Category Archives: સુનીલ શાહ

ક્યાં એ હૃદયના આભમાં બીજું સમાય છે ! – સુનીલ શાહ

શ્રી ભગવતીકુમાર શર્માની છોત્તેરમી વર્ષગાંઠ નિમિત્તે કવિશ્રીની અલગ-અલગ ગઝલની પંક્તિઓ પર પોતાની ગઝલ રચી સુરત ખાતે યોજેલ તરહી મુશાયરામાં પ્રસ્તુત ગઝલ…

**

ફાટેલ ગોદડી ફરી સાંધી શકાય છે,
ખોવાઈ છે જે હૂંફ, ક્યાં પાછી લવાય છે ?

અકબંધ આપણાથી તો અહીં ક્યાં જિવાય છે ?
મ્હોરું ઉતારું છું તો ચહેરો ચિરાય છે.*

આવેગ લાગણીનો જરા જો વધારે હોય,
ડૂચો વળે છે શબ્દ, ને ડૂમો ભરાય છે.

કાઢી શકાય છે અહીં એનું જ માપ દોસ્ત,
જે ભીતરે ને બ્હારથી સરખો જણાય છે.

પડઘા તમારી યાદના જ્યાં વિસ્તરી ગયા,
ક્યાં એ હૃદયના આભમાં બીજું સમાય છે !

તું સુખ વિશે ન ગણ કશું, એક–બે કે દસગણું,
એકાદ ટહુકા માત્રથી જીવી જવાય છે.

સુનીલ શાહ
(*પંક્તિ સૌજન્યઃ મુ.શ્રી ભગવતીકુમાર શર્મા)

પથ્થર સરેઆમ અવતાર થઈ જાય ! – સુનીલ શાહ

 

નિરાકારથી કોઈ આકાર થઈ જાય,
તો, પથ્થર સરેઆમ અવતાર થઈ જાય !

સતત દોડવું એટલે ‘હાંફવાનું’ ?
પછી તો, તણખલાંનો પણ ભાર થઈ જાય !

બને બંધ, જો આંસુનાં પૂર પર, તો–
પ્રતીક્ષાની વેળાનો વિસ્તાર થઈ જાય !

ઉઝરડાય  ઉજવી લઈએ હૃદયથી,
ભલે, લોહીભીનો એ શણગાર થઈ જાય !

રદીફો’ને આ કાફિયા ઊઘડે જ્યાં,
બધી ઝંખનાઓનો આધાર થઈ જાય !