સામસામે આવીએ તો ફફડે બે હોઠ પછી બોલવાનું સાનભાન ખોઇએ,
બે’ક ઘડી લાગે કે આટલામાં હોઇએ ને બે’ક ઘડી લાગે ન હોઇએ.
આખું આકાશ એક બટકેલી ડાળ પર લીલેરી કુંપળ થઇ ફૂટે
છાતીમાં સંઘરેલ સાત-સાત દરિયાઓ પરપોટા જેમ પછી ફૂટે
ધોમધોમ તડકામાં પાસપાસે ચાલીએ તો લાગે કે ભીંજાતા હોઇએ…
… બોલવાનું સાનભાન ખોઇએ.
સામસામે આવીએ તો ફફડે બે હોઠ પછી બોલવાનું સાનભાન ખોઇએ.
દેવદાસ અમીરની આ મારી ઘણી જ ગમતી ગઝલ.. મત્લા થી મક્તા સુધી એક પણ શેર એવો ના મળે જેના પર ‘વાહ વાહ’ કરવાની ઇચ્છા ન થાય… દરેક શેર વાંચતા જ દિલને સ્પર્શી જાય એવો.. જોઇ લે, આ હાથમાં ગાંડિવ છે, ગોફણ નથી..! કેવી ખુમારીવાળી વાત!
અને આવી સુંદર ગઝલ જ્યારે પુરુષોત્તમ ઉપાધ્યાય જેવા દિગ્ગજ સ્વર – સંગીત સાથે સામે આવે – તો કંઇ એક-બે વાર સાંભળવાથી ધરાવાય? વારંવાર સાંભળ્યે જ છુટકો.. બરાબર ને?
ઢાંકપિછોડો તને ગમે ને મારી ખુલ્લી બાજી,
રમવું હોય તો રમ તારી ચાલે નહીં ઇતરાજી.
હું બાજી માંડું તો એને પૂરી કરીને છોડું,
એક વાર જોડું હું તાર તો કદી નહીં એ તોડું.
વાદળ વરસે વીજળી ચમકે ગગન ભલે રહે ગાજી.
ઢાંકપિછોડો તને ગમે ને મારી ખુલ્લી બાજી.
હું ગીચ ઝાડીનો જીવ નથી : મારો ખુલ્લો રસ્તો,
હવા પવન કે વાવાઝોડું : કદી નહીં એ ખસતો,
સાવ અમસ્તો સદાય હસતો મારો મારગ ખુશમિજાજી,
ઢાંકપિછોડો તને ગમે ને મારી ખુલ્લી બાજી.
રઇશભાઇની આ કેટલીય ગમતી ગઝલોમાંની આ એક.. અને શ્યામલ-સૌમિલની જોડી એમાં જ્યારે સ્વર-સંગીત ઉમેરે, ત્યારે ખરેખર ભરઉનાળામાં ઠંડી ઠંડી છાશ જેવી મઝા આવી જાય.. 🙂
.
ન પેપ્સી ન થમ્સઅપ ન તો કોક ભાવે,
રઈસ તો વીતેલા મિલેનિયમનો માણસ,
ઉકાળો મળે જો તરત ગટગટાવે,
રઈસ તો વીતેલા મિલેનિયમનો માણસ.
ન કુરિયર ન એસટીડી ન તો ફેક્સ્ કરતો,
એ પેજર મોબાઈલ થકી ખુબ ડરતો,
પગે ચીઠ્ઠી બાંધી કબુતર ઉડાવે,
રઈસ તો વીતેલા મિલેનિયમનો માણસ.
ના હોન્ડા ના સેન્ટ્રો ના ઓપેલ ઍસ્ટ્રા,
ના ઍસ્ટીમના ફ્રેન્ડ, ફ્ર્ન્ટી કે ઉનો,
બળદગાડું એને હજુ પણ લુભાવે,
રઈસ તો વીતેલા મિલેનિયમનો માણસ.
ન રાની ન કાજોલ ન ટ્વિન્કલ ન તબ્બુ,
કરિશ્મા નહીં ને રવિના કદિ નહીં,
હજુ એને નરગીસ સપનામાં આવે,
રઈસ તો વીતેલા મિલેનિયમનો માણસ.