Category Archives: રેખા ત્રિવેદી

રે’શું અમે ય ગુમાનમાં – રમેશ પારેખ

સ્વર: રેખા ત્રિવેદી
આલ્બમ: સંગત

.

સ્વર:અમર ભટ્ટ
આલ્બમ:હરીને સંગે

.

રે’શું અમે ય ગુમાનમાં
હરિ સંગ નહીં બોલીએ

ખોલીશું બારણાં ને લેશું ઓવારણાં,
આવકારા દેશું સાનમાં;
હરિ સંગ નહીં બોલીએ

આસનિયા ઢાળશું ને ચરણોમાં પખાળશું,
આંખ્યું ઉલાળશું તોફાનમાં;
હરિ સંગ નહીં બોલીએ

લાપસિયું ચોળશું ને વીંઝણલા ઢોળશું,
મુખવાસા દેશું પાનમાં;
હરિ સંગ નહીં બોલીએ

મીરાં કે અંતમાં, આ ભરવસંતમાં,
જીવતર દઈ દેશું દાનમાં;
હરિ સંગ નહીં બોલીએ

– રમેશ પારેખ

લ્યો જરાક જીવણ અટકો – રમેશ પારેખ

સ્વર – રેખા ત્રિવેદી
સંગીત – સુરેશ જોષી
આલબ્મ – સમન્વય સંગીત સમારોહ ૨૦૧૦

લ્યો જરાક જીવણ અટકો,લ્યો સોપારીનો કટકો,
લ્યો ખાટ બિરાજી ખટમીઠો,ખમ્મા એકાદો ખટકો.

જીવણ જરિયલ જામા ઉપર ઝૂલે મારો વાળ
એને ભાળી તમ પટરાણી કરશે કંઇ કંઇ આળ
ચક માંહે ચમકે છે ચાડીયો, ઉજાગરાનો ચટકો
લ્યો ખાટ બિરાજી ખટમીઠો,ખમ્મા એકાદો ખટકો.

મીરાં કે પ્રભુ પાછા ક્યારે  પધારશો આ પે’ર,
તમે જાવ તે જુલમ જીવણ, તમે રહે તે ભેર
છેવટમાં આલિંગુ છું, તો છોછ કરી નવ છટકો
લ્યો ખાટ બિરાજી ખટમીઠો,ખમ્મા એકાદો ખટકો.

– રમેશ પારેખ

જશોદા ! તારા કાનુડાને – નરસિંહ મહેતા

લયસ્તરો પર કવિ મિત્ર વિવેકે કરાવેલો આ ગીતનો આસ્વાદ….(આભાર – લયસ્તરો.કોમ)

જેટલા લાડ કૃષ્ણે એના ભક્તોને અને ભક્તોએ એને લડાવ્યા છે એ અન્ય તમામ ભગવાન માટે ઈર્ષ્યાજનક છે. નરસિંહ મહેતાના આ ખૂબ જાણીતા પદમાં ગોપી અને યશોદાના કલહસ્વરૂપે અનન્ય ક્હાન-પ્રેમ ઉજાગર થયો છે. નટખટ કાનુડો એના તોફાન માટે જાણીતો છે. એ શીંકાં તોડે છે, માખણ ખાય ન ખાય અને વેરી નાંખે છે, દહીં વલોવવાની મટકી પણ ફોડી નાંખે છે અને છતાં છાતી કાઢીને કોઈથીય બીતો ન હોય એમ ફરે છે. ગોપીઓ હવે આ નગરમાં રહેવું અને રોજેરોજ અને કેટલું સહેવું એવો પ્રશ્ન કરે છે ત્યારે માતા યશોદા મારો કાનુડો તો ઘરમાં જ હતો એમ કહીને વળી એનું જ ઉપરાણું લે છે. વાતચીતના કાકુ અને અદભુત લયસૂત્રે બંધાયેલું આ ગીત વાંચવા કરતાં ગણગણવાની જ વધુ મજા આવે છે….

(જાન કીધું = જાણીને કર્યું; મહી મથવાની ગોળી = દહીં વલોવવાની માટલી; મુઝાર = અંદર, માં)

સ્વર – હેમા દેસાઇ
સંગીત – આશિત દેસાઇ

સ્વર – રેખા ત્રિવેદી, કૌમુદી મુનશી
સંગીત – નીનું મઝુમદાર
આલબ્મ – નરસિંહ મીરા – એક ઝાંખી

જશોદા ! તારા કાનુડાને સાદ કરીને વાર રે;
આવડી ધૂમ મચાવે વ્રજમાં કોઇ નહિ પૂછણહાર રે. … જશોદા.

શીકું તોડ્યું, ગોરસ ઢોળ્યું, ઉઘાડીને બ્હાર રે,
માખણ ખાધું, વેરી નાંખ્યું, જાન કીધું આ વાર રે … જશોદા.

ખાંખાંખોળાં કરતાં હીંડે, બીએ નહીં લગાર રે,
મહીં મથવાની ગોળી ફોડી, આ શાં કહીએ લાડ રે …. જશોદા.

વારે વારે કહું છું તમને હવે ન રાખું ભાર રે,
નિત ઊઠીને કેટલું સહીએ, રહેવું નગર મોઝાર રે … જશોદા.

આડી-અવળી વાત તમારી, હું નહિ સાંભળનાર રે;
ડાહ્યો ડમરો લાડકો મારો, કદી ન એમ કરનાર રે … જશોદા.

મારો કાનજી ઘરમાં સૂતો, ક્યારે દીઠો બ્હાર રે,
દહીં દૂધનાં તો માટ ભર્યાં, પણ ચાખે ન લગાર રે … જશોદા.

શોર કરંતી ભલે સહુ આવી, ટોળી વળી દસ-બાર રે,
નરસૈંયાનો સ્વામી સાચો, જૂઠી વ્રજની નાર રે …. જશોદા.

– નરસિંહ મહેતા

કાનુડો શું જાણે મારી પીડ – મીરાંબાઈ

સ્વર : દમયંતિ બરડાઇ

સ્વર : રેખા ત્રિવેદી

કાનુડો શું જાણે મારી પીડ?
બાઈ અમે બાળ કુંવારા રે….
કાનુડો શું જાણે….

જળ રે જમુનાના અમે ભરવાને ગ્યા’તા વા’લા,
કાનુડે ઉડાડયા આછાં નીર, ઉડયા ફરરરર રે….
કાનુડો શું જાણે….

વૃંદા રે વનમાં વ્હાલે રાસ રચ્યો ને,
સોળસે ગોપીના તાણ્યા ચીર, ફાટ્યાં ચરરરર રે….
કાનુડો શું જાણે….

જમુનાને કાંઠે વ્હાલો ગોધણ ચારે રે,
વાંસળી વગાડી, ભાગ્યા ઢોર, ભાગ્યાં હરરરર રે….
કાનુડો શું જાણે….

હું વૈરાગી કાના તમારા રે નામની રે,
કાનુડે માર્યાં છે અમને તીર, વાગ્યાં અરરરર રે….
કાનુડો શું જાણે….

બાઈ મીરાં કે પ્રભુ ગિરિધર નાગર,
કાનુડે બાળીને કીધા ખાખ, રાખ ઉડી ખરરરર રે….
કાનુડો શું જાણે….

– મીરાંબાઈ

આનંદ મંગલ કરું આરતી

સ્વર – રેખા ત્રિવેદી, શ્રીદત્ત વ્યાસ

સ્વર – શ્રી સુરેશઆનંદજી

આનંદ મંગલ કરું આરતી‚
હરિ ગુરુ સંતની સેવા‚
પ્રેમ ધરી મંદિર પધરાવું‚
સુંદર સુખડાં લેવા…

રતન જડીત બાજોઠ ઢળાવ્યા‚
મોતીના ચોક પૂરાવ્યા
આનંદ મંગલ કરું આરતી…

રત્ન કુંભ વત બાહર ભીતર‚
અકળ સ્વરૂપી એવા
આનંદ મંગલ કરું આરતી…

અનહદ વાજાં ભીતર વાગે‚
આનંદ રૂપી એવા
આનંદ મંગલ કરું આરતી…

જેને આંગણ તુલસીનો ક્યારો‚
શાલિગ્રામની સેવા
આનંદ મંગલ કરું આરતી…

સંત મળે તો મહાસુખ પામું‚
ગુરુજી મળે તો મીઠા મેવા
આનંદ મંગલ કરું આરતી…

ત્રિભુવન તારણ ભગત ઉધારણ‚
પ્રગટયા દરશન દેવા
આનંદ મંગલ કરું આરતી…

અડસઠ તીરથ મારા ગુરુ ને ચરણે‚
ગંગા જમના રેવા
આનંદ મંગલ કરું આરતી…

કહે પ્રીતમ ઓળખ્યો અણસારો‚
હરિના જન હરિ જેવા
આનંદ મંગલ કરું આરતી…

રહેજો મારી સાથે સાજન – મુકેશ જોશી

સ્વર : રેખા ત્રિવેદી, ઉદય મઝુમદાર
સંગીત : ઉદય મઝુમદાર
કાવ્યસંગીત : ઘેલી વસંત (૨૦૦૬)

રહેજો મારી સાથે સાજન, રહેજો મારી સાથે
હોવ તમે તો સૂરજ સાથે, ઊગું હુંય પ્રભાતે.

કૉલ દીધા જીવનના સજની,
મેઘધનુષના ઘરમાં પેસી જોશું મીઠા સપનાં.
રહેજો મારી સાથે સાજન….

સાજન મારી આભ તમારી આંખોથી છલકાતું,
એક જ મીઠી નજરે મારું જોબનીયું મલકાતું.
ખુશ્બુ ખુશ્બુ થઇ જાતું આ જીવન વાતે વાતે.
રહેજો મારી સાથે સાજન….

ભૂલ ન નાનું ગામ ને મારા ગામની છે તું રાણી,
વ્હાલ ભરેલો દરિયો એનું માપું હું કેમે પાણી.
જળમાં રમતી માછલીઓ શી આંખની તારી રટના.
રહેજો મારી સાથે સાજન….

પ્રીતની મોસમ તમે કહ્યું તો હૈયે આવી બેઠી,
મારે માટે તડકાની તે આવન-જાવન વેઠી.
આપણી હોડી પાર થવાની, હરીનો હાથ છે માથે.
રહેજો મારી સાથે સાજન….

– મુકેશ જોશી

શરદનો વૈભવ – મેઘબિંદુ

શરદપૂનમ ગઇ… અને દિવાળીની તૈયારી શરૂ..!!  તો ઘૂઘરા મઠિયા તળતી વખતે સાથે જરા આ ગીત પણ ગણગણી લેજો..!!

સ્વર – રેખા ત્રિવેદી
સ્વરાંકન – મોહન બલસારા

મનના આંગણમાં આનંદ ઉલ્લાસ ને
ઉમંગ લહેરાતો આજ શ્વાસમાં

કુંચી આપો બાઇજી! – વિનોદ જોશી

બરાબર ૪ વર્ષ પહેલા ટહુકો પર રજૂ કરેલું, અને હમણાં સુધી કેટલીય દીકરીઓને રડાવી ગયેલું આ ગીત, આજે સ્વરકાર શ્રી અમરભાઇના સ્વરમાં ફરી એકવાર.

સ્વર – સ્વરાંકન અમર ભટ્ટ

Posted: April 16, 2007

ત્રણ અલગ અલગ રાગમાં આ ગીત અહીં રજુ કરું છું, પણ મને આ ગીતનો ધીમો રાગ વધુ ગમે છે. ધીમો રાગ કદાચ આ ગીતમાં રહેલી એક પરણેલી સ્ત્રીની લાગણીઓ વધુ સારી રીતે ઉજાગર કરી શકે છે, એવું મને લાગે છે.

pataro
સ્વર : રેખા ત્રિવેદી ; સંગીત : ઉદય મઝુમદાર

.

સ્વર : અનાર કઠિયારા

.

ટહુકો ફોંઉન્ડેશન પ્રસ્તુત “સંવેદનાનની સુરાવલી” કાર્યક્રમમાં હેતલ જાગીરદાર બ્રહ્મભટ્ટના અવાજમાં ગવાયેલ ગીત :
https://youtu.be/ie4snkNp9FM

કુંચી આપો બાઇજી!
તમે કિયા પટારે મેલી મારા મૈયરની શરણાઇ જી?

કોઇ કંકુ થાપા ભૂંસી દઇ, મને ભીંતેથી ઉતરાવો.
કોઇ મીંઢળની મરજાદા લઇ , મને પાચીકા પકડાવો.
ખડકી ખોલો બાઇજી! તમે કિયા કટાણે પોંખી મારા કલરવની કઠણાઇ જી!
કુંચી આપો બાઇજી!

તમે ઘરચોળામાં ઘુઘરિયાળી ઘરવખરી સંકેલી.
તમે અણજાણ્યા ઉંબરિયેથી, મારી નદીયું પાછી ઠેલી.
મારગ મેલો બાઇજી! તમે કિયા કુહાડે વેડી મારા દાદાની વડવાઇ જી !
કુંચી આપો બાઇજી!

તમે થોડું ઘણું સમજો તો સારું… – હરીન્દ્ર દવે

સ્વર : રેખા ત્રિવેદી
સ્વરકાર – ?

.

ટહુકો ફાઉન્ડેશનના સુર શબ્દની પાંખે કાર્યક્રમમાં માધ્વી મહેતાના સ્વરમાં સાંભળો.

તમે થોડું ઘણું સમજો તો સારું
કે રાજ વહેતા વાયરાને કેમ કરી વારુ
વહેતા વાયરાને કેમ કરી વારુ

ધારી ધારીને તમે બોલ્યા બે વેણ
એની અણધારી ચોટ ઉરે લાગી
જેનાં શમણામાં મીઠી નીંદર મ્હાણી’તી
એની ભ્રમણામાં રાતભર જાગી
ભર્યા ઘરમાં હું કેમ રે પોકારું હો રાજ — તમે થોડું

આપણી તે મેડીએ રે આપણ બે એકલા
ને ફાવે તેવી તે રીતે મળજો
મોટા નાનામાં મારે નીચા જોણું છે
રહો અળગા કે વાટ ના આંતરજો
મોટા ઘરની હું નાની વહુવારુ હો રાજ — તમે થોડું

સમસ્યાના સાગર તરી જાણજે – રવિ ઉપાધ્યાય

કવિ: રવિ ઉપાધ્યાય
ગાયિકા : રેખા ત્રિવેદી
સંગીતકાર : પ્રકાશ ઉપાધ્યાય

.

સમસ્યાના સાગર તરી જાણજે
મળ્યું છે જીવન તો જીવી જાણજે.

પરીક્ષા પ્રભુનેય દેવી પડે…..
થઇ અગ્નિમાં કંચન, તપી જાણજે…

ફુલોથી ઘણું શીખવાનું મળે
પીસાઇનેતું અત્તર બની જાણજે…

તફાવત તું સારાં બૂરાનો સમજ,
દીવાદાંડી જગની , બની જાણજે..

વિધાતાનો કેવો આ ઉપહાર છે.
તું બુધ્ધિની લ્હાણી કરી જાણજે.

પ્રલોભનથી રહીને નિરાળો ‘રવિ’ !
જીવન તો છે ઠીક, પણ મરી જાણજે.