત દોહ્યલી રે જીવવી,
ગાંધીની ગુજરાત કપરી જીરવવી,
એક વાર ગાઈ કે કેમ કરી ભૂલવી ?
ગુજરાત મોરી મોરી રે.

ભારતની ભોમમાં ઝાઝેરી ગુજરાત
ગુજરાત મોરી મોરી રે.
મળતાં મળી ગઈ મોંઘેરી ગુજરાત
ગુજરાત મોરી મોરી રે.

– ઉમાશંકર જોશી

નવું નવું ગુજરાત – કૃષ્ણ દવે

આજે માણીએ કવિ શ્રી કૃષ્ણ દવેની કલમે લખાયેલ આ સ્વર્ણિમ ગુજરાત સ્પેશિયલ ગીત…

નવી સવારે નવું કિરણ લઇ આવ્યુ નવલી વાત
અમારૂ નવું નવું ગુજરાત, અમારૂ નવું નવું ગુજરાત
નવા જ સંકલ્પોને લઇને પ્રગટ્યું નવું પ્રભાત
અમારૂ નવું નવું ગુજરાત, અમારૂ નવું નવું ગુજરાત.

નવી જ માટી, મૂળ નવા ને મ્હેક નવી પણ માંગે
અંદર લીલ્લુછમ સૂતેલુ હોય બધુ એ જાગે
જેમ સમયને આદર દઇને વૃક્ષ પર્ણને ત્યારે
એમ જુના જે હોય વીચારો પોતે ખરવા લાગે

હરીયાળી પાથરતા ફરતા વહે નર્મદા માત
અમારૂ નવું નવું ગુજરાત, અમારૂ નવું નવું ગુજરાત.

નવી પાંખ છે, નવા ઉમંગો, નવું નવું મલકાતા
નવા દિવસ છે ભલે હવે એ નવી રીતે ઉજવાતા
જે મારગ પર ડર લાગે છે સૌ ને જાતા જાતા
એ મારગ નીકળી પડવાનુ ગીતો ગાતા ગાતા

નવી દિશામાં નવા જ સાહસ માટે જગવિખ્યાત
અમારૂ નવું નવું ગુજરાત, અમારૂ નવું નવું ગુજરાત.

નવો સમય છે નવું જોશ લઇ મળવા સૌને આવે
અંધારાના ઘરઘરમાં જઇને દીપક પ્રગટાવે
નવા નવા સપનાઓ શોધી નવા જ ક્યારે વાવે
તેજ તરસતી એ આંખોમાં સૂરજ આંજી લાવે

નવ આકાશે નવું જ ચમકી નવી જ પાડે ભાત
અમારૂ નવું નવું ગુજરાત, અમારૂ નવું નવું ગુજરાત.

અમારૂ મનગમતુ ગુજરાત, અમારૂ થનગનતું ગુજરાત.
અમારૂ ઝળહળતુ ગુજરાત, અમારૂ નવું નવું ગુજરાત.

- કૃષ્ણ દવે