સતગુરુએ મુંને ચોરી શિખવાડી
ને જ્ઞાન ગણેશિયો ઘડાયો રે.
પવનરૂપી ઘોડો પલાણ્યો, ઊલટી ચાલ ચલાયો રે,
ગંગા-જમનાના ઘાટ ઉલંઘી, જઈને અલખ ઘરે ધાયો રે…
ધમણ ધમુંકે તિયાં વીજું ચમુંકે, અનહદ નોબત વાગે રે,
ઠારોઠાર ન્યાં જ્યોતું જલત હૈ, ચેતન ચોકી માંઈ જાગે રે…
સાંકડી શેરી ન્યાં વાટું વસમી, માલમીએ મુંને મૂક્યો રે,
નામની તો નિસ૨ણી કીધી, જઈને ધણીને મો’લે ઢૂક્યો રે…
શીલ સંતોષનાં ખાતર દીધાં, પ્રેમે પેસારો કીધો રે,
પેસતાંને પા૨સમણિ લાધી, માલ મુગતિ લીધો રે….
આ રે વેળાએ હું ઘણું જ ખાટ્યો, માલ પૂરણ પાયો રે,
દાસી જીવણ સત ભીમને ચ૨ણે, મારો ફેરો ફાવ્યો રે…
સતગુરુએ મુંને ચોરી શિખવાડી.
– જીવણ સાહેબ
કાશ, આપણે પણ આવી ચોરી કરતાં શીખી શકીએ…
પૂર્વજ વાંદરા રહ્યા એટલે ગુંલાટી મારવાનું આપણા લોહીમાંથી કદી ગયું જ નહીં. સીધા રસ્તે જવાનું કહેવામાં આવ્યું હોય અને આડો રસ્તો અજમાવી ન જુએ એ વળી મનુષ્ય કેવો! જે વસ્તુ કરવાની મનાઈ ફરમાવવામાં આવી હોય એ કરવાનું મન પહેલું ન થાય તો જ નવાઈ. ખોટું કંઈ નથી. અવળચંડાઈ આપણી સહજ પ્રકૃતિ જ છે. પૂર્વજોમાંથી જ ઉતરી આવી છે. સીધાના બદલે ઊલટા હાથે કાન પકડવાનું જ આપણને સહુને કદાચ વધારે ફાવે છે. માનસશાસ્ત્રના અભ્યાસુઓ મનુષ્યોની આ લાક્ષણિકતા ધ્યાનમાં રાખીને ધાર્યું ન કરાવે તો જ નવાઈ, કવિતાની વાત કરીએ તો મનુષ્યની રગ-રગથી વાકિફ સમર્થ કવિઓ આ ગુણધર્મનો સદુપયોગ કરવાનું કદી ચૂક્યા નથી. આ પરિપ્રેક્ષ્યમાં દાસી જીવણની એક કવિતા જોઈએ.
દાસી જીવણ. ગોંડલ તાલુકાના ઘોઘાવદર ગામે ચમાર જ્ઞાતિમાં ઈ.સ. ૧૭૫૦ની આસપાસ દિવાળીના દિવસે જન્મ અને ૧૮૨૫માં દિવાળીના દિવસે જ જીવતા સમાધિ લીધી. કબીરપંથમાંથી ઊતરી આવેલ રવિભાણ પરંપરાના સમર્થ સંતકવિઓમાં તેઓ એક. પોતાને રાધાનો અવતાર ગણી કૃષ્ણની ભક્તિ કરતા હોવાથી તેઓ જીવણદાસના બદલે દાસી જીવણ તરીકે પંકાયા. લોકો કહેતા: ‘જીવણ જગમાં જાગિયા, નરમાંથી થિયા નાર; દાસી નામ દરસાવિયું, એ રાધાના અવતાર.’ ચૌદ ભુવનના નાથના પટરાણી હોવાની રુએ તેઓ ખુદને શણગારોથી સજાવતા પણ. સત્તર ગુરુ બદલ્યા પછી ભીમસાહેબ, જેઓ ભાણના શિષ્ય ખીમ અને એમના શિષ્ય ત્રિકમના શિષ્ય હતા, સાથે ભેટો થયો અને મેળ પડ્યો. સગુણ-નિર્ગુણ, સાકાર-નિરાકાર ઉભય ભક્તિમાર્ગનો સમન્વય એમની રચનાઓમાંથી વહેતો અનુભવાય છે. એમની કૃતિઓ નારીહૃદયની સુકુમાર વેદના અને પ્રભુવિરહની પીડાની છોળ વડે આપણને ભીંજવે છે.
કાવ્યારંભે ‘ચોરી’ શીખવવાની વાત વાંચીને સ્વાભાવિકપણે જ આશ્ચર્યાઘાત અનુભવાય. પણ આ તો સમર્થ કવિની તરકીબ છે. કવિતા આમેય સામાન્ય જનમાનસનો કપ ઑફ ટી નથી. એટલે કવિતાનો ઉપાડ જો હૂક લગાવી બાંધી ન દે તો બનવાજોગ છે કે વાચક કવિતા કોરાણે મૂકી ચાલતો થાય. પ્રથમ પંક્તિ આકર્ષક હોય, ભાવકને આશ્ચર્યનો આંચકો આપવા સક્ષમ હોય અથવા વશીભૂત કરી શકે તો ભાવક અવશ્ય કુતૂહલવશ અટકી જશે. પછી કવિતા વાંચ્યે જ છૂટકો. પ્રસ્તુત રચના આનું ઉત્તમ દૃષ્ટાંત છે. કવિ કહે છે, ‘સતગુરુએ મુંને ચોરી શિખવાડી.’ ગુરુનું કામ તો જ્ઞાન આપવાનું, ભક્તિ-મોક્ષનો માર્ગ દેખાડવાનું, પણ અહીં તો કવિ કહે છે કે ગુરુએ મને ચોરી શીખવાડી. વળી, ગુરુ પણ સામાન્ય નથી, સદગુરુ છે. સદગુરુ તે વળી ચોરી શીખવાડે?ચોંકાવનારી પંક્તિથી કાવ્યનો ઊઠાવ થાય છે. હવે તો આખી કવિતા વાંચ્યે જ છૂટકો. સદગુરુ કયા પ્રકારની ચોરી કરતા શીખવાડવાના છે એ સમજીએ. બીજી પંક્તિમાં ઘટસ્ફોટ થાય છે. ગુરુજીએ ચોરી કરવા માટે ગણેશિયો ઘડાવ્યો છે. ગણેશિયો એટલે ઘરફોડ ચોરી કરવા માટે વપરાતું સાધન. પણ આ ગણેશિયો જ્ઞાનનો છે. મતલબ, આ કાયારૂપી ઘર, જેમાં આપણો આત્મા કેદ છે એમાં જ્ઞાન વડે ખાતર પાડવાનું છે અને આધ્યાત્મિક ઉન્નતિનું રહસ્ય પામવાનું છે. વાહ ગુરુજી! ઉમદા ચૌર્યકર્મ શીખવવાના આપ તો…
કવિતાના ધોરીમાર્ગે ચાલી નીકળતાં પહેલાં થોડું આડવાટે ફરી લઈએ. હિન્દુ તત્વજ્ઞાન અનુસાર મનુષ્યદેહ કેવળ અસ્થિ-મજ્જાનો બનેલ એક પિંડ નથી. આપણા આત્મિક દેહમાં ૭૨,૦૦૦ નાડીઓ છે, જેમાં પ્રાણશક્તિનો પ્રવાહ વહે છે. આ બોત્તેર હજાર નાડીઓ, છ ચક્ર અને નવ દ્વાર મળીને એક ઘર –કાયા- બને છે. સપ્તધાતુપૂરિત આ નગરીને ‘પુરી’ પણ કહે છે. ૭૨,૦૦૦ નાડીઓમાં ચૌદ વધુ અગત્યની અને એમાંય ત્રણ સવિશેષ –ઈડા, પિંગલા અને સુષુમ્ણા. યોગ કુણ્ડલ્યુપનિષદ મુજબ ડાબી બાજુએ સ્થિત ઈડા યાને ચંદ્રનાડી ભૂતકાળ અને ભાવાવસ્થા સાથે સંકળાયેલ છે, જ્યારે જમણી નાડી પિંગલા યાને સૂર્યનાડી આપણી કાર્યશીલતા અને ભવિષ્ય સાથે સંલગ્ન હોવાનું મનાય છે. આ બેની મધ્યમાં સુષુમ્ણા નાડી છે, જે બધામાં શ્રેષ્ઠ મનાય છે. શ્વાસ ડાબે-જમણે જવાના બદલે એકસમાન ચાલે એ નાડી તે સુષુમ્ણા. તેનો પ્રવાહ કરોડરજ્જુના નીચલા છેડે (વિષુવ અને કુલાધ સહિત)થી આરંભાઈ આજ્ઞાચક્ર(ભ્રૂકુટિમધ્ય) પર્યંતનો છે. તે શરીરના સાતેય મૂળ ચક્ર – મૂલાધાર, સ્વાધિષ્ઠાન, મણિપુર, અનાહત, વિશુદ્ધ, આજ્ઞા અને સહસ્રાર- સહિત કુલ્લે પચ્ચીસ ચક્રોને જોડે છે. યોગદર્શનાનુસાર આપણી માનસિક શક્તિનો દશમો ભાગ જ વપરાય છે. બાકીની શક્તિ સુષુપ્તાવસ્થામાં રહે છે. જ્યારે દેહની નાડીઓની શુદ્ધિ થઈ કુંડલિની જાગ્રત થાય છે ત્યારે પ્રાણ સુષુમણામાં પ્રવેશ કરે છે. આમ થાય ત્યારે અલખના ધામભેગા થવાય. (સુરત નુરત ને ઈડા પિંગલા સુષુમણા ગંગ સ્નાન કીજે. – ધીરો)
કવિ કહે છે, પવનરૂપી ઘોડા પર સવાર થઈને ગુરુએ શીખવાડેલ ચોરી કરવા જવાનું છે. પવન એટલે પ્રાણ એ તો સમજાય પણ ઊલટી ચાલે ચલાવવાની સલાહ કેમ ભલા? પ્રાણરૂપી અશ્વ પર સવાર થઈ એને અવળચાલે ચલાવવાનો છે અને ગંગા-જમુનાના ઘાટ ઉલ્લંઘીને અલખના ઘરે પહોંચવાનું છે. ઘોડાની ઊલટી ચાલ વિશે વિચારતાં પહેલાં તો સહજ સમજાય કે અધ્યાત્મની ભાષામાં સામાન્ય મનુષ્યની ગતિ અધોગામી હોય છે, જ્યારે ઈશ્વરપ્રાપ્રિ માટે મનુષ્યે ઉર્ધ્વગામી ગતિ કરવી પડે, એના તરફ આ ઈશારો હશે. પણ જીવણદાસ કબીરપંથી હતા. કબીર કહી ગયા: उलटी गंगा जमुन मिलावउ। बिनु जल संगम मन महि न्हावउ॥‘ હઠયોગમાં ઈડા નાડીને ગંગા અને પિંગળાને યમુના તરીકે ઓળખાવાઈ છે. ગંગાને ઉલટાવીને યમુનામાં ભેળવવને ઊલટી-ગંગા કહેવાય છે. ઊલટી-ગંગાનું તાત્પર્ય એ છે કે સંસારમુખી રાગરૂપી ગંગાને ઉલટાવીને બ્રહ્મમુખી કરવી. આમ તો યમુના ગંગામાં મળે છે, પરંતુ સંતોના કહેવા મુજબ જેઓ ગંગાને ઉલટાવીને યમુનામાં ભેળવે છે તેઓ (મોહ)જલ વગરના ત્રિવેણી-સંગમમાં સ્નાન કરે છે. રૈદાસ પણ આ મતલબનું કહી ગયા: ‘ઊલટી ગંગા જમુના મૈં લાવૌં, બિન હી જલ મજ્જન હૌં પાવૌં.’ સાધનાના મૂળમાં જે નીચે છે, જે અધોમુખ છે, તેને ઊર્ધ્વમુખ કરીને ઉપર લઈ જવાનું પ્રયોજન હોય છે. ઈડા-પિંગળાના માધ્યમથી બહારની તરફ પ્રવાહિત થતી શ્વાસધારાને પ્રાણાયમ વડે ઉલટાવીને બ્રહ્માંડમાં ચડાવવામાં આવે છે, જેના કારણે સમાધિ લાગે છે. સમાધિઅવસ્થામાં શ્વાસ ઈડા- પિંગળાના સ્થાને તેમની મધ્યમાં આવેલી સુષુમણા નાડીમાં પ્રવાહિત થાય છે. ઈડા, પિંગળા અને સુષુમણા એકાકાર થાય છે, જેને ‘અવધૂતી સ્થિતિ’ કહે છે. ઈડા, પિંગળા અને સુષુમણા (અર્થાત્ ગંગા, યમુના અને સરસ્વતી)ના એકીકરણને ત્રિવેણીસંગમ પણ કહે છે. સંતો આ નિર્જળત્રિવેણીમાં જ સ્નાન કરવાનું કહે છે.
બે પંક્તિમાં કેવી અદભુત વાત કવિ કરી ગયા! બે જ પંક્તિમાં પ્રાણશક્તિની મદદથી કુંડલિની શક્તિ જાગૃત કરી આત્માની ઉન્નતિ કરી પ્રભુપ્રાપ્તિ સુધી પહોંચવાનો માર્ગ સૂચવી દીધો. છે ને ગાગરમાં સાગર! એ જમાનામાં પદ્ધતિસરનું શિક્ષણ તો કંઈ હતું નહીં. અને એમાંય પશુઓનાં ચામડાં ઉતારનાર ચમારના ઘરે જન્મ લેનારના ભણતર વિશે તો સમજી જ શકાય છે, જીવન જ એમનો સાચો શિક્ષક હશે. ગુરુઓની સંગતિમાં રહીને જમાનાની નાડપરખમાં પીએચડીનેય આંટી જાય એવું ભક્તિજ્ઞાન પ્રાપ્ત કરનાર આવા સંતકવિઓનો ભારતવર્ષમાં કદી તોટો પડ્યો નથી. અદભુત ગુરુશિષ્ય પરંપરાના પરિપાકરૂપે સદીઓ સુધી થતી રહેલ જ્ઞાનવર્ષામાંથી આપણે આવી બે-ચાર બુંદ સાચવી-સમજી શકીએ તોય ઘણું.
અલખનું ઘર કેવું છે? સુષુમ્ણા જાગૃત થતાં એકસમાન શ્વાસની ધમણ ચાલી રહી છે અને પ્રાણશક્તિનો પ્રકાશ રેલાઈ રહ્યો છે. આધ્યાત્મિક ઉન્નતિના માર્ગમાં ઠેરઠેર જ્ઞાનની વીજળી અને આતમજ્યોતનો પ્રકાશ રેલાઈ રહ્યો છે. અનહદ નોબત વાગી રહી છે. અનહદ નાદ એ આપણી ભીતરનો અવાજ છે. યોગી દુનિયાના અવાજોને પાછળ મૂકી પોતાની ભીતર ઉતરે છે. જેમ જેમ વધુને વધુ ઉંડે પહોંચાય તેમ તેમ બહારના અવાજો કપાતા જાય છે અને ભીતર નિરંતર ચાલ્યે રાખતો અનહદ નાદ સ્પષ્ટ થતો જાય છે. દયારામે કહ્યું હતું: ‘અજપા જપો અનહદ સુણો, પોપલાં સઘળાં વ્યર્થ.’ શાસ્ત્રોમાં દસ પ્રકારના નાદ વર્ણવાયા છે: ચિણિ, ચિંચિણી, ઘંટનાદ, શંખ, તંત્રા, તાલનાદ, વેણુ, મૃદંગ, ભેરીનાદ. આવા દસ પ્રકારે શબ્દના નાદ સાંભળવા યોગીઓ પરમાત્માને પણ ભૂલી જાય છે, પરંતુ નાદ તો કેવળ એક શ્રવણાવસ્થા જ છે. ખરી આધ્યાત્મિક યાત્રા તો ત્યાંથી પ્રારંભાય છે. આમ નોબત એટલે નગારું પણ સંતો જે નોબતની વાત કરે છે એ પાંચ નોબત અથવા પાંચ શબ્દોની વાત છે. ખ્વાજા હાફિઝ કહી ગયા:
खामोश ओ पंज नौबत बिशनौ जि आसमाने,
क-आं आसमां बैरुं जां हफ़्त ई शश आमद|
(પાંચ નોબત સાંભળ, એ આકાશમાંથી, જે છ દિશાઓ અને સાતમા આકાશથી ઉપર છે)
આવી જ વાત રૂમીએ પણ કરી હતી: ‘ब-हफ़तम चरख़ नौबत पंज याबी, चूं ख़ैमा जि शश जिहत बरकंदा बाशी।’ (આ પાંચેય નોબત સાતમા આસમાને પહોંચીએ ત્યારે સંભળાશે. જ્યારે આપણે છ દિશાઓના તંબૂ ઉપાડી ત્યાં લઈ જઈશું.) કબીર કહી ગયા: ‘पंचे सबद अनाहद बाजे, संगे सारिंगपानी॥ कबीर दास तेरी आरती कीनी, निरंकार निरबानी॥’ (પ્રભુના સાક્ષાત્કારથી પાંચેય શબ્દો તથા અનહદ નાદ ગૂંજી રહ્યા છે. દાસ કબીર આમ તારી આરતી કરે છે, હે નિરાકાર!) ગુરુગ્રંથદર્પણમાં પણ ‘पंचे सबदपंज ही नाद; पंज किसमां दे साज़ां दी आवाज़’ (પંચ શબ્દ, પાંચ જ નાદ, પાંચ પ્રકારના યંત્રોનો અવાજ)ની વાત કરવામાં આવી છે. દાદૂ દયાલ પણ ‘પંચૌ કા રસ નાદ હૈ’ એમ કહી ગયા છે. અનહદ અને નોબતમાં વધુ ઊંડે ઉતરવાના બદલે આપણે એટલું સમજીએ કે સદગુરુ પ્રાણના અશ્વને ઊલટી ચાલે ચલાવડાવી આપણને અલખના ધામ સુધી પહોંચાડે છે, જ્યાં પ્રાણશક્તિના પ્રકાશ રેલાઈ રહ્યો છે અને અનહદ નાદ ગૂંજી રહ્યા છે. ચૈતન્ય સાથેનો આ સાધકનો પ્રથમ સાક્ષાત્કાર છે. चित्शक्ति विलास થાય છે. ચિદાકાશમાં સદૈવ જાગૃત ચૈતન્યનો પ્રકાશ પથરાય છે.
મરમી ગુરુએ શિષ્યને જ્યાં લાવી આણ્યો છે એ ઈશ્વરને ધામ પહોંચવા માટેની શેરી વસમા માર્ગવાળી અને સાંકડી છે. ઈશ્વરપ્રાપ્તિનો પંથ તો વિકટ અને વસમો જ હોવાનો. સાંકડી શેરી એટલે આપણું સંકુચિત મન. સત્વ, રજસ્ અને તમસ્ – આ ત્રિગુણથી નિર્મિત ચિત્ત ચંચળ પદાર્થ છે. સદગુરુ ચિત્તની પાંચ ગલીઓ- ક્ષિપ્ત, મૂઢ, વિક્ષિપ્ત, એકાગ્ર અને નિરુદ્ધ-માં હાથ ઝાલીને મુસાફરી કરાવે છે. આ તમામ ચિત્તવૃતિઓ સાંકડી જ છે. ચિત્તવૃત્તિ શૂન્ય બને ત્યારે જ સહજ સમાધિ લાગે છે. શૂન્યાવસ્થામાં તમામ સંકડાશ અને દુર્ગમતાનો લોપ થાય છે. બ્રહ્માંડ સાથે પ્રાણ એકાકાર થાય છે. ચિતિશક્તિ મહામાયાનો સંબંધ સોળ નિત્ય કળાઓ સાથે છે. આ કળાઓનો સંબંધ મંત્ર સાથે, મંત્રનો સુષુમ્ણા સાથે, સુષુમ્ણાનો માતૃકાઓ સાથે છે. આમ, સુષુમ્ણા-ઇડા-પિંગલા સાથે સંબંધિત 14 મુખ્ય અને 72 હજાર અન્ય નાડીઓ થકી સૂર્ય-અગ્નિ-ચંદ્ર ગ્રંથિઓ અને સાત ચક્રો ભેદી નૃસ્વરૂપ પિંડ સાથે અને બ્રહ્માંડ સાથે સંસિદ્ધ થાય છે. કવિ કહે છે કે આટલું ઉપર પહોંચવા માટે નામસ્મરણ જ એકમાત્ર નિસરણી છે. એના સહારે જ સાધનાના સોપાનો ક્રમશઃ સર કરીને પરમેશ્વરના મહેલ સુધી પહોંચી શકાય છે.
શીલ સંતોષનાં ખાતર દીધાં, પ્રેમેં પેસારો કીધો રે, પેસતાંને પા૨સમણિ લાધી, માલ મુગતિ લીધો રે…. પ્રભુધામ સુધી પહોંચી ગયા. હવે અંદર પ્રવેશ કેમ કરવો એની કૂંચી કવિ આપણને હાથ આપે છે. મહાભારતમાં શાંતિપર્વમાં ભીષ્મ યુધિષ્ઠિરને ઘણી વાતો કરે છે, એમાંની એક શીલ વિષયક છે. બૃહસ્પતિએ રાજ્યભ્રષ્ટ ઈંદ્રને કરેલ આત્મજ્ઞાનના ઉપદેશથી સંતોષ ન થતાં એમણે એને શુક્રાચાર્ય પાસે મોકલ્યો. શુક્રાચાર્યથી પણ સંતુષ્ટ ન થયેલ ઈંદ્રને તેઓએ પ્રહ્લાદ પાસે મોકલ્યો. બ્રાહ્મણવેશે પ્રહ્લાદની લાંબી સેવાચાકરીના અંતે પ્રહ્લાદ એને જ્ઞાન આપે છે કે ત્રિલોકનું સામ્રાજ્ય પ્રાપ્ત કરવાની એકમાત્ર ગુરુચાવી શીલ એટલે કે સત્ય અને ધરમાચરણ છે. વરદાનમાં ઈંદ્રે શીલ જ માંગી લેતાં શીલની સાથોસાથ ધર્મ, સત્ય, વ્રત અને શ્રી –આ તમામ ઈંદ્રને પ્રાપ્ત થયા. આ છે શીલ યાને સદાચાર કે સદ્ચરિત્રનો ખરો મહિમા. બીજી કૂંચી છે સંતોષ. જે મળે એમાં સંતૃપ્તિ અનુભવે એ જ આધ્યાત્મના માર્ગે ઉન્નતિ કામી-પામી શકે. ભગ્વદ્ગીતાના પંદરમા અધ્યાયના પ્રથમ પાંચ શ્લોકમાં જગતને ઉર્ધ્વમૂલ અને અધોશાખાવાળા અશ્વત્થ વૃક્ષનું રૂપક આપતાં શ્રીકૃષ્ણે કહ્યું છે કે એનાં મૂળ સર્વશ્રેષ્ઠ પરમાત્મામાં છે અને શાખાઓ નીચે સંસારરૂપે છે. અનાસક્તિરૂપી મજબૂત શસ્ત્રથી એનું છેદન કરી આદ્ય પુરુષના શરણે જવામાં જ ખરું શાણપણ છે.
निर्मानमोहा जितसङ्गदोषा अध्यात्मनित्या विनिवृत्तकामाः।
द्वन्द्वैर्विमुक्ताः सुखदुःखसंज्ञै र्गच्छन्त्यमूढाः पदमव्ययं तत्।।૧૫.૫।।
(જેઓ માન અને મોહરહિત થઈ ગયા છે, જેમણે આસક્તિથી થનાર દોષોને જીતી લીધા છે…. …એવા મોહરહિત જ્ઞાનીજન જ એ પરમપદ (પરમાત્મા)ને પ્રાપ્ત કરી શકે છે.) સંતકવિએ ચોરીની વાત માંડી છે એટલે એ ઈશ્વરના મહેલમાં શીલ અને સંતોષના ખાતર દેવાનું કહે છે. શીલ અને સંતોષના બાકોરાંમાં થઈને જ આ ઘર ફોડી શકાય. જો કે આટલી તૈયારી પણ કંઈ પૂરતી નથી. પ્રેમ નીતરતાં હૈયે પ્રવેશ કરવાનો છે. અને આ પ્રેમ એટલે જેને આપણે બુદ્ધની કરુણા કહીએ છીએ એ. વયષ્ટિ નહીં, સમષ્ટિ માટેની પ્રેમદૃષ્ટિ. પ્રેમલક્ષણા ભક્તિનું પ્રમુખ ઘટકતત્ત્વ. આટલી તૈયારી સાથે ઘરમાં પ્રવેશીશું તો પેસતાંવેંત જ કથીરને કંચન બનાવનાર પારસમણિ હાથ લાગશે. એને ત્યાં બધું તમારા સ્વાગત માટે ખુલ્લું જ પડ્યું છે. ઘરમાં કોઈ તિજોરી-તાળાં નથી. એકવાર ઘરમાં ઘુસ્યા નથી કે તમામ ખજાનો તમારો. ચોર્યાસી લાખ ફેરામાંથી મુક્તિ પ્રાપ્ત થઈ જશે. મોક્ષ લાધશે.
પૂર્ણ સમર્પણ અને નિષ્ઠા સાથે ગુરુ સંત ભીમદાસની રાહબરીમાં કરવામાં આવેલ ચોરીમાં આ વખતે સાધક કશું ઓછું-અધૂરું નહીં, પણ પૂરેપૂરું પ્રાપ્ત કરે છે. આ વખતે સાધકનો ફેરો ફોગટ ગયો નથી. અધ્યાત્મનો આખેઆખો ખજાનો હાથ લાગે છે. અગમનિગમના તમામ રહસ્યોનો પર્દાફાશ થઈ ગયો છે. ચૈતન્યની ઉચ્ચતમ અવસ્થાએ, સાક્ષાત્કારની લગોલગ પહોંચી શકાય છે. પણ આ બધું કેવળ ગુરુચરણમાં પૂર્ણતયા સમર્પિત થવા માત્રથી, ગુરુ ઉપરના અહર્નિશ વિશ્વાસમાત્રથી થઈ શક્યું છે. કાશ, આપણે પણ આવી ચોરી કરતાં શીખી શકીએ… બે-બે પંક્તિના કાંઠાઓ વચ્ચે સંતકવિએ કેવળ નદી નહીં, જ્ઞાનના આખાને આખા મહાસાગર સમાવી લીધા છે એ સમજાય તો આપોઆપ નતમસ્તક થઈ જવાય એવી આ રચના છે.