Monthly Archives: August 2008

ખંડેર સમા આ જીવતરમાં બચપણની પળને શોધું છું – ડૉ. જગદીપ નાણાવટી

આજની આ ગઝલની પૂરેપુરી credit ડૉ. જગદીપ નાણાવટીને.. શબ્દો, સ્વર, સંગીત… બધું જ એમનું. (સંગીત માટે એમણે કિશોરકુમારનું ઘણું જ જાણીતુ ગીત – આ ચલ કે તુઝે.. નો ટ્રેક વાપર્યો છે.)

.

ખંડેર સમા આ જીવતરમાં બચપણની પળને શોધું છું
લાચાર કર્યો મોટા બનવા જેણે, એ છળને શોધું છું

મસ મોટા દંભ તણા તાળાં, સંશયની સાંકળ પગે પડી
માણસ આખ્ખાને ખોલી દે કોઈ એવી કળને શોધું છું

ઘોંઘાટ, રૂધિર જાણે થઈને, નસ નસમાં વહેતું મનખાની
ટહુકા, કલરવ, સાતે સૂરમાં વહેતાં ખળ ખળને શોધું છું

સૂરજ અજવાળાને બહાને હરરોજ દઝાડે રૂદિયાને
છો ટમટમતું, પણ તારાના શીતળ ઝળહળને શોધું છું

શબરીએ ચાખી ચાખીને ભગવનને દીધા’તાં બોર ઘણાં
અણજાણે ત્યાંથી દડી પડ્યાં એકાદા ફળને શોધું છું

મંદિર મસ્જિદ ગિરીજા તો શું, મયખાને પણ હું ફરી વળ્યો
જ્યાં ઓળખ મારી મળે મને બસ એવા સ્થળને શોધું છું

પથ્થર સરેઆમ અવતાર થઈ જાય ! – સુનીલ શાહ

 

નિરાકારથી કોઈ આકાર થઈ જાય,
તો, પથ્થર સરેઆમ અવતાર થઈ જાય !

સતત દોડવું એટલે ‘હાંફવાનું’ ?
પછી તો, તણખલાંનો પણ ભાર થઈ જાય !

બને બંધ, જો આંસુનાં પૂર પર, તો–
પ્રતીક્ષાની વેળાનો વિસ્તાર થઈ જાય !

ઉઝરડાય  ઉજવી લઈએ હૃદયથી,
ભલે, લોહીભીનો એ શણગાર થઈ જાય !

રદીફો’ને આ કાફિયા ઊઘડે જ્યાં,
બધી ઝંખનાઓનો આધાર થઈ જાય !

આવ્યાં હવાની જેમ અને ઓસરી ગયાં – રાજેન્દ્ર શુક્લ

કવિ શ્રી રાજેન્દ્ર શુક્લની આ ખૂબ જ સુંદર ગઝલ – એટલા જ મધુરા સ્વર-સંગીત સાથે

સ્વર : બંસરી યોગેન્દ્ર
સંગીત : હરેશ બક્ષી

.

આવ્યાં હવાની જેમ અને ઓસરી ગયાં,
શો શૂન્યતાથી જામ સપનનો ભરી ગયાં !

વીતી ગઈ એ વેળ, હવે અહીં કશું નથી,
સ્મરણો ય આવી આવીને પાછાં ફરી ગયાં !

હું શું કરું જ્યાં કંઠ જરી ય ખૂલતો નથી,
ગીતો તો કેટલું ય અરે કરગરી ગયાં !

તારા ગયાં પછે ન બન્યું કંઈ નવું અહીં,
અધઊઘડી બે છીપથી મોતી ઝારી ગયાં !

જોઈ અટૂલી મ્હેંક સમય પૂછતો ફરે –
‘ફોર્યાં અહીં જે ફૂલ તે ક્યારે ખરી ગયાં!’

વાતો રહી ગઈ એ કસુંબલ મિજાજની,
એ ઘેન, એ ઘટા, એ ઘૂંટ, સહું સરી ગયાં !

એની ખીણો મહીં જ સમય ખૂંપતો ગયો,
શબ્દો અજાણતા જે તમે કોતરી ગયાં !

– રાજેન્દ્ર શુક્લ

——————————-

બંસરી યોગેન્દ્રનો પરીચય…..

પ્રથમ બ્રોડકાસ્ટ કાર્યક્રમ- ચાર વર્ષ ની વયે આકાશવાણી દિલ્હી બાલસભામા.

હાલ આકાશવાણી અને દુરદર્શન ગ્રેઙ A કલાકાર
ભારત ના મૂખ્ય શહેરો અને USA, Belgium, Australia, Newzealand વગેરે મા સુગમ સંગીત Concerts.

Professor of Psychology in G.L.S.Arts college AHMEDABAD.

હાલ મા L.A. ( California ) અને Toronto ( Canada ) ની મુલાકાતે…..Contact No. 001-310-357-1859
——————————-

આ ગઝલ અને ‘રાજેન્દ્ર શુક્લ’ નામના દરિયાના બીજા કેટલાય મોતી તમને – www.rajendrashukla.com પર મળી રહેશે.

અમે તારા પ્રણયનાં ફૂલ ખરવા પણ નથી દેતાં – બરકત વિરાણી ‘બેફામ’

અમે તારા પ્રણયનાં ફૂલ ખરવા પણ નથી દેતાં,
છૂપાં રાખ્યાં છે એવાં કે પમરવા પણ નથી દેતાં.

ગરીબીને લીધે કરવી પડે છે કરકસર આવી,
અમે રડીએ છીએ ને અશ્રુ સરવા પણ નથી દેતાં.

હવેના રાહબર પોતે જ ખોટા રાહ જેવાં છે,
સફર સાચી દિશામાં તો એ કરવા પણ નથી દેતાં.

ભલે મળતાં નથી, પણ એજ તારણહાર છે સાચા,
જે ડૂબવા તો નથી દેતા જ, તરવા પણ નથી દેતાં.

હવે આવા પ્રણયનો અંત પણ આવે તો કઇ રીતે?
નથી પોતે વિસરતાં કે વિસરવા પણ નથી દેતાં.

સુરાનો નહિ, હવે સાકીનો ખુદનો છે નશો અમને,
કે એનો હાથ પકડી જામ ભરવા પણ નથી દેતાં.

જીવાડે પ્રેમથી એવું તો કોઇ ક્યાં મળે બેફામ?
કે મતલબ હોય છે તો લોક મરવા પણ નથી દેતાં

ધુમ્ર વિખરાયો ન તો ધૂણી કરી વરસો સુધી – કિસન સોસા

ધુમ્ર વિખરાયો ન તો ધૂણી કરી વરસો સુધી,
નામ એ જલતું રહ્યું બે અક્ષરી વરસો સુધી

ત્યાં પછી કયારેય ન ખીલ્યું એ ચહેરાનું કમળ,
એક ખાલી બારી મેં જોયા કરી વરસો સુધી.

ગોખલે નળિયે ફફડતાં ચોંકતાં પંખી સમા,
ઉમ્ર એ માહોલમં ઉડતી ફરી વરસો સુધી.

સૂર્ય સડકે રેબઝેબ રરઝળ્યા કર્યો તારો કવિ,
ને તને ન જાણ થઇ એની જરા વરસો સુધી.

કયાં અજંપો ઓલવાયો સ્હેજ ક્યાં પલળી તરસ,
કેટલી પ્યાલી ભરી ખાલી કરી ખાલી કરી વરસો સુધી.

ફૂલ પગલે તું ફરી આવી રહી આ શહેરમાં,
એવી અફવાઓ ઉગી ખીલી ખરી વરસો સુધી.

મેઘલી સાંજે હવે આજે અચાનક થઇ સજળ,
પથ્થરી આંખે ન ફૂટયું જ્ળ જરી વરસો સુધી.

નગરના માનવી છીએ, અમે આ ગામના નથી – મુકુલ ચોક્સી

સ્વર : નુતન સુરતી, અમન લેખડિયા
સંગીત : મેહુલ સુરતી

.

નગરના માનવી છીએ, અમે આ ગામના નથી
હમેશા કામમાં છતાં, કશા એ કામના નથી

અહીં વસંત વ્હાલની, અહીં ખુશી કમાલની
અહીં કદીક પાંગરે છે, મૌસમો ટપાલની

અહીં છે એ બધા કે જેની કોઇ ઝંખના નથી
અહીં છે એવું ભોળપણ, કે જેની નામના નથી

હ્રદયમાં એનું છે સ્મરણ, હવામાં એનું છે રટણ
ભલે મળું હજારને, મને ગમે બસ એક જણ

ભલે નથી નજીક પણ, એ સાવ દૂરના નથી
એ ચાહનાથી છે વધુ, ભલે એ ચાહના નથી

‘ચાલો ગુજરાત’ – વિશ્વ ગુજરાતી પરિષદ 2008

પ્રિય મિત્રો, નમસ્તે… કેમ છો?!! ‘ચાલો ગુજરાત’નું ઓઢણું ઓઢીને રુમઝુમ કરતી મા ગુર્જરી અમેરીકાનાં આપણા બેક-યાર્ડમાં જ આપણને મળવા આવી રહી છે… અને ત્યારે આપણે સામા દોડીને એને આવકારવા ન જઈએ તો કેમ ચાલે?! ખરું ને મિત્રો?!!! તો ચાલો… આવો… ભલે પધારો…!

દુનિયાભરમાં દૂર દૂર વસેલા ગુજરાતીઓને માટે આઈના(AIANA)એ સૌપ્રથમ ‘ચાલો ગુજરાત’ વિશ્વ-પરિષદ 2006 કરી હતી, જે સૌ ગુજરાતીઓ માટે ખૂબ જ યાદગાર બની ગઈ હતી. એ પરિષદની અદભૂત સફળતાને લીધે અને વિશ્વનાં ખૂણે ખૂણેથી આવનાર ગુજરાતીઓનો ઉત્સાહ અને પરિષદમાં મળેલી સંતુષ્ટિના કારણે, તેમ જ ગુજરાતી બોલતા સમુદાયની આંતરિક એકતાને દ્રઢ કરવા આઈનાએ ફરી એકવાર એજ વિશ્વ ગુજરાતી પરિષદનું આયોજન આ વર્ષે પણ કર્યુ છે… પરિષદનું સ્થળ છે: રારીટન એક્ષ્પો સેંટર, એડીસન, ન્યુ જર્સી… ઑગષ્ટની 29, 30 અને 31 તારીખે… (Labor day long week-end!)
‘ચાલો ગુજરાત’ – વિશ્વ ગુજરાતી પરિષદ 2008નું થીમ છે:
ગઈકાલને અપનાવો… આજને અજમાવો… આવતીકાલને બનાવો…
દુનિયા આપણી રંગભૂમિ છે !

Continue reading →

આંખ સામે હમસફર વરસાદ હોવો જોઇએ – દિલીપ જોશી

rain.jpg

આંખ સામે હમસફર વરસાદ હોવો જોઇએ,
થઇ ટકોરો દ્રાર પર વરસાદ હોવો જોઇએ.

વક્ત હો હિલ્લોળતો પંખી સમો નીડે, નભે,
કાં પછી એના વગર વરસાદ હોવો જોઇએ.

ભાગ્ય જો પલ્ટી શકાતું હોત તો કહેતો ફરું,
પાનખરથી પાનખર વરસાદ હોવો જોઇએ.

ભીડ જેવું કૈ કળાતું કાં નથી રસ્તા ઉપર?
હર ગલી, ઘરઘર, નગર, વરસાદ હોવો જોઇએ.

સાવ ખુલ્લું આભ છે ને તો ય એકલ સાંજ છે,
આજ પણ તારા ઉપર વરસાદ હોવો જોઇએ.

કોઇ ભટકે છે અચાનક એક ટીપું ઝીલતાં
એ ખબરથી બે-ખબર વરસાદ હોવો જોઇએ.

– દિલીપ જોશી

… કે તું આવી હશે – રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

એ જ ભણકારા રહે હરપળ કે તું આવી હશે,
દૂર સુધી શ્હેર આ ઝળહળ કે તું આવી હશે.

ઠેઠ પાતાળેથી પ્રગટ્યાં જળ કે તું આવી હશે, 
સાવ નોખાં લાગતાં હર સ્થળ કે તું આવી હશે.

હા હતી સાબરમતી પણ નામની કેવળ નદી,
બેઉ કાંઠે એય છે ખળખળ કે તું આવી હશે.

શ્વાસ-આંખો-ઉંબરો-આંગણ ને રસ્તાઓ બધા,
રોજ કરતાં છે વધું વિહ્વળ કે તું આવી હશે.

ક્યાં હવે સજ્જડ કોઇ કારણ રહ્યું છે તે છતાં,
ટેવવશ થઇ જાય છે અટકળ કે તું આવી હશે.

મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી….

આજે મારું ઘણું જ ગમતું ભજન – અને એ પણ બે દિગ્ગજ સ્વરોમાં.

સ્વર : મનહર ઉધાસ

.

મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી
મારુ મનડું છે ગોકુલ વનરાવન
મારા તનના આંગિણયાંમાં તુલસીના વન
હે મારા પ્રાણ જીવન….

મારા આતમના આંગણે શ્રીમહાપ્રભુજી
મારી આંખો વશે ગિરધારી રે ધણી
મારુ તન મન ગયું છે જેને વારી રે વારી
હે મારા શ્યામ મોરારિ…..
મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી શ્રીમહાપ્રભુજી….

હું તો નિત્ય વિઠ્ઠલ વર ની સેવા રે કરું
હું તો આઠે સમા કેરી ઝાંખી રે કરું
મેં તો ચિતડું શ્રીનાથજી ને ચરણે ધર્યું
જીવન સફળ કર્યું …..
મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી શ્રીમહાપ્રભુજી….

હે મારા પ્રાણ થકી મને વૈષ્ણવ વ્હાલા
નિત્ય કરતા શ્રીનાથજી ને કાલા રે વાલા
મે તો વલ્લભ પ્રભુજી ના કીધાં છે દર્શન
મારું મોહી લીધું મન…..
મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી શ્રીમહાપ્રભુજી….

મેં તો ભક્તિ રે મારગ કેરો સંગ રે સાધ્યો
મેં તો પુષ્ટિ રે મારગ કેરો સંગ રે સાધ્યો
મને ધોળ કિર્તન કેરો રંગ રે લાગ્યો
મેં તો લાલાની લાલી કેરો નંગ રે માંગ્યો
હીરલો હાથ લાગ્યો…..
મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી શ્રીમહાપ્રભુજી….

મારી અંત સમય કેરી સુણો રે અરજી
લે જો શ્રીજીબાવા શરણોમાં દયા રે કરી
મને તેડાં રે યમ કેરાં કદી ન આવે
મારો નાથ તેડાવે…..
મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી શ્રીમહાપ્રભુજી….

(આભાર : પ્રભાતના પુષ્પો)