આજે જુલાઈ ૩૦, પારસી કવિ અરદેશર ફ. ખબરદાર ‘અદલ’ ની પૂણ્યતિથિના અવસરે, તેમને યાદ કરીયે…..ગુજરાત સ્થાપના દિન May 1st, 2007 ના અવસરે પહેલા પ્રસ્તુત કર્યું હતું. આજે પ્રસ્તુત છે તેમની પૂર્ણ રચના.
ગુણવંતી ગુજરાત ! અમારી ગુણવંતી ગુજરાત !
નમિયે નમિયે માત ! અમારી ગુણવંતી ગુજરાત !
મોંઘેરા તુજ મણિમંડપમાં, ઝૂકી રહ્યાં અમ શીશ !
માત મીઠી ! તુજ ચરણે પડીને માગિયે શુભ આશિષ !
અમારી ગુણવંતી ગુજરાત !
મીઠી મનોહર વાડી આ તારી નંદનવન શી અમોલ !
રસફૂલડાં વીણતાં વીણતાં ત્યાં કરિયે નિત્ય કલ્લોલ !
અમારી ગુણવંતી ગુજરાત !
સંત મહંત અનંત વીરોની, વહાલી અમારી માત !
જય જય કરવા તારી જગતમાં અર્પણ કરિયે જાત !
અમારી ગુણવંતી ગુજરાત !
ઊંડા ઘોર અરણ્ય વિષે કે સુંદર ઉપવનમાંય :
દેશવિદેશ અહોનિશ અંતર એક જ તારી છાંય !
અમારી ગુણવંતી ગુજરાત !
સર સરિતા રસભર અમીઝરણાં, રત્નાકર ભરપૂર:
પુણ્યભૂમિ ફળફૂલ ઝઝૂમી, માત ! રમે અમ ઉર !
અમારી ગુણવંતી ગુજરાત !
હિન્દુ મુસલમાન,પારસી, સર્વે માત ! અમે તુજ બાળ :
અંગ ઉમંગ ભરી નવરંગે, કરિયે સેવા સહુ કાળ !
અમારી ગુણવંતી ગુજરાત !
ઉર પ્રભાત સમાં અજવાળી ટાળી દે અંધાર !
એક સ્વરે સહુ ગગન ગજવતો કરિયે જયજયકાર
અમારી ગુણવંતી ગુજરાત !
નમિયે નમિયે માત ! અમારી ગુણવંતી ગુજરાત !
– અરદેશર ખબરદાર
*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*
ફરીથી એક વાર, સૌને મારા તરફથી ગુજરાત સ્થાપના દિનની શુભેચ્છાઓ.
અને, વિવેકભાઇના શબ્દોમાં કહું તો, આજે તો ટહુકો.કોમ પર મેહુલો વરસશે, એ પણ ગગન ગજવીને… 🙂
આમ તો કોઇ પણ ગીત સાથે મેહુલ સુરતીનું સંગીત હોય, તો એ એક જ કારણ બસ હોય છે, એ ગીત ગમી જવા માટે.
અને બીજી એક વિશેષતા છે આ ગીતમાં આવતી સરગમ. શાસ્ત્રીય સંગીતનો કોઇ પણ રસિયો જીવ મન મુકીને ઝુમી ઉઠે એ રીતે આ ગીતમાં 2 વાર સરગમ વણી લેવામાં આવી છે…
આમ તો આ ગીત માટે જેટલું કહીશ એટલું મને ઓછુ જ લાગશે, પણ ખરી મઝા તો આ ગીત સાંભળવામાં જ છે.
સંગીત સંયોજન : મેહુલ સુરતી
સ્વર : દ્રવિતા ચોક્સી
નમીએ નમીએ માત અમારી ગુણવંતી ગુજરાત
ગુણવંતી ગુજરાત….સંત મહંત અનંત વીરોની વ્હાલી અમારી માત
જય જય કરવા તારી જગમાં અર્પણ કરીએ જાત
ગુણવંતી ગુજરાત….
ઉર પ્રભાત સમા અજવાળી ટાળીદો અંધાર
એક સ્વરે સહુ ગગન ગજવતો કરીએ જયજયકાર
ગુણવંતી ગુજરાત….
*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*
અને હવે થોડી વાત આ ગીત જેમાંથી લેવામાં આવ્યું છે, એ ‘પ્રેમ શોર્ય ગુજરાત’ આલ્બમ વિષે.
1 મે, 2004 ના દિવસે સુરતના indoor stadium ખાતે ગુજરાત સ્થાપના દિનની ઉજવણીના ભાગ રૂપે ગીતો તૈયાર કરવા માટે મેહુલ સુરતીને આમંત્રણ મળ્યું. એમણે 5 ગીતો તૈયાર કર્યા, અને મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતીમાં 500 જેટલા કલાકારોએ, 8000 થી વધુની મેદની સાથે આ ગીતો નૃત્ય સાથે રજુ કર્યા.
અને જેમ હિન્દી દેશભક્તિના ગીતો પ્રચલિત છે, એ જ રીતે ગુજરાત પ્રેમના, આ ગરવા ગુજરાતી ગીતોના પ્રચાર માટે મેહુલભાઇએ એ ગીતો અને સાથે બીજા 3 ગીતો ઉમેરીને, ‘પ્રેમ શોર્ય ગુજરાત’ને નામે એક આલ્બમ બનાવ્યું, અને એની 2000 જેટલી નકલ બનાવીને એની મિત્રોમાં અને ગુજરાતી અને ગુજરાતને ચાહતા લોકોમાં લ્હાણી કરી.
મેહુલભાઇએ સ્વરબધ્ધ કરેલ આ ગીત, અને બીજા ઘણા ગીતો આપ એમની વેબસાઇટ : http://www.mehulsurti.com/ પરથી ડાઉનલોડ કરી શકો છો.
Gunavanti Gujarat, Gujarat din special song, mehul surti, dravita choksi, khabardar, listen online gujarati music