Category Archives: આલબમ

ઝૂલો ઝૂલો લાલ, માતા યશોદા ઝુલાવે

ટહુકો ફાઉન્ડેશનના કાર્યક્રમ સુર શબ્દની પાંખેમાં મીશા આચાર્યના સ્વરમાં સાંભળો.

આલબમ : હાલરડાં
સ્વર : લાલિત્ય મુન્શા

.

સંપૂર્ણ આલ્બમ:

ઝૂલો ઝૂલો લાલ,માતા યશોદા ઝુલાવે
ઝૂલો ઝૂલો લાલ,માતા યશોદા ઝુલાવે
ઝૂલો ઝૂલો લાલ,મારા વારી વારી જાઉં રે
ઝૂલો ઝૂલો લાલ,માતા યશોદા ઝુલાવે

સુરજ ચંદ્રની સાથે રમે
મારો ઘેલો કુંવર કાન રે
હૈયા કેરે હીંચકે ઝુલાવું
વારી વારી જાઉં રે

સોના કેરા પારણીયાની
શોભા તો તું છે
રેશમની દોરીએ ઝુલાવું
તમને કુંવર કાન રે

ભલો મારો નંદકુંવર
એનું જગમાં થાશે નામ રે
હું હૈયાથી એવું ચાહું
કરશે મોટાં કામ રે .

ઝૂલો ઝૂલો લાલ,માતા યશોદા ઝુલાવે

કોણ વરસાદનું કદ જુએ છે? – રમેશ પારેખ

સ્વર : ઓસમાન મીર
આલબમ : સંગત

.

કોણ વરસાદનું કદ જુએ છે? કોણ છાંટાના નિરખે ઠઠારા?
કોણ જુએ છે રેલાની દાનત? કોણ જાણે છે ઝીણા મૂંઝારા?

આ તે ચોમાસું છે કે જુલમ છે? અમને વાગે છે ઘોંઘાટ વસમો,
પડતો વરસાદ દાંડીની પેઠે, થઈ જતા સર્વ માણસ નગારાં!

એક વરસાદના અર્થ થાતાં છાપરે છાપરે સાવ નોખા,
ક્યાંક કહેવાય એને અડપલાં , ક્યાંક કહેવાય એને તિખારા.

હોત એવી ખબર કે છે આ તો માત્ર છાંટા, નથી કોઈ નાણું,
તો તો વરસાદથી આવી રીતે વ્યર્થ ભરીએ શું કરવા પટારા?

આવે છાંટા બુકાનીઓ બાંધી, આવે વાછટ તલવાર લઈને,
છે કયો દલ્લો મારી કને કે ધાડ પાડ્યા કરે છે લૂંટારા?

મારી રોકડ મૂડીમાં તો કેવળ એક ‘ર’ છે, ને ‘મે’ છે, ને ‘શ’ છે,
બાકી વરસાદના નામે લખીએ આમ હૂંડી, ને કરીએ ગુજારા
– રમેશ પારેખ

હરિએ દઈ દીધો હરિવટો -રમેશ પારેખ

સ્વર: હરિશ્ચંદ્ર જોશી
આલ્બમ: સંગત
સ્વરાંકન: શ્રી હરિશ્ચંદ્ર જોશી

.

હરિએ દઈ દીધો હરિવટો…
ક્યાં દેખું એ સુંદર મુખ, ક્યાં સનકારો ગળચટો ?

આઘે આછા હરિરથ ઝળકે તેને તાકું કેવા !
પ્રાણ હોય તો તોડું આ તો હરિપણાંનાં હેવા;
નહીં સૂરતની, નહીં મૂરતની, આંસુની રમઝટો…..

મીરાં કે પ્રભુ અણસમજુનાં ક્યાં છે એવાં ગજાં ?
કરી મને પાંપણથી ચપટી વગાડવાની સજા;
દરિયાએ પોતાના જળને એમ કહ્યું કે ‘ઘટો !’
હરિએ દઈ દીધો હરિવટો…
-રમેશ પારેખ

મારા રુદિયામાં આવ્યા હરિ – રમેશ પારેખ

સ્વર: ઐશ્વર્યા મજમુદાર
આલ્બમ: સંગત
સ્વરાંકન: શ્રી હરિશ્ચંદ્ર જોશી

.

મારા રુદિયામાં આવ્યા હરિ
મારી સુરતામાં કૂણીકૂણી પીંછી ફરી

ઘડી હું ફૂંક ને હું જ બંસરી,
ઘડી ડું જ હરિવર નકરી;
મને ખબર્યું ન પડતી ખરી

પળ પળમાં હરિવરની વાંચી,
હું ચબરખી ઉકેલાઉ સાચી;
હરિ સોંસરવી હું સંચરી …

-રમેશ પારેખ

જડી, જડી, હું જડી હરિને – રમેશ પારેખ

સ્વર: ઐશ્વર્યા મજમુદાર
સ્વરાંકાન : સુરેશ જોશી
આલ્બમ: સંગત

.

જડી, જડી, હું જડી હરિને માઝમ રાતે જડી,
મંદિર માથે ધજા ચડે એમ હું ય ઢોલિયે ચડી!

ચૂમું મારાં ભાયગને કે ચૂમું હરિને, સૈ!
ખરી પડેલી ડાળ હું પાછી ઝાડે વળગી ગૈ,
કેમ કરી ઓળંગું, પરવત શી અવઢવની ઘડી!

ખાલીખમ કૂવામાં આપોઆપ પ્રગટિયાં અમી,
હરિ જેટલા ગમ્યા એટલી મુને, મૂઈ! હું ગમી!
મુંને આંબવા મુજ સોંસરવી હરિ કાઢતા હડી…

-રમેશ પારેખ

હોડીબાઇ નીસર્યા -રમેશ પારેખ 

સ્વર: હરિશ્ચંદ્ર જોશી ,ગાર્ગી વોરા
આલ્બમ: સંગત
સ્વરાંકન: શ્રી હરિશ્ચંદ્ર જોશી

.

જળના ભરોસે હોડીબાઇ નીસર્યા
છાંયડા ક્યાંક રે ડહોળા ને ક્યાંક નીતર્યા .

ક્યાંક ઠેસ રે વાગે છે પોચા આભની,
ક્યાંક વાગે પોચો પોચાયેલ પહાડ;
ક્યાંક વાગે રે રેતીનાં તળ છીછરાં.

એનો તાતો રે તાણેલ શઢ તો પાંદડું,
એમાં જળના ભરોસા હીલ્લોળાય; 
એ તો વાયરા તોખારી પીને ફરફર્યા.

હોડીબાઇ જળમાં બંધાણાં કાચા તાંતણે,
જળની જાળવત્તા જાળવતાં જાય;
હોડીબાઇ જળમાં જીવ્યાં ને જળમાં સંચર્યા.

એને જળનો થાકોડો, જળનો આશરો,
એને જળના ઘરેણાં, જળની ટેવ ;
હોડીબાઇ જળનાં જડબાંને સાવ વિસર્યા.
-રમેશ પારેખ 

હરજી, જેવી તારી મરજી -રમેશ પારેખ 

સ્વર: જ્હાન્વી શ્રીમાંકર
આલ્બમ: સંગત

.

હરજી, જેવી તારી મરજી!
દે સાંધણ કે દે તુટામણ,
દે ચપટી કે દે મહેરામણ ;
તું મનમાની કર, જી !

ના પાણીનું એક ટીપું એ અમ-થી વિંધ્યું જાય,
તે તો હિરકનો ભૂકો કરવાનું કીધું, હાય !
તે મારી આંગળીઓ જળની મૂઠી ભરવા સરજી!

મીરાં કે પ્રભુ, અદીઠ રહીને આમ ન મારો બાણ,
દરશન દ્યો તો મોરપીંછના છાંયે છાંડુ પ્રાણ;
મીરાં કે જો, તારા પગમાં પડી મીરાંની અરજી! 
– રમેશ પારેખ 

રે’શું અમે ય ગુમાનમાં – રમેશ પારેખ

સ્વર: રેખા ત્રિવેદી
આલ્બમ: સંગત

.

સ્વર:અમર ભટ્ટ
આલ્બમ:હરીને સંગે

.

રે’શું અમે ય ગુમાનમાં
હરિ સંગ નહીં બોલીએ

ખોલીશું બારણાં ને લેશું ઓવારણાં,
આવકારા દેશું સાનમાં;
હરિ સંગ નહીં બોલીએ

આસનિયા ઢાળશું ને ચરણોમાં પખાળશું,
આંખ્યું ઉલાળશું તોફાનમાં;
હરિ સંગ નહીં બોલીએ

લાપસિયું ચોળશું ને વીંઝણલા ઢોળશું,
મુખવાસા દેશું પાનમાં;
હરિ સંગ નહીં બોલીએ

મીરાં કે અંતમાં, આ ભરવસંતમાં,
જીવતર દઈ દેશું દાનમાં;
હરિ સંગ નહીં બોલીએ

– રમેશ પારેખ

દોડિયાં રે અમે દોડિયાં – રમેશ પારેખ

આલબમ : સંગત
સ્વર : ગાર્ગી વોરા

.

દોડિયાં રે અમે દોડિયાં
વા’લા નદિયું બનીને અમે દોડિયાં..

બે કાંઠા કરતાલ, અમારાં જળબિંદુ મંજીરાં,
એક લહર એકતારો છે ને એક લહર છે મીરાં;
છોડિયાં રે અમે છોડિયાં
પથ્થરના રહેવાસ અમે છોડિયાં..

મીરાં કે પ્રભુ નામ તમારું એ જ અમારો ઢાળ,
જળ ને કેમ પકડશે બોલો, રાણાજીની જાળ?
ફોડિયા રે અમે ફોડિયા
પરપોટા કર્યા ને અમે ફોડિયા

– રમેશ પારેખ

‘સંગત’ આલબમ

સંગત આલબમ 6 ભાગમાં વહેંચાયેલો છે અને હવે ધીમે ધીમે એના બધાજ ગીતો સ્વરાંકન સાથે તમે ટહુકો ઉપર માણી શકશો.

પ્રસ્તાવના :વિનોદ જોશી
ભાગ 1 – એક લહર છે મીરાં

.

ભાગ 2 – મિરપીંછનાં શુકન

.

ભાગ 3 – પ્રેમરસ પાને તું

.

ભાગ 4 – મારગ મૌન સુધી

.

ભાગ 5 – તારી યાદની મોસમ

.

ભાગ 6 – ચૂપ ચૂપ ચાહ રહી

.