દ્વારે ત્વચાના તાર ઉતારીને આવજો !
ભીતરના સર્વ ભાર ઉતારીને આવજો !
વિચાર-નિર્વિચાર ઉતારીને આવજો !
ઇચ્છાઓ પેલે પાર ઉતારીને આવજો,
મનગમતા ઘાવ મૌન અહીં ધરશે આપને !
શબ્દોની સારવાર ઉતારીને આવજો.
તૈયારી રાખજો કે સમયથી થવાય પર
શું રાત…શું સવાર…ઉતારીને આવજો
વાતાવરણ પ્રશાંત છે, રંગોવિહીન છે,
કાચીંડા! કારોબાર ઉતારીને આવજો
આશ્ચર્યો અવનવાં છે, નવું થાય છે શરૂ
આખા જીવનનો સાર ઉતારીને આવજો !
આસક્તિ, મોહ, લાગણી, ખેંચાણ, આશરો
વરવા બધા વિકાર ઉતારીને આવજો !
જ્યાં પહેલું ડગ ભર્યું કે રચાશે અનન્ય યોગ,
મંઝિલ બધી ઉધાર ઉતારીને આવજો !
એવું ઊડો કે નામ હવા પર લખી શકાય,
આવાસના ખુમાર ઉતારીને આવજો !
– શોભિત દેસાઈ