લ્યો, કાગળ આપું કોરો,
સોળ વરસનો એક જ ટહૂકો લથબથ એમાં દોરો,
લ્યો, કાગળ આપું કોરો.
– ભગીરથ બ્રહ્મભટ્ટ.
**********
આ નાનકડી કવિતાથી શરૂઆત કરી હતી ટહુકો બ્લોગની , એ વાત ને આજે 15 વર્ષ થયા. આજના આ ખાસ દિવસે એ સર્વ મિત્રોનો હૃદયપૂર્વક આભાર માનું છું જેમના સતત સહકાર વગર એક ડગલું પણ શક્ય નહોતું . કલાકોની અને દિવસોની ગણતરી વગર, કોઈ પણ અપેક્ષા વગર કેટલાય મિત્રોએ ટહુકોને સમૃદ્ધ બનાવ્યો છે… ટહુકો પર કોઈ ટેકનિકલ મુશ્કેલી આવે, ટહુકો Foundation નો કાર્યકમ હોઈ, ટહુકો પર નવી પોસ્ટ મુકવાની હોઈ, કોઈ એક કવિતાને અનુરૂપ તસ્વીર મુકવાની હોઈ, કોઈ એક કવિતાના શબ્દો પરથી સ્વરાંકન શોધવાનું હોઈ, સ્કેન કરેલા કાગળ પરથી કે ચોપડીમાં જોઈએ શબ્દો લખવાના હોઈ.. અને કલાકોની મહેનત પછી કોઈ કવિતા મુકાઈ ટહુકો પર કે ગીત ગુંજતું થાય – એ બધું તરત જ ‘વસૂલ’ થાય એ રીતે એના પર comment કરવાની હોઈ – આમાંની એક પણ કામ હું એકલે હાથે ન્હોતી કરી શકવાની …. ડગલે ને પગલે આપ સર્વે નો સાથ હંમેશા મળ્યો છે, અને ભવિષ્યમાં પણ મળશે જ એની ખાતરી છે.
ઘર પરિવારથી અલગ, માતૃભાષા અને વતનથી અલગ થયાનો ઝુરાપો ખાળવા શરૂ કરેલો પ્રયાસ આટલા વર્ષો ટકશે, અને સાથે એક Registered Non-profit Organization તરીકે કાર્યરત થશે, એવું સ્વપ્ને પણ નહોતું ધાર્યું.
અને હા, એ પરથી યાદ આવ્યું – તને ટહુકોની YouTube Channel ને Like & Subscribe કર્યું કે નહિ ?
https://www.youtube.com/channel/UCDI_0oMfqsb2WTjwZSE9Xtw
ટહુકોની ડોક્ટર – દિપલ પટેલ – યાદ છે ને? એની જ અથાગ મહેનતથી આ ટહુકો ની યુટ્યુબ ચેનલ પર ટહુકો આયોજિત કાર્યક્રમોનું રેકોર્ડિગ જોવા અને સાંભળવા મળશે.
આ સાથે યાદ આવ્યું તો પૂછી જ લઉં – ટહૂકો Foundation ની નવી Online / Zoom programs શ્રેણી – સ્વર અક્ષર – માણવાનું ચૂકી નથી ગયા ને? દર મહિને એક કલાકાર ને જાણવા માણવાનો અવસર – ગમતાંનો global ગુલાલ – ટહુકો Foundation ના Creative Director હેતલ બ્રહ્મભટ્ટ ની મહેનતથી જ એ શક્ય બન્યું છે. આપ દર મહિને અમારી સાથે જોડાશો zoom તો તો ગમશે જ, પણ અત્યાર સુધીના અને હવે પછીના બધા સ્વર-અક્ષર શ્રેણીના કાર્યક્રમોનું રેકોર્ડિગ ટહુકોની YouTube Channel પર પણ મળશે.
ચલો હવે વધારે સમય નહિ લઉં આપનો … જે શબ્દોથી, જે સ્વરાંકનથી ટહુકોની શરૂઆત થઈ હતી, એ આજે ફરી માણો.. અને હા, આટલા વર્ષોમાં આપને શું ગમ્યું, શું મળ્યું, અને ટહુકો વિશેનો આપનો બીજો કોઈ પણ પ્રતિભાવ હોઈ તો જણાવશો? આ Facebook Twitter Insta TikTok અને What Not ના જમાનામાં ટહુકો પર પ્રતિભાવો આમ પણ ખૂબ જ ઓછા થઈ ગયા છે. જો આપ આ પોસ્ટ વાંચી રહ્યા હોવ, તો એક નાનકડી comment પણ કરશો? મને અને ટહુકો સાથે જોડાયેલા સર્વે ને ગમશે.
**********
Audio Player
તમે ટહૂક્યાં ને આભ મને ઓછું પડ્યું…
ટહૂકારે એક એક ફૂટી પાંખો ને હવે
આખું ગગન મારું ઝોલે ચડ્યું…
**********
મારી પહેલી તે પ્રીતનો
મ્હોર્યો પારિજાત,
ઝૂકી ઝૂકી ઉરને આંગણ
કરતો સુગંધભરી વાત,
– મારી પહેલી …
ફૂલ ફૂલની ફોરમ લઇને
વહેતા મનના વાયુ,
હૈયાના ધબકારા કહેતા :
‘લોચન કોક લપાયું;’
ચેન નહીં દિવસના, વીતે
વસમી સપને રાત :
– મારી પહેલી …
પ્રાણ તણી વીણાના તારે
ગૂંજે ગીત અજાણ્યાં,
વ્યાકુળ ઉરના મધુર અજંપા
મન ભરીને માણ્યા;
ઊઠી મારા પ્રીત-પટોળે
મોરપિચ્છની ભાત :
– મારી પહેલી …