Category Archives: અનાર કઠિયારા

મનના મેવાડમાં એક રાણો વસે છે – સુરેશ દલાલ

પહેલા મૂકેલું આ કૃષ્ણ-મીરા ગીત મને ખૂબજ ગમતું આજે હેમા દેસાઇનાં સ્વર માં સાંભળીએ….

MEERA

સ્વર – હેમા દેસાઇ
સંગીત – આશિત દેસાઈ

(આ ઓડ્યો ફાઈલ માટે આભાર – દેવાંગ ખારોડ)

Previously posted on 08 September, 2007

* * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * *

સ્વર – અનાર કઠિયારા
સંગીત – આશિત દેસાઈ

મનના મેવાડમાં એક રાણો વસે છે,
એ રાણાને અહીંથી ઉથાપો કોઇ,
મને મીરાંનું પાગલપન આપો કોઇ.

મને મેવાડી મહેલ હવે જોઇતા નથી, હીરા મોતીના હેલ હવે જોઇતા નથી,
મારા જ કરંડિયાને સાપ તો ડસે, એ સાપને તો અહીંથી ઉથાપો કોઇ.
મને મીરાંનું વૃંદાવન આપો કોઇ…..

હરિ-આવનના અવાજને હું સાંભળ્યા કરું, અહીં દિવસ ને રાત દીપ બાળ્યા કરું
નૈનનમેં નન્દલાલ એવા શ્વસે, મને પ્રીતિ પુરાતન આપો કોઇ
મને મીરાંનું વૈરાગન આપો કોઇ…..હવે સાંવરિયો મનભાવન સ્થાપો કોઇ!!

– સુરેશ દલાલ

કુંચી આપો બાઇજી! – વિનોદ જોશી

બરાબર ૪ વર્ષ પહેલા ટહુકો પર રજૂ કરેલું, અને હમણાં સુધી કેટલીય દીકરીઓને રડાવી ગયેલું આ ગીત, આજે સ્વરકાર શ્રી અમરભાઇના સ્વરમાં ફરી એકવાર.

સ્વર – સ્વરાંકન અમર ભટ્ટ

Posted: April 16, 2007

ત્રણ અલગ અલગ રાગમાં આ ગીત અહીં રજુ કરું છું, પણ મને આ ગીતનો ધીમો રાગ વધુ ગમે છે. ધીમો રાગ કદાચ આ ગીતમાં રહેલી એક પરણેલી સ્ત્રીની લાગણીઓ વધુ સારી રીતે ઉજાગર કરી શકે છે, એવું મને લાગે છે.

pataro
સ્વર : રેખા ત્રિવેદી ; સંગીત : ઉદય મઝુમદાર

.

સ્વર : અનાર કઠિયારા

.

ટહુકો ફોંઉન્ડેશન પ્રસ્તુત “સંવેદનાનની સુરાવલી” કાર્યક્રમમાં હેતલ જાગીરદાર બ્રહ્મભટ્ટના અવાજમાં ગવાયેલ ગીત :
https://youtu.be/ie4snkNp9FM

કુંચી આપો બાઇજી!
તમે કિયા પટારે મેલી મારા મૈયરની શરણાઇ જી?

કોઇ કંકુ થાપા ભૂંસી દઇ, મને ભીંતેથી ઉતરાવો.
કોઇ મીંઢળની મરજાદા લઇ , મને પાચીકા પકડાવો.
ખડકી ખોલો બાઇજી! તમે કિયા કટાણે પોંખી મારા કલરવની કઠણાઇ જી!
કુંચી આપો બાઇજી!

તમે ઘરચોળામાં ઘુઘરિયાળી ઘરવખરી સંકેલી.
તમે અણજાણ્યા ઉંબરિયેથી, મારી નદીયું પાછી ઠેલી.
મારગ મેલો બાઇજી! તમે કિયા કુહાડે વેડી મારા દાદાની વડવાઇ જી !
કુંચી આપો બાઇજી!

આંખ્યુંના આંજણમાં – સુરેશ દલાલ

સ્વર : અનાર કઠિયારા, આરતી મુન્શી.
સ્વરાંકન : ઓરીગીનલ કંપોઝીશન – ક્ષેમુ દિવેટીઆ
આલ્બમ : હસ્તાક્ષર (શ્યામલ – સૌમિલ મુન્શી)

.

ટહુકો ફોંઉન્ડેશન પ્રસ્તુત “સંવેદનાનની સુરાવલી” કાર્યક્રમમાં હેતલ જાગીરદાર બ્રહ્મભટ્ટ અને આણલ અંજારિયાના અવાજમાં ગવાયેલ ગીત :

આંખ્યુંના આંજણમાં ફાગણનો કેફ અને અંબોડે કેસુડો લાલ;
રંગ ને સુગંધના સરવરિયે સંગ સંગ સાંવરિયા રમવાને ચાલ !

આવતા ને જાતા આ વરણાગી વારયાએ મચાવ્યાં છે ઝાઝા તોફાન;
ભૂલીને ભાન ભંવર ભમતો ભમે છે આજ પુષ્પોના અમરતને પાન.
આંબલિયે બજવે છે કોકિલ બાંસુરિયા અંતરને ઊંડે ઉછાળ;
રંગ ને સુગંધના સરવરિયે સંગ સંગ સાંવરિયા રમવાને ચાલ !

લૂમઝૂમતી મંજરીની હરિયાળી મ્હેક મારી મબલખ જગાવે છે ઝંખના;
નજરુંને હેરીને જોયું જરીક, કેવાં ઊડે પતંગિયા અજંપના !!
થઇને ગુલાલ આજ રંગે ઘરાની ધૂળ વાયરાના રેશમી રૂમાલ;
રંગ ને સુગંધના સરવરિયે સંગ સંગ સાંવરિયા રમવાને ચાલ !

———-

સૌમિલભાઇએ જ્યારે હસ્તાક્ષરના દરેક આલ્બમમાંથી એક રચના ‘ટહુકા’ પર મૂકવાની પરવાનગી આપી, ત્યારે જે ખુશી થઇ એને શબ્દો આપવા મુશ્કેલ છે. કારણકે મારી સંગીતની દુનિયાની વાત થતી હોય, તો એ હસ્તાક્ષર વગર તો અધૂરી જ ગણાય. આજે ‘સુરેશ દલાલ’ના હસ્તાક્ષરમાંથી એક રચના મૂકવાનુ વિચાર્યું, ત્યારે ફરી એજ પ્રશ્ન, “બધા જ ગીતો જ્યારે masterpiece હોય, તો મારે કયું લેવું અને કયું ના લેવું ? ”

છેલ્લે ‘આંખ્યુંના આંજણમાં..’ પસંદ કર્યું, જેનુ એક કારણ અનાર કઠિયારા અને આરતી મુન્શીનો સ્વર. એટલી સરસ રીતે આ ગીત ગાયું છે, કે હિન્દી ફિલ્મોમાં બઉ ઓછા એવા ‘Female Duets’ યાદ આવી જાય. ‘મેરે મહેબૂબમેં ક્યા નહીં’, ‘મન ક્યું બેહકા’, ‘એ કાશ કિસી દિવાને કો’, ‘મોરે.. ઘર આયે સજનવા’ વગેરે મારા ઘણાં ગમતા ગીતો.

આશા છે કે ‘સુરેશ દલાલ ના હસ્તાક્ષર’માંથી પસંદ કરેલું આ ગીત તમને પણ ગમશે.