રાત પડી ગઈ
પ્રીતની ઘેલી હાય બિચારી,
સૂરજ પાછળ રાત પડી ગઈ,
ઘોડલાવાળો ઘડી ન રોકે,
રીસ હૈયાને હાટ ચડી ગઈ.
ઉદયાચળને ઓરડેથી એ,
દુખની મારી દોડતી આવે;
ભટકાણી આથમણી ભીંતે,
સિંદુ૨ ખર્યાં ને સાંજ પડી ગઈ.
હાર ગળાના હીરલા તૂટ્યા,
થોકે થોકે તારલા થઈ ગ્યા;
નંદવાણી સૌભાગ્યની ચૂડી,
બીજની ઝીણી ભાત પડી ગઈ.
અંતરનાં દુઃખ નેણલે ઉમટ્યાં,
ઊભરાણી આકાશમાં ગંગા,
કાજળ ચારે કોર ફેલાયાં,
સ્નેહની ત્યાં સોગાત પડી ગઈ.
નેપુર પગે ઠેસડી જાણે;
દેવના દેવળ આરતી વાગી;
સુગંધ ફોરી ધૂપસળી એના–
ચિતથી મીઠી વાત પડી ગઈ.
– દાદુદાન ગઢવી
કાળા અક્ષરોમાંથી સર્જાતી અવર્ણનીય રંગછટા
કળા કમાલની વસ્તુ છે. કોઈ પરિમાણ કે સાધન એને બાંધી શકતા નથી. પાણી જેમ એક પાત્રમાંથી બીજા પાત્રમાં તમામ અવરોધોને અવગણીને નિસરી જાય એમ જ કળા એક પરિમાણ કે એક સાધનમાંથી બીજામાં ક્યારે પહોંચી જાય એનો અંદાજો બાંધવો અશકય છે. નહીં ખ્યાલ આવ્યો? ચાલો, થોડી માંડીને વાત કરીએ. કવિતા લખાય તો કાગળ પર પણ જ્યારે એ સંગીતનો અંચળો ઓઢી લે ત્યારે સાંભળનાર કવિતા સાંભળે છે કે સંગીત કે બંને એ સાફ નક્કીય ન કરી શકાય એ હદે શબ્દ, સૂર અને ધ્વનિ એકબીજામાં ઓગળી જાય છે. ક્યારેક કવિતા શબ્દોની સીમા વળોટીને દૃશ્યાંતરણ પામે છે. કાગળ પરના શબ્દો ક્યારે હવામાં ઓગળી ગયા અને એક સુવાંગ સંપૂર્ણ ચિત્ર ચાક્ષુષ થઈ ગયું એ કળવું અસંભવ થઈ જાય એ રીતે કળા ઇન્દ્રિયવ્યુત્ક્રમ સાધી શકે છે. તો ક્યારેક કૅન્વાસ ઉપર રંગ અને પીંછીથી બનેલું ચિત્ર કૅન્વાસ-રંગ અને પીંછીના વસ્ત્રો ત્યાગીને જીવંત કાવ્ય બનીને પ્રેક્ષકના ચિત્તતંત્ર ઉપર ટકોરા દેવા લાગે છે. હકીકતમાં કળા અપરિમાણેય છે. એના નિર્માણ માટે કાગળ, કલમ, રંગ, વાદ્યો વગેરે ઉપાદાન અનિવાર્ય કેમ ન હોય, સર્જન થયાની ક્ષણે જ કળા આ તમામ ઉપાદાનોથી સ્વતંત્ર થઈ જાય છે. કળા ઇન્દ્રિયગમ્ય ખરી, પણ એથીય વધુ તો એ મનોગમ્ય છે, કેમકે ઇન્દ્રિયવ્યતિક્રમણ કળામાત્રનો સહજ ગુણધર્મ છે. કાવ્ય-સંગીત-નૃત્ય-સ્થાપત્ય-ચિત્ર આ તમામ કળાઓ પાસે એને રજૂ કરતા સ્થૂળ પરિમાણો સિવાય એક universal language હોય છે, જે થકી એ ભોજ્ય સાથે તાદાત્મ્ય સાધે છે. ચલો તો, કવિ દાદની એક કવિતાનો સાક્ષાત્કાર કરીએ અને નક્કી કરીએ કે આ કવિતા વધારે છે કે ચિત્ર વધારે છે કે બંને?
કવિ દાદ. આખું નામ દાદુદાન પ્રતાપદાન મીસણ (ગઢવી). ૧૧-૦૯-૧૯૪૦ના રોજ વેરાવળમાં ઈશ્વરીયા ગામે જન્મ. ભણતર સામાન્ય પણ ગણતર અસામાન્ય. પિતાજી જૂનાગઢના રાજકવિ. શિવશક્તિના આરાધક ચારણોને તો સરસ્વતી તાળવે બિરાજે. કવિ કાગની જેમ ચારણી પરંપરાને આગળ ધપાવનાર દાદને પણ મીઠા કંઠ અને લયબદ્ધ રજૂઆતની જન્મજાત બક્ષિશ સાંપડી હતી. લોકસાહિત્યની પરંપરાને જીવંત રાખવામાં એમનો સિંહફાળો રહ્યો છે. પદ્મશ્રીથી નવાજાયા, એ જ વર્ષે કવિ ૨૬-૦૪-૨૧ના રોજ ક્ષરદેહ ત્યજી ગયા. એમના આઠેય કાવ્યોસંગ્રહ ‘ટેરવાં’ (સમગ્ર કવિતા)માં સમાવિષ્ટ છે.
હાથ કંગન કો આરસી ક્યા જેવું ‘રાત પડી ગઈ’ શીર્ષક સ્વયંસ્પષ્ટ છે. સ્વરૂપની દૃષ્ટિએ એને ગઝલનુમા ગીત અને ગીતનુમા ગઝલ –એમ ઉભય સ્વરૂપજીવી કહી શકાય. ગીતમાં સામાન્યરીતે જોવા મળતી મુખડા-અંતરાની વ્યવસ્થા, ક્રોસલાઇનનો અભાવ તથા ગઝલની જેમ મત્લા સહિત પાંચ શેર, કાફિયા-રદીફની બાંધણી અને અષ્ટકલના હીંચકે ઝૂલતા છંદોલયના કારણે પ્રસ્તુત રચનાને ગીતનુમા ગઝલ ગણી શકાય પણ લોકસાહિત્યના પ્રાણવાયુ પર જીવતા કવિને ગઝલનું ખેંચાણ નહીં હોય એ વાત સહજ સમજી શકાય. હશે, ગીત ગણો કે ગઝલ, આપણને તો કવિતા સાથે કામ છે. ઘાટ ઘડિયા પછી નામ-રૂપ જૂજવાં, અંતે તો હેમનું હેમ હોયે… પાંચ શેર જેવા પાંચ બંધમાં કવિએ એવું તો સઘન સંપૂર્ણ દૃશ્યચિત્ર ખડું કર્યું છે કે ઇમેજિઝમનું સ્મરણ થાય જ થાય.
એકલપંડે અંગ્રેજી કવિતાનો નવોન્મેષ સાધનાર એઝરા પાઉન્ડ કલ્પનવાદ (ઇમેજિઝમ)ના પ્રણેતા હતા. ૧૯૧૨માં સ્થાપેલ કલ્પનવાદનો ૧૯૧૭માં એમણે ઑફિશિયલ અંત જાહેર કર્યો પણ હકીકતે આ વાદ અજરામર છે. તાજાં અને મૂર્ત કલ્પનપ્રયોગ વડે ઓછામાં ઓછા શબ્દોની મદદથી કવિ પોતાની અનુભૂતિ કે સંવેદનનને યથાતથ રજૂ કરી ભાવક સમક્ષ સર્વાંગ ચિત્ર ઊભું કરે એ કલ્પનવાદ. જીઓર્જીઅન રોમેન્ટિસિઝમની ઢીલી, પ્રમાદી ‘એબ્સ્ટ્રેક્ટ’ ભાષા અને બેદરકાર વિચારધારા સામેની એ ‘અનિવાર્ય’ પ્રતિક્રિયા હતી. ભાષાની કરકસર, તાદૃશ ચિત્રાંકન અને યથાર્થ રૂપક ઇમેજિઝમની કરોડરજ્જુ છે. કવિની દુર્નિવાર્ય સિસૃક્ષા અને અદમ્ય સર્ગશક્તિને કાગળ પર હૂબહૂ સાકાર કરવાનું કામ સ્વર્ગમાંથી ધરતી પર પટકાતી બેકાબૂ ગંગાને જટામાં બાંધી લેવા જેવું દોહ્યલું છે. કવિ દાદે આ કાર્ય બખૂબી કરી બતાવ્યું છે. જો કે કવિના અલ્પ ભણતર અને ચારણી ગણતરને જોતાં તેઓ કલ્પનવાદથી પરિચિત હોવાની શક્યતા તલભારેય જણાતી નથી. પણ પાઉન્ડની કાવ્યચળવળથી સ્વતંત્રપણે જે કલ્પનચિત્ર દાદે રચ્યું છે, એ સાચે જ દાદને કાબિલ છે.
દિવસમાંથી રાત થવાની ઘટનાના આપણે સહુ રોજેરોજના સાક્ષી છે. સૂરજ ડૂબે, સાંજ થાય અને આકાશમાં લાલિમા પથરાઈ જાય. થોડીવારમાં રાતની કાલિમા સાંજની લાલિમાનું સ્થાન લઈ લે અને આકાશ તારાઓથી ટમટમી ઊઠે. હવે કહો, દૈનંદિન ઘટતી આ ઘટનામાં કંઈ નવીન ખરું? હવે બીજું દૃશ્ય લઈએ. આ દૃશ્ય આપણા માટે જરા નવું છે. પતિ પાછળ દોડતાં ભીંત સાથે અથડાઈ જતી પત્નીને આપણે જવલ્લે જ જોઈ છે. સરસ મજાના સાજ સજેલી સૌભાગ્યવતી સુંદરી પ્રિયતમ પાછળ આંધળી દોટ મૂકે અને નિષ્ફળતાની દીવાલ સાથે ભટકાઈ જાય, પરિણામે એના હાર-બંગડી તૂટી જાય, અથડાવાના કારણે સિંદૂર અને આંસુઓના કારણે કાજળ રેલાઈ જાય, આ દૃશ્ય આપણા માટે કાયમનું નથી પણ વિચારતાં જ આંખ સમક્ષ તરવરી આવે એવું તો ખરું જ. નવીનતા કે કવિતા તો આમાંય નથી. પણ કવિ દાદ આ બંને દૈનિક અને દુર્લભ ચિત્રોને દૂધમાં પાણીની સહજતાથી જે રીતે એકાકાર કરે છે, એમાં કવિતા અને નવીનતા એ બંનેના ચમત્કારનો સાક્ષાત્કાર આપણને થાય છે.
સૌભાગ્યવતી સ્ત્રીના રૂપક વડે કવિએ દિવસમાંથી રાત તરફની ગતિનું અતિ રમણીય દૃશ્યચિત્ર અહીં ઊભું કર્યું છે. રાત અને સૂરજના નસીબમાં આમ તો કદીય મુખામુખ થવાનું સૌભાગ્ય લખાયું નથી. એકની ઉપસ્થિતિ અન્યની અનુપસ્થિતિ સિવાય સંભવ જ નથી. પણ કવિ રાતને સૂરજના પ્રેમમાં પડેલી કલ્પે છે. અને પ્રેમમાં ઘેલાં થયાં હોય એના માટે દુનિયાના શબ્દકોશમાં બિચારા સિવાયનું વિશેષણ તો ક્યાંથી હોય?! સૂરજના પ્રેમમાં ઘેલી થયેલી બિચારી રાત સૂરજ પાછળ દોટ મૂકે છે પણ આ પ્રીતથી બેતમા, સાત ઘોડાથી સજ્જ રથમાં અનવરત મુસાફરી કરતો સૂરજ ઘડીભર પણ રોકાતો નથી. રાતના હૈયાના હાટમાં રીસ ચડી ગઈ છે, પણ સૂરજને વળી એની શી દરકાર? પૂર્વમાં સૂર્યોદય જ્યાંથી થતો દેખાય છે એ કાલ્પનિક પર્વતને, મેરુ પર્વતને આપણે ઉદયાચલ કે ઉદયગિરિ કહીએ છીએ. સૂર્ય પૂર્વમાં ઊગે એ ક્ષણે આગલી રાતનો અંત આવે છે પણ કવિ આ ક્ષણેથી જ રાતનો પ્રારંભ થતો જુએ છે. કવિ સમગ્ર સૃષ્ટિને આ સુહાગણના ઘર તરીકે જુએ છે. કહે છે, ઉદયાચળના ઓરડામાંથી પતિવિરહના દુઃખની મારી રાત દોડતી આવે છે અને આથમણી ભીંત સાથે અથડાઈ જાય છે. ઉદયાચળનો ઓરડો અને આથમણી ભીંત જેવા અદભુત રૂપક લોકસાહિત્યના કવિની રગોમાં દોડતી આધુનિકતાના દ્યોતક છે. પૂરપાટ દોડતી કોઈ વ્યક્તિ ભૂલમાં ભીંત સાથે અથડાઈ જાય અને જે એના હાલહવાલ થાય એ અહીંથી આગળની કવિતામાં કવિએ વર્ણવ્યા છે. રાત તો આમેય અંધારી એટલે એને આંધળી ગણવામાં કોઈ તર્કદોષ પણ જણાતો નથી. પળમાત્ર પણ ન રોકાતા સૂરજ પાછળ દુઃખના મારથી આંધળી બનેલી રાત હડી કાઢે છે અને પશ્ચિમના આકાશની ભીંતને જોવાનું ચૂકી જવાતાં એની સાથે ભટકાઈ જાય છે. પરિણામે સેંથામાં પૂરેલું સિંદૂર ખરી પડે છે અને રંગહીન પશ્ચિમી આકાશ અચાનક સિંદૂરી સાંજનો નવલો પરિવેશ પામે છે.
રાતના ગળામાં થોકબંધ હીરાનો હાર હતો એય આ અકસ્માતના પરિણામે તૂટ્યો અને હાર તૂટતાં જથ્થાબંધ હીરા તારા બનીને આભ આખામાં ચારેતરફ વેરાઈ ગયા. રાતના તારાખચિત આકાશ માટે કેવું પ્રબળ કલ્પન! સુંદરીના વેરાઈ ગયેલા શણગારનું વર્ણન આગળ વધે છે. રાત સૂરજ સાથે પરણી છે. સૂરજ ડૂબી ગયો એટલે સૌભાગ્યવતી રાત જાણે વિધવા થઈ ગઈ. આમ વિચારીએ તો ભીંત સાથે ટકરાવાની ઘટના અનાયાસ નહીં, સાયાસ બનેલી લાગે. સૌભાગ્યવતી સ્ત્રી પતિના જતાં ભીંત સાથે હાથ-માથાં પછાડી સૌભાગ્યચિહ્નોનો લોપ કરે એ ઘટના આપણા સમાજ માટે નવી નથી. સૌભાગ્યની ચૂડીના પણ ટુકડા થયા છે અને ચૂડીનો આ અડધો ટુકડો એટલે જ બીજનો ચન્દ્ર! પણ કલ્પનમાં કવિતા ચૂડીના અડધિયાને ચન્દ્ર કહેવામાં નહીં, રાતના આકાશમાં બીજની ઝીણી ભાત પડી ગઈ કહેવામાં છે. આકાશમાં ઝીણી ભાત સાથે પડી ગઈ જેવી રદીફનો આવો વિન્યાસ તો અચ્છાઅચ્છા ગઝલકાર પણ ન કરી શકે.
દુઃખિયારીના દખ છેવટે અંતરમાં ન સમાઈ શકતાં આંખોથી છલકાવા શરૂ થાય છે. અધરાતે નજરે ચડતી આકાશગંગા જાણે કે રાતસુંદરીના ચમકતાં આંસુઓની હારમાળા છે. અશ્રુપાતના કારણે આંખે આંજેલું કાજળ પણ રેલાયા વિના રહેતું નથી. મતલબ સાંજનું સ્થાન લઈ રહેલી રાત વધુને વધુ ગાઢી બની રહી છે. અંધારું વધુને વધુ ઘટ્ટ બની રહ્યું છે. પ્રકટ કાજળ અને અપ્રકટ આંસુ તો સ્નેહની મહામૂલી સોગાત હતાં, જે આંસુઓના પ્રકટ થવાની સાથે રહ્યાં-ન રહ્યાં બરાબર થઈ ગયાં. અહીં ફરી વાર મહામૂલી ભેટના અવમૂલ્યન માટે ‘પડી ગઈ’ ક્રિયાપદ સફળ કવિકર્મની સાહેદી પૂરાવે છે. જો કે રાત એનું વર્ચસ્વ સંપૂર્ણતયા જમાવી લે એ પહેલાં એક બીજી પણ ઘટના ઘટી છે. ભીંત સાથે ભાર્યાના અથડાવાના કારણે પગે ઠેસ પણ વાગી છે. ફળસ્વરૂપે પગે પહેરેલ ઝાંઝર પણ શાંત રહ્યાં નથી. હાર-ચૂડી-કાજળ-આંસુ સુધીના તમામ શણગાર જો પિયુમિલનની વિફળતાને તારસ્વરે લલકારતાં હોય તો નેપુર શીદ હોઠ સીવીને બેસી રહે? મંદિરોમાં-ઘરોમાં થતી સાંધ્યઆરતીએ થતા ઘંટારવ અને ઘંટડીઓના રણકાર દિશાઓને ભરી દે છે, જેને કવિ રાતના ઝાંઝરના ઝણકાર સ્વરૂપે નીરખે છે. રાત પોતાના હૈયામાં મનના મણીગર માટે જે મીઠી વાતો સંગોપીને દોડી હતી, એ વાતોય જાણે આ અકસ્માતના પરિણામે એના ચિત્તથી પડી ગઈ. મીઠી વાતનો આ મઘમઘાટ એટલે ધૂપસળીની ફોરમ. એક સ-રસ મજાનું ચિત્ર અહીં આવીને સંપૂર્ણ થાય છે. મૂર્તામૂર્ત પ્રતીકોના સમતુલિત સંયોજન વડે કવિ સાંજમાંથી રાત પડવાની ઘટનાનું all-encompassing ચિત્ર રજૂ કરે છે. માત્ર સાંજ-રાતના રંગોની બદલી અને ચાંદ-તારા-આકાશગંગની ઉપસ્થિતિથી આ ચિત્ર બનત તો ખરું પણ નક્કી અધૂરું અનુભવાત. પરંતુ સાંધ્ય-આરતી અને ધૂપસળીની મહેંકમાં રહેલ આપણા પૂજાસંસ્કારોને પણ કવિએ ઉચિત ઝીલી લીધાં છે. આમ, સાંસ્કૃતિક સંસ્કારો અને કૉસ્મિક ફેરફારોને અવિનાભાવે સાંકળી લેવાયા હોવાથી આપણને રાતના પડવાનું આ ચિત્ર સર્વાંગે સંપૂર્ણ થતું અનુભવાય છે.
અંતે, દાદની કલમે જ આલખાયેલું બીજું દૃશ્યચિત્ર પણ માણીએ. સામાન્ય રીતે શ્રાવણનું આકાશ કાળા વાદળછાયું અર્થાત્ મ્લાનવદની હોય છે. પણ સંધ્યાટાણે લાલ-કેસરી રંગો શ્રાવણ માસમાં ફાગણ અને ધૂળેટીની આહ્લાદક અનુભૂતિ કરાવે છે. સૂરજ જાણે એક ફૂલ છે અને એના પશ્ચિમમાં ઝંબોળાઈને ફેંકાવાથી ન માત્ર, આકાશ, ધરતી પણ રંગચોળ થઈ ગઈ છે. સંધ્યાટાંકણે શ્યામ વદળોની કોરેથી છલકાતા રંગ કોઈ હબસણે હોઠ રંગ્યા હોય એમ ભસે છે. કેવું અનુઠું કલ્પન! ભૂખરા ડુંગરોની રાતી થયેલી ટોચ જોગીની જટામાં ગુલાલ જેવી લાગે છે. રૂખડા જેવા વૃક્ષ પર સંધ્યાના રંગોની આભા ઉજ્જડ વગડાને રંગોથી સીંચી દેતી વેલોની હારમાળા જેવી છે. શૂરવીર રણે જવા નીકળે ત્યારે પત્ની એની છાતીએ સિંદૂરિયા થાપા મારે એવું સિંદૂરી આકાશ સૂરજના ધીંગાણામાં જતા હોવાનો અહેસાસ કરાવે છે. અંતે, સૂરજ ધરતીના ખોળામાં આવે છે એ ઘડીએ આકાશમાં છવાઈ વળેલી અગનજાળ જેવી લાલિમાને કવિ રાજપૂતાણી રાજપૂતનું કપાયેલું માથું લઈને ચિતામાં સતી થવા બેઠી હોવા સાથે સરખાવે છે. ગુજરાતી કાવ્યજગતમાં દૃશ્યકાવ્યના સર્વોત્તમ શિખરે ગર્વભેર બિરાજમાન થઈ શકે એવું આ કાવ્ય છે. ચાલો, માણીએ:
શ્રાવણની સંધ્યા
આભમાં ઉડે અબીલ ગુલાલ રે,
સંધ્યા શ્રાવણની રમે હોળીયે રે લોલo
એણે એક રે ફૂલડું ઝંબોળીને ફેક્યું રે લોલo
ધરતી આખી થઈ ગઈ છે, રંગચોળ રે …સંધ્યાo
શ્યામલ વાદળિયે કેવી શોભતી રે લોલo
હબસણના રંગ્યા જાણે હોઠ રે …સંધ્યા
ડુંગરડાની ટોચું કેવી દીસતી રે લોલo
જોગીડાની જટામાં ગુલાલ રે …સંધ્યાo
હરિયા રૂખડારે એવા રંગભર્યા રે લોલo
વગડે જાણે વેલ્યું હાલી જાય રે …સંધ્યાo
છાતીએ સિંદુરિયા થાપા સોભતા રે લોલo
સૂરજ જાણે ધીંગણામાં જાય રે …સંધ્યાo
ખોબલે સૂરજ વસુધાને સતચડ્યાં રે લોલo
રજપૂતાણી બેઠી અગન જાળ રે …સંધ્યાo
adbhoot rachnao ane etlo j sundar aswad. Khub khub aabhar.
ખૂબ ખૂબ આભાર…
[…] કવિતાના વિશદ આસ્વાદ માટે અહીં ક્લિક કરો: https://tahuko.com/?p=20646 […]
બહુજ સરસ રસદર્શન.
આભાર…
આપે સમજાવ્યું ત્યારે અજવાળું થયું. આભાર.
આભાર…
કાવ્ય, કાવ્ય મટીને એક ક્ળા બની જાય પછી બંધન મુક્ત થતા એને માણવાનો આનન્દ વધે છે.
ખુબ સુંદર અવલોકન
.નવિન કાટવાળા
કાવ્ય, કાવ્ય મટીને એક ક્ળા બની જાય પછી એ જ કાવ્યનુ સ્વરુપ બદલાઈ ને બંધન મુક્ત થતા એને માણવાનો આનન્દ વધે છે.
ખુબ સુંદર અવલોકન
.નવિન કાટવાળા
ખૂબ ખૂબ આભાર….