Category Archives: મનોજ ખંડેરિયા

મનોજ પર્વ ૦૮ : હાથમાં કારોબાર રાખ્યો તેં

આજે ૬ જુલાઇ.. કવિ શ્રી મનોજ ખંડેરિયાને એમના જન્મદિવસેઆપણા સર્વ તરફથી હ્રદયપૂર્વક શ્રધ્ધાંજલી..! અને ગયા વર્ષની જેમ, આ વખતે પણ મોકો લઇ લઉં એમની રચનાઓનો રસથાળ સતત એક અઠવાડિયા સુધી આપને પીરસવાનો.

ચાડી ખાશે સુગંધ ગઝલોની,
ક્યાંક અત્તરમાં હાથ નાખ્યો તેં
– મનોજ ખંડેરિયા

અને શરૂઆત કરીએ એમની આ ખૂબ જ જાણીતી ગઝલથી. આ ગઝલ આમ તો ટહુકો પર Dec 4, 2007 ના દિવસથી શ્યામલભાઇના અવાજમાં મૂકી છે – પણ આજે આ ગઝલ – કવિના પોતાના સ્વરમાં પઠન સાથે…!

ગઝલ પઠન : કવિ શ્રી મનોજ ખંડેરિયા

________________

Posted on December 4, 2007

મને ખૂબ જ ગમતી ગઝલ.. શબ્દરચનામાં મનોજ ખંડેરિયાએ, અને સ્વર આપવામાં શ્યામલભાઇએ ખરેખર કમાલ કરી છે..!!

સ્વર : શ્યામલ મુન્શી

સંગીત – શ્યામલ – સૌમિલ મુન્શી

kheen.jpg

.

હાથમાં કારોબાર રાખ્યો તેં,
ને મને બારોબાર રાખ્યો તેં.

એક ડગ છૂટથી ભરી ન શકું,
ખીણની ધારોધાર રાખ્યો તેં.

આંખમાં દઇ નિરાંતનું સપનું,
દોડતો મારોમાર રાખ્યો તેં.

કોણ છું કોઇ દિ’ કળી ન શકું,
ભેદ પણ ભારોભાર રાખ્યો તેં.

શ્વાસ સાથે જ ઉચ્છવાસ દીધા,
મોતની હારોહાર રાખ્યો તેં.

– મનોજ ખંડેરિયા

નેવાં – મનોજ ખંડેરિયા

આજે પલળીએ મનોજ ખંડેરિયાના આ મઝાના હાયકુ-કાવ્ય સંગાથે..!!

ટપકે નેવાં
આજે તો અવકાશે
છલકે નેવાં

રાત પડે ને
સામે ઘેર જવાને
સરકે નેવાં

કોણ આવતું
આજ આંખની જેવાં
ફરકે નેવાં

અષાઢ-રાતે
કણું બનીને આંખે
ખટકે નેવાં

પાંખ-પાંખમાં
મૌન ધ્રૂજતું ભીનું
ધબકે નેવાં

– મનોજ ખંડેરિયા

અમથો અમથો ખુશ થાઉં છું – મનોજ ખંડેરિયા

મેદાનો હરિયાળાં નીરખી અમથો અમથો ખુશ થાઉં છું
લીલાંછમ અજવાળાં નીરખી અમથો અમથો ખુશ થાઉં છું

આંખોમાં વૈશાખી સૂકું શ્હેર લઈને રખડું ત્યારે
રસ્તા પર ગરમાળા નીરખી અમથો અમથો ખુશ થાઉં છું

અજમેરી પીળા બોર સમા આછું મીઠું મ્હેંક્યા કરતા
આ દિવસો તડકાળા નીરખી અમથો અમથો ખુશ થાઉં છું

રોજ જતા ને રોજ જશે પણ આજ અચાનક સાંજ ઢળી તો
ધણ જતાં ઘરઢાળાં નીરખી અમથો અમથો ખુશ થાઉં છું

એની તીણી ટોચ અડી જ્યાં નભને તારક-ટશિયા ફૂટ્યા
અંધારાં અણિયાળાં નીરખી અમથો અમથો ખુશ થાઉં છું

પૂનમ રાતે સામે સામી ડાળ ઉપરથી મંડાતા કંઈ-
ટહુકાના સરવાળા નીરખી અમથો અમથો ખુશ થાઉં છું

શબ્દોનો આ કોષ લઈને ખાલી બેઠો છું ઉંબર પર
ભાષાની ભરમાળા નીરખી અમથો અમથો ખુશ થાઉં છું

-મનોજ ખંડેરિયા

————

વિવેક ટેલરના શબ્દોમાં આ ગઝલનો આસ્વાદ :

અમથી-અમથી ખુશાલીના સાત શેરોની આ ગઝલ- જાણે કે સપ્તરંગી ઈંદ્રધનુષ. આજે માણસ સ-કારણ પણ માંડ હસી શકે છે એવામાં અ-કારણ તો કોણ ખુશ થઈ શકે કવિ સિવાય? ગુજરાતી ગઝલના દેહમાં નવો જ આત્મા રેડનાર શબ્દોના શિલ્પી મનોજ ખંડેરિયાની આ ગઝલ આપણને શીખવાડે છે કે પોતાના નહીં, પણ અન્યના વૈભવને અને એ પણ સાત્વિક વૈભવને નીરખીને પણ માંહ્યલાને હર્ષાવધિમાં તરબતર કરી શકાય છે અને કદાચ એ આનંદ જ સાચો નિજાનંદ છે.

મેદાનની ખુલ્લી અને શુષ્ક વિશાળતાને ભરી દેતું ઘાસ એ પ્રકૃતિએ લખેલી નજાકતભરી એવી કવિતા છે જે નજરને ખાલીપાથી ઘાયલ થવા દેતી નથી. મેદાનોની આ હરિયાળી કવિને ખુશ કરી દેવા માટે પૂરતી છે પણ મિસરામાં કવિતાનો પ્રાણ રેડે છે બીજી પંક્તિ. અહીં અજવાળાંની વાત છે પણ એ કેવું છે? પ્રકાશ ઘાસ પર પડે છે માટે એ પણ લીલોછમ… કેવું અદભુત કલ્પન !અનુભૂતિની અભિવ્યક્તિનું આ નાવીન્ય મત્લાને જાનદાર બનાવે છે.

મનોજભાઈની કવિતામાં બરછટતા કે કટુતા કદી જોવા નહીં મળે. જેવો ઋજુ એમનો સ્વભાવ એવી જ લવચીક એમની કવિતા. બીજા શેરના પહેલા મિસરામાં વૈશાખના તાપથી સૂક્કુંભઠ્ઠ થઈ ગયેલું ત્રાસેલું શહેર આખું આંખમાં લઈને નીકળવાની વાત કરે ત્યારે પળભર માટે આંચકો લાગે ? આ કવિની બાનીમાં કઠોરતા ? પણ બીજી જ કડીમાં કવિ આખી વાતને ઠંડક પહોંચાડે એવી મૃદુતા બક્ષી દે છે. સિમેન્ટ-કોંક્રિટના મકાનોના જંગલોથી ઊભરાતા અને ગરમીના કારણે ખાલી-ખાલી ભાસતા શહેરમાં ફરતા-ફરતા કોઈ એકાદ ખૂણે દોમદોમ સાહ્યબીથી છલકાતા એકાદ-બે ગરમાળાના ઝાડ કવિની આંખમાં ડોકિયું કરી જાય ત્યારે કેવી ખુશી એ આંખોમાં છલકાઈ આવતી હશે ! ડાળીઓના હજ્જારો હાથે પોતાનો વૈભવ લૂંટાવતો ગરમાળો જેણે જોયો હોય એ જ આ લાગણી સમજી શકે…

હવે એક જ શેરની ટૂંકાણમાં માંડણી કરીશ… રાત્રે પંખીઓ સામાન્યરીતે શાંત થઈ સૂઈ જાય છે. પણ અહીં વાત છે પૂનમની રાતની. પૂનમના અજવાળાંને દિવસનું અજવાળું ગણીને પક્ષીઓ સામ-સામા ટહુકાઓની લ્હાણી કરે ત્યારે કોણ અમથું અમથું ખુશ થયા વિના રહી શકે?

શબ્દ અને મનોજ ખંડેરિયા (શેર સંકલન – ભાગ ૧)

આજે માણીએ ‘અમારે તો શબ્દો જ કંકુ ને ચોખા’ જેવા અમર શબ્દો ગુજરાતી કવિતાને આપનાર કવિ-ગઝલકાર શ્રી મનોજ ખંડેરિયાના થોડા શેરનું સંકલન.. કવિએ કવિના શબ્દને અલગ અલગ ગઝલોમાં જે રીતે પેશ કર્યો છે એની એક નાનકડી ઝલક…

રસમ અહીંની જુદી, નિયમ સાવ નોખા
અમારે તો શબ્દો જ કંકુ ને ચોખા

*

અહીં તો સૂવાનું રહ્યું ભીષ્મ માફક
નીચે શબ્દનાં તીક્ષ્ણ ભાલાં અને હું
*

શ્વાસમાં થોડો ઘણો સૂનકાર દે
જન્મ શબ્દોનો થવા આધાર દે
*
મને સદભાગ્ય કે શબ્દો મળ્યા તારે નગર જાવા
ચરણ લઈ દોડવા બેસું તો વરસોનાં વરસ લાગે

*

શબ્દો સાંકળ ખખડાવે છે કૈં વરસોથી
લે કામ જરા પળ જેવું છે, દરવાજો ખોલ
*

સપનાં નહીં જ હોય અને ક્ષણ નહીં જ હોય
આ શબ્દની પછી તો કશું પણ નહીં જ હોય
*

જતું કોણ હળવેથી કાગળ ઉપરથી
અહીં રહી જતી એના પગની જ રેણુ

નહીંતર મને આમ વ્યાકુળ ન રાખે
હશે શબ્દનું પણ ગયા ભવનું લેણું
*

શ્રી સવા બારણે લખ્યા કર તું
શબ્દથી બીજુ શું સવાયું છે

*

ગીતની પંક્તિનો પ્રવાસી છું
જુગજૂની જીવતી ઉદાસી છું

તું ઋતુ જોઈ જોઈ મ્હોરે છે
શબ્દની હું તો બારમાસી છું
*

બરડ શુષ્ક શબ્દોના અવકાશમાં નિત
લીલોછમ મૃદુ તારો સંભળાય ટહુકો

*

શબ્દો ખુશ્બૂ અસલી જાણે
ડોલર ફૂલની ઢગલી જાણે

કોણ ગયું કાગળના રસ્તે
અક્ષર – રહી ગઈ પગલી જાણે
*

અહીં આપણે આપણા શબ્દ ગાવા
જમાનો તો બીજું ય માગ્યા કરે છે

*

શબ્દની સરહદ સુધી પ્હોંચાય ક્યાં
આ જગત ક્યારેય ક્યાં નાનું હતું.
*

કપાય કે ન બળે, ના ભીનો વા થાય જૂનો,
કવિનો શબ્દ છે, એ શબ્દનો કોઇ વિકલ્પ નથી.

*

શબ્દની ફૂંક્યા કરું છું હું ચલમ
લોક સહુ માને છે ગંજેરી મને
*

આ સીધી વાટ છોડીને ચાલ્યો જવાનો સાવ
શબ્દો સપાટ છોડીને ચાલ્યો જવાનો સાવ

*

લાખ ગજ ટૂંકા પડ્યા જે માપવા –
અંતરો એક શબ્દથી માપી દીધાં

– મનોજ ખંડેરિયા

જરાય દોસ્તો ખબર નથી કે – મનોજ ખંડેરીયા

આજે સાંભળીએ મનોજ ખંડેરીયાની એક ખૂબ જ સુંદર ગઝલ, એટલા જ મઝાના સ્વર-સ્વરાંનક સાથે..

અને હા, અમદાવાદીઓને મનોજ ખંડેરીયાની ગઝલો – અમરભાઇના સ્વરમાં રૂબરૂ સાંભળવાનો એક વધુ લ્હાવો મળશે – માર્ચ ૧૩, ૨૦૧૦ ના દિવસે. વધુ માહિતી માટે અહીં ક્લિક કરોઃ

કાવ્ય સંગીત શ્રેણી – મનોજ ખંડેરિયા (૧૩ માર્ચ, ૨૦૧૦ – અમદાવાદ)

(Photo : મનોજ ખંડેરિયા)

સ્વર સંગીત – અમર ભટ્ટ
આલ્બમ – શબ્દનો સ્વરાભિષેક

.

Live recording of અમર ભટ્ટ @ GS Samanvay 2007

.

જરાય દોસ્તો ખબર નથી કે, અમોને શાની સજા મળી છે,
કશુંય તહોમત નથીજ માથે, વગર ગુનાની સજા મળી છે…..

વિનમ્ર થઈ ને કદાપિય્રે કે કરી ના ફરીયાદો જીંદગીમાં,
રહી રહી ને ખબર પડી કે, ન બોલવાની સજા મળી છે…..

ઘણીય વેળા ઉભા રહ્યા તો, અશક્ત માની હટાવી દીધા,
ઘણીય વેળા સમયથી આગળ વધુ થવાની સજા મળી છે…..

અમારા ઘરમાં અમારા અવસર ઉપર નીમંત્ર્યા બધાને કિંતૂ,
હવે અમારી સભાથી અમને વહી જવાની સજા મળી છે…..

– મનોજ ખંડેરીયા

આપણી જુદાઈ – મનોજ ખંડેરિયા

થોડા વખત પહેલા ટહુકો પર પેલું એકદમ સ્પેશ્યલ ગીત – દે તાલ્લી… દે તાલ્લી… સાંભળેલું, એ યાદ છે ને? એજ આલ્બમ – ‘દે તાલ્લી’ માં સ્વરબધ્ધ એક બીજું ગીત આજે સાંભળીએ.. અને એ પણ એક મઝાના ખબર સાથે..!!

‘સાંસ્કૃતિક અભિવાદન ટ્રસ્ટ’ તરફથી ૨૦૦૯નો સંગીતક્ષેત્રનો એવોર્ડ શ્રી રાજેન્દ્રભાઇને મળી રહ્યો છે. આપણા સર્વે તરફથી એમને ખૂબ ખૂબ અભિનંદન..!! અને હા, મુંબઇગરાને એમના તરફથી ખાસ આમંત્રણ છે આ એવોર્ડ સમારંભમાં હાજરી આપવા..!! એવોર્ડની સાથે એમનો તથા ઇંદિરા નીકે અને શાહબુદ્દિન રાઠોડનો કાર્યક્રમ પણ છે..! (જેમને બીજા ક્ષેત્રોમાં એવોર્ડ મળી રહ્યા છે..!)

સ્થળ – સમય – તારીખ : 13th February – Bhavans, Chowpatty at 5.30 p.m
(The entry is absolutely free and without passes)

ગાયક / સંગીતકાર – રાજેન્દ્ર ઝવેરી
કવિ – મનોજ ખંડેરિયા

.

આપણી જુદાઈનું આ ભામ્મરિયું વ્હેણ
મને કોણ જાણે ક્યાંય જશે તાણી

ચંપાની ડાળ જેવું અહીંયાં નિત લીલુંછમ
ઝૂલવા છતાં ન કૂલ ઊગ્યું
ઝંખ્યાનો કેવડો તો કૉળ્યો ના કોઈ દિ’
ના એકેય વ્રત મારું પૂગ્યું
સુસવાતા દિવસોએ કાગળના જેવી આ
જાતને ક્યાં આજ મૂકી આણી

જળથી ભીનાશ બધી અળગી થઈ જાય
અહીં ચૈતરના તાપ પડ્યા એવા
અહલ્યાની જેમ મારી ઇચ્છા તો પથ્થર
આ જીવતરના શાપ કોને કે’વા
એકલી કદંબ હેઠ બેઠેલી સૂનંમૂન
ધેનુની આંખનું હું પાણી

ભૂલી જા – મનોજ ખંડેરિયા

દૂખ ભૂલી જા દિવાલ ભૂલી જા
થઈ જશે તૂં યે ન્યાલ ભૂલી જા

જીવ કર મા ધમાલ ભૂલી જા
એનો ક્યાંછે નિકાલ ભૂલી જા

જો સુખી થવું જવું હોય તારે
તો જે થતાં સવાલ ભૂલી જા

મૌન રહી મિત્રતાનુ ગૌરવ કર
કોણે ચાલી હતી ચાલ ભૂલી જા

રાખ મા યાદ ઘા કર્યો કોણે
ને તું બન્યો કોની ઢાલ ભૂલી જા

એ નથી પંહોચવાની એને ત્યાં
તેં લખી તી ટપાલ ભૂલી જા

ઘેર જઈ ધોઈ નાખ પહેરણ તું
કોણે છાંટ્યો ગુલાલ ભૂલી જા

રાસ તારે નિરખવો હોય ખરો
હાથ સળગ્યો કે મશાલ ભૂલી જા

બે લખી ગઝલ મોથ શું મારી
એ તારી ક્યાં કમાલ ભૂલી જા

– મનોજ ખંડેરિયા

ચાલ્યો જવાનો સાવ – મનોજ ખંડેરિયા

૨૭મી ઓક્ટોબર – વ્હાલા કવિ-ગઝલકાર શ્રી મનોજ ખંડેરિયાની પુણ્યતિથિ. ૬ વર્ષ પહેલા અચાનક જ આપણી વચ્ચેથી એમણે ભલે વિદાય લીધી એમ કહેવાય – પણ મનોજ ખંડેરિયા આમ જુઓ તો ક્યાંય નથી ગયા…

અને હા, આજે ૩૧ ઓક્ટોબર – સરદાર જયંતિ..!! એમને આપણા સંપૂર્ણ ટહુકો પરિવાર તરફથી હ્રદયપૂર્વક શ્રધ્ધાંજલી.

* * * * *

આ સીધી વાટ છોડીને ચાલ્યો જવાનો સાવ
શબ્દો સપાટ છોડીને ચાલ્યો જવાનો સાવ

આ ચાકડેથી ઘટને ઉતારી વિખેરીને
માટી અઘાટ છોડીને ચાલ્યો જવાનો સાવ

જાણું છું મારી માલમત્તા માંહ્ય છે છતાં
ખુલ્લો કબાટ છોડીને ચાલ્યો જવાનો સાવ

ખાલી કડાંનો કાળો કિચુડાટ રહી જશે
હિંડોળા-ખાટ છોડીને ચાલ્યો જવાનો સાવ

મનગમતી અહીંની ધૂળમાં ચાદર રજોટી મેં
એ મેલી-દાટ છોડીને ચાલ્યો જવાનો સાવ

તું છેતરી લે તોલમાં, પણ ભાવ બે ન રાખ
નહીંતર હું હાટ છોડીને ચાલ્યો જવાનો સાવ

સમૃધ્ધિ આ અખંડ દીવાની તને દઇ
ઘર ઝળહળાટ છોડીને ચાલ્યો જવાનો સાવ

મનોજ પર્વ ૦૪ : પીછું

જુલાઇ ૨૦૦૯ માં આપણે કવિ શ્રી મનોજ ખંડેરિયાની કલમને માણવા – ઉજવવા, એક અઠવાડિયા સુધી મનોજ પર્વ મનાવેલો, એ યાદ છે ને?

ત્યારે પસ્તુત મનોજ ખંડેરિયાની આ પીછું ગઝલ – આજે સ્વરકાર અનંત વ્યાસના સ્વર-સંગીત સાથે ફરીથી એકવાર… અને મને ખાત્રી છે કે નવા સ્વર-સંગીતની સાથે સાથે તમને પહેલા પ્રસ્તુત કવિ શ્રી રમેશ પારેખના સ્વરમાં આ ગઝલ વિષેની વાતો – તેમ જ ચીનુ મોદીના સ્વરમાં આ ગઝલનું પઠન – ફરીથી સાંભળવું પણ એટલું જ ગમશે..!!

( પીછું…. Photo : Flickr.com)

* * * * * * *

.

Posted on July 9, 2009

ગઇકાલે જે ‘વરસોના વરસ લાગે‘ ગઝલની વાત કરી, એ મનોજ ખંડેરિયાની એક ગઝલકાર તરીકેની સિધ્ધીની વાત હતી..! આજે પ્રસ્તુત ગઝલ એટલે મનોજ ખંડેરિયાનું એ સિધ્ધી તરફ ગયેલું પહેલું પગલું.

સૌપ્રથમ સાંભળીયે કે કવિ રમેશ પારેખ આ ગઝલ વિષે શું કહે છે..!

.

અને હવે સાંભળીયે આ ગઝલનું પઠન કવિ શ્રી ચિનુ મોદીના સ્વરમાં.. અને સાથે એમણે કવિ શ્રી મનોજ ખંડેરિયા વિષે, એમની ગઝલ વિષે કરેલી થોડી વાતો..!

.

ગગન સાથ લઇ ઊતરે એ ફરકતું
વિહગ-પાંખથી જે ખરી જાય પીછું

ફરકતું પડે ત્યારે ભૂરી હવામાં
ઝીણાં શિલ્પ કૈં કોતરી જાય પીછું

હજી એમાં કલશોર ગૂંજે વિહગનો
સૂનું આંગણું આ ભરી જાય પીછું

હ્રદયમાં વસ્યાં પંખીઓ બ્હાર આવે
કદી આંખમાં જો તરી જાય પીછું

ગગનના અકળ શૂન્યમાં જઇ ડૂબે, જે
વિહગને ખર્યું સાંભરી જાય પીછું.

– મનોજ ખંડેરિયા

સાથે માણીએ કવિ શ્રી સુરેશ દલાલે કરેલો આ ગઝલનો આસ્વાદ…

મનોજની આ નજમ ઊંડાણનો અને અભિવ્યક્તિની છટાનો અને એને આધુનિકતાનો પણ, આધુનિકતાના કોલાહલ વિના પરિચય આપે છે. પંખીની પાંખમાંથી પીછું ખરે છે ત્યારે એ પીછાંના અવતરણમાં આખું આકાશ ઊતરી આવે છે. પંખી ઊડે છે ત્યારે એનો નાતો આકાશ સાથે છે અને આકાશમાં ઊડતા પંખીનું પીછું ખરે ત્યારે એની સાથે આખું ગગન સરતું એવું લાગે. અંશની સાથે અખિલ હંમેશા સંકળાયેલું હોય છે.

શાયરે અહીં હવાને રંગ આપ્યો છે. ‘ભૂરી હવા’ કહી છે. પીછું ઊતરે છે ત્યારે આ પીંછુ હવામાં ઝીંણા શિલ્પો કોતરે છે. હવા પણ દેખાતી નથી શિલ્પો પણ દેખાતાં નથી. શિલ્પ મૂર્ત હોય છે, હવા અદ્રશ્ય હોય છે. અદ્રશ્યનું આ દ્રશ્ય છે, કવિની કલ્પનાની આંખે જોયેલું.

સૂના આંગણામાં પીછું છે; પણ આંગણાને સભર કરવાની એની શક્તિ છે. એક પીછામાં જો શિલ્પ દેખાય છે, તો એમાં પંખીનો કલશોર પણ સંભળાય છે. એટલું જ નહીં, પણ પીછું કે પીછાની સ્મૃતિ જો આંખમાં તરે તો હ્રદયમાં વસેલાં કેટલાય પંખીઓ બહાર ધસી આવે છે.

પીંછુ તો ખરી જાય છે પણ પંખીને જો ખરી ગયેલા પીછાની સ્મૃતિ થાય તો? એ પંખી જઇ જઇને ક્યાં ડૂબે? એક જ સ્થાન છે; ગગનના અકળ શૂન્યમાં..!

– સુરેશ દલાલ

મનોજ પર્વ ૦૭ : તળેટી સુધી ચાલ ગઝલ – રાજેન્દ્ર શુક્લ

આજે એક અઠવાડિયાથી ટહુકો પર ઉજવાઇ રહેલા ‘મનોજ પર્વ’ નો છેલ્લો દિવસ..! મનોજભાઇની કેટલીય એવી ગઝલો છે કે જે મનોજ પર્વમાં સમાવી લેવાની ઇચ્છા હતી..! અને ભવિષ્યમાં ટહુકો પર એમની ગઝલો આવતી જ રહેશે. મનોજ ખંડેરિયાના શબ્દો ઉજવવા માટે એક અઠવાડિયું તો શું, એક મહિનો પણ ઓછો જ પડવાનો..!

અને મનોજભાઇ એમના પોતાના શબ્દોમાં જ કહે છે ને –

મારો અભાવ મોરની માફક ટહુકશે
ઘેરાશે વાદળો અને હું સાંભરી જઇશ.

એમ જ્યાં જ્યાં ગુજરાતી ગઝલની.. જુનાગઢની.. ગિરનારની અને ગુલમ્હોરની વાતો થશે, ત્યાં ત્યાં મનોજભાઇ સાંભરી જ જશે..!! દેખાઇ ના દેખાઇ, ત્યાં મનોજ હશે જ.

આજ ની આ ગઝલ એટલે મનોજ ખંડેરિયાના તરુણાવસ્થાથી મિત્ર, સમકાલીન સર્જક અને જુનાગઢના ભેરુ એવા રાજેન્દ્ર શુક્લ દ્વારા અપાયેલી સ્મરણાંજલી. આ ગઝલને અમર ભટ્ટે એમના ચુંબકીય અવાજમાં દિલભીનું કરી દે એવી ભાવવાહી રીતે ગાઈ છે.

સ્વર – સંગીત : અમર ભટ્ટ

.

ગુલમ્હોર તળે મૌન ટહૂકંત રોજ રોજ હશે,
દેખાય, ન દેખાય ભલે બાજુમાં મનોજ હશે.

માહૌલ હશે, મ્હેક હશે, ભીનું ભીનું ઓજ હશે,
દેખાય, ન દેખાય ભલે બાજુમાં મનોજ હશે.

ઘેરાય ઉપરકોટ ને ફરતી સ્મરણની ફોજ હશે,
દેખાય, ન દેખાય ભલે બાજુમાં મનોજ હશે.

ગિરનાર ચડ્યે પાંખને પીંછા શો આછો બોજ હશે,
દેખાય, ન દેખાય ભલે બાજુમાં મનોજ હશે.

કરતાલ ને કરતાલ વિષે જબ અલખની ખોજ હશે,
દેખાય, ન દેખાય ભલે બાજુમાં મનોજ હશે.

તળેટી સુધી ચાલ ગઝલ, ત્યાં પ્રભાતી મોજ હશે,
દેખાય, ન દેખાય ભલે બાજુમાં મનોજ હશે.

– રાજેન્દ્ર શુક્લ (18 જાન્યુઆરી, 2004)