હવે આ હાથ રહે ના હેમ !
મળ્યું સમયનું સોનું પરથમ વાપર્યું ફાવ્યું તેમ
હવે આ હાથ રહે ના હેમ !
બહુ દિન બેસી સીવડાવ્યા બસ કૈં નવરંગી વાઘા
સાવ રેશમી ભાતભાતના મહીં રૂપેરી ધાગા
જેહ મળે તે દર્પણ જોવા વણ લીધેલો નેમ… હવે આ હાથ રહે ના હેમ !
ભર બપ્પોરે ભોજનઘેને નિતની એ રાતોમાં
ઘણું ખરું એ એમ ગયું ને કશુંક કૈં વાતોમાં
પડ્યું પ્રમાદે કથીર થયું તે જાગ્યોય નહિ વ્હેમ … હવે આ હાથ રહે ના હેમ !
કદી કોઇને કાજે નહિ મેં કટકોયે એ કાપ્યું
અન્યશું દેતા થાય અમૂલખ મૂલ્ય નહિ મેં માપ્યું
રતી સરખું અવ રહ્યું એનો ઘાટ ઘડાશે કેમ ? … હવે આ હાથ રહે ના હેમ !
– પ્રિયકાન્ત મણિયાર
આ સુંદર ગીત શ્રી વિનાયક વોરાન સ્વરાઁકનમાં હેમા દેસાઇએ ગાયેલુઁ. નગીનદાસ સઁઘવી અને મિનળ દિક્ષિતના નિર્માણમાં તે નિખિલ મહેતાના સુદીપ સ્ટુડિયો (અંધેરી) ખાતે રેકોર્ડ થયુઁ હતુઁ. જો પ્રાપ્ત થાય અને મુકાય તો સહુને આનંદ આવશે.
આ કવિતાને શ્રી નગિનદાસ સઁઘવી તથા સુશ્રી મિનળ દિક્ષિતે રેકોર્ડ કરાવેલુ સુદિપ સ્ટુડિયો અઁધેરીમાઁ નિખિલ મહેતા પાસે. તેની બંદિશ શ્રી વિનાયક વોરાએ કરેલી અને સુશ્રી હેમા દેસાઈએ સ્વર આપ્યો. આ ગીત તેના શબ્દો જેટલુઁ જ અદ્ ભુત ગવાયુ. જો પ્રાપ્ત થાય તો સહુ ને આનઁદ થશે.
સાહિત્ય નો ખજાનો દિલ નેી વાતો પસ્તાવા ના પુનેીત ઝરના વહે , પવિત્ર થઇ મન મા વસે.