ટહુકો માં શોધો..

વિભાગો

જૂની પોસ્ટ

વેણીભાઇ પુરોહિત


વેણીભાઇ પુરોહિત શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર). સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.

અલબેલો અંધાર હતો - વેણીભાઇ પુરોહિત
અલ્યા ધીંગા વરસાદ તારા નામ પર.....
એક સથવારો સગપણનો - વેણીભાઇ પુરોહિત
ચકલામાં ચેતીને ચાલો, નવાઈલાલ ! -વેણીભાઈ પુરોહિત
જિંદગી - વેણીભાઇ પુરોહિત
તારી આંખનો અફીણી – વેણીભાઇ પુરોહિત
તારી આંખનો અફીણી – વેણીભાઈ પુરોહિત
દશા અને દિશા – વેણીભાઈ પુરોહિત
નયણાં - વેણીભાઈ પુરોહિત
નાનકડી નારનો મેળો - વેણીભાઇ પુરોહિત
પુરુષોત્તમ પર્વ 6 : મના (રે નયણાં ! મત વરસો..) - વેણીભાઇ પુરોહિત
ભીંત ફાડીને પીપળો રે ઊગ્યો - વેણીભાઇ પુરોહિત
ભીનું ભીનું અંધારું – વેણીભાઈ પુરોહિત
માણસ - વેણીભાઇ પુરોહિત
રાતી રાતી પારેવાની આંખડી - વેણીભાઇ પુરોહિત
લઈ લે પાયલ પાછું - વેણીભાઈ પુરોહિત
વરસાદ તારા નામ પર ! - વેણીભાઇ પુરોહિત
સાંવરિયા, કાહે હોત નઠોર ? - વેણીભાઇ પુરોહિત
હજી આ કોકરવર્ણો તડકો છે .... - વેણીભાઇ પુરોહિત



લઈ લે પાયલ પાછું - વેણીભાઈ પુરોહિત

સ્વર : નિરૂપમા શેઠ
સંગીત : અજિત મર્ચન્ટ

This text will be replaced

છુમક છુમક નહીં નાચું
રે ઘાયલ!
લઈ લે પાયલ પાછું.

કાંસાના પોટલિયા
વરચે કંકર પટકે કાયા,
સાગરનાં મોજાંને કયાં છે
એ ધમધમની માયા?

છમાછમ છુમક છુમક
નહીં નાચું રે ઘાયલ,
લઈ લે પાયલ પાછું.

બિના છમાછમ ઝરણાં નાચે,
નાચત નભના તારા,
પાયલ કયાં પહેરે છે
કોઈની નાડીના ધબકારા?

છમાછમ છુમક છુમક
નહીં નાચું રે ઘાયલ,
લઈ લે પાયલ પાછું.

વનનો મોર અને ઘન-બીજલ
નાચત બિન ઝાંઝરવાં,
ઝાંઝર બિના આ દિલ નાચે
ને બિનઝાંઝર નૈનનવાં:

છમાછમ છુમક છુમક
નહીં નાચું રે ઘાયલ,
લઈ લે પાયલ પાછું.

તન નાચે પણ મન ના નાચે,
પગ નાચે પણ પ્રાણ ન નાચે,
ભીતરના ઝંકાર વિનાના
મઝુમમાં નહીં રાચું રે ઘાયલ!
લઈ લે પાયલ પાછું.

- વેણીભાઈ પુરોહિત

સુરેશ દલાલના શબ્દોમાં આ કવિતાનો આસ્વાદ:
યાદ છે ત્યાં સુધી વેણીભાઈ પુરોહિતે આ ગીત ‘વાસવદત્તા’ નામની નૃત્યનાટિકામાં લખ્યું હતું. વેણીભાઈના મોટા ભાગનાં ગીતોને સંગીત અજિત મર્ચન્ટ આપતા. વાસવદત્તાની ભૂમિકા કેળવણીકાર આચાર્ય રમણલાલ વકીલની પુત્રી મીના ભજવતી. વેણીભાઈના શબ્દોમાં શબ્દસંગીત અને ભાવસંગીતની અનાયાસે જુગલબંધી જામતી. સંગીત શબ્દોમાંથી આપમેળે ઝરતું. બાહ્ય સંગીત એ ગીતનો ઠઠારો ન બનતું. વેણીભાઈની કવિતામાં શબ્દો અને સંગીતનો સંબંધ હાથ અને હસ્તારેખા જેવો રહ્યો, જળ અને માછલી જેવો નહીં. એમાં પણ સહેજ જુદાપણું લાગે. આમાં તો જાણે કે શબ્દો અને સંગીતનું દ્વૈત નહીં પણ અદ્વૈત રચાતું.

અહીં કાવ્યનાયિકા ઝાંઝર પાછું આપી દેવાની વાત કરે છે. પાયલ અને ઘાયલ પ્રાસ પણ ગમી જાય એવા છે. પ્રારંભના છુમક છુમક શબ્દો પણ સ્વયમ્ નૃત્યશીલ છે. નહીં નાચવાનું જે કારણ છે તે પણ શુષ્ક તર્કબદ્ધ નથી અને એ તો આ કાવ્યની મજા છે. સ્થૂળ નર્તન અભિપ્રેત નથી. એવી રીતે નાચવું એના કરતાં ન નાચવું સારું. મીરાંએ આ વાતને જુદી રીતે કહી: ‘પગ ઘૂંઘરું બાંધ મીરાં નાચી રે.’ જયારે ઘૂંઘરું કંકર જેમ કાયા પટકતું હોય અને આપમેળે જૉ અંદરથી માયા છલકતી ન હોય તો એ નાચવાનો અર્થ શું? ખ્યાલ છે ત્યાં સુધી અલિઝાબેથ જેનિંગ્સે કહ્યું છે કે યુ કેન નોટ સેપરેટ ધ ડાન્સર ફ્રોમ ધ ડાન્સ.

પ્રકòતિ કેટલી બધી નર્તનમય છે. ઝરણાં છમાછમ વિના પણ નાચતાં જ હોય છે. પૃથ્વી પર આવું છે તો આકાશમાં તારાઓનું પણ નર્તન દેખાય છે, સંભળાય છે. જીવનમાત્રની નાડીના ધબકારા પાયલ પહેર્યા વિના પણ નાચી શકે છે. પાયલ એ બહારની વસ્તુ છે. લોહીમાં લય હોય તો પછી નર્તન સ્વાભાવિક છે.

વનનો મોર પણ કળા કરીને નાચતો હોય છે એ ઝાંઝર પહેર્યા વિના વાદળ અને વીજળીનું નર્તન પણ જાણવા-માણવા જેવું છે. કારણ વિના ગાલિબની કવિતા વિષેની વિભાવના યાદ આવે છે કે એક કવિતા લખવી એ વીજળીના પગે મહેંદી મૂકવા જેવી વાત છે. પ્રેમીઓની આંખ જયારે શબ્દો વિના રણકતી હોય છે ત્યારે એના અણસારોએ કયાં કોઈ ઝાંઝર પહેર્યા હોય છે? માત્ર શરીર નાચતું હોય અને મનમાં થનગનાટ ન હોય; શરીર નાચે પણ પ્રાણ નાચવાની ના પાડે તો આવા જુઠ્ઠાં નર્તનનો અર્થ જ નથી. ભીતરના ઝંકાર વિનાના રુમઝુમમાં નાચવાનું કે રાચવાનું નાયિકાને મંજૂર નથી.

આ સાથે પ્રહ્લાદ પારેખનું એક ગીત મૂકું છું. જયાં વાત જુદી રીતે કહેવાઈ છે કે જો હૃદયમાં જ અભિમાન હોય તો શિર નમાવવાનો અર્થ શું? આ ગીત પણ સામે મૂકીને વાંચવા જેવું છે. ભાવદૃષ્ટિને અને ભાવસૃષ્ટિને એકમેકની અડખેપડખે મૂકવા જેવી છે.

શું રે કરું હું શીશ નમાવી?
ગર્વથી ઉંચું ઉર રે:

શું કરું સાગર લાવી,
દ્રવે જો નૈન નહીં નિષ્ઠુર રે?

શું રે કરું બીન બજાવી?
અંતરતાર બસૂર રે;

અંગમરોડ હું કેમ કરું,
જો નાચી ઉઠે નવ ઉર રે?

વૈભવ આપી શું રે કરું હું,
હૈયું જો હોયે રંક રે?

રૂપ ફૂલોનાં કેમ સમર્પું?-
અંતરે મલિન રંગ રે.

શું રે કરું હું દીપ પ્રજાળી,
હૈયે નહીં જો નૂર રે?

વાણીપ્રવાહ હું કેમ વહાવું,
જો નહીં પ્રેમનાં પૂર રે?

- પ્રહ્લાદ પારેખ

એક વર્ષ પહેલા : H अब के हम बिछड़े तो ... - एहमद फराज़

બે વર્ષ પહેલા : એમ આવે છે યાદ કોઇ અરે ! - નયન દેસાઈ

ત્રણ વર્ષ પહેલા : .... તો કવિ રમેશ પારેખ દસ વર્ષ વધુ જીવ્યા હોત !

દશા અને દિશા – વેણીભાઈ પુરોહિત

દશા પર દાઝનારા ને દશા પર દૂઝનારાઓ,
નથી હોતા ખુમારીથી જીવનમાં ઝૂઝનારાઓ.

દિશા જાણ્યા વિનાના છે દશાથી ધ્રુજનારાઓ !
કહી દો   એમને  કે,  હે દશાના  પૂજનારાઓ !

દશા તો છે સડક જેવી, સડક ચાલી નથી શકતી,
સડકને  ખૂંદનારાને  સડક  ઝાલી નથી શકતી.

- વેણીભાઈ પુરોહિત

એક વર્ષ પહેલા : બોલીએ નમો મહાવીર (નવકારમંત્ર અને અર્થ) - અમિત ત્રિવેદી

બે વર્ષ પહેલા : કાવ્ય - સુરેશ દલાલ

પુરુષોત્તમ પર્વ 6 : મના (રે નયણાં ! મત વરસો..) - વેણીભાઇ પુરોહિત

વેણીભાઇ પુરોહિતનું એકદમ મજાનું ગીત.. અને મારા જેવા આંખોમાં હંમેશા વાદળ લઇને ફરતા લોકો માટે એકદમ સાચી સલાહ :)
અને કોઇ live program નું recording હોવાથી સંગીત પણ એકદમ ઓછું, ફક્ત થોડું હાર્મોનિયમ.. જે ખરેખર તો શબ્દો અને સ્વરને શ્રોતા સામે વધુ અસરકારક રીતે રજૂ કરે છે.

સ્વર - સંગીત : પુરુષોત્તમ ઉપાધ્યાય

This text will be replaced

કે નયણાં !
મત વરસો, મત વરસો :
કે નયણાં !
વરસી ને શું કરશો ?
રે નયણાં ! મત વરસો, મત વરસો.

આનંદી અશ્રુ નહિ ઝીલે
ગરજુ જગત અદેખું:
તો દર્દીલાં ખારાં જલનું
કયાંથી થાશે લેખું ?
રે નયણાં ! મત વરસો, મત વરસો.

મીઠાં જલની તરસી દુનિયા,
ખારાં છો, ક્યાં ખરશો ?
દુનિયાદારીના દરિયામાં
અમથા ડૂબી મરશો.
રે નયણાં ! મત વરસો, મત વરસો.

કોઇ નથી એ જલનું પ્યાસી,
ક્યાં જઇને કરગરશો ?
રે નયણાં ! મત વરસો, મત વરસો.

એક વર્ષ પહેલા : ઝાકળબિંદુ - પન્ના નાયક

બે વર્ષ પહેલા : એવો કોઇ દિલદાર જગતમાં નજર આવે - મરીઝ

સાંવરિયા, કાહે હોત નઠોર ? - વેણીભાઇ પુરોહિત

આ ગીત કોઇએ સંગીતબધ્ધ કર્યું છે ખરું? વાંચતા વાંચતા જ જાણે ગવાઇ જાય એવું મધુરુ ગીત. અને એમાં પણ જ્યારે સાંવરિયા કૃષ્ણ હોય, તો શબ્દોમાંથી આપોઆપ જ ભારોભાર વ્હાલ નીતરે જ ને?

* * * * * * *

સાંવરિયા, કાહે હોત નઠોર ?
ઠાકુર, મૈં ઠુમરી હું તેરી
કજરી હું ચિતચોર…
સાંવરિયા, કાહે હોત નઠોર ?

સાવન કી બૈચેન બદરિયા
બરસત ભોલીભાલી :
ગોકુલ કી મૈં કોરી ગ્વાલિન
ભીતર આંખ ભિગા લી :
કરજવા મોર : કરજવા તોર-
સાંવરિયા, કાહે હોત નઠોર ?

નંદકુંવર, મૈં જમુના ભયી ના
ભયી ના મધુરી બંસી :
દહી મખ્ખન કી મિઠાસ લે કર
કહાઁ છિપે યદુવંશી ?
ઇત-ઉત ઢૂંઢત નૈન-ચકોર:
સાંવરિયા, કાહે હોત નઠોર ?

આપ હી દાવ લગા કર બૈઠી,
જિયરા ભયા જુઆરી :
લગન - અગન મેં લેત હિચકિયાં
ગિરધારી…! ગિરધારી…!
બિલખતી રતિયા : ભટકત ભોર
સાંવરિયા, કાહે હોત નઠોર ?

- વેણીભાઇ પુરોહિત

એક વર્ષ પહેલા : અમે તારા પ્રણયનાં ફૂલ ખરવા પણ નથી દેતાં - બરકત વિરાણી 'બેફામ'

બે વર્ષ પહેલા : સૈયર, શું કરીએ ? - અનિલા જોષી.

ભીનું ભીનું અંધારું – વેણીભાઈ પુરોહિત

(ભીની ભીની ઢેલડને, થનગનતો મોર….  Photo : team-bhp.com )

* * * * * * *

ભીનું ભીનું અંધારુંને વર્ષાનું વાલમા
સપના સુકાઈ ગયા ભીનાં રૂમાલમાં

ભીની ભીની ધરતીને ભીનું ભીનું આભ
એની વાદળીનો ગંજ ઘટાટોપ- હો મારા વાલમા
તું યે ઝૂરે ને હું યે ઝૂરું ઝરમરિયા તાલમાં
સપના સુકાઈ ગયા ભીનાં રૂમાલમાં

ભીની ભીની ઢેલડને, થનગનતો મોર
કેવો નાચે ગુલતાન છમાછમ – હો મારા વાલમા
મોસમ છે મદઘેલી તરવરિયા તાલમાં
ગલગોટા કરમાણાં ગોર ગોરા ગાલમાં

મચકાતી મસ્ત હવા લચકાતી લ્હેર
એનાં મુજરામાં રંગ છલોછલ – હો મારા વાલમા
વાંકી ચૂંકી વાંકી ચૂંકી રમતી રે વાલમા
મીઠું મીઠું ઘેન મારા ચિત્તડાની ચાલમાં

ભીનું ભીનું અંધારુંને વર્ષાનું વાલમા
સપના સુકાઈ ગયા ભીનાં રૂમાલમાં

એક વર્ષ પહેલા : પૂછો તો ખરા.... - અવિનાશ વ્યાસ

બે વર્ષ પહેલા : લખવો છે એક પ્રેમપત્ર ....

ત્રણ વર્ષ પહેલા : ફૂલડાંની ફોરમને કેમ રે… ? - પ્રેમશંકર ભટ્ટ., સદાકાળ ગુજરાત – અરદેશર ફ. ખબરદાર ‘અદલ’