ક્યાં કશી ચિંતા જ છે! ઘર તો સદા મોજૂદ છે !
પગ તળે ધરતી ને અંબર તો સદા મોજૂદ છે!
પ્યાસ પહોંચાડીશ સીમા પર ચરમ, તો મેળવીશ,
ભીતરે તારી સરોવર તો સદા મોજૂદ છે!
દ્વેષ-ઈર્ષ્યા, વેર ઓસરતાં-ઊછરતાં જાય છે,
છે સનાતન, ઢાઈ અક્ષર તો સદા મોજૂદ છે!
ક્ષીણ, કપરા કાળમાં એ ઊંચકી લેશે તને
છાપ એક જ હોય, ઈશ્વર તો સદા મોજૂદ છે!
એય ભજતો હોય છે જીવંત મૂર્તિ આજીવન,
સૌ મુસલમાનોમાં કાફર તો સદા મોજૂદ છે!
એ જનમમાં પણ હું પંકાયો જ ‘ગાલિબ’ નામથી,
આપથી ‘શોભિત’ શાયર તો સદા મોજૂદ છે!
– શોભિત દેસાઈ