Category Archives: પ્રિયકાંત મણિયાર

આછી જાગી સવાર – પ્રિયકાંત મણિયાર

આછી જાગી સવાર,
નિંદરની મધુ કુંજ થકી ને સ્વપ્નલોકની પાર. – આછી

પારિજાતના શરણે ન્હાઈ
કોમલ એની કાય,
વ્યોમ આયને જેની છાઈ
રંગ રંગની ઝાંય;
ઑઢ્યો પાલવ સાગરજલનો છલછલ નીલનિતાર – આછી

લહર લહર સમીરણની વાતી
કેશ ગૂંથતી જાણે,
અંબોડામાં શું મદમાતી
અભ્ર-ફૂલને આણે;
કે જેનો ઊડતાં પંખીન કલરવ માંહી બહાર – આછી

ભુવનભુવનનાં ઉજ્જવળ રવિની
બિન્દી અહો લગાવી,
દિશા દિશાના મુખરિત કવિની
વાણી રહી વધાવી;
રંગમન્દિર જાવા જાણે સજી રહી સિંગાર – આછી

         – પ્રિયકાંત મણિયાર

નથી રે રમવું – પ્રિયકાંત મણીઆર

નથી રે રમવું સહિયર મોરી સાંવરિયાની સાથે રે,
એ અંતરથી અંચઈ કરતો દાવ ચડાવે માથે રે.

જાણીજોઇને જવા દિયે છે સહિયર સૌ તમ સરખી,
આઘે રહીને અલબેલીઓ ! તમે રહી છો હરખી;
નારી મહીં હું નોખી નૈં ક્યાંથી રહેતો પરખી?
પલક મહીં તો પકડી પાડે બળિયો ભીડે બાથે રે…
નથી રે…

સામો આવી સરકી જાતો દોડી હં તો થાકી,
પલપલ જુદી ચાલ ચલંતો એની લટોશી બાંકી;
આ અડકી હું આ અડકી અવ બહું રહું ના બાકી…
ત્યાં ક્યા કદંબ જાય છુપાઈ હરિ ના આવે હાથે રે…
નથી રે…

– પ્રિયકાંત મણીઆર

તને ચાહવી છે મારે તો – પ્રિયકાન્ત મણિયાર

આ કવિતા વાંચવાની શરૂઆત કરો, ત્યારે તમારી આસપાસ ભલે ગમે એટલો ઘોંઘાટ હોય, પણ કવિતાની છેલ્લી કડી વાંચો ત્યાં સુધીમાં કાનમાં શરણાઇના સૂર ચોક્કસ ગૂંજશે..! 🙂

હવે આકાશના સર્વ તારકોને જોઈ લઉં
ને જાણી લઉં કેટલું શ્રેત – કેટલું સ્વચ્છ થવું પડશે મારે.
તને ચાહવી છે મારે તો
જગતનાં સર્વ વૃક્ષોનાં ફરફરતાં પર્ણને પૂછી લઉં :
કેટલું સતત ને સદ્ય સ્પંદિત થવું જોઇએ મારે
અવિરામ લયની માધુરી જન્માવવા ?
તને ચાહવી છે મારે તો
પૃથ્વીની સઘળી ધૂલિ – જે વારંવાર વેગીલા વાયરામાં
ઊડી જાય –
તેને મારા સંપુટમાં સમાવવા શીખી લઉં
કારણ કે તારે કાજે કેટલી એકાગ્રતા
ઘટ્ટ કરવી પડશે મારે –
અને છતાં ઘડીભર થોભું,
સકલ ક્ષારમય આ મને મળેલા સાગર સામે
શક્ય એટલી શર્કરા લઇ આવું –
ત્યાં સુધી તું પણ થોભીશ ને ?
મલકાયેલા લોચનમાં
ત્યાં તો વાંચું ભાવિની સ્પતપદીની અગ્નિવેદી,
હસતા હોઠમાં હસ્તમેળાપ –
અને જો આપણે ચાલ્યાં
યુગોથી ઠરતા હિમાલયના શિખરને હૂંફ આપવા.

– પ્રિયકાન્ત મણિયાર

મધુમાસ -પ્રિયકાન્ત મણિયાર

આયો,  આયો  મધુર  મધુમાસ !

કુંજ  કુંજમાં   કોકિલ બોલે,
ફૂલ  ફૂલ પર  ભમરા ડોલે,
કળી કળી અંતર મૃદુ ખોલે,
લહર લહરમાં રાસ !
આયો  મધુર  મધુમાસ !

મંજરીએ દિશ દિશ ઊભરાઈ,
સુરભી અનિલે નહીં સમાઈ,
મનની  મ્હેકી રહી અમરાઈ,
પલકે પ્રણય પ્રકાશ !
આયો  મધુર  મધુમાસ !

– પ્રિયકાન્ત મણિયાર

હવે આ હાથ રહે ના હેમ ! – પ્રિયકાન્ત મણિયાર

હવે આ હાથ રહે ના હેમ !
મળ્યું સમયનું સોનું પરથમ વાપર્યું ફાવ્યું તેમ
હવે આ હાથ રહે ના હેમ !

બહુ દિન બેસી સીવડાવ્યા બસ કૈં નવરંગી વાઘા
સાવ રેશમી ભાતભાતના મહીં રૂપેરી ધાગા
જેહ મળે તે દર્પણ જોવા વણ લીધેલો નેમ… હવે આ હાથ રહે ના હેમ !

ભર બપ્પોરે ભોજનઘેને નિતની એ રાતોમાં
ઘણું ખરું એ એમ ગયું ને કશુંક કૈં વાતોમાં
પડ્યું પ્રમાદે કથીર થયું તે જાગ્યોય નહિ વ્હેમ … હવે આ હાથ રહે ના હેમ !

કદી કોઇને કાજે નહિ મેં કટકોયે એ કાપ્યું
અન્યશું દેતા થાય અમૂલખ મૂલ્ય નહિ મેં માપ્યું
રતી સરખું અવ રહ્યું એનો ઘાટ ઘડાશે કેમ ? … હવે આ હાથ રહે ના હેમ !

– પ્રિયકાન્ત મણિયાર