કવિ અને પઠન : રમજાન હસણિયા
.
ગાંધીજી ! તમે જન્મ્યા તે ભલે જન્મ્યા,
અમને એક વધારાની રજા તો મળી!
તમે ભલે જીવનભર દોડ્યા કર્યું અમને ઊંઘવાની મજા તો મળી !
તમે તો ભાઈ ! બહુ હોંશમાં આવી ગયા
દીન-દુઃખીને જોઈ પેન્ટ શર્ટ છોડી ધોતી પર આવી ગયા,
ધમધમતી વકીલાત તમે છોડી સત્યાગ્રહ જેવી વગર પગારની નોકરીમાં લાગી ગયા,
એ બધું તો ઠીક, પણ અમને તો તમારા ફોટાવાળી કડક નોટની થપ્પી ભેગી કરવાની બહુ મજા પડી!
ગાંધીજી ! તમે જન્મ્યા તે ભલે જન્મ્યા અમને એક વધારાની રજા તો મળી!
સાવ સુકલકડી, ન કોટ, ન કુર્તા,
આવા તે હોય કાંઈ ભારતના નેતા ?
સત્ય ને અહિંસા તે હોતાં હશે કાંઈ ગુલામીમાંથી મુક્ત કરવાના રસ્તા ?
તમારી જ ખાદી, તમારી જ ટોપી પહેરીને ફોટો પડાવવાની અમને બહુ મજા પડી!
ગાંધીજી ! તમે જન્મ્યા તે ભલે જન્મ્યા અમને એક વધારાની રજા તો મળી !
તમે તો ન માર્યા કોઈ શત્રુઓને,
ન ઝઘડા કરાવ્યા કોઈ કોમ વચ્ચે !
બધાંને તે સરખાં ગણાતાં હશે કાંઈ ?
એવું તમને શીખવાડ્યું કયા બચ્ચે?
તમારા અળવીતરા પ્રયોગોને જોઈને અમને પણ મજાક કરવાની મજા તો મળી!
ગાંધીજી ! તમે જન્મ્યા તે ભલે જન્મ્યા અમને એક વધારાની રજા તો મળી…
ખુબ જ સુંદર કવિતા , શબ્દો માં રજા ( ગાંધીજી ના જન્મદિવસ) ની વાસ્તવિકતા વ્યંગાતમક રીતે રજુ કરી છે તે સાથે કવિ ની અકળામણ પણ શબદશઃ રજુ થાય છે
સરકારી નોકર હોવા છતાં મને એવુ લાગે છે કે ગાંધી જયંતી ને દિવસે રજાની જગ્યાએ સ્વચ્છતા અભિયાન કે વૃક્ષારોપણ કે એવુ કૈક હોવુ જોઇએ. કોઇ મોદી સાહેબ સુધી આ વાત પહોંચાડજો. શક્ય હોય તો.
ખૂબ જ સરસ કટાક્ષ. આજની નવી પેઢી જે ગાંધીજીને જાણ્યા વાંચ્યા વગર નિંદા કરે છે તેમણે આ સાંભળવા જેવું છે
ગાંધીજી ! તમે જન્મ્યા તે ભલે જન્મ્યા અમને એક વધારાની કવિતા વાંચવાની મજા તો પડી!!
આભાર બેન