Category Archives: શોભિત દેસાઇ

વાલમનો બોલ – અનિલ જોષી

ગઈ કાલે, 17 May 2012, કવિ શ્રી રમેશ પારેખની છઠ્ઠી પુણ્યતિથી હતી – તો એમને ફરી એકવાર શ્રધ્ધાંજલી!….

કવિ શ્રી રમેશ પારેખ અને કવિ શ્રી અનિલ જોષીની દોસ્તીથી તો તમે વાકેફ હશો જ. એમણે સાથે લખેલું પેલું ગીત – ડેલીએથી પાછા મા વળજો હો શ્યામ - યાદ છે?

બે કવિઓ ભેગા મળી ગીત-ગઝલ લખે – એ સમજી શકાય… પણ એક કવિનું ગીત, બીજા કોઇ કવિની યાદમાં લખાયેલું ગીત, ત્રીજા એક કવિ એ સ્વરબધ્ધ કર્યું હોય, એવું તમને યાદ છે? અહીં પ્રસ્તુત આ ગીત લખ્યું છે અનિલ જોષીએ.. કવિ શ્રી મણીલાલ દેસાઇની યાદમાં.. અને એનું સ્વરાંકન કર્યું છે – કવિ શ્રી રમેશ પારેખએ..! અરે થોભો…!! હજું એક વાત તો બાકી રહી ગઈ… આ જ ગીતને કવિ રમેશ પારેખ અને અનિલ જોષીએ – સાથે મળીને સ્વર પણ આપ્યો છે..!!

અને હા.. આ વિડિયો ક્લિપમાં પ્ર્સ્તુતકર્તા કવિ શ્રી શોભિત દેસાઇ…!!

સ્વર – અનિલ જોષી અને રમેશ પારેખ
સંગીત – રમેશ પારેખ
ગીત પ્રસ્તાવના – શોભિત દેસાઇ

YouTube Preview Image

કૂવો ઊલેચીને ખેતરમાં વાવ્યો
ને ઊગ્યો તે બાજરાને મોલ
કાંટાની વાડ કૂદી આવ્યો રે આજ
મારા વાલમનો હરિયાળો કોલ

શેઢે ઘૂમે રે ભૂરી ખિસકોલી જેમ
મારી કાયાનો રાખોડી રંગ
તરતું આકાશ લઈ વહી જાય ધોરિયે
અંતરનો બાંધ્યો ઉમંગ

દખ્ખણની કોર હવે ઊડતું રે મન
જેમ ખેતર મેલીને ઊડે પોલ.

ચારે દિશાઓ ભરી વાદળ ઘેરાય
અને પર્વતના શિખરોમાં કંપ
આઘે આઘે રે ઓલી વીતકની ઝાડીમાં
હરણું થઈ કૂદે અજંપ

સામે આવીને ઊભી ઝંઝાની પાલખીમાં
ફરફરતો વાલમનો બોલ.

- અનિલ જોષી

************
અને આ રહ્યો – લયસ્તરો પર કવિ મિત્ર વિવેકે કરાવેલો આ ગીતનો આસ્વાદ…   (આભાર – લયસ્તરો.કોમ)

અનિલ જોષીના ખાસ મિત્ર રમેશ પારેખ આ ગીતનો ‘પાણીદાર ગીત’ કહીને જે આસ્વાદ કરાવે છે એને ટૂંકાણમાં માણીએ (થોડી મારી નોંક-ઝોંક સાથે):

ગીતના ઉપાડમાં જ કવિ ‘પાણી ઉલેચ્યું’ એમ નહીં, ‘કૂવો ઉલેચ્યો’ એમ કહીને આ કૈંક જુદી જ વાત છે એનો સંકેત કરી દે છે. પછી તરત જ ‘કૂવો વાવ્યો’ એમ કહે છે ત્યારે કૂવો એના વાચ્યાર્થનો પરિહાર કરીને રહસ્યમય વ્યંજના ધારણ કરે છે. વાતે-વાતે રડી પડનારને લોકો ‘ભઈ, તારે તો કપાળમાં કૂવો છે’ એવું કહે છે તે યાદ આવે. અને તરત જ ‘આંખ’ના સંદર્ભો વીંટળાઈ જાય. ‘ખેતર’નો પણ એની જડ ચતુઃસીમામાંથી મોક્ષ થયો છે. પ્રતિભાશાળી સર્જક પગલે પગલે શબ્દોનો મોક્ષ કરતો હોય છે.

જેનાથી દૃષ્ટિ પોતાનું સાર્થક્ય પામે તેવા કોઈ ‘અવલોકનીય’ને પામવાની અપેક્ષામાં આંખને રોપી, વાવી. પછી? પછી બાજરાના મોલની ખળા સુધી પહોંચવા માટે હોય તેવી પક્વ સજ્જતાનું અને ઉત્સુક્તાનું દૃષ્ટિમાં પ્રકટીકરણ થયું. કાંટાની વાડનું નડતર પણ ન રહ્યું કેમકે એને અતિક્રમીને વ્હાલમનો બોલ સન્મુખ પ્રકટ થયો છે.

કાયા અને કાયામાં રહેલો ઉમંગ હવે અસીમ બન્યો છે. ખેતર પાછળ મેલીને પોલ ઊડી નીકળે એમ સ્થૂળ દેહ ખેતરના શેઢે છોડીને મન વિસર્જિત થવા દક્ષિણ તરફ ઊડ્યું. (મૃત્યુ પછી મૃતદેહને દક્ષિણ દિશામાં વિસર્જિત કરાય છે એ પરંપરાગત સંદર્ભમાંથી કવિએ આ માર્મિક અભિવ્યક્તિ નિપજાવી લીધી છે).

ચારે દિશાઓ ભરાઈ જાય એટલા ઉમળકા હૈયામાં ઊઠી રહ્યા છે અને અ-ચલ પર્વતના શિખરોમાં ય કંપ છે. હરણાં જેવું મન અજંપે ચડી કૂદાકૂદ કરે છે…કેમકે પવનની પાલખીમાં આવેલ વ્હાલમનો કોલ, ઉપયોગી કે નિરુપયોગી તમામ વળગણોને તોડીફોડીને, પાલખીમાં લઈ જવા આવ્યો છે એટલે લઈ જ જશે….

ખીંટીં ઉપર ખુદની ઇચ્છા -શોભિત દેસાઇ

ખુલ્લી આંખે સપના જેવું લાગે છે !
એક છોકરી કેવું અદ્દભુત જાગે છે !!

બર્ફીલી ચાદર હમણાં જ પથરાઇ છે જળની લહેરો પર,
એક શાશ્વત સ્પર્શનું ગીત રજૂ થાવા તત્પર છે અધરો પર,
આંખો દ્રારા અપેક્ષાઓને તાગે છે !
એક છોકરી કેવું અદ્દભુત જાગે છે !!

પુરુષત્વમાં ઓગાળવાની ક્ષણ પર ખુદને જ્યારે લાવે છે,
ત્યારે ચોર્યાસી લાખ જનમથી પર એ મને બનાવે છે,
ખીંટી ઉપર ખુદની ઇચ્છા ટાંગે છે !
એક છોકરી કેવું અદ્દભુત જાગે છે !!

કૈંક જાદુ હશે રબારણમાં! – શોભિત દેસાઈ

આવું અજવાળું ના ઊગે ધણમાં!
કૈંક જાદુ હશે રબારણમાં!

આજે તેં આંખ ફેરવી લીધી,
કાલે બેઠો’તો તારી પાંપણમાં.

સહે….જ ઉમ્મર વધી હો વર્ષાની,
એવું લાગી રહ્યું છે શ્રાવણમાં.

વૃધ્ધો સામાન્યત: ઊઠી વહેલા,
દીર્ધ દિવસ જીવે છે ઘડપણમાં.

રેતી આવી રૂપાળી તો ના હોય!
ક્યાંક કૂવો છૂપાયો છે રણમાં.

હા, લીલો કાચ જેવો મૂંઝારો,
વેડફી નાખ્યો છે મેં સમજણમાં.

- શોભિત દેસાઈ

માડી તારુ કંકુ ખર્યું ને સુરજ ઊગ્યો – અવિનાશ વ્યાસ

ગુજરાતી સુગમ સંગીતની આ અજરા-અમર કૃતિ..! આ ફક્ત એક ભક્તિ રચના નથી – અવિનાશભાઇના શબ્દો અને સંગીતમઢી આ રચના સુગમ-સંગીતના મોટાભાગના પ્રોગ્રામમાં અચૂક ગવાય છે..! વર્ષોથી સાંભળતા આવીએ છીએ.. તો યે આ રચનામાં એવો તો જાદૂ છે કે જેટલીવાર સાંભળીએ એટલીવાર ડોલાવી જાય છે..! મંત્રમુગ્ધ કરી જાય છે..! આમ તો આ રચના હેમા દેસાઇના સૂરીલા સ્વરમાં અહીં ૪ વર્ષથી ટહૂકે છે – પણ આજે ફરી એકવાર આશા ભોંસલે ના મધમીઠા સ્વરમાં એ માણવાનો મોકો આપી દઉં..!

સ્વર – આશા ભોંસલે

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

********
Posted on November 3, 2006

Introduction by : શોભિત દેસાઇ

હે માં..
તું જ મને આપે છે ઉત્તમ વિચારો
બધા કહે છે, હું કવિ છું કેવો સારો

શશિ તારો ચહેરો છે, બુધ્ધિ સૂરજ છે
શ્વસે, તો બને તું હવાનો ઉતારો
તું ચાલે તો લાગે ગતિ જન્મી હમણા
તું બેસે તો અટકે સમય એકધારો
હે માં…

સ્વર : હેમા દેસાઇ

bhagawati_PZ44_l

This text will be replaced

ઓ માં… ઓ માં….

માડી તારુ કંકુ ખર્યું ને સુરજ ઊગ્યો
જગ માથે જાણે પ્રભુતાએ પગ મૂક્યો.

મંદિર સર્જાયુ ને ઘંટારવ ગાજ્યો
નભનો ચંદરવો મા એ આંખ્યુમાં આંજ્યો
દીવો થાવા મંદિરનો ચાંદો આવી પૂગ્યો
કંકુ ખર્યું ને સુરજ ઉગ્યો…
માડી તારુ કંકુ ખર્યું ને સુરજ ઊગ્યો.

માવડી ની કોટમા તારાના મોતી
જનની ની આંખ્યું માં પૂનમની જ્યોતિ
છડી રે પુકારી મા ની મોરલો ટ્હુક્યો
કંકુ ખર્યું ને સુરજ ઉગ્યો…
માડી તારુ કંકુ ખર્યું ને સુરજ ઊગ્યો.

નોરતાં ના રથનાં ઘૂઘરા રે બોલ્યા
અજવાળી રાતે મા એ અમરત ઢોળ્યાં
ગગન નો ગરબો મા ના ચરણોમાં ઝૂક્યો
કંકુ ખર્યું ને સુરજ ઉગ્યો…
માડી તારુ કંકુ ખર્યું ને સુરજ ઊગ્યો.

હું કોણ છું…. ? – શોભિત દેસાઇ

કોણ મારા હોવાનો ભ્રમ દે મને ? હું કોણ છું ?
કોણ મારા બદલે જીવે છે મને ? હું કોણ છું ?

કેમ હળવો થઇ રહ્યો છે મારા આ દુ:ખનો સમય ?
કોણ મનગમતાં દરદ આપે મને ? હું કોણ છું ?

જે ક્ષણે જનમ્યો છુ એ ક્ષણથી લઇ આ ક્ષણ સુધી
આભમાંથી કોણ બોલાવે મને ? હું કોણ છું ?

કાળ માયાવી, હું વારસ અંધનો, સ્થળ જળ બને ;
ઘાસ, થઇને લીલ, કયાં ખેંચે મને ? હું કોણ છું ?

આ બધા પ્રશ્નોના ઉત્તર એને માટે છે સહજ,
એ તો કૈં સદીઓથી જાણે છે મને હું કોણ છું ?